ભારતીય મૂળની સુનિતા બેવાર અંતરીક્ષયાત્રા કરી ચૂકી છે. હાલ તેમની વય ૪૭ વર્ષની છે. અમેરિકાનાં એ સ્પેસ શટલ ‘એટલાન્ટિસ’ અને ‘ડિસ્કવરી’માં ઉડ્ડયન કરવાની તેમને તક મળી ચૂકી છે. અંતરીક્ષમાં રહેલા રશિયન સ્પેસ વેહિકલ સોયુઝમાં પણ કેટલોક સમય ગાળ્યો છે. તે કહે છે : “હું નાની હતી ત્યારે મેં કદીયે કલ્પના કરી નહોતી કે, એક દિવસ હું અંતરીક્ષયાત્રી બનીશ. શરૂઆતમાં ઘણી બધી નિષ્ફળતાઓ બાદ મને સફળતા મળી છે.”

સુનિતા વિલિયમ્સ એક અંતરીક્ષ પરી છે

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫માં અમેરિકાના ઓહાયો પ્રાંતમાં જન્મેલી સુનિતાના પિતા ગુજરાતી છે અને માતા સ્લોવેનિયાનાં છે. અંતરીક્ષયાત્રા વખતે તેઓ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદ લઈ ગઈ હતી. અંતરીક્ષમાં સૌથી વધુ સમય વીતાવવાનો રેકોર્ડ ધરાવતી સુનિતા ભારતીય બાળકોની અંતરીક્ષ વિજ્ઞાનમાં રુચિ જોઈને પ્રભાવિત છે. તેઓ કહે છે : “ભારતનાં બાળકો અને યુવાનો પ્રતિભાનો ખજાનો છે. તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો ભવિષ્યમાં તેઓ બ્લેક હોલનું રહસ્ય ઉજાગર કરી શકશે.”

અંતરીક્ષમાં કુલ સાત વખત યાત્રા કરનાર સુનિતાએ આજ સુધીમાં કુલ ૫૦ કલાક અને ૪૦ મિનિટનું સ્પેસ વોક પણ કર્યું છે. તે કહે છે : “શરૂઆતમાં અંતરીક્ષમાં જતા પહેલાં હું નર્વસ હતી, પણ હવે ફરી એકવાર તક મળે તો હું અંતરીક્ષમાં જવા માગું છું. અંતરીક્ષયાત્રા અત્યંત જોખમી છે, પણ અંતરીક્ષની ખોજ ચાલુ જ રહેવી જોઈએ. મને ભારતના અને અમેરિકાના સ્માર્ટ બાળકોને જોઈને ઇર્ષા થાય છે. હું ૨૦ વર્ષ પાછળ જઈ ફરી યુવાન બની જવા માગું છું જેથી હું મારી કારકિર્દી ફરી શરૂ કરી શકું. મને લાગે છે કે નવી પેઢી નવા પડકારો ઝીલી લેવા તૈયાર છે.”

તે કહે છે : “હું જ્યારે નાની હતી ત્યારે એક વેટરનરી ડોક્ટર બનવા માગતી હતી, પરંતુ હું વેટરનરી ડોક્ટર ના બની તેનું કારણ મારે કઈ કોલેજમાં જવું તે હતું. વેટરનરીની એક કોલેજ ન્યૂયોર્કમાં હતી જેનાથી હું બહુ જ ડરી ગઈ હતી. હું બોસ્ટનમાં રહું છું. બોસ્ટન અને ન્યૂયોર્ક વચ્ચે એક પ્રકારની સ્પર્ધા-દુશ્મનાવટ છે. તેથી હું નેવલ એકેડેમીમાં ગઈ અને મેં સબમરીનમાં- જહાજમાં રહેવાનો અનુભવ લીધો. નેવીમાં હું હેલિકોપ્ટરની પાઈલટ બની. તે પછી મને લાગ્યું કે જો હું હેલિકોપ્ટર ઉડાડી શકું છું તો અંતરીક્ષયાન કેમ નહીં… અને આજે હું આપની સામે છું.”

કેટલાક અનુભવોનું વર્ણન કરતાં સુનિતા કહે છે : “છેલ્લી અંતરીક્ષયાત્રાનું ઉડ્ડયન શરૂ કરતાં પહેલાં ખ્રિસ્તી ધર્મગુરુ-પાદરીઓએ અંતરીક્ષયાત્રીઓની ટીમ પર પવિત્ર જળનો છંટકાવ કર્યો હતો. અંતરીક્ષમાં ગયા બાદ સ્નાન કરવાનું હોતું નથી તેથી પૃથ્વી પર જ છેલ્લું સ્નાન કરી લેવાનું હોય છે. અંતરીક્ષમાં પહોંચ્યા બાદના અનુભવો રોમાંચક હોય છે. તમારે વજનવિહીન દશામાં અંતરીક્ષ યાનમાં માછલીની જેમ હવામાં તરવાનું હોય છે. વાંદરાની જેમ કૂદકા મારવાના હોય છે. તમે પૃથ્વીથી ૨૫૦ માઈલ ઉપર જાવ એટલે આપણી પૃથ્વી ગોળ અને અત્યંત સુંદર લાગે છે. પ્રેક્ષણીય લાગે છે. પૃથ્વી પરના સમુદ્રો નીલા-ભૂરા લાગે છે. અંતરીક્ષમાં ગયા બાદ વિવિધ રાષ્ટ્રોના કોઈ રાજકીય સીમાડા દેખાતા નથી. બ્રહ્માંડની વિશાળતામાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી એમ લાગે છે. અંતરીક્ષયાત્રા વખતે ૨૪ કલાકમાં ૧૬ સૂર્યોદય અને ૧૬ સૂર્યાસ્ત જોવા મળે છે. મને અંતરીક્ષમાં કદીયે કંટાળો આવ્યો નથી.”

તે કહે છે : “હું અધ્યાત્મવાદી વ્યક્તિ છું. હું અંતરીક્ષમાં હોઉં ત્યારે બીચ પર રોજ મારા ડોગ સાથે ફરવા જવાનું મિસ કરું છું. મારા હસબન્ડ મને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધી અંતરીક્ષયાત્રીઓ પુરુષોથી અને ગોરાઓથી પ્રભાવિત હતી, પરંતુ તમને તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. તમે કોઈ ટીમમાં જોડાઓ છો ત્યારે તમે તેમનાથી અલગ દેખાવ છો. માટે ટીમથી અલગ થવાનો પ્રયાસ ના કરો. તમને જે તક મળી છે તેની તરફ અને તમે જે છો તે તરફ જ ધ્યાન કેન્દ્રિત કરો.”

રશિયાના કઝાકીસ્તાન ખાતે આવેલા બિકાનૌર કોસ્મોડ્રોમથી ઊડતા પહેલાં અંતરીક્ષયાત્રીઓ કેટલીક વિધિઓ કરતાં હોય છે. દા.ત. અંતરીક્ષયાત્રીઓ અંતરીક્ષયાત્રા શરૂ કરતાં પહેલાં તેમના રૂમ્સનાં બારણાંની પાછળના ભાગે કેટલાક સંદેશાઓ લખી ચોંટાડતા હોય છે. સ્પેસ સેન્ટરની બહાર વૃક્ષો વાવે છે અને પાદરીઓ અંતરીક્ષયાત્રીઓ પર પવિત્ર જળ છાંટે છે.

સુનિતા કહે છે : અંતરીક્ષમાં ઘણી નાની નાની ઉલ્કાઓ ઊડતી હોય છે. તેનાથી બચવા એવી સૂક્ષ્મ ઉલ્કાઓનું પણ ટ્રેકિંગ કરવું પડે છે. કેટલીક ઉલ્કાઓ કલાકના ૧૭,૦૦૦ માઈલની ઝડપે ઊડતી હોય છે. તે સ્પેસ સ્ટેશન સાથે અથડાય તો ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જેથી વારેવારે સ્પેસ સ્ટેશનનો એંગલ બદલતા રહેવું પડે છે. અંતરીક્ષયાત્રીઓ જે સ્પેસ સૂટ પહેરે છે તે પણ ૧૭ લેયર્સનો હોય છે. અંતરીક્ષમાં ગયા બાદ મગજમાં રહેલા પ્રવાહીમાં પણ ઘણાં ફેરફાર થઈ જાય છે. એ જ રીતે પૃથ્વી પર હોઈએ ત્યારે શરીરનું પ્રવાહી ચુંબકીય શક્તિના લીધે નીચે જાય છે, પરંતુ અંતરીક્ષમાં ચુંબકીય શક્તિ ના હોવાના કારણે શરીરની અંદરનું પ્રવાહી શરીરના ઉપરના ભાગમાં જાય છે, પરિણામે ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે અને આપણે યુવાન થઈ ગયા હોઈએ એમ લાગે છે. તે પછી પૃથ્વી પર આવીએ છીએ ત્યારે ગ્રેવિટીના કારણે શરીરની અંદરનું પ્રવાહી નીચેના ભાગમાં જતું રહે છે અને ફરી કરચલીઓ દેખાય છે.

તે કહે છે : “હવે ચંદ્ર પર પણ એક સ્પેસ સ્ટેશન ઊભું કરવું જોઈએ. ચંદ્ર પર અંતરીક્ષ સ્ટેશન સ્થપાશે તો બ્રહ્માંડનાં ઘણાં રહસ્યો ઉકેલવામાં તે મદદરૂપ સાબિત થશે. એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં આપણા યુવાનો મંગળ ગ્રહ પર પણ પગ મૂકવા સમર્થ બનશે.”

‘નાસા’ના નિયમો મુજબ સુનિતા વિલિયમ્સ કુદરતી માતૃત્વ ધારણ કરીને માતા બની શકે નહીં. અને કોઈ બાળકને પણ દત્તક લઈ શકે નહીં. હવે સુનિતાનું માતૃત્વનું સ્વપ્ન પૂરું કરવા માટે સુનિતાની બહેન કોઈ બાળક દત્તક લઈ શકે કે કેમ તે શક્યતાની તપાસ થઈ રહી છે. નાસાની રૂલબુક અત્યંત કડક છે. એક ગ્લોબલ બિઝનેસ ગ્રૂપ સુનિતા વિલિયમ્સને ગુજરાતમાં જમીન ભેટ આપવા માગતું હતું, પણ સુનિતાએ ઇનકાર કરી દીધો. એક ઉદ્યોગજૂથ સુનિતાને રૂ. ૨૫ લાખના બેંગલ્સ ભેટ આપવા માગતું હતું, પણ સુનિતાએ નાસાના નિયમ પ્રમાણે તેનો પણ ઇનકાર કરી દીધો.

‘નાસા’માંથી નિવૃત્ત થયા બાદ સુનિતા વિજ્ઞાન શિક્ષિકા બનવા માગે છે.

એ સુખદ્ આશ્ચર્યની વાત છે કે, દેશની અને ખાસ કરીને ગુજરાતની નવી પેઢીનાં બાળકો રાજકારણીઓને નહીં, પણ સુનિતા વિલિયમ્સને પોતાનો આદર્શ-રોલ મોડેલ માને છે.

– દેવેન્દ્ર પટેલ