એક સમય હતો કે, જ્યારે તમિળનાડુમાં ભાષાના પ્રશ્ને કેટલાક લોકોએ આત્મવિલોપન કર્યું હતું. જાહેરમાં જ સળગી જવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક હોય છે. આત્મવિલોપન કરનાર વ્યક્તિ અસહ્ય પીડા ભોગવે છે. એનું વર્ણન અકલ્પ્ય છે.

પોલીસ અને પ્રજા માટે આત્મવિલોપનનાં
દૃશ્યો એ શું મનોરંજનનો તમાશો હતો ?
તમિળનાડુની એ ઘટનાઓથી એ વખતે સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. કેન્દ્ર સરકાર પણ ધ્રૂજી ગઈ હતી. એવી જ ઘટના હવે ૨૧મી સદીમાં બને અને તે પણ ગુજરાતમાં ત્યારે પ્રજા, પોલીસ અને પ્રશાસને ફરી એકવાર અંતરાત્માને ઢંઢોળીને આત્મનિરીક્ષણ કરવાની જરૃર છે.

શરમજનક ઘટના

રાજકોટના છોટુનગર સોસાયટીના કોમન પ્લોટમાં રહેતાં નેપાળી પરિવારના પાંચ સભ્યોએ દેશના ‘મોડેલ સ્ટેટ’ બનવા માગતા ગુજરાતના રાજકોટ શહેરની મહાનગરપાલિકાની કચેરીના પ્રાંગણમાં જાહેરમાં અગ્નિસ્નાન કર્યું. એ પાંચેય વ્યક્તિઓના મોત નીપજ્યાં. આ ઘટના સમગ્ર ગુજરાતની પ્રજા, તંત્ર, સમાજ અને પોલીસ માટે શરમજનક છે. આ ઘટનાએ ઘણા બધાની પોલ ઉઘાડી નાખી છે. સૌથી પહેલી વાત એ છે કે, રાજકોટની મહાનગરપાલિકાની કચેરી સમક્ષ આ પરિવારના સભ્યો અગ્નિસ્નાન કરવાનાં છે તેની જાણ સત્તાવાળાઓને કરવામાં આવી હતી છતાં તેને રોકવા તંત્રએ કોઈ પ્રયાસ કેમ ના કર્યો ? નેપાળી પરિવારનાં સભ્યો શરીર પર કેરોસીન છાંટી પોતાની જાત પર આગ લગાડી રહ્યા હતા તે વખતે પોલીસ હાજર હતી છતાં પોલીસે તેમને રોકવા કોશિશ કેમ ના કરી ? પાંચ સભ્યો જીવતેજીવ આગમાં હોમાઈ રહ્યાં હતા ત્યારે અનેક લોકો આ દૃશ્યને ચૂપચાપ નિહાળી રહ્યા હતા. તેમણે પણ કોઈને રોકવા પ્રયાસો કેમ ના કર્યા ? આ ઘટના વખતે મીડિયના પ્રતિનિધિઓ પણ કેમેરા સાથે હાજર હતા. તેમણે પણ ‘સ્ટોરી’ મેળવવાની લાલચમાં કોઈને બચાવવાનો પ્રયાસ કેમ ના કર્યો ?

અસંવેદનશીલ સમાજ

લાગે છે કે, સમાજે સંવેદનશીલતા ગુમાવી છે. કેટલાક સમય પહેલાં દિલ્હીમાં એક યુવતી સાથે બસમાં ગેંગરેપ થયો. ગેંગરેપ પછી તે યુવતી અને તેના મિત્રને લોહીલુહાણ કરી નિર્વસ્ત્ર હાલતમાં રાતના અંધારામાં જાહેર રસ્તા પર ફેંકી દેવાયાં. અહીંથી પસાર થતી મોટરકારોના ચાહકો તરફડિયા મારતી એ યુવતી અને યુવકને જોઈ જતા રહેતા હતા. ૫૦ જેટલા લોકોનું ટોળું આ નિર્વસ્ત્ર યુગલની ચીસો માત્ર સાંભળતું જ રહ્યું અને કોઈએ પણ તેમના તન પર એક વસ્ત્ર પણ ઓઢાડયું નહીં. કોઈએ તેમની નજીક જઈ તેમને મદદરૃપ થવા પ્રયાસ કર્યો નહીં. કેટલાક સમય પછી પોલીસની વાન આવી ત્યારે પણ એ યુવતી અને યુવકને ઊંચકીને પોલીસવાનમાં ચડાવવા મદદ કરી નહીં. લોકો માત્ર તમાશો જ જોતાં રહ્યાં. એવો જ તમાશો રાજકોટમાં જ અગ્નિસ્નાનનાં દૃશ્યો જોવા માટે સર્જાયો. શું લોકો અસંવેદનશીલ થઈ ગયા છે ? શું લોકોને આવાં દૃશ્યો નિહાળવાની મજા આવે છે ? શું માનવતા મરી પરવારી છે ? શું સમાજ લાગણીશૂન્ય બની ગયો છે ?

પોલીસ ચૂપ કેમ ?

લોકો તો તેમની નૈતિક ફરજ ચૂક્યા, પરંતુ પોલીસ શું કરતી હતી ? પોલીસનું કામ માત્ર નેતાઓની સુરક્ષા અને નેતાઓને સલામો મારવાનું છે ? અંગ્રેજોના જમાનામાં પોલીસ લોકો પર દંડારાજ ચલાવતી હતી. હવે આખા વિશ્વમાં સરકારો ‘કલ્યાણ રાજ્ય’ તરીકે ઓળખાય છે, પણ ગુજરાતમાં તો એથી વિપરીત જણાય છે. પોલીસનું કામ આંદોલનોને દબાવવાનું, નેતાઓનો કાફલો પસાર થતો હોય ત્યારે નિર્દોષ નાગરિકોને પરેશાન કરવાનું અને સત્તાધીશો માટે ચારે તરફ આડશો મૂકી કિલ્લાબંધી કરવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી. પાંચ વ્યક્તિઓ જાહેરમાં અગ્નિસ્નાન કરતી હોય અને પોલીસ તમાશો નિહાળે એ મોટામાં મોટો અપરાધ છે. આવો અપરાધ કરનારને માફી ના હોઈ શકે. પોલીસને કલ્યાણ રાજ્યની વ્યાખ્યા સમજાવવી જોઈએ. જો પોલીસને અને પ્રશાસનને આવો બનાવ બનવાનો છે તેની અગાઉથી જાણ જ હતી તો તે પછી પણ આ હૃદયદ્રાવક ઘટના ઘટી એ માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમને સખત નશ્યત કરવી જોઈએ. આવી ઘટનાઓના મૂક સાક્ષી બનવા માટે બે-પાંચ પોલીસ કોન્સ્ટેબલોને કે બે કારકુનોને સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. ટોચના અધિકારીઓને પણ જવાબદાર ગણી તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએે. એમ ન થાય તો આવી ઘટનાઓ ગુજરાતમાં વધુ ને વધુ બનશે અને સમગ્ર દેશ સમક્ષ ગુજરાતે શરમાવું પડશે.

ભૂમાફિયા ને રાજકારણીઓ

રાજકોટની જે સોસાયટીમાં આ પરિવારો રહેતાં હતાં તેઓ રાતોરાત એ વિસ્તારમાં રહેવા આવી ગયા નહોતા. ૩૦થી વધુ વર્ષોથી એ પરિવારો રહેતા હતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં જમીનોના ભાવ આસમાને ગયા છે. એ કારણે આ શહેરોમાં અનેક ભૂમાફિયાઓ પેદા થયા છે. એવા ભૂમાફિયાઓને સત્તાધારી પક્ષના નેતાઓની છત્રછાયા છે. આજે ગુજરાતમાં બિલ્ડરો કરતાં રાજકારણીઓ પાસે પ્રાઈમ લેન્ડ્સનો વધુ ને વધુ કબજો છે. કોઈની પાસે ૨૦૦૦ કરોડની જમીનો છે તો કોઈની પાસે ૨૦ હજાર કરોડની જમીનો છે. નેતાઓ અને તેમના સગાંઓ તથા તેમના ડમીઓના નામોની જમીનોની સાચી વિગતો બહાર આવે તો પ્રજા સ્તબ્ધ થઈ જાય તેમ છે. આવા કેટલાક રાજકારણીઓ હવે ગરીબોનાં ઝૂંપડાં અને મકાનો ખાલી કરવાની સોપારી લેતાં હોય છે. આ કામ ભૂતકાળમાં દાઉદ ઇબ્રાહિમ જેવા લોકોના ગેંગસ્ટરો કરતા હતા. રાજકોટના કિસ્સામાં પણ જે લોકોએ આત્મવિલોપન માટે અગ્નિસ્નાન કર્યું તેમના ડાઇંગ ડેક્લેરેશનમાં કેટલાક રાજકારણીઓના નામોનો ઉલ્લેખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો એ સાચું હોય તો એ એક અતિ ગંભીર બાબત છે. આત્મવિલોપનની ઘટના માટે ડાઇંગ ડેક્લેરેશનમાં કોઈનાં નામો અપાયાં હોય તો તેમને પણ જવાબદાર ગણવા જોઈએ.

સસ્તા ઘરનાં સપનાં

એ આશ્ચર્યની વાત છે કે, ચૂંટણીઓ વખતે દરેક રાજકીય પક્ષ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તાં મકાનો આપવાનાં સ્વપ્ન બતાવે છે, પરંતુ સત્તાની પ્રાપ્તિ બાદ ગરીબ લોકોને બેઘર બનાવવાનું કામ પણ પ્રશાસન અને કેટલાક રાજકારણીઓ જ કરે છે. ૨૧મી સદીમાં પણ આઝાદીના આટલાં વર્ષો બાદ આપણા પ્રધાનો મહેલો જેવા મકાનોમાં રહે છે, પણ ગરીબ લોકોને આપણી સરકારો છાપરું પણ આપી શકતી નથી. એથી વધુ કરુણતા બીજી શું હોઈ શકે ? પતરાંવાળું મકાન આપવાની વાત તો બાજુએ રહી, પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જેમની પાસે છાપરું છે તેને પણ ઉખાડીને ફેંકી દેવાનો અને તેમાં રહેલાં ગરીબ પરિવારોને રોડ પર લાવી દેવાનો પ્રયાસ નીંદનીય છે.

ભૂમાફિયાઓ અને રાજકારણીઓ વચ્ચેનું લાયેઝન આશિયાનો ઢૂંઢતા લોકો માટે ડેન્જરસ બનતું જાય છે.