Devendra Patel

Journalist and Author

Date: April 2, 2013

લોહીનાં નિશાન ઘણું કહી દેવાની તાકાત ધરાવે છે

દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના રહસ્યમય ટ્રીપલ મર્ડર કેસનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?

અડધી રાત વીતી ચૂકી હતી.

દિલ્હીની ગ્રેટર કૈલાસ કોલોનીમાં હજી સન્નાટો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની એક જીપ્સી વાન એસ. બ્લોકના એક બંગલા પાસે પહોંચી. ચોકીદારે પોલીસને ઇશારાથી કહ્યું : “સાબ, યહ બંગલેમેં કુછ હુઆ હૈ.”

“બંગલે મૈં કોન રહતા હૈ”

“સહગલ સાબ, ઉનકી મેમસાબ ઔર નૌકર શેરસિંહ રાત કો એક ટેમ્પો યહાં સે ભાગા થા. અંદર સે ચીખને કી આવાજ મૈંને સુનીથી ઇસલિયે પુલીસ કો ફોન કિયા.”

પોલીસ ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં પ્રવેશ્યા. ડ્રોઇંગરૂમની ફર્શ પર લોહીનાં ડાઘ હતા. રૂમની બત્તી પ્રજવલિત કરવામાં આવી. પોલીસને ઠેર-ઠેર લોહીનાં નિશાન જોતાં જ ખ્યાલ આવી ગયો કે કોઇ ગંભીર ઘટના ઘટી ગઇ લાગે છે. ડ્રોઇંગરૂમના બધા જ સોફા ઊલટા પડયા હતા. કાચનું ટેબલ તૂટી ગયું હતું. કોઇ ખૂની ખેલ ખેલાઇ ગયો હોવાનું સ્પષ્ટ લાગતું હતું. બેડરૂમના પલંગ પર પણ લોહીનાં નિશાન હતાં. કબાટનું બારણું ખુલ્લું હતું. અંદરનો સામાન ગૂમ હતો. તિજોરીના લોકને તોડી નાંખવામાં આવ્યું હતું. અંદરનું ઝવેરાત ગાયબ હતું. અલબત્ત, બંગલામાં કોઇ મૃત કે ઘાયલ વ્યક્તિ હતી જ નહીં. પહેલી નજરમાં મામલો લૂંટનો લાગતો હતો. લૂંટારુ અને ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ થયાનું સ્પષ્ટ જણાતું હતું.

થોડીવારમાં ફોરેન્સિક લેબ.ના નિષ્ણાતો આવી પહોંચ્યા. ડો. દેવ અને તેમની ટીમે લોહીનાં નમૂના લીધા. ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવી. બે દિવસ બાદ ફોરેન્સિક લેબ.નો રિપોર્ટ આવી ગયો. પોલીસ પાસે બીજી કોઇ માહિતી હતી જ નહીં. સહગલ દંપતીનો પત્તો પણ નહોતો. ફોરેન્સિક લેબ.ના વડા ડો. દેવે કહ્યું : “ઇન્સ્પેકટર, મારી દૃષ્ટિએ સહગલ દંપતીની હત્યા થઇ ચૂકી છે. હત્યારા એક નહી પણ બે છે. અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.

ઇન્સ્પકેટરે આશ્ચર્ય સાથે પૂછયું : “દેવ સાહેબ, બંગલામાંથી કોઇની લાશ તો મળી નથી. આ કેવી રીતે સંભવ છે? વળી ખૂનીઓ પૈકી એક સ્ત્રી અને એક પુરુષ છે એમ તમે કેવી રીતે કહી શકો?”

“તો શું સહગલ દંપતીની હત્યા તેમના નોકર શેરસિંહે જ કરી?”

“ના. સહગલ દંપતીની સાથે તેમના નોકરની પણ હત્યા થઇ ગઇ છે.”

પોલીસને ફોરેન્સિક લેબ.ના વડાની વાત પર વિશ્વાસ બેસતો નહોતો. છતાં ડો. દેવે દૃઢતાથી કહ્યું : “પુરુષ અને સ્ત્રીના યુગલમાં ગુનાખોરીમાં અગાઉ પકડાયેલા ગુનેગારોની હીસ્ટ્રી તપાસો. તમારી પાસે રેકોર્ડ હશે જ. એમાંથી જ કોઇ ગુનેગાર હશે.”

પોલીસે સ્ત્રી-પુરુષના યુગલમાં ચોરી કરતા ગુનેગારોની યાદી શોધી કાઢી. ત્રણ યુગલોને તેમના ભૂતકાળના રેકોર્ડસના આધારે પકડી લીધાં. પહેલા બે યુગલ મામૂલી ચોર નીકળ્યાં. પરંતુ ત્રીજા યુગલે થર્ડ ડિગ્રીનો અમલ થતાં જ ગુનો કબૂલ કરી લીધો : “હા સાહેબ, અમે જ સહગલ દંપતીની અને તેમના નોકર શેરસિંહની હત્યા કરી છે. અમે લૂંટ કરવા આવ્યા હતા પરંતુ એ લોકો જાગી જતાં એમણે બૂમરાણ મચાવી એટલે અમે ચાકુથી હુમલો કરી એ ત્રણેય જણને મારી નાખ્યાં.”

આ ટ્રીપલ મર્ડર કેસ માત્ર પાંચ દિવસમાં ઉકેલાઇ ગયો.પરંતુ પોલીસ ઇન્સ્પેકટરને મૂંઝવણ એ હતી કે ફોરેન્સિક લેબ.ની ટીમને કોઇપણ વ્યક્તિને કે લાશને જોયા વિના જ કેવી રીતે ખબર પડી કે ત્રણેય વ્યક્તિની હત્યા થઇ છે? તેમની આ દ્વિધાના ઉકેલ માટે ઇન્સ્પેકટર યાદવ બીજા દિવસે ફોરેન્સિક લેબ. પહોંચ્યા. તેમણે લેબ.ના વડા ડો. દેવને પૂછયું : “સાહેબ, તમે કેવી રીતે નક્કી કરી નાખ્યું કે ત્રણની હત્યા થઇ છે, અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.”

ડો. દેવે સ્પષ્ટતા કરતા કહ્યું : “ઇન્સ્પેકટર, સહગલ દંપતીના બંગલામાંથી લોહીનાં નિશાન હતાં તે બધા જ અલગ-અલગ સ્થળે હતા. તે બધાના જ અમે અલગ અલગ નમૂના લીધા હતા. લોહીનાં નમૂનાની જ્યારે અમે તપાસ કરીએ છીએ ત્યારે અમને ખબર પડી જાય છે કે લોહીના એ નિશાન કોઈ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના. વળી અમને એ પણ ખબર પડી જાય છે કે એ લોહી શિરાનં છે કે ધમનીનું. એજ રીતે અમને એ પણ ખબર પડી જાય છે કે લોહી કોઇ બાળકનું છે કે વયસ્કનું. એટલું જ નહીં એ લોહી કોઇ પુરુષનું છે કે સ્ત્રીનું એક પણ અમે નક્કી કરી શકીએ છીએ.”

“કેવી રીતે?”

“ઘટના સ્થળ પરથી લોહીનાં ડાઘના નમૂના લેતાં પહેલાં અમે તેની તસવીરો લઇએ છીએ જેથી ખબર પડે કે લોહીનાં ડાઘ ક્યાં ક્યાં હતા. લોહીનાં ડાઘ લાકડી, કપડાં, માટી કે કોઇ સામાન પર પડયાં હોય તો તે બધું જ અમે પ્રયોગશાળામાં લઇ આવીએ છીએ. વિશ્વમાં માનવીના લોહીને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યું છે. એ, બી, એબી અને ઓ. લોહીના નમૂનાઓનું રાસાયણિક પૃથક્કરણ કરવાથી ખબર પડી જાય છે કે તે કયા ગ્રૂપનું છે. સહગલ દંપતીના ઘરમાંથી મળેલાં લોહીના નમૂનાઓ પરથી અમોએ શોધી કાઢયું કે સહગલ દંપતિ અને તેમના નોકર ઉપરાંત હત્યારાઓના લોહીનાં ડાઘ પણ હતા.

“પરંતુ એ કેવી રીતે ખબર પડી કે કયો ડાઘ સહગલ દંપતીનો છે અને કયો નોકરનો? અને કયો ડાઘ હત્યારાનો? એક ગ્રૂપ લાખો લોકોનું હોય છે. વળી સંયોગથી સહગલ પતિ-પત્નીનું પણ એકજ ગ્રૂપ હોઇ શકે છે.”

ડો. દેવે કહ્યું : “તમારા સવાલો સાચા છે. માનવ રક્તમાં એ, બી, એબી, અને ઓ ઉપરાંત બીજી પણ કેટલીક રક્ત પ્રણાલીઓ છે. જેને અમે “આરએચ” કહીએ છીએ. તે બે પ્રકારના હોય છે. આરએચ નેગેટિવ અને આર એચ પોઝિટીવ. આ ઉપરાંત જેમાં આરએચ નથી તેને “આરએચટી” કહીએ છીએ. આ રીતે દરેક બ્લડગ્રુપનું આરએચ હોય છે. તેની સાથે પ્રત્યેક વ્યક્તિના લોહીમાં અલગ અલગ પ્રકારના પ્રતિજન અને એન્જાઇમનું હોય છે. જે એક ગ્રુપનું લોહી હોવા છતાં દરેક વ્યક્તિને બીજાથી અલગ કરે છે.”

“પરંતુ હત્યારાઓમાં એક વ્યક્તિ સ્ત્રી અને એક પુરુષ હતો એ કેવી રીતે નક્કી થયું?” : ઇન્સ્પેકેટરે સવાલ કર્યો.

ડો. દેવે સ્પષ્ટતા કરી : “મારી ટીમના સાથીઓએ સહગલ દંપતીના ઘરમાંથી તેમની એક મેડિકલ ફાઇલ શોધી કાઢી હતી. તેમાં સહગલ દંપતીના બ્લડનું ગ્રૂપ લખેલું હતું. તેના મિસ્ટર સહગલનું બ્લડ ગ્રુપ “બી-પ્લસ” હતું અને મિસીસ સહગલનું બ્લડ ગ્રૂપ “એ”હતું. તેમના નોકર શેરસિંહનું બ્લડ ગ્રૂપ “ઓ” હતું. બંગલામાંથી આ ત્રણેયના લોહીનાં નિશાન મળ્યા હતાં. એટલે કે હત્યારાઓએ તેમને ઘાયલ કર્યા હતા. લોહીના આ નમૂના ઉપરાંત ત્યાંથી “ઓ પોઝિટીવ” અને “બી” ગ્રૂપના રક્તના નમૂના પણ મળ્યા. જે આ ત્રણેય પૈકી કોઇનાયે નહોતા. મતલબ સાફ હતો કે ત્રણેય પર હૂમલો કરનાર વ્યક્તિઓ બે હતી, જેમના બ્લડ ગ્રૂપ “ઓ પોઝિટિવ” અને “બી” હતાં. લોહીનાં આ નમૂનાઓના પ્રતિજન અને એન્જાઇમ્સનું વિશ્લેષણ કરતાં તેમની ઉંમર પણ નક્કી કરી દેવાઇ.

“પણ તેમાં એક સ્ત્રી છે તે કેવી રીતે નક્કી થયું?”

ડો. દેવે વાત આગળ ચલાવી : “દરેક પુરુષની કોશિકાઓમાં “એક્સફોર” નામના ક્રોમોસોમ્સ હોય છે. જ્યારે સ્ત્રીઓની કોશિકાઓમાં “એક્સએક્સ” ક્રોમોસોમ્સ હોય છે. આ ક્રોમોસોમ્સ કોશિકાના કેન્દ્રમાં હોય છે અને તે લોહીના શ્વેત કણમાં હોય છે. આ રીતે સહગલ દંપતીના બંગલામાંથી મળેલા બે વધારાના લોહીના ડાઘના “બી” અને “ઓ” પોઝિટિવના નમૂનાઓના શ્વેતકણોની અને બારીકાઇથી તપાસ કરીને તે “બી” ના કેન્દ્રમાં “એકસ એક્સ”ક્રોમોસોન્સ દેખાયાં.જે કોઇ સ્ત્રીનું લોહી હોવાનો નિર્દેશ કરતું હતું. મતલબ કે હત્યારાઓ પૈકી કોઇ એક સ્ત્રી પણ છે. તે સાફ હતું.”

“પરંતુ સહગલ દંપતીના નોકરનું પણ ખૂન થઇ ગયું છે તે કેવી રીતે ખબર પડી?”

ડો. દેવે સ્પષ્ટતા કરતાં કહ્યું : “કારણ કે લોહીનાં એ નમૂનામાં ફાઇબ્રીન નહોતું. કોઇ જીવતી વ્યક્તિના શરીરમાંથી લોહી નીકળે છે ત્યારે તેમાંથી એક એવી પ્રક્રિયાનું નિર્માણ થાય છે જે ફાઇબ્રિન નામની રસાયણનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા લોહીને વહેતું અટકાવવા માટે કુદરતે બક્ષેલી બક્ષિસ છે. પરંતુ કોઇ વ્યક્તિ મૃત્યુ પામી ચૂકી હોય અને તેના મૃતદેહમાંથી લોહી નીકળતું હોય તો ફાઇબ્રિન બનાવવાની પ્રક્રિયા થતી નથી. તેથી તો રક્તમાં ફ્રાઇબ્રિન હોતુ નથી. એથી એ લોહીના નમૂના કોઇ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના છે તે નક્કી થઇ શકે છે. સહગલ દંપતી અને નોકરના લોહીના નમૂના મૃત વ્યક્તિના છે તે પણ નક્કી થઇ શક્યુ. જ્યારે હત્યારાઓ માત્ર ઘાયલ થયા હતા તે પણ ફાઇબ્રિનના ટેસ્ટના આધારે નક્કી થઇ શક્યું.

તેમણે એક વાત વધુ વિસ્તારથી સમજાવી : “લોહીનાં જે નમૂનાઓમાં ફાઇબ્રિન હશે તે નમૂનાઓ ફર્શ પરથી પાપડીની જેવા દેખાશે. જ્યારે ફાઇબ્રિન વગરનું લોહી ચૂર્ણ જેવું બની જતું હોય છે. સહગલ દંપતીના ઘરમાં નોકરના લોહીના નમૂના પાપડી જેવા મળી આવ્યા હતા જ્યારે હત્યારાઓના રક્તના નમૂના ચૂર્ણ જેવા મળી આવ્યા હતા. આ રીતે અમે નક્કી કરી શક્યા કે ઘરમાં રહેનાર ત્રણેય વ્યક્તિની હત્યા થઇ ચૂકી છે. અને પોલીસને ગુમરાહ કરવા માટે જ હત્યારા સ્ત્રી-પુરુષે ત્રણેયની લાશ ટેમ્પોમાં નાખી ક્યાંક ફેંકી દીધી હતી.

પોલીસ ઇન્સ્પેકટરની તમામ દ્વિધાઓનો ઉકેલ આવી ગયો. એક અવાવરુ કૂવાઓમાં ફેંકી દેવાયેલી ત્રણેયની લાશનો કબજો લઇ લેવાયો.

દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના આ ટ્રીપલ મર્ડર કેસનું રહસ્ય ફોરેન્સિક લેબ.ની ટીમે રેકોર્ડ સમયમાં ખોલી દીધું.

અપરાધ વિજ્ઞાનની કળાનો આ એક કલાસિક કિસ્સો છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ઓટિઝમ – કેન્સર અને એઈડ્સ કરતાં પણ વધુ પ્રમાણમાં બાળકોમાં વકરતો નવો ખતરનાક રોગ

બીજી એપ્રિલે ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ છે. વિશ્વમાં આ નવો વકરતો જતો રોગ છે. આ બીમારી બાળકોને થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં કેન્સર કે એઈડ્સથી પીડાતાં બાળકો કરતાં ઓટિઝમના રોગથી પીડાતાં બાળકોની સંખ્યા વધુ છે. ઘણાં બધાને તો ઓટિઝમ શું છે તેની ખબર જ નથી. ભારતમાં અને વિશ્વમાં ઓટિઝમથી પીડાતાં બાળકોની સંખ્યા લાખ્ખોમાં છે. સમગ્ર વિશ્વમાં ૬૭ મિલિયન બાળકોને આ રોગ છે. જેમાંના ૮૦ લાખ બાળકો ભારતમાં છે.

આ રોગ અંગે વિશ્વભરમાં હવે જાગૃતિ આવી રહી છે. લોકોમાં આ રોગ વિષે જાણકારી વધે તે માટે તા.બીજી એપ્રિલના દિવસે ન્યૂયોર્ક ટાવર, લંડન બ્રીજ, દુબઈનું બુર્જ ખલીફા ટાવર, ઓસ્ટ્રેલિયાનું ઓપેરા ટાવર અને મલેશિયાના ટ્વિન ટાવરને બ્લૂ લાઈટથી પ્રકાશિત કરવામાં આવે છે.

કેટલીક વાર મા-બાપ ફરિયાદ કરતાં હોય છે. ડોક્ટર સાહેબ, મારું બાળક બે વર્ષનું થયું. બોલતું નથી. પોતાની દુનિયામાં છે,ઘરમાં બીજાં ત્રણ બાળકો ને પાડોશમાં બીજાં ચાર એમ કરીને સાત બાળકો છે, આ સાતેય બાળકોમાંથી કોઈની જોડે રમતો નથી. સાતમાંનાં બાળકો રમતાં હોય તો તેને જોતો પણ નથી ને એકલો એકલો કોઈ એક જ એક્ટિવિટી કર્યા કરે છે. નામથી બોલાવીએ તો સામું પણ જોતો નથી ને સતત હાથ હલાવ્યા કરે છે ને ચિચિયારીઓ પાડે છે. આ શબ્દો આંધ્રપ્રદેશના સુપર સ્પેશિયાલિસ્ટ સર્જ્યન ડોક્ટરના છે.

વર્ષોથી ઓટિઝમ પર કામ કરતા અમદાવાદના હોમિયોપથી નિષ્ણાત ડો. કેતન પટેલ કહે છે કે “ઓટિઝમ તે નાનાં બાળકોમાં જોવા મળતી ન્યૂરોલોજીને લગતી બીમારી છે. ઓટિઝમને ગુજરાતીમાં ‘સ્વલીનતા’ કહે છે. આ રોગથી પીડાતા બાળકને ‘ઓટિસ્ટિક ચાઈલ્ડ’ કહે છે.

જ્યારે તબીબી ભાષામાં આ રોગ ઓટિઝમ સ્પેક્ટ્રીમ ડિસઓર્ડરના નામે ઓળખાય છે. વિશ્વમાં દર એક હજાર બાળકે એક બાળક ઓટિઝમથી પીડાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ છે.

ઓટિઝમ બીમારી શું છે?

ઓટિઝમ ૨ થી ૨.૫ વર્ષનાં બાળકોમાં જોવા મળતી જ્ઞાનતંતુ, પાચનતંત્ર ને અંતઃસ્રાવી ગ્રંથિને અસર કરતી આ બીમારી બાળકને સ્વલીન રાખે છે. આ બીમારીથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ કહે છે અને આ બીમારીને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય છે. વિશ્વમાં દરેક ૬ બાળકે ૧ બાળક આ ઓટિઝમ નામની બીમારીનો ભોગ બને છે, આમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં પાંચ ગણી જોવા મળી છે.

ઓટિઝમનાં લક્ષણો

બાળક દોઢથી બે વર્ષની ઉંમર સુધી બોલતું ન હોય. નજરથી નજર મિલાવવાનું તેમજ આંખથી સીધા સંપર્કમાં આવી શકતાં નથી. પોતાની ઉંમરનાં બાળકો સાથે ભળીને રમવા કરતાં એકલા રમવાનું પસંદ કરે છે.

કોઈ પણ એક પ્રકારની સ્થિતિમાં કલાકો સુધી બેસી રહે છે. જેમ કે, રમકડાંની ગાડીથી રમવું, બોલને કલાકો સુધી પોતાની પાસે રાખવો. સતત બાથરૂમમાં જઈ નળ ખોલી નાખવો.હાથને હલાવ્યા કરવા. હોર્ન, કૂકરની સીટી કે ફટાકડાના અવાજથી ડરીને પોતાના હાથ કાન પર મૂકી દે. માતાની કે અન્ય કોઈ વસ્તુ પાછળ અવાજ સાંભળી છુપાવવાનો પ્રયાસ કરે.હાયર એક્ટિવ હોય ત્યારે કૂદકો મારે, કારણ વગર હસ્યા કરે. પોતાને જ માર્યા કરે, પોતાના હાથને કે બીજાને દાંત મારીને બટકું ભરે.

ઓટિઝમ થવાનાં કારણો

આ બીમારી માટે કોઈ એક કારણ જવાબદાર નથી, વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ દરમિયાન આ પ્રકારનાં કારણો હોવાનું જણાવ્યું છે.

ગર્ભાવસ્થા દરમિયાન : માતા દ્વારા અજાણતા ગર્ભને હાનિકારક દવાનું સેવન, માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપ,ગર્ભાશયમાં ટોર્ચ નામનું ઇન્ફેક્શન, હાઇપોથાઇરોડિઝમ તથા માનસિક તણાવ, આઘાત, પ્રસૂતિ દરમિયાન બાળકને ઓક્સિજનનો અભાવ, જન્મ્યા પછી બાળકનું થોડી સેકન્ડો બાદ રડવું, ખેંચ આવવી.

બાળકના જન્મ બાદ : દવાની આડઅસર, ખેંચ આવવી, મોટાભાગના બાળકમાં એમએમઆર વેક્સિનેશન પછી બાળકમાં ઓટિઝમનાં લક્ષણો આવવાનું ચાલુ થયેલ જાણવા મળે છે.

જિનેટિકની ખામીથી ઓટિઝમ થતું હોવાનું કહે છે પણ તેમાં કોઈ ખાસ જનીન જાણવા મળ્યું નથી. બાળકના મગજમાં સેરોટોનીન તેમજ અન્ય ન્યુરો ટ્રાન્સમીટરમાં ખામી જણાય છે.

એન્વાયર્નમેન્ટલ પોલ્યુશનને પણ આ રોગના એપિડેમિક માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. ૨૦૧૩ની સાલમાં દર ૬૦ બાળકે ૧ બાળક ઓટિઝમ ધરાવે છે. આ સંખ્યા દુનિયાભરમાં જન્મતા ડાયાબિટીસ, કેન્સર, એચઆઈવીની સંખ્યાના સરવાળા કરતાં વધારે છે.

ઓટિઝમની સારવાર

ડો. કેતન પટેલના મંતવ્ય અનુસાર એલોપથીમાં કોઈ સારવાર આ બીમારી માટે છે નહીં, બાળકોની હાઇપર એક્ટિવિટી કાબૂમાં રાખવા એકમાત્ર દવા રેસ્પીડોન વાપરવામાં આવે છે. ઓટિઝમમાં સૌથી વધારે દુનિયાભરમાં વપરાતી ટ્રીટમેન્ટમાં હોમિયોપથી સારવાર છે. હોમિયોપથી દવા, ખોરાકમાં નિયંત્રણ, કસરત જો આ ત્રણ નિયમોનું ડોક્ટરની સૂચના અનુસાર પાલન કરવામાં આવે તો ઓટિઝમવાળું પાંચ વર્ષ સુધીનું બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે.

ઓટિઝમવાળા બાળકમાં ફંગસ હોવાથી તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આવા બાળકને ઘઉં ને તેની બનાવટ જેવી કે રવો, મેંદો ને તેમાંથી બનતી વસ્તુ જેવી કે રોટલી, બિસ્કિટ, ઉપમા, બ્રેડ તેમજ બેકરીની વસ્તુ બંધ કરવી, દૂધ ને દૂધની બનાવટ જેવી કે દહીં, છાસ, માખણ, ચીઝ ને ઘી બંધ કરવાથી અને શરીરમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવાના સમયમાં વધારો જોવા મળ્યો છે ને હાઇપર એક્ટિવિટી ઘટાડી શકાય છે. ચોકલેટ, પેપ્સી, કોક ને મેકડોનાલ્ડ, કેએફસીનાં જંકફૂડ પેકેટ આ બીમારીની તીવ્રતામાં વધારો કરવામાં જવાબદાર છે. તો તે આવા બાળકને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.

સ્વિમિંગ (તરણ) સાયકલિંગ, સ્કેટિંગ, દોડવાનું તેમજ અન્ય કસરતોથી ઓટિસ્ટિક બાળકોમાં સુધારો જોવા મળે છે.

એક બાળક ઓટિસ્ટિક હોય ને બીજું ન આવે તે માટે શું કરવું?

  • જિનેટિક કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.
  • ફોલિક એસિડની ગોળી શરૂ કરો.
  • થાઇરોઇડ પ્રોફાઈલ કરાવવો જરૂરી રહે છે. ૪૦ વર્ષ કરતાં વધારે ઉંમર થઈ હોય તો બીજું બાળક લાવવાનું પ્લાનિંગ કરવું જોઈએ નહીં.
  • ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત કસરત કરવી અને પ્રદૂષિત વાતાવરણથી દૂર રહેવું જોઈએ. એલોપથી કરતાં હોમિયોપથી સારવાર વધુ અસરકારક સાબિત થયાનાં વિશ્વમાં પ્રમાણ છે.
www.devendrapatel.in
 

Powered by WordPress & Theme by Anders Norén