ચીનીકમ
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આકરા પ્રહારો અને ખરાખરીનો જંગ
બિહાર વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ-લાલુની સાથેસાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે. લાલુ પ્રસાદ યાદવે તેમને જેલમાં મોકલનાર નીતીશકુમાર સાથે ગઠબંધન કરી લીધું છે. નાછૂટકે તેમ કર્યું છે. કરવું પડયું છે. લાલુની ઇચ્છા વિરુદ્ધ તેમણે બિહારના ભાવિ મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારના નામને સમર્થન આપ્યું છે. તેની સામે બિહારમાં ભાજપનો કોઈ ચહેરો કદાવર ના હોઈ બિહારની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાના સહારે ભાજપે ચૂંટણી જંગમાં ઊતરવું પડયું છે. તેથી આ ચૂંટણી નીતીશકુમાર વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ બની રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમાર વચ્ચે પહેલેથી જ કડવાશ રહેલી છે. કઈ એક સમયે નીતીશકુમાર એનડીએનો એક હિસ્સો હતા, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં એનડીએના ભાવી વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત વખતે જ નીતીશકુમારે એનડીએ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. પટણામાં મળેલી ભાજપની કારોબારી વખતે ભાજપના નેતાઓને નીતીશકુમારે જમવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ પાછળથી નરેન્દ્ર મોદીના નામનો મુદ્દો બનાવી એ આમંત્રણ રદ કરી દીધું હતું. બિહારમાં પૂરના કારણે ગુજરાત સરકારે મોકલેલા રૂ. પાંચ કરોડની સહાયના ચેકની રકમ પણ પાછી મોકલવાની નીતીશકુમારે પેરવી કરી હતી. આ બધાં ધમપછાડા છતાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી. નીતીશકુમારે પછડાટ ખાધી. એટલે સુધી કે નીતીશકુમારે થોડાક સમય માટે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી.
પરંતુ ફરી એકવાર નીતીશકુમાર એક નવા જ ગઠબંધન સાથે મેદાનમાં છે. રણશિંગુ ફુંકાઈ ગયું છે. બિહારમાં ભાજપ પાસે કોઈ સ્થાનિક પ્રખર વક્તા નથી. બિહારમાં ભાજપે નરેન્દ્ર મોદીના સહારે જ વૈતરણી પાર કરવાની છે. પહેલી જ પરિવર્તન રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લલકાર કરતાં કહ્યું : “શું તમે ફરીથી બિહારમાં (નીતીશકુમારનું) જંગલ રાજ-૨ ઇચ્છો છો ? બિહારમાં ચંદનપ્રસાદ કોણ છે અને ભૂજંગ પણ કોણ છે ?” આવા તીખા પ્રવચનોનો પણ એવો જ જવાબ લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમારે આપ્યો છે. નરેન્દ્ર મોદીના પ્રવચનના જવાબમાં લાલુ પ્રસાદે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નરેન્દ્ર મોદીનું માનસિક સંતુલન બગડતું જાય છે. જ્યારે નીતીશકુમારે વડા પ્રધાન પર દમન અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો. તેની સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : “ગંગાજી વહે છે, પણ નીતીશકુમાર ઊંધો લોટો લઈને જશે તો તો એક ટીપું પાણી (કેન્દ્રીય સહાય) નહીં આવે.” એ પછી વડા પ્રધાને બિહાર માટે રૂ. ૧ લાખ ૨૫ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેની સામે પણ નીતીશકુમારે સવાલો ઉઠાવ્યા છે.
યુદ્ધ અહીં અટકતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહાર કર્યો કે, બિહારને બીમાર રાજ્ય બનાવવા માટે મુખ્યમંત્રી નીતીશકુમારના ડીએનએમાં ખોટ છે. એના જવાબમાં નીતીશકુમારે કહ્યું કે, “વડા પ્રધાન પહેલી વાર બિહારમાં આવ્યા અને હવે ડીએનએ પર સવાલ ઊભો કરીને સમગ્ર બિહારીઓનું અપમાન કરી રહ્યા છે. હવે અમે ૫૦ લાખ બિહારીઓના ડીએનએના નમૂના વડા પ્રધાનને મોકલીશું.” એ જ રીતે વડા પ્રધાને લાલુ પ્રસાદની જેલયાત્રાના સંદર્ભમાં કહ્યું કે, જેલમાંથી બહાર આવતો માણસ બુરાઈઓ જ લઈને આવે છે. તો એના જવાબમાં નીતીશકુમારે સામે પ્રશ્ન પૂછયો કે, “કૃપા કરીને એ કહો કે તમારી જ પાર્ટીના પ્રમુખ અમિત શાહ કઈ કઈ બુરાઈઓ લઈને જેલમાંથી બહાર આવ્યા છે ?”
વાત આટલેથી અટકતી નથી. થોડા દિવસો પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયાના ગાંધી મેદાનમાં પરિવર્તન રેલીનું આયોજન થયું તેની આગલી સાંજે જ નરેન્દ્ર મોદીની તસવીરોવાળા પોસ્ટર્સ અને ર્હોિડગ્સ જનતા દળ (યુ)ના કાર્યકર્તાઓએ ફાડી નાખ્યા. એની જગાએ નીતીશકુમારનાં પોસ્ટર્સ લગાવી દીધાં. આ ઘટના બાદ દિલ્હીમાં નીતીશકુમાર બિહાર ફાઉન્ડેશનના ઉદ્ઘાટન માટે ગયા ત્યારે તેમના કાર્યક્રમ દરમિયાન જ કેટલાક લોકોએ નીતીશકુમારનો જબરદસ્ત વિરોધ કર્યો. નીતીશકુમાર જ્યારે સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે પંદર માણસો હોલમાં ઘૂસી ગયા અને બૂમરાણ મચાવી દીધી. લોકસભા સાંસદ પપ્પુ યાદવ કે જેમને નીતીશકુમારે તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે અને તેઓ હવે એનડીએના સમર્થક છે તેમણે કહ્યું કે, “નીતીશકુમારનો વિરોધ મેં કરાવ્યો છે અને ભવિષ્યમાં પણ આવો જ વિરોધ થશે.”
બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જ બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રામનાથ કોવિન્દની બિહારના રાજ્યપાલ તરીકે અચાનક નિમણૂક કરી દેવામાં આવી છે. આ નિમણૂક ગયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલીના આગલા દિવસે જ કરી દેવામાં આવી. ગવર્નરની આ નિમણૂકથી નીતીશકુમાર ભડક્યા છે. તેમણે નાખુશી જાહેર કરતાં કહ્યું કે, પ્રણાલિકા મુજબ કોઈ પણ રાજ્યમાં નવા રાજ્યપાલની નિમણૂક કરતાં પહેલાં જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે છે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવે છે, પણ બિહારની બાબતમાં આવું કાંઈ જ થયું નથી. મને તો આ ખબર મીડિયા મારફતે જ પ્રાપ્ત થઈ. સંસદમાંઅમે આ પ્રશ્ન ઉઠાવીશું.
બિહારના નવા રાજ્યપાલ રામનાથ કોવિન્દ દલિત સમાજમાંથી આવે છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. તેઓ બે વાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ૧૯૯૯થી ૨૦૦૨ સુધી તેઓ ભાજપના શિડયુલ્ડ કાસ્ટ મોરચાના વડા રહી ચૂક્યા છે. એનડીએ પાસે હાલ તેના ભાગરૂપે દલિત નેતા રામવિલાસ પાસવાન તો છે જ. વળી તેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી સાથે પણ ગઠબંધન થયું છે. હવે ભાજપ બિહારના રાજ્યપાલ તરીકે એક દલિત નેતા એવા રામનાથ કોવિન્દને લાવી પક્ષે દલિત વોટ્સ હાંસલ કરવા આયોજન કરી લીધું છે.
આમ બિહારની ચૂંટણી એક રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓમાં ભારે ભીડ જોવા મળે છે. બીજી બાજુ નીતીશકુમાર છેલ્લાં ૧૦ વર્ષથી સત્તા પર હોઈ તેમની સામે અસંતોષ પણ છે. વળી નીતીશ-લાલુનું ગઠબંધન આખું બિહાર સ્વીકારતું નથી, પરંતુ ભાજપની મુશ્કેલી પણ એ છે કે,બિહારમાં નીતીશકુમાર અને લાલુ પ્રસાદની કક્ષાનો કોઈ સ્થાનિક નેતા તેની પાસે નથી તેથી આ ચૂંટણીનાં પરિણામો અંગે કોઈ પણ પક્ષને આત્મવિશ્વાસ નથી









What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "