બિલાવલ ભુટ્ટો ૨૪ વર્ષના છે. ભારતની રાજનીતિમાં ‘ગાંધી ‘અટકનું આગવું મહત્ત્વ છે તે રીતે પાકિસ્તાનની રાજનીતિમાં ‘ભુટ્ટો’અટકની આગવી ગુડવિલ છે. પાકિસ્તાનના પ્રેસિડેન્ટ આસીફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ૨૪ વર્ષના છે. પાકિસ્તાનનાં ગ્લેમરસ વિદેશ મંત્રી હીના રબ્બાની ખર સાથેના તેમના પ્રણયને હાલ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. હવે થોડાક સમય બાદ પાકિસ્તાનમાં ચૂંટણીઓ આવી રહી છે. તેમના પિતા આસીફ અલી ઝરદારી સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છતાં તેઓ સત્તા પર ટકી રહ્યા છે ત્યારે બિલાવલને પાકિસ્તાનના આગામી શાહજાદા પ્રિન્સ તરીકે પેશ કરવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં જ તેઓ રિસાઈને વિદેશ જતા રહ્યા હતા, પરંતુ હવે પાછા પાકિસ્તાન આવી ગયા છે. આજે અહીં તેમના હીના રબ્બાની સાથેના વિવાદાસ્પદ સંબંધોની વાત કરવાની નથી, પરંતુ તેના રાજકીય ભાવિની વાત કરવાની છે.
હુકમનું પત્તું
બિલાવલ ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ છે. આ પાર્ટી ઝરદારી – ભુટ્ટો પરિવારથી પ્રભાવિત છે. પાકિસ્તાનના સિંધ, પંજાબ, ખૈબર, પખ્તુનક્વાહા, બલુચિસ્તાન તથા ગીલાતર – બાલ્ટીસ્તાન જેવા પ્રાંતોમાં આ પાર્ટીનું પ્રભુત્વ છે. ૧૯૬૭માં રચાયેલી આ પાર્ટી ૧૯૭૦, ૧૯૭૭,૧૯૮૮,૧૯૯૩ અને ૨૦૦૮માં સત્તા હાંસલ કરી ચૂકી છે. હવે ૨૪ વર્ષના બિલાવલ ભુટ્ટોને રજૂ કરી પાર્ટી પાકિસ્તાન સમક્ષ એક યુવા ચહેરો પેશ કરવા માંગે છે. બિલાવલ ભુટ્ટોનો સીધો મુકાબલો જીવનસંધ્યા ભોગવી રહેલા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન સાથે હશે. આ ચૂંટણીઓ અત્યંત રોચક હશે. ગઈ તા.૨૭મી ડિસેમ્બરે તેમની માતા બેનઝીર ભુટ્ટોની મૃત્યુતિથિ નિમિત્તે ગહેરી ખુદાબક્ષ ખાતે યોજાયેલી એક વિશાળ રેલી સમક્ષ બિલાવલ ભુટ્ટોને રજૂ કરી તેમનો રાજનીતિમાં જાહેર પ્રવેશ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે આસીફ અલી ઝરદારીની ઘટતી લોકપ્રિયતા સામે ર્ચાિંમગ પર્સનાલિટી ધરાવતા બિલાવલ ભુટ્ટોનો રૂપાળો ચહેરો રજૂ કરી પાર્ટી તેમનો હુકમના પત્તા તરીકે ઉપયોગ કરવા માંગે છે.
પાકિસ્તાનમાં કોનું શાસન આવે છે તેની પર ભારતની હંમેશાં નજર રહે છે. પાકિસ્તાન ભારતનો પડોસી દેશ છે. બેઉ દેશો વચ્ચે બહારથી સુમેળભર્યા પણ અંદરથી તનાવપૂર્ણ સંબંધો રહ્યા છે. પાકિસ્તાનના ભાવિ શાસક કાશ્મીરના પ્રશ્ને તથા ત્રાસવાદીઓની નિકાસના પ્રશ્ને કેવું વલણ ધરાવે છે તે જાણવામાં હંમેશાં રસ રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં બિલાવલ ભુટ્ટો હજી નવા છે, યુવાન છે, બિનઅનુભવી છે, આમ છતાં હીના રબ્બાની ખર સાથેના તારામૈત્રકને બાદ કરતાં તેમની સ્લેટ કોરી છે. બિલાવલનો ઉછેર અને અભ્યાસ વિદેશોમાં થયો છે. ભારતની રાજનીતિમાં નેતાઓએ સારું હિન્દી બોલવું જરૂરી છે તે રીતે પાકિસ્તાનની રાજનીતિમાં સારું ઉર્દુ બોલવું જરૂરી છે. છેલ્લે યોજાયેલી રેલીમાં બિલાવલ ભુટ્ટો અગાઉ કરતાં સારી ઉર્દુ બોલ્યા હતા. તેઓ જેહાદભાવથી બોલ્યા તેમાં ઘણાંને તેમના માતૃપક્ષના દાદા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં દર્શન થયાં. ઘણાંને બેનઝીર ભુટ્ટોની વાપસી લાગી. બિલાવલ ભુટ્ટો તેમની માતા જેવા દેખાય છે. ઘણાં તેમને ભુટ્ટો અટકના કારણે જ તેમની પાર્ટીને વોટ આપવા માંગે છે.
પ્રભાવશાળી પ્રવચન
બિલાવલ ભુટ્ટોએ તાજેતરની રેલીમાં જે પ્રવચન આપ્યું તે પાર્ટીના વફાદાર માણસોએ તૈયાર કર્યું હતું અને તેને અંતિમ સ્વરૂપ તેમના પિતા આસીફ અલી ઝરદારીએ આપ્યું હતું. પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના શાસકો અને પાકિસ્તાનના ન્યાયતંત્ર વચ્ચે હંમેશાં તનાવપૂર્ણ સંબંધો રહ્યા છે. બિલાવલ ભુટ્ટોએ તેમના પ્રવચનમાં ન્યાયતંત્રના રોલ પર કેટલાક સવાલો ખડા કર્યા. તેમણે ત્રાસવાદીઓની વિરુદ્ધ પણ બોલવાનું પસંદ કર્યું. પાકિસ્તાનમાં રહેલી બીજી ર્ધાિમક લઘુમતીઓ જેવા કે હિન્દુઓ, શીખ અને ખ્રિસ્તીઓની તરફેણમાં પણ બોલ્યા. ઝરદારી કરતાં બિલાવલ આ બાબતમાં જુદા પડયા. બિલાવલ ભુટ્ટોએ કહ્યું, “હું પાર્ટીના કાર્યકર્તાઓને ત્યજી દઈશ નહીં, મને મોતનો કોઈ ડર નથી.” “અત્રે એ નોંધનીય છે કે બિલાવલનાં માતા બેનઝીર ભુટ્ટોની હત્યા કરી દેવામાં આવી હતી તથા દાદા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને સરમુખત્યાર શાસન દરમિયાન ફાંસીએ ચડાવી દેવાયા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યકર્તાઓને હવે ફરી સત્તા પ્રાપ્ત કરવા માટે એકમાત્ર બિલાવલ ભુટ્ટોમાં જ આશાનું કિરણ દેખાય છે. તેમના પિતાની આબરૂ સારી નથી.
હિંમત દાખવી
ખુદ પાકિસ્તાનના વિચારકોએ એ વાતની નોંધ લીધી છે કે પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટીઓના મોટા ભાગના નેતાઓ પાકિસ્તાનમાં પાંગરી રહેલી ત્રાસવાદી પ્રવૃત્તિ અને કટ્ટરપંથીઓની વિરુદ્ધ બોલતાં ડરે છે. ત્યારે બિલાવલ ભુટ્ટોએ ત્રાસવાદી તત્ત્વોની વિરુદ્ધ બોલવાની હિંમત કરી છે. એ જ રીતે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનું નામ લીધા વિના જ તેમણે તેમની માતાની હત્યાના કેસનો ઉલ્લેખ કરીને જે કાંઈ કહ્યું તે જોતાં લાગે છે કે તેઓ પાકિસ્તાનના ન્યાયતંત્રની વધુ પડતી દરમિયાનગીરી સામે પણ જંગ લડી લેવા કમર કસી રહ્યા છે. આ બાબતમાં પાકિસ્તાનના લોકો બિલાવલની સાથે છે. કેટલાક લોકો કહે છે કે બિલાવલ ભુટ્ટો કરતાં તેમનાં માતા બેનઝીર ભુટ્ટો વધુ નસીબદાર હતાં, કારણ કે તેમને તેમના પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાસેથી સીધી તાલીમ મળી હતી. સિમલા કરાર વખતે ઝુલ્ફીકાર અલી તેમની નાનકડી પુત્રી બેનઝીરને પોતાની સાથે સિમલા લઈ ગયા હતા. અને તે વખતના ભારતનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે બેનઝીરનો પરિચય કરાવ્યો હતો, પરંતુ બિલાવલને એ લાભ મળ્યો નથી. બીજો તફાવત એ પણ છે કે બેનઝીર ભુટ્ટોને એમના સમયમાં સત્તા પર આવતા પહેલાં પાકિસ્તાનના એ વખતના સરમુખત્યારો સામે લડવું પડયું હતું. હવે બિલાવલે સરમુખત્યારોના બદલે પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદી નેતાઓ સામે લડવાનો સમય આવ્યો છે. પાકિસ્તાનના છેલ્લા સરમુખત્યાર પરવેઝ મુશર્રફ આજકાલ દેશનિકાલ છે. એ પછી પાકિસ્તાનની રાજનીતિમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. સવાલ એ છે કે પાકિસ્તાનની બદલાયેલી રાજનીતિમાં બિલાવલ ભુટ્ટો સફળ થશે કે કેમ?તેમના વિવાદાસ્પદ પિતા પાકિસ્તાનની હાલની સરકારનો ભ્રષ્ટાચાર, કથળેલી આર્િથક હાલત, પાકિસ્તાન આર્મીની વધુ પડતી દરમિયાનગીરી તથા કટ્ટરપંથીઓના પ્રભાવ સામે બિલાવલ કેટલી તાકાત કરી શકશે ? તેઓ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન બનવા માંગે છે, પરંતુ તેમની સામેના પડકારો એટલા જ તાકાતવર છે.
નવો સિતારો
એ જે હોય તે. બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન બની શકશે કે કેમ એ તો ખબર નથી, પરંતુ એક વાત નક્કી કે પાકિસ્તાનના રાજકીય ફલક પર એક નવો યુવા ચહેરો ઉપસી રહ્યો છે. કાળી અંધારી રાતે દૂર ક્ષિતિજમાં એક ચમકતો તારો ઊગતો હોય તેમ લાગે છે. ઇમરાનખાનની તહેલીક એ ઇન્સાફ પાર્ટી માટે બિલાવલ ભુટ્ટોનો યુવા ચહેરો એક પડકાર હશે. તે જ રીતે નવાઝ શરીફની પાર્ટી માટે પણ બિલાવલ એક મોટો પડકાર હશે. એ બંને પાર્ટીઓ કરતાં બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને લોકોનો વધુ ટેકો છે. પાકિસ્તાનનો સિંધ પ્રાંત તેમની પાર્ટીનો ગઢ ગણાય છે.
અલબત્ત, ઝરદારી પરિવારના મિત્રો માને છે કે બિલાવલ ભુટ્ટોની ઉંમર એટલી ઓછી છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારી કરશે કે કેમ તે જ એક મોટો સવાલ છે. એથી તેઓ ખુદ ચૂંટણી લડવાને બદલે તેમની પાર્ટીને જિતાડવા કામ કરશે. બીજા કેટલાક માને છે કે બિલાવલ ભુટ્ટો ચૂંટણી લડી પાર્લામેન્ટમાં જશે પણ હોદ્દો ધારણ કરવાના બદલે નેપથ્યમાં રહેશે. કદાચ હજુ વધુ એક ટર્મ બિલાવલ તેમના પિતાની છત્ર છાયામાં રહેશે.
આસીફ અલી ઝરદારી કે જેઓ ભુટ્ટો પરિવારની ગુડવિલનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ તેમના પુત્રને ભાવિ વડાપ્રધાન તરીકે ક્યારે પેશ કરે છે તે જોવાનો માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ એક પડોશી દેશ તરીકે ભારતને પણ રસ અને ઇંતજાર છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "