દેશના સહુથી વધુ ગરીબ એક મુખ્યમંત્રી કોણ છે?તાજેતરમાં ચૂંટાયેલા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર પાસે નથી પોતાનું ઘર કે નથી પોતાની કાર

ગાંધીજીને યાદ કરવાથી ઘણાંને ખોટું લાગે છે. ગાંધીજીની સાદગીની વાત લોકોને તો ઠીક પણ દેશના કેટલાંક નેતાઓને ગમતી નથી. સત્ય બોલવું તે ગાંધીજીનો પ્રથમ સિદ્ધાંત હતો. આજે બોલીને ફરી જવું અને જુઠું બોલવું તે નેતાઓનો પર્યાય છે. અહિંસા ગાંધીજીને પ્રિય હતી. આજે અહિંસાની વાત કોઈ નેતાઓ કરતા નથી. ચોરી ના કરવી તે ગાંધીજીનો ત્રીજો સિદ્ધાંત હતો. આજે રાજકારણીઓ રાજ્યોની જ તિજોરી બેશરમ બનીને લૂંટી રહ્યા છે.

પણ હા, બધા જ નેતાઓ એવા નથી. સુક્કા ભઠ્ઠ રણમાં ક્યાંક મીઠી વીરડી પણ છે. વસ્ત્ર પરિધાનને લાગે છે ત્યાં સુધી મમતા બેનરજી, શીલા દિક્ષીત, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અહેમદ પટેલ, એલ.કે. અડવાણી, સુષ્મા સ્વરાજ, દિનશા પટેલ, નીતિશકુમાર, સોમનાથ ચેટર્જી, એ.બી.બર્ધન, એ.કે. એન્ટની, ડો. કમલા બેનીવાલ આજે પણ સાદાં વસ્ત્રો જ પહેરે છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ કુશાભાઉ ઠાકરે તેમના વસ્ત્રો જાતે જ ધોઈ નાખતા હતાં. જો કે હવે સમયની સાથે લોકોનો અને નેતાઓનો ટ્રેન્ડ પણ બદલાયો છે. લોકોને પણ હવે સ્માર્ટ અને ડિઝાઈનર વસ્ત્રોવાળા નેતાઓ ગમે છે. આ શ્રેણીમાં નરેન્દ્ર મોદી, રાજીવ પ્રતાપ રૂડી અને જયલલિથા વગેરે આવે છે. નરેન્દ્ર મોદી તેમના સુંદર વસ્ત્ર પરિધાન માટે લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેમનો અડધી બાંયનો ઝભ્ભો હવે એક ફેશન બની ગયો છે.

માણિક સરકાર

આ બધાથી અલગ પડી જતાં એક રાજકારણીની સાચુકલી સાદગી અને ગરીબાઈ જોઈ સ્તબ્ધ થઈ જવાય તેમ છે. એમનું નામ માણિક સરકાર છે. ત્રિપુરામાં તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં પાંચમી વાર ડાબેરી મોરચાની સરકાર બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ દસકાના શાસન બાદ લોકોએ જેમને ઘરભેગા કરી દીધા હતા તેવા ડાબેરીઓને ત્રિપુરામાં ૬૦માંથી ૫૦ બેઠકો મળી છે. આ ભવ્ય વિજયની પાછળ અંગત જીવનમાં સાધારણ પણ જાહેર જીવનમાં અસાધારણ એવા એક રાજનેતાનો હાથ છે. એમનું નામ માણિક સરકાર છે. તેઓ વ્યક્તિગત રીતે સાત વખત વિધાનસભાની ચૂંટણી જીતી ગયા છે અને ચોથીવાર ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારની બાબતમાં એટલું જ કહી શકાય કે, તેઓ દેશના સહુથી ગરીબ મુખ્યમંત્રી છે. પાછલી ચૂંટણીઓ વખતે તેમણે કરેલા સોગંદનામામાં રૂ.૧૦,૮૦૦ની રકમ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે પોતાનું ઘર નથી. કોઈ મકાન નથી. કોઈ જમીન પણ નથી. કોઈ મોટરકાર પણ નથી. મુખ્યમંત્રી હોવાના નાતે તેમને જે કાંઈ વેતન મળે છે તે વેતન તેઓ તેમની પાર્ટીને આપી દે છે. તેમની પાર્ટી તેમને મહિને રૂ.૫૦૦૦ નું વેતન આપે છે. ઘરનું ખર્ચ તેમનાં પત્ની ૫૦૦૦ રૂપિયાના ભથ્થામાંથી જ ચલાવે છે.

ગુજરાતના નેતાઓ

 આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાતો કોર્પોરેટ રાતોરાત લાખો, કરોડોનો માલિક બની જાય છે ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી સાદગી અને સાર્વજનિક જીવનની એક મિસાલ છે. આવા નેતાઓ આજે જાહેરજીવનમાં દીવો લઈને શોધવા પડે તેમ છે. ગાંધીજીએ તેમની પાસે જ કાંઈ હતું તે દેશને અર્પણ કરી દીધું હતું. સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ.૩૯૦ હતું. હા,ગુજરાતમાં પણ આવા થોડાક નેતાઓ હતા. સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઢેબરભાઈ મુખ્યમંત્રી હોવા છતાં બે ઓરડાના મકાનમાં રહેતા હતા. તેમના ઓરડાની બહાર એક બાથરૂમ હતો પણ અંદર નળ નહોતો તેથી ડોલ ઊંચકીને અંદર લઈ જવી પડતી હતી. બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી પણ ઈસ્ત્રી વગરનો જ ઝભ્ભો અને ધોતિયું પહેરતા હતા. તેમણે કોઈ બંગલા કે મિલકતો વસાવી નહોતી. સરદાર સાહેબના પુત્રી અમદાવાદમાં પ્રિતમનગરના ઢાળ પાસે બે રૂમના સાદા મકાનમાં રહેતાં હતાં અને ઓટોરિક્ષામાં જ ફરતા હતાં. ગુજરાતના પૂર્વ ઉદ્યોગપ્રધાન ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર પાસે ચાર જોડી વસ્ત્રો અને રહેવાના ઘર સિવાય કોઈ માલમિલકત નહોતી. મહાગુજરાતના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિાક ભદ્ર પાસે એક મેડા પર આવેલી માત્ર એક પંખાવાળી ઓફિસમાં જ રહેતા હતા. ગાડી તો ઠીક પણ તેમની પાસે સાઈકલ પણ નહોતી. બ્રહ્મકુમાર ભટ્ટ ગુજરાત વીજળી બોર્ડના ચેરમેન હતા. પરંતુ ચેરમેન તરીકે નિવૃત્ત થયા બાદ બીજા જ દિવસથી તેમના લેમ્બ્રેટા સ્કૂટર પર બેસી કોર્ટમાં વકીલાત કરવા જતા હતા. દિનશા પટેલ ગુજરાતમાં અગાઉ બાંધકામ મંત્રી હતા અને આજે તેઓ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે પરંતુ પહેલા ધારાસભ્ય તરીકે મળતું અને હવે સંસદસભ્ય તરીકે મળતું તમામ વેતન તેઓ ગરીબો, દર્દીઓ, અને અનાથો માટે કામ કરતાં તેમનાં જાહેર ટ્રસ્ટોમાં આપી દે છે. દેશ આઝાદ થયો ત્યારે સાદગી અને વ્યક્તિગત ઈમાનદારી પર જબરદસ્ત વજન મૂકવામાં આવતું હતું. સમયના વેતન સાથે ગાંધીજીનો પ્રભાવ ઘટતો રહ્યો છે. આજે નેતાઓ પાસે કરોડો- અબજોનું બેંક બેલેન્સ છે. મોટા મોટા બંગલાઓ છ, વિપુલ પ્રમાણમાં બીજી મિલકતો છે. વિદેશની બેંકોમાં ખાતા છે મોટી મોટી લકઝરી મોટરકારો છે. છેલ્લું બજેટ રજૂ કરતી વખતે ભારતના નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું હતું : ”દેશમાં માત્ર ૪૨,૮૦૦ લોકો જ છે જેઓ રૂ. એક કરોડથી વધુ વાર્ષિક આવક દર્શાવાતું રિટર્ન ભરે છે. તપાસ તો એ કરવી જોઈએ કે આ ૪૨,૮૦૦માંથી કેટલા રાજનેતાઓ છે ? સાચી વાત એ છે કે આ ૪૨,૮૦૦ની યાદીમાં એક પણ રાજનેતા નહીં હોય, કારણ કે રાજકારણીઓ પાસે ઉદ્યોગપતિઓ કરતાં સહુથી વધુ કાળું નાણું છે.

ટ્રેનમાં જતા મંત્રી

આ બદલાવ માત્ર ભારતમાં જ નહીં પણ ચીન જેવા સામ્યવાદી દેશમાં પણ જોવા મળે છે. ચીનના નેતાઓ સમ્રાટની જેમ રહે છે. રશિયાના નેતાઓ પણ એ ભવ્ય ક્રેમલીનમાં રહે છે જ્યાં એક જમાનામાં જાર શાસકો રહેતા હતા. એની સાથે યુરોપમાં કેટલાક શાહી પરિવારના લોકો સાઈકલ પર ઓફિસમાં જાય છે. બ્રિટનમાં કેટલાયે મંત્રીઓ પ્રધાનો અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં બેસી ઓફિસે જાય છે. તેની સામે ભારતના નેતાઓની તેમની ગાડીની આગળ પાછળ ચીસો પાડતી સાઈરન વાળી ગાડીઓ જોવા મળે છે. ગાડી પર લાલબત્તીના વધી રહેલા કલ્ચર પર હવે તો ભારતની સુપ્રીમ કોર્ટે પણ લાલ આંખ કરી છે. મુખ્યમંત્રીઓ રેગ્યુલર વિમાનોના બદલે પ્રાઈવેટ પ્લેનમાં જ મુસાફરી કરે છે. વી.વી. આઈપીઓ માટે ૬૦૦-૩૦૦ કરોડનાં હેલિકોપ્ટર્સ છે, પછી તેમની પાર્ટીનું નામ ભલે સમાજવાદી પાર્ટી હોય કે પછી ભલે તેઓ દલિત સમાજનું પ્રતિનિધિ કરતાં હોય. તેઓ જેમનું પ્રતિનિધિત્વ કરે છે તેમની હાલતની તેમને ચિંતા જ નથી. હા, એમ ચોક્કસ કહી શકાય કે દેશના મોટાભાગના સામ્યવાદી નેતાઓ હજુ સામાન્ય માનવી જેવું જીવન જીવે છે. તે સિવાય આજે માયાવતી અને જયલલીથાની માલમિલકતો એક પરાકાષ્ટા છે તો તેની સામે માત્ર રૂ. ૧૦ હજારનું બેંક બેલેન્સ ધરાવતા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર બીજી પરાકાષ્ટા છે.

ફાઈવસ્ટાર કલ્ચર

એ સુવિદિત છે કે, પ્રમોદ મહાજને ભાજપા જેવી વિચારધારા આધારિત પાર્ટીને ફાઈવસ્ટાર કલ્ચરમાં ફેરવી નાંખી હતી. તે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સંસ્કારને નેવે મૂકી દઈ ભાજપના નેતાઓ પણ એ કલ્ચરમાં આવી ગયા. પોષાક પણ બદલાઈ ગયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એવા નીતિન ગડકરીને પ્રમુખ બનાવ્યા જેઓ ખુદ રૂ.૪૦૦થી ૫૦૦ કરોડના આસામી છે. એ રકમ અંગત નથી તેવું દર્શાવવા તેમણે ‘સોસિયલ એન્ટરપ્યોનોર’ એવું રૂપકડું નામ આપી દીધું. આ પરિભાષા સામાન્ય લોકોને નહીં સમજાય. કારણ કે ૪૦૦-૫૦૦ કરોડની મિલકતો એમની સામાજિક સંસ્થાઓના બેનર હેઠળનાં ઉદ્યોગોના નામે છે. હવે ધનદોલત સાથે વહેતી ગંગામાં બધાં જ ડૂબકી મારી રહ્યા છે ત્યારે માણિક સરકાર એક અપવાદ છે, જેમની પાસે નથી તો ઘર કે નથી તો મોટરકાર નથી તો બેંક બેલેન્સ કે નથી કોઈ જાયદાદ એમણે બધું જ જાહેર જનતાને અર્પણ કરી દીધું છે. આવું જ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું પણ છે જેમની પાસે પોતાનું કાંઈ જ નથી. મમતા બેનરજીની પ્રકૃતિ માટે ગમે તેટલી ફરિયાદો હોય પરંતુ તેમની સાદગી અને પ્રામાણિક્તા બેમિસાલ છે. ત્રિપુરામાં નકસલોના આતંકવાદની સમસ્યા હોવા છતાં ત્યાંની ૯૩ ટકા પ્રજાએ મતદાન કરી માણિક સરકારને આશીર્વાદ આપી દીધા એ ઘટનાને સમાચાર માધ્યમોએ ઉચિત ન્યાય આપ્યો નથી.