ઉત્તર કોરિયા અમેરિકા પર અણુહુમલો કરે તો?રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ઉત્તર કોરિયા પાસે હવે ન્યુક્લિઅર બોમ્બ છે. ન્યુક્લિઅર બોમ્બને ફેંકવા માટે મિસાઈલ્સ પણ છે. એણે જરૃરી પરીક્ષણો કરી લીધાં છે. કોઈનીયે પરવા કર્યા વિના તે અમેરિકાને પણ પડકાર ફેંકે છે. ચીને વ્યક્ત કરેલી ચિંતાની પણ એને પરવા નથી. અમેરિકા પર પ્રહાર કરવાની પણ એ ધમકી ઉચ્ચારી ચૂક્યું છે. અમેરિકા પર ક્યાંયથી પણ અણુહુમલા માટે મિસાઈલ છોડવામાં આવે તો તેને આકાશમાંથી જ આંતરી આકાશમાં જ ઉડાડી દેવાની એક સિસ્ટમ છે. આ સિસ્ટમનું સંચાલન નોરાડ નામનું એક લશ્કરી ઓર્ગેનાઇઝેશન કરે છે. ‘નોરાડ’ નો ઉદ્ભવ આમ તો શિતયુદ્ધ દરમિયાન રશિયાના સંભવિત હુમલાને ખાળવા થયો હતો, પરંતુ ઉત્તર કોરિયાની ધમકી બાદ અમેરિકાએ ફરી એક વાર નોરાડને સતર્ક કરી દીધું છે.

ભારત પર હુમલો થાય તો ચીન ભારતને મદદ કરી શકે તેમ નથી. પાકિસ્તાન મદદ કરી શકે તેમ નથી. બાંગલાદેશ કે શ્રીલંકા પણ મદદ કરી શકે તેમ નથી, કારણ કે ભારતના તમામ પડોશી દેશ સાથે એક યા બીજા પ્રકારનો સંઘર્ષ છે. એથી ઉલટું વિશ્વમાં એકમાત્ર અમેરિકા અને કેનેડા જ એવા પડોશી દેશ છે કે હજારો કિલોમીટર દૂરથી પણ કોઈ દેશ તેમની પર બોમ્બ ઝીંકવા ઇન્ટિક કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ છોડે તો એ મિસાઈલને આકાશમાં ઉડાડી દેવા આ બંને દેશોેએ ભેગા મળીને નોરાડ નામનું એક ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે.

નોરાડ એટલે શું ?
નોરાડનું આખું નામ ધી નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ છે. અમેરિકા અને કેનેડા વચ્ચે થયેલી સમજૂતીના આધારે આ ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું છે. આ ઓર્ગેનાઈઝેશનનું કામ છે બહારથી આવતી કોઈ પણ મિસાઈલને ઓળખી અને અગાઉથી એક બીજા દેશને ચેતવી દેવા. એક બીજા દેશો પર કોઈ પણ અજાણ્યું વિમાન, મિસાઈલ કે અંતરીક્ષયાન આવતું હોય તો તેના શક્તિશાળી રડાર તેને શોધી કાઢે છે અને નોર્થ અમેરિકા કે કેનેડા પરના સંભવિત હવાઈ ન્યુક્લિઅર હુમલાને સમયસર ખાળી દે છે. આ કામ માટે અમેરિકા અને કેનેડા એ બેઉ દેશોએ એકબીજા સાથે સમજણ ઊભી કરી છે. બંને દેશોના આકાશનું સાર્વભૌમત્વ જળવાઈ રહે તે માટેની ગોઠવણ હતી પરંતુ હવે તાજેતરમાં જ કરેલ નવી ગોઠવણ પ્રમાણે એ સમજૂતીમાં બેઉ દેશની દરિયાઈ સાર્વભૌમત્વની સુરક્ષા પણ સામેલ કરવામાં આવી છે. ટૂંકમાં અમેરિકાની કે કેનેડાની માલિકીની આકાશી અને દરિયાઈ સરહદોમાં કોઈ પણ દુશ્મન દેશ ઘૂસણખોરી કરે તો અગાઉથી ચેતવણી આપવાનું કામ નોરાડ કરે છે.

નોરાડનો ઇતિહાસ
વર્ષો પહેલાં અમેરિકા અને રશિયા વચ્ચે ભયંકર તનાવ હતો. બેઉ દેશો વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. અમેરિકાને સતત એવી દહેશત હતી કે રશિયા ગમે ત્યારે તેની પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ દ્વારા ન્યુક્લિઅર બોમ્બ ઝીંકી દેશે. એવો જ ભય રશિયાને અમેરિકા તરફથી હતો. એ વર્ષોમાં રશિયાએ હજારો કિલોમીટર દૂર જઈ પ્રહાર કરી શકે તેવી લોંગ રેન્જ મિસાઈલ્સ વિકસાવી હતી. ૧૯૫૦ના ગાળામાં આ દહેશત વધુ હોવાના લીધે અમેરિકા અને કેનેડા તેમની આકાશી સરહદોની રક્ષા માટે એક થયાં. એટલાન્ટિક કે પેસિફિક દરિયામાંથી ગમે ત્યારે હુમલો આવે તેવો તેમને ડર હતો. તે માટે તેમણે દરિયામાં અર્લી ર્વોિંનગ સિસ્ટમનું કામ નેવીને સોંપ્યું હતું. ૧૯૫૦માં અમેરિકા અને કેનેડા રશિયાના સંભવિત હુમલાથી બચવા કેટલાંક સંયુક્ત રડાર મથકો ઊભા કરવા સંમત થયા હતા. આ કામ ૧૯૫૪માં પૂરું થયું અને તેના ભાગરૃપે દક્ષિણ કેનેડામાં ૩૩ રડાર મથકો ઊભાં કરવામાં આવ્યાં. તેમાં ઘણી ટેકનિકલ ખામીઓ રહી જતાં ૧૯૫૭માં કેટલાંક વધુ રડારમથકો ઊભાં કરવામાં આવ્યાં. કેટલાંક નીચે ઊડતાં હવાઈજહાજોને રડાર પકડી શકતાં ના હોઈ ડોપ્લર રડાર ઊભાં કરવામાં આવ્યાં. આ રડાર ૪૮૦ કિલોમીટર સુધી પથરાયેલાં હતાં. તે પછી ૧૯૫૭માં ‘ડિસ્ટન્ટ અર્લી ર્વોિંનગ લાઈન’ પૂરી કરવામાં આવી . આ સિસ્ટમ માટે ૫૮ રડારમથકો કાર્યરત કરવામાં આવ્યાં. કોઈ પણ માનવ વસ્તીવાળા શહેર પર દુશ્મનનો હવાઈ હુમલો થાય તેના ત્રણ કલાક અગાઉ ચેતવણી આપવાની આ સિસ્ટમમાં ગોઠવણ હતી એટલે કે ન્યૂયોર્ક પર હુમલો થવાનો હોય તો ન્યૂયોર્કના લોકોને ખસેડવા માટે ત્રણ કલાકનો સમયગાળો મળી રહે તેવી અર્લી ર્વોિંનગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી, પરંતુ આ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ જટિલ હતી અને તેની સામે અનેક પડકારો હોઈ અમેરિકા અને કેનેડાએ તા. ૧૨મી, મે ૧૯૫૮ના રોજ એક સમજૂતી પર હસ્તાક્ષર કરી નોરાડની રચના કરી.

કેટલીક ક્ષતિઓ
૧૯૬૦ના ગાળામાં નોરાડ હેઠળ
૨૫,૦૦૦ જેટલા લશ્કરી સૈનિકો કામ કરતા હતા. તેના આરોહ અવરોહ પણ આવ્યા અને વર્ષો બાદ તેનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યું. તેનાં પરિક્ષણો દરમિયાન કેટલીક નિષ્ફળતાઓ પણ મળી અને તે કારણે તેમાં જરૃરી ફેરફારો પણ કરવામાં આવ્યા. વર્ષો બાદ અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ સમાપ્ત થઈ જતા નોરાડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને અમેરિકામાં ન્યૂયોર્ક પર નાઈન ઇલેવનની ઘટના બાદ અમેરિકા ફરી જાગૃત થઈ ગયું, કારણ કે આ વખતે અમેરિકામાંથી જ ઊડેલાં વિમાનોનો કબજો ત્રાસવાદીઓએ લઈ લીધો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે નાગરિક વિમાન ટકરાવી દીધું. નોરાડનો મુખ્ય કમાન્ડ સેન્ટર કોલોરાડો ખાતે આવેલા ચેચેન પર્વતો પર છે. એ સાઇટ્સને વધુ અપગ્રેડ કરવામાં આવી છે. આ સ્થળની જટિલ તપાસ કરવામાં

આવી, કારણ કે બે વખત તેની સિસ્ટમ નિષ્ફળ નીવડી હતી. તા. ૯ નવેમ્બર, ૧૯૭૯માં આવું બન્યું હતું. બીજો મોટો ખતરો એ હતો કે ધારો કે નોરાડ ટેકનિકલ ભૂલથી ખોટી ચેતવણી આપી દે અને અમેરિકા કે કેનેડા ભૂલથી ન્યુક્લિઅર મિસાઈલનું બટન દબાવી દે તો અણુયુદ્ધ પણ થઈ જાય. આવી જ ભૂલ તા. ૨ જૂન, ૧૯૮૦ રોજ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન્સ ડિવાઇસ ફેઈલ થવાના કારણે થઈ હતી. એના કારણે અમેરિકાના એર ડિફેન્સ કંટ્રોલના સ્ક્રીન પર ખોટી ર્વોિંનગનો મેસેજ પહોંચી ગયો હતો. એ વખતે પેસિફિક એરફોર્સનાં હવામાં ઊડી રહેલાં યુદ્ધ વિમાનો ન્યુક્લિઅર બોમ્બથી સજ્જ હતાં. જો તેમણે ન્યુક્લિઅર મિસાઈલો છોડી દીધી હોત તો ભયંકર હોનારત થઈ જાત. હવે એ ક્ષતિઓ નિવારી લીધી હોવાનો દાવો કરાય છે, પરંતુ અમેરિકા તેની ક્ષતિઓ ઘણી વાર છુપાવે છે.

નોરાડનું કામ ક્રિટિકલ મિશન પાર પાડવાનું છે. નોરાડને એક કમાન્ડર હોય છે અને કમાન્ડરની નિમણૂક અમેરિકાના પ્રેસિડેન્ટ અને કેનેડાના વડાપ્રધાન સાથે મળીને કરે છે. એ કમાન્ડર અમેરિકાના પ્રેસિડેન્ટ અને કેનેડાના વડાપ્રધાનને જ જવાબદાર રહે છે. તેમનું હેડ ક્વાર્ટર કોલોરાડો ખાતે આવેલું પીટરસન એરફોર્સ બેઝ છે. તે પછીનું સર્બોિડનેટ હેડ ક્વાર્ટર એલમેન્ડ્રોફ એરફોર્સ બેઝ, અલાસ્કા, (૨) કેનેડિયન એરફોર્સ બેઝ, વીનીપેગ અને (૩) તિન્ડાલ એરફોર્સ બેઝ, ફ્લોરિડા ખાતે આવેલાં છે. આ જટિલ કામગીરી માટે નોરાડ અનેક ઉપગ્રહો, અનેક રડારમથકો અને વિમાનોનો ઉપયોગ કરે છે.

નોરાડ હવે નીચે ઊડતાં પ્રાઇવેટ વિમાનો દ્વારા ડ્રગ ટ્રાફિકિંગ પર પણ નજર રાખે છે. નોરાડને એવી ખબર પડે કે કોઈ નાનું વિમાન ડ્રગ્સની હેરાફેરી કરે છે તો સ્થાનિક લિગલ એજન્સીઓને માહિતી પહોંચાડી દે છે.

નોરાડની શરૃઆતની ટેકનિકલ ક્ષતિઓને બાદ કરતાં તેની કામગીરી અમેરિકા અને કેનેડા એમ બેઉ દેશો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. નોરાડ એક રીતે ડિટરન્ટ એટલે કે પ્રતિરોધક રીતે પણ કામ કરે છે. ખાસ કરીને હવે આખા વિશ્વ માટે ત્રાસવાદ એક ભયંકર ખતરા તરીકે ઉભરી રહ્યો છે ત્યારે અમેરિકા કે કેનેડાની સુરક્ષા માટે નોરાડની વધુ જરૃરિયાત છે એમ એ બંને દેશો માને છે. જે દિવસે ત્રાસવાદીઓના હાથમાં ન્યુક્લિઅર બોમ્બ આવી જશે તે દિવસે તેનો ઉપયોગ કરતાં ખચકાશે નહી. એવા સમયે નોરાડ જ તેમને આગોતરી ચેતવણી આપવા અને આકાશમાં જ ન્યુક્લિઅર મિસાઈલને ધ્વસ્ત કરવા સક્ષમ હશે.

ભારત પાસે તો કેનેડા જેવો કોઈ મિત્ર કે પડોશી દેશ પણ નથી. ભારતે તો ભગવાન પર જ ભરોસો રાખવો રહ્યો.

www.devendrapatel.in