Devendra Patel

Journalist and Author

Date: April 21, 2013

રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યાં : સંદેશના દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી

 

ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ના હસ્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતી ભવનના દરબાર હોલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભ દરમિયાન ‘સંદેશ’ ના વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલ ને સાહિત્ય અને શિક્ષણ શેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો. શનિવારે યોજાયેલા આ સમારંભ માં વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી, કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહીત કેન્દ્રીય મંત્રી મંડળ ના અનેક સભ્યો હાજર રહ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર દેવેન્દ્ર પટેલે પત્રકારત્વ શેત્રે તેમની ૪૫ વર્ષ ની કારકિર્દી દરમિયાન ટૂંકી વાર્તાઓ , નવલકથાઓ સહીત માનવજીવનની અનેક સંવેદનશીલ સત્યકથાઓ લખી છે

 

તિહાડ જેલ આગળ માથું લટકાવતો ખૂની કોણ ?

તિહાડ જેલ આગળ માથું લટકાવતો ખૂની કોણ ?

એ એક ભયાનક માનવી હતો. એણે ૨૦ વ્યક્તિઓને વારાફરતી મિત્રો બનાવ્યા હતા. મિત્ર બનાવીને તેમને તેમની પસંદગીની વાનગીઓ ખવડાવતો અને અચાનક તેમની હત્યા કરી દેતો. ખૂન કરી દીધા બાદ મૃતદેહને એક ગોડાઉનમાં લઈ જઈ તેના અનેક ટુકડા કરતો અને એ ટુકડાઓને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી આવતો. એની પસંદગીનું શહેર દિલ્હી છે અને દિલ્હીમાં જ હત્યા કરી મરેલા માનવીના પગ કોઈવાર શાલીમાર બાગ ખાતે આવેલા બાબા રામદેવના મંદિરના દરવાજે લટકાવી દેતો. મરનાર માનવીનું માથું યમુના નદીમાં તરતું મૂકી દેતો. પેટ નીચેના ટુકડાઓ એક ગુણ- કોથળામાં ભરી કોથળો દિલ્હીની તીસ હજારી કોર્ચ પાસે મૂકી આવતો. જ્યારે બાકીનું ધડ તિહાડ જેલના ગેટ નં:૩ આગળ મૂકી આવતો.

આ તેનો નિત્યક્રમ હતો એટલું જ નહીં પરંતુ આ બધું કર્યા બાદ તે પોતે જ પબ્લિક ટેલિફોન બુથ પર જઈ પોલીસને ફોન કરી હત્યા કરાયેલા માણસનાં અંગો ક્યાં છે તેની જાણ પોલીસને કરતો. પોલીસને તે પડકાર ફેંકતોઃ ”અગર તુમ મુઝે પકડ શકતે હો તો પકડ લો.”

એનો હેતુ ?

તેનું બાળપણ સામાન્ય હતું. ઘરમાં માતા-પિતાના કોઈ ઝઘડા નહોતા. કોઈ સ્ત્રી તરફથી એને દગો થયો નહોતો. એની સેક્યુઅલ લાઈફ પણ નોર્મલ હતી. સામાન્ય રીતે સિરિયલ કિલર્સમાં જે લક્ષણો જોવા મળે છે તેવું એનામાં કાંઈ નહોતું. આમ છતાં એણે વારાફરતી ૨૦ જેટલી વ્યક્તિઓની હત્યા કરી નાંખી હતી.

એ સિરિયલ કિલરનું નામ છેઃ ચંદ્રકાંત ઝા. તે પરિણીત છે. નોર્મલ હસબન્ડ છે. પાંચ દીકરીઓનો પિતા છે. ઘરનાં સભ્યો તેની આ બહારની પ્રવૃત્તિઓ વિશે કાંઈ જાણતાં જ નહોતાં. ચંદ્રકાંત ઝા મૂળ બિહારનો વતની છે. ૪૪ વર્ષની વયે તે કામની તલાશમાં બિહારથી દિલ્હી આવ્યો હતો. શરૂઆતમાં તે અલીપુરમાં રહેતો હતો અને શાકભાજી વેચવાની લારી શરૂ કરી હતી. એ દરમિયાન તે કેટલાક નાના ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો અને ચોરીઓ કરવા લાગ્યો હતો. તે પછી તે બિહાર અને ઝારખંડથી આવતી રિવોલ્વરો અને બંદૂકોનું ગેરકાયદે વેચાણ કરવા લાગ્યો હતો. શસ્ત્રોના ગેરકાયદે વેચાણના કેસમાં એક વાર તેની ધરપકડ પણ થઈ હતી. એનો દાવો છે કે, ”પોલીસે મારી સામે ખોટી રીતે કેસ ઊભો કર્યો હોઈ પોલીસને પાઠ ભણાવવા જ મેં હત્યાઓ શરૂ કરી હતી અને હત્યા કરી નાંખ્યા બાદ માનવ અંગો કોર્ટ અને જેલના દરવાજે મૂકી આવતો હતો. કોર્ટ કે જેલ આગળ ફેંકી દેવાયેલા અંગોના કોથળામાં હું મારી સહી સાથે પોલીસ જોગ કાગળ- નોટ પણ મૂક્તો હતો. જેમાં હું લખતો હતોઃ ” મેં જે ગુનો કર્યો જ નહોતો તે માટે તમે મારી ધરપકડ કરી હતી તો હવે તમારી તાકાત હોય તો મને પકડો.”

ચંદ્રકાંત ઝા પકડાયો કેવી રીતે તે પણ જાણવા જેવું છે. તા. ૨૦મી ઓક્ટોબર ૨૦૦૬ના રોજ કેટલાંક લોકો સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને ફાંસીની સજા મળે તે માટે તિહાડ જેલની બહાર દેખાવો કરી રહ્યા હતા ત્યારે તે જ વખતે ચંદ્રકાંત ઝાએ દિલ્હીના હરીનગર પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારી સુંદરસિંહને ફોન કરી જાણ કરી હતી કે, ”મેં એક વ્યક્તિનું ખૂન કરી તેનું ધડ જેલની બહાર ફેંકી દીધું છે.”

શરૂઆતમાં તો પોલીસે એ ફોનને ગંભીરતાથી લીધો નહીં પરંતુ જેલની આગળ ફેંકી દેવાયેલું માનવ ધડ મળી આવતાં પોલીસ સજાગ થઈ. પોલીસ અધિકારીએ નક્કી કરી નાખ્યું કે આ માણસનો ફરીથી ફોન આવશે જ. ફરી એનો ફોન આવ્યો અને હત્યારાએ ફરી પોલીસને પડકાર ફેંક્યોઃ ”તમારી તાકાત હોય તો મને શોધી કાઢો.”

ફોનમાં ઝાએ કહ્યું: ”આ પહેલાં પણ હું પકડાઈ ચુક્યો છું અને મારું નામ ચંદ્રકાંત ઝા છે”. એ પછી એણે એને પકડનારા પોલીસ અધિકારીઓનાં નામો પણ આપ્યાઃ ચંદ્રકાંત ઝાએ જે નામો આપ્યા હતા તે પોલીસ કોન્સ્ટેબલોને બોલાવી પૂછપરછ કરી તો ખબર પડી કે એ વખતે ચંદ્રકાંત ઝા દિલ્હીના અલીપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો. એની પત્નીએ છેલ્લી બાળકીને જ્યાં જન્મ આપ્યો હતો તે હોસ્પિટલમાં પણ તપાસ કરાવી પણ તેના ઘરનું ચોક્કસ સરનામું ના મળ્યું. પાછળથી એટલી ખબર પડી કે તે ઓટોરિક્ષા ચલાવતો હતો. પોલીસે કેટલાંક પરિચિત ઓટોરિક્ષાવાળાઓની પૂછપરછ કરી તો એક રિક્ષાવાળાએ કહ્યું : ”મારી બાજુમાં જે રિક્ષાવાળો ઊભો છે તે જ ચંદ્રકાંત ઝાની રિક્ષા ભાડે ચલાવે છે.”

પોલીસે એ રિક્ષાવાળાને પક્ડયો. તેની પાસેથી સરનામું લઈ પોલીસ અલીપુરમાં રહેતા ચંદ્રકાંત ઝાના ઘરે ગઈ તો ચંદ્રકાંત ઝા ઘરમાં જ હતો અને બેઠાં બેઠાં હલવો ખાઈ રહ્યો હતો. શરૂઆતમાં તો તેણે ચંદ્રકાંત ઝા હોવાનો ઈનકાર કર્યો પરંતુ પોલીસે તેના ઘરની તલાશી શરૂ કરતાં જ તે ઊભો થઈ ગયો અને બોલી ઊઠયોઃ ”આપ હી ઈન્સ્પેક્ટર સુંદરસિંહ હો ન ! લો આપ જીત ગયે, મેં હારા.”

ચંદ્રકાંત ઝાને પકડી લેવામાં આવ્યો ૨૦૦૨થી ૨૦૦૭ સુધીમાં તેણે ૨૦ લોકોની હત્યા કરી નાખી હતી. એ કેવા લોકોની હત્યા કરતો હતો તે પણ જાણવા જેવું છે. ૨૦ વર્ષની વયનો ઉપેન્દ્ર નામનો યુવાન આઝાદપુરની એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ઉપેન્દ્રને કોઈ કારણસર નોકરીમાંથી કાઢી મુકાતાં તે ચંદ્રકાંત ઝા પાસે મદદ માંગવા ગયો હતો. ચંદ્રકાંત ઝાએ તેને કહ્યું કે, તને બીજી નોકરી ના મળે ત્યાં સુધી તું મારા ઘરમાં રહી શકે છે. પરંતુ ચંદ્રકાંત ઝાએ એક દિવસ ઈયર ફોના મુદ્દે જ ઉપેન્દ્રની હત્યા કરી નાંખી. ઈયર ફોન ઉપેન્દ્રનો હતો. ઉપેન્દ્રએ તે આપવા આનાકાની કરતાં એક દિવસ ચંદ્રકાંત ઝાએ એક અજાણ્યા સ્થળે દારૂની પાર્ટી યોજી ઉપેન્દ્રને ખૂબ દારૂ પીવડાવ્યો તે પછી તેના હાથ પગ, બાંધી દીધા અને નાયલોનની દોરીથી તેનું ગળું રુંધી નાંખ્યું. તે પછી તેના શરીરના અનેક ટુકડા કરી શાલીમાર બાગ પાસેના મંદિરે તેના પગ ફેંકી આવ્યો. લોની બસ સ્ટેન્ડ પાસે તેનું ધડ મૂકી આવ્યો. અને માથું તેના ફેવરિટ સ્થળ તિહાડ જેલ આગળ મૂકી આવ્યો.

ચંદ્રકાંત ઝા સામે કોર્ટમાં ખટલો ચાલ્યો. ત્રણ કેસ સંબંધી ચુકાદો આવી ગયો છે અને ઝાને ત્રણેય કેસમાં ફાંસીની સજા થયેલી છે. તે હાલ તિહાડ જેલમાં છે અને તિહાડ જેલમાં તેણે અફઝલ ગુરુ સાથે મિત્રતા કેળવી હતી.

અફઝલ ગુરુને ફાંસી ફાંસી અપાઈ તે પહેલાં તે બંને જેલના એક જ સેલમાં હતા. અફઝલ ગુરુ ચંદ્રકાંત ઝાને કોર્ટનો કેસ કેવી રીતે હેન્ડલ કરવો તે માટે જરૂરી સલાહ આપતો હતો. આરટીઆઈનો પણ કેવી રીતે ઉપયોગ કરવો તે પણ તે અફઝલ ગુરુ પાસેથી શીખ્યો હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ તે દિવસે ચંદ્રકાંત ઝા એકદમ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. અફઝલ ગુરુની સલાહ બાદ ચંદ્રકાંત ઝાએ દિલ્હી પોલીસ અને કોર્ટના ન્યાયાધીશ સામે પણ ઘણી આરટીઆઈ કરી હતી.

ચંદ્રકાંત ઝા મમતા નામની મહિલા સાથે પરણેલો છે. પાંચ દીકરીઓનો તે પિતા છે. તે બધી જ ૧૫ વર્ષથી નાની છે. ચંદ્રકાંત ઝાથી તેના ધારાશાસ્ત્રી પણ થાકી ગયા છે. હજુ તે કોર્ટમાં જાતજાતની કાયદાશાસ્ત્રની હિન્દીમાં છપાયેલી બુક્સ મંગાવે છે. તેને મળેલી ફાંસીની સજાને પડકારવા તે તૈયારી કરી રહ્યો છે. ચંદ્રકાંત ઝાને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશ કામિની લાઉએ તેમના ચુકાદામાં પોલીસની પણ ટીકા કરતાં લખ્યું છે કે, ” આ પ્રકારનું પોલિસીંગ એક ચંદ્રકાંત ઝાને પેદા કરે છે પરંતુ પોલીસનો લોકો પ્રત્યે આવો જ રવૈયો રહેશે તો બીજા ઘણાં ચંદ્રકાંત ઝા પેદા થશે. સરકારે પણ હવે પોલીસ સુધારણાંના પગલાં લેવાની જરૂર છે. પોલીસે વધુ કાર્યક્ષમ તથા લોકો પ્રત્યે મૈત્રીપૂર્ણ બનવું પડશે.”

સવાલ એ છે કે શું ચંદ્રકાંત ઝાને પોલીસે પહેલીવાર કોઈ ખોટા કારણસર પકડયો હતો ?

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?

ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રશિયા પાકિસ્તાન અને ચીન એક નવી ધરી બનીને ભારતનો ભરડો લઈ રહ્યા છે. તેમાં રશિયા કે ચીનનો વાંક છે કે ભારતની અસંદિગ્ધ વિદેશનીતિનો એ એક ગહન ચિંતન કરવા જેવો વિષય છે. જવાહરલાલ નહેરુના સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું. ચીન આજે પણ અરુણાચલ પર તેનો દાવો કરી રહ્યું છે, પરંતુ ભારતે રશિયા જેવા પરંપરાગત મિત્રો ગુમાવીને અમેરિકાની ચાલમાં ફસાઈ જવાની જે મૂર્ખતા કરી છે તે ભવિષ્યમાં બીજી અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. ચીન એ શક્તિશાળી દેશ છે. વિશ્વનું સહુથી મોટું લશ્કર ધરાવે છે.

ભારત ચીન વચ્ચે પ્રાચીન સંબંધો કેવા હતા?

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને તે પછી વધેલી ગેરસમજોના કારણે ચીને પાકિસ્તાનને મિત્ર બનાવી દીધું. એ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ૧૯૬૨ વખતે ચીનમાં જે નેતાઓ હતા તે આજે નથી. ૧૯૬૨માં ચીનના નેતાઓની જે માનસિકતા હતી તે આજે નથી. હવે ચીનને પણ યુદ્ધ નહીં વેપાર જોઈએ છે. સહેલાણીઓ જોઈએ છે અને ગ્રાહકો પણ જોઈએ છે. ચીન હવે અમેરિકાથી ડરવાના બદલે અમેરિકાને ડરાવે છે. તે પરિપ્રેક્ષ્યમાં ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા તે પર એક નજર નાખી લેવા જેવી છે.

પ્રાચીન સંસ્કૃતિ

અમેરિકા એ નવો દેશ છે તેની પાસે પ્રાચીન સંસ્કૃતિ નથી, ભારત અને ચીન પાસે હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. અમેરિકા ભારતનો પડોશી દેશ નથી. ચીન ભારતનો પડોશી દેશ છે. ભારતમાંથી ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ સહુથી પહેલાં ચીન પહોંચ્યો હતો. ઈસુના મૃત્યુનાં ૬૫ વર્ષ બાદ બે ભારતીય બૌદ્ધ સાધુઓ કશ્યપ માતંગ અને ધર્મરત્ન ચીન ગયા હતા. તેમણે ચીનની પ્રજાને બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ દર્શનથી પરિચિત કરાવ્યા હતા. તેમની સ્મૃતિમાં આજે પણ ચીનના લુયોપાંગ નામના સ્થળે બૌદ્ધ મઠ ઊભો છે. આ મઠ ભારત અને ચીન વચ્ચેના પ્રાચીન સંબંધોના સાક્ષી છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે, એ સમયના કાશ્મીરે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં કાશ્મીરના સંગભૂતિ અને ગૌતમ સંઘદેવા નામના બે કાશ્મીરી વિદ્વાનોને ચોથી સદીમાં ચીન મોકલ્યા હતા. તેમણે ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એ પછી પાંચમી સદીમાં કુમારજીવ નામના ભારતીય વિદ્વાને ચીન જઈ સેંકડો દુર્લભ ગ્રંથોનો અનુવાદ કર્યો અને ઈ.સ. ૪૧૩માં તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ચીનના વિદ્વાનો આવ્યા

સમય જતાં ચીનથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારત આવ્યા. હ્યુ એન સાંગ અને ફાહિયાન જેવા બે ચીની ઇતિહાસકારો પણ ભારતની મુલાકાતે આવ્યા. એ જમાનામાં ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ હતું. ચીનના વિદ્યાર્થીઓ અહીં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં ભારત ચીન વચ્ચે આવું સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહ્યું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં ચીનની યાત્રાએ ગયા અને ચીનથી પાછા આવ્યા બાદ શાંતિનિકેતનમાં ‘ચીન ભવન’નો પાયો નાખ્યો. ચીન પર આધારિત ‘કોટનીસ કી અમર કહાની’ જેવી ફિલ્મો પણ ભારતમાં જ બની. જાપાને ચીન પર આક્રમણ કર્યું તે વખતે ભારતે જાપાન સાથે અસંમતિ દર્શાવી અને ચીનનું સમર્થન કર્યું હતું. એ વખતે ચીનના લશ્કરી કમાન્ડર ચિયાંગ કાઈ શેક ભારત આવ્યા હતા અને પંચશીલની વાતો કરી હતી. એ જ દર્શાવે છે કે કેટલાક કૂટનીતિજ્ઞાના પૂર્વગ્રહ અને કેટલાકની રાજનીતિના કારણે ૧૯૬૨માં જે યુદ્ધ થયું તે શત્રુતાને શાશ્વત સમજવાની જરૂર નથી. એના બદલે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પારંપરિક સંબંધોની દૃષ્ટિએ એક લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે નવી દિલ્હીથી વિકસાવવા જોઈએ.

ચીનના નવા નેતાઓ

માઓત્સે તુંગના સમયનું ચીન આજે નથી. ચાઉ એન લાઈના સમયનું ચીન આજે નથી. એ વાત સાચી છે કે ચીન વિસ્તારવાદી છે. ભારતને તેણે ચારે તરફથી ઘેરેલું છે. ચીનને એ વાતની પણ ખબર છે કે તેને ભય પાકિસ્તાન, બંગલાદેશ કે શ્રીલંકા તરફથી નથી. એને ડર ભારતની વધતી તાકાતનો છે. ચીનના નવા પ્રમુખ શી જિનપિંગે પણ ભારત પ્રત્યે સકારાત્મક વલણ પ્રગટ કર્યું છે. તેમણે ભારતને એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું છે અને બંને દેશો વચ્ચેના સંબંધો સારા રસ્તે લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત-ચીન વચ્ચેની સરહદનો વિવાદ રાતોરાત પતી શકે તેમ નથી. તેથી એ વિવાદથી પ્રભાવિત થયા વગર સરહદો પર શાંતિ જાળવવી આવશ્યક છે. ભારત સાથેના સંબંધો સુધારવા માટે તેમણે પાંચ મુદ્દાની ફોર્મ્યુલા જાહેર કરી છે. બ્રિક્સ(બ્રાઝિલ, રશીયા,ઇન્ડિયા અને ચીન) દેશોના સંમેલન વખતે તેઓ વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યા પણ હતા અને ભારત સાથેના સંબંધો સુધારવાના તેમણે સંકેત પણ આપ્યા હતા.

ચીન ભારત-અઢી અબજ

ભારત અને ચીન એ વિશ્વની મોટામાં મોટી વસ્તીવાળા દેશ છે. બંને દેશની કુલ વસ્તી અઢી અબજ જેટલી થાય છે જે સ્વયં એક જબરદસ્ત તાકાત છે. અમેરિકા વિકસિત દેશ છે જ્યારે ભારત અને ચીન એ વિકાસશીલ દેશો છે. હવે એ સમયની માંગ છે કે વિશ્વના તમામ વિકાસશીલ દેશોએ અમેરિકા જેવા વિકસીત દેશોના પીઠ્ઠું બનવાના બદલે પોતાના અધિકારોની રક્ષા માટે એક મંચ પર આવવું જોઈએ. અંગ્રેજોએ જેમ ભારતમાં ભાગલા પડાવી રાજ કર્યું એ જ કામ આજે અમેરિકા ભારત ચીન અને પાકિસ્તાન વચ્ચે કરી રહ્યું છે.

ભારત હવે એક પુખ્ત દેશ છે. એની વિચારસરણી પણ પુખ્ત થવી જોઈએ. ચીનને કાયમી શત્રુ માનવાની માનસિકતા બદલવાની જરૂર છે. ચીનના નવા પ્રમુખ શી જિનપિંગ એક સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા નેતા છે. અલબત્ત, તેમના વિચારોને તેઓ કેટલું વ્યવહારિક સ્વરૂપ આપી શકશે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. બંને દેશો વચ્ચેથી અવિશ્વાસ અને સંદેહનું વાતાવરણ દૂર થાય તે માટે કૂટનીતિ પર આધારિત સંવાદ જારી રાખવો જોઈએ.બંને દેશો વચ્ચે સહયોગ વધારવાની જરૂર છે. બંને દેશોએ એકબીજાની ચિંતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. બંને દેશો એકબીજા દેશોનાં મૂડીરોકાણ વધારે તથા બંને દેશો વચ્ચે વધુ ને વધુ સાંસ્કૃતિક આદાનપ્રદાન વધે તેવા પ્રયાસો કરવા જોઈએ. દેશની તમામ યુનિવર્સિટીઓમાં ચીની ભાષા શીખવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ચીન ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં ચીની ભાષા શીખવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અમેરિકન યુનિવર્સિટીઓમાં આ સુવિધા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રેસિડેન્ટ હોવા ઉપરાંત ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અને ચીનની સેનાના પણ પ્રમુખ છે. તેથી તેમણે વ્યક્ત કરેલા સકારાત્મક વલણનો ફાયદો ઉઠાવી ડ્રેગન સાથે દુશ્મની વહોરી લેવાના બદલે દોસ્તી કરવી એ જ શાણપણ છે. 

Powered by WordPress & Theme by Anders Norén