મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ મોટી ઈમારતોમાં પાર્કિંગની જગા બતાવે તો સારું

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જ નહીં પરંતુ નડિયાદ, કપડવંજ, મોડાસા, ધનસુરા, દહેગામ અને મોરબી જેવા નાના નગરો પણ હવે ટ્રાફિકની અરાજક્તામાં ફસાયેલા જણાય છે. મોટા શહેરોમાં તો સવારનો અને સાંજનો પિક અવર્સનો સમય જાહેર રસ્તાઓ પર અંધાધૂંધીથી ભરેલો જણાય છે. આ બધાં શહેરોમાં ટ્રાફિકજામ એ રોજનો માથાનો દુઃખાવો બની ગયો છે. જે રસ્તો કાપતા અગાઉ ૧૫ મિનિટ લાગતી તે અંતર કાપતા હવે એક કલાકનો સમય લાગે છે.

૪૦થી વધુ જામ

તાજેતરમાં અમદાવાદ શહેરમાં વીઆઈપીઓની મૂવમેન્ટના લીધે ૪૦થી વધુ સ્થળે કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યા. શહેરમાં આ પરિસ્થિતિને કારણે કોઈ ગંભીર બીમાર વ્યક્તિને લઈ જતી એમ્બ્યુલન્સ વાનો ફસાઈ જતી જોવા મળે છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશને પહોંચવા માટે હવે સાંજના સમયે લોકોએ બે કલાક અગાઉથી નીકળવું પડે છે. આ ભયંકર પરિસ્થિતિનો ઉકેલ લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની ટ્રાફિક પોલીસ પાસે કોઈ જ દૃષ્ટિ કે ઈરાદો હોય તેમ લાગતો નથી. સ્થાનિક પ્રશાસન ધૃતરાષ્ટ્રની માફક રોજ લાખ્ખો વાહનચાલકોની પરેશાની જોઈ રહ્યું હોય તેમ લાગે છે.

મ્યુનિ. કોર્પોરેશન જવાબદાર

અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે. ટ્રાફિકની આજની વિકરાળ પરિસ્થિતિ માટે કોઈ સૌ પ્રથમ જવાબદાર હોય તો તે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છે. શહેરમાં ક્યાંય પણ બાંધકામ કરવું હોય તો બાંધકામની પરવાનગી લેવી પડે છે. બિલ્ડર્સ તેમના કમર્શિયલ બાંધકામોના પ્લાન્સ મૂકે છે ત્યારે ઈમારતના વ્યાપ પ્રમાણે પાર્કિંગ બતાવવું પડે છે. ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ખાઈ ઈમારતને મંજૂરી આપી દે છે અને એક વાર મંજૂરી મળી જાય તે પછી બિલ્ડરો પાર્કિંગમાં દુકાનો બનાવી વેચી દે છે. બિલ્ડરો પાર્કિંગમાં ગેરકાયદે દુકાનો અને બીજા ગેરકાયદેસર બાંધકામો કરી લે છે અને તેમાં તો પૈસા ખવાય છે પરંતુ એ તમામ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા ઈમ્પેક્ટ ફી જેવા ઓથા હેઠળ તેને મંજૂરી આપવાની યોજના બનાવે છે અને તેમાં પણ પૈસા ખવાય છે. શહેરના દરેક વિસ્તારમાં એક એક મ્યુનિસિપલ ઈન્સ્પેક્ટર હોય છે. બિલ્ડરે પાર્કિંગની જગા રાખી છે કે નહીં તે જોવાની જવાબદારી તેની હોય છે પરંતુ મોટાભાગના ઈન્સ્પેક્ટરો લાંચ લઈ આંખ આડા કાન કરી દે છે. આ કારણે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કમર્શિયલ સેન્ટરોમાંથી પાર્કિંગ અદૃશ્ય જણાય છે અને લોકો જાહેર રસ્તા પર જ જે તે કમર્શિયલ સેન્ટરની બહાર અડધો રસ્તો રોકીને આડેધડ ગાડીઓ તથા સ્કૂટર્સ પાર્ક કરી દે છે. ઘણીવાર તો જાહેર રસ્તાઓ પર બે- બે ગાડીઓ રસ્તા વચ્ચે મૂકી દઈ રસ્તો સાંકડો કરી દેવામાં આવે છે. જે જે ઈમારતોમાં પાર્કિંગ ગુમ છે તે તમામ ઈમારતોને સીલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સાંજે નીકળેલો માણસ સવારે ઘેર પહોંચશે. કેટલાક મ્યુનિ. કોર્પોરેટરો તેમના વિસ્તારના બિલ્ડર્સના પીઆરઓની જેમ કામ કરતા હોવાનું જણાય છે.કેટલાક કોર્પોરેટરો પહેલાં કોઈનું બિલ્ડિંગ સીલ કરાવે છે અને થોડા દિવસ પછી સીલ ખોલી નંખાવે છે. આ બે ઘટનાઓ વચ્ચે શું રંધાય છે તે તેઓ જ કહી શકે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ નવા જ ચૂંટાયેલા કોર્પોરેટરોને આ બાબતે ચીમકી આપવી પડી હતી.

લારી-ગલ્લાનાં દબાણ

મોટાં શહેરોમાં અને દહેગામ, મોડાસા જેવા નાના શહેરોમાં મુખ્ય રાજમાર્ગો પર રસ્તાના પોણા ભાગના વિસ્તાર પર શાકભાજીની લારીઓ,આડેધડ પાર્ક કરેલા વાહનો અને દુકાનદારોએ રોડ પર જ ગોઠવેલો તેમનો વેચવાનો સામાન જોવા મળે છે. એ કારણે રસ્તાની જેટલી પહોળાઈ હોય છે તેનો પા ભાગ જ મોટરગાડીઓ કે દ્વિચક્રી વાહનોને જવા માટે ખુલ્લો રહે છે. લારી-ગલ્લાવાળાઓ પાસેથી સ્થાનિક સત્તાવાળાઓ તથા પોલીસ રોજ સાંજે હપ્તો લઈ ચાલી જાય છે અને આખો દિવસ વાહનચાલકોને પરેશાન કરવાની પરિસ્થિતિ ઊભી કરી દે છે. લારી-ગલ્લાઓનાં આ દબાણો દૂર કરવામાં કોઈને રસ નથી, ઈરાદો નથી. દબાણો દૂર કરવા માટે કોઈ નેતાઓને કે અધિકારીઓને કોઈ લેટેસ્ટ ટેક્નોલોજીની તો જરૂર નથી. જેમને ધંધો કરવો છે તેમને કોઈ એક ચોક્કસ સ્થળ ફાળવી આપો પણ રસ્તા રોકી તેની પર ધંધો કરવો તે એક પ્રકારની દાદાગીરી છે.

અંધ અને અજ્ઞાની નેતાઓ

બીજી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જ્યારે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન્સની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે ભણેલા-ગણેલા કે શહેરી પ્રશ્નોના ઉકેલના જાણકાર વ્યક્તિઓને ઉમેદવાર તરીકે પસંદ કરવાના બદલે ક્યા વિસ્તારમાં કઈ જ્ઞાતિનો અને કોઈ કોમનો ઉમેદવાર ચાલશે એ લાયકાતને લક્ષમાં લેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટાતા ઘણા નેતાઓને વિશ્વભરમાં ટ્રાફિકની સિસ્ટમ અને ટ્રાફિક સાયન્સનું જ્ઞાન જ નથી. અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં ઘણા મેયરો એવા ચૂંટાયા છે કે જેઓે પોતાના મત વિસ્તારમાં ખાડાઓ પૂરી શક્યા નથી. ઘણા કોર્પોરેટરો એવા ચૂંટાયા છે જેઓ પોતાના વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપી શક્યા નથી. શહેરના ઘણા ભાગોમાં માત્ર બે ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. આવા નેતાઓ પાસેથી વર્લ્ડ કલાસ અર્બન ડેવલપમેન્ટની આશા રાખવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળમાં અનેક મેયરો શહેરની પ્રજાના પૈસે વિશ્વમાં ઘૂમી આવ્યા છે. ત્યાં જઈ કાંઈ શીખીને આવવાના બદલે માત્ર પિકનિક કે સહેલગાહ કરીને જ પાછા આવ્યા હોય તેમ લાગે છે. શું આ નેતાઓએ જોયું નહીં હોય કે સિંગાપોર,હોંગકોંગ, લંડન, પેરિસ, ન્યૂયોર્ક કે રોમ જેવા શહેરોમાં નાનામાં નાના ક્રોસ રોડ પર ટ્રાફિક સિગ્નલ્સ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મોસ્કો જેવા શહેરમાં જ્યારે ટ્રાફિક ઘણો ઓછો હતો ત્યારે રાતના બે વાગે રસ્તા સૂમસામ હોય ત્યારે પણ વાહનચાલક ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ હોય ત્યારે ઊભો રહેતો. ચાર રસ્તા પર તેના સિવાય એેક પણ કાર ના હોય તો પણ જ્યાં સુધી ગ્રીન લાઈટ ના થાય ત્યાં સુધી સૂમસામ રસ્તા પર તે લીલી લાઈટનો ઈન્તજાર કરતો.

ટ્રાફિક સિગ્નલો જ ગુમ!

ગુજરાતના મોટા શહેરોમાં ચાર રસ્તાઓ પર ક્યાંક ટ્રાફિક સિગ્નલ્સ દેખાય છે તો ક્યાંક છે જ નહીં અને જ્યાં ટ્રાફિક સિગ્નલ્સ છે તો ક્યારેક બંધ હોય છે અને ક્યારેક ચાલુ અને જો ચાલુ હોય છે તો ટ્રાફિકની ગીચતાનો સર્વે કર્યા વગર તેમના ટાઈમિંગ ગોઠવ્યા હોવાના કારણે એક કાર દસ ફૂટ ખસે તે પહેલાં લાલ ટાઈટ થઈ જાય છે. ઘણીવાર પિક અવર્સમાં એક ટ્રાફિક સિગ્નલ વટાવતાં ૨૦ મિનિટ સુધી વાહનચાલકે ઈન્તજાર કરવો પડે છે.

બળતણનો ધુમાડો

ટ્રાફિક જામના કારણે મોટાં શહેરોમાં રોજ લાખો વાહનો ચાર રસ્તાઓ પર અટવાયેલા જણાય છે એમને ખબર નથી કે ક્યારે તેમને આગળ જવા દેવામાં આવશે એ કારણે એવા વાહનચાલકો તેમના વાહનનાં એન્જિન ચાલુ રાખે છે આ કારણે રોજ કરોડોનું બળતણ વેડફાય છે. આ નેશનલ લોસ છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું ૮૦ ટકા બળતણ આયાત કરે છે. જે વિદેશી હૂંડિયામણને ભરખી જાય છે. દેશમાં માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જ એક હાઈવે પર બે કલાક ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. આથી વધુ બદતર પરિસ્થિતિ બીજી શું હોઈ શકે?