રમોના.

એક ગ્રામ્ય પણ સુખી પરિવારમાં જન્મેલી યુવતી હતી. હજુ તો હમણાં જ તેણે યુવાનીનો ઊંબરો આળંગ્યો હતો. ઉંમર કરતાં તે વધુ પુખ્ત લાગતી હતી. કોણ જાણે કેમ પણ અચાનક જ તેના માતા-પિતાએ રમોનાને કોલેજ છોડાવી દીધી અને તેના માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવામાં આવ્યું. નજીકના જ એક ઉપનગરનો તેના જ સમાજનો એક યુવક પસંદ કરવામાં આવ્યો એ યુવાનનું નામ વિશાલ.

વિશાલે રમોનાને જોઈ અને એણે તરત જ હા પાડી દીધી. રમોનાના પિતા સખ્ત સ્વભાવના હતા. તેમની મરજી સામે ઘરમાં કોઈનું કાંઈ ચાલતું નહીં. વિશાલના પરિવારવાળા જાન લઈને આવ્યા. વિશાલ ઘોડે ચઢી વરરાજા થઈને આવ્યો. ઉતાવળે ઉતાવળે જાણે કે ઘડિયા લગ્ન લેવાયા, સમાજના લોકોને પણ આશ્ચર્ય તો હતું જ રમોનાની ઉંમર થઈ ગઈ છે પણ આટલા વહેલા લગ્ન કેમ ?

લગ્ન બાદ વિશાલ રમોનાને ઘેર લઈ આવ્યો. રમોના થોડા જ દિવસોમાં સાસરિયા સાથે ભળી ગઈ. તે સુંદર પણ હતી અને વ્યવહારુ પણ હતી.

સમય વીતતો ગયો.

સુખી લગ્ન જીવનના ફળ રૂપે રમોનાએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ બાદ વિશાલને નજીકના એક શહેરમાં નોકરી મળી ગઈ. ઘરમાં બધાને લાગ્યું કે રમોના શુભ પગલાંની છે. રમોનાના આગમન બાદ ઘરમાં પુત્રજન્મ થયો અને તેના પતિને નોકરી પણ મળી ગઈ. થોડા દિવસો બાદ વિશાલે નજીકના શહેરમાં એક ઘર ભાડે લઈ લીધું, કેટલાક મહિનાઓ બાદ તે રમોનાને પણ તેડી ગયો જેથી ખાવા-પીવાની તકલીફ ના પડે. રમોના પણ હવે સંયુક્ત પરિવારમાંથી સ્વતંત્રતા મળતાં વધુ ખુશ દેખાવા લાગી. દિવસે વિશાલ નોકરીએ જતો અને સાંજે ઘેર આવતો.

એક દિવસ તબિયત ઠીક ના લાગતાં વિશાલ બપોરના સમયે જ રજા લઈ ઘેર આવી ગયો. બારણું ખુલ્લું હતું. પારણામાં સૂતેલું બાળક જોશજોશથી રડતું હતું પણ ઘરમાં કોઈ જણાતંુ નહોતું. વિશાલે આખું ઘર તપાસ્યું પણ ઘરમાં રમોના નહોતી. બાળક શાયદ ભૂખ્યું થયું હતું. વિશાલે બાથરૂમની પણ તપાસ કરી પરંતુ રમોના બાથરૂમમાં પણ નહોતી, એણે બાળકને પારણામાંથી બહાર કાઢી પોતાની છાતી સાથે ચીપકાવ્યું. થોડું પાણી પીવરાવ્યું. તેની પીઠ થપથપાવી, બાળક રડતું શાંત થઈ ગયું. વિશાલે ફરી બાળકને પારણામાં સુવરાવ્યું અને પારણું ઝુલાવ્યું.

રમોના હજુ ગુમ હતી.

અચાનક વિશાલના કાન પર રમોનાના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. અવાજ મકાનના ધાબા પરથી આવી રહ્યો હતો. એને લાગ્યું કે રમોના મકાનની અગાશીમાં કોઈની સાથે વાતો કરી રહી છે. તે દબાતા પગલે ધાબા પર ગયો. રમોનાને ખબર નહોતી કે તેનો પતિ પગથિયામાં એક દીવાલની પાછળ ઊભો ઊભો વાત સાંભળી રહ્યો છે.

રમોના મોબાઈલ પર કોઈની સાથે વાતો કરી રહી હતી, તે બોલી રહી હતીઃ ‘ નીરજ, પિયર છોડે મહિનાઓ થઈ ગયા. પણ શું કરું ? હવે સંસારની પળોજણમાં પડી ગઈ છું. તને મળવા આવવાનું મન તો ઘણું થાય છે પણ શું કરું ? પપ્પાએ મને પરણાવી દીધી. હું તો આજે પણ તને જ યાદ કરું છું. તું જ મારો પહેલો પ્રેમ રહ્યો છે. તું હવે મારો ઈન્તજાર ના કર. ક્યારેક આવીશ તો તને મળ્યા વગર પાછી નહીં આવું.’

દીવાલના આડશમાં પગથિયાં પર ઊભેલો વિશાલ તો રમોનાની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એણે ખ્યાલ આવી ગયો કે રમોના મને પરણી એ પહેલાં તેનો કોઈ અફેર હતો અને હજુ તે તેના અફેરને ભૂલી નથી. તે હવે વધુ સાંભળી શકે તેમ નહોતો. ક્રોધથી ધૂંવાંપૂવાં થતાં તે ચૂપચાપ નીચે ઊતરી ગયો.

થોડી વાર બાદ રમોના ધાબા પરથી નીચે આવી. પતિને અચાનક ઘરમાં આવેલો જોઈ તે થોડી સહેમી તો ગઈ. પતિ વિશાળ બાળકના પારણાને ઝુલાવી રહ્યો હતો. પતિને જોઈ તે બોલીઃ ‘અરે વિશાલ! તમે ક્યારે આવ્યા ? મને તો ખબર જ ના પડી. તબિયત તો સારી છે ને ?’

વિશાલે પોતાના અસલી ભાવ છુપાવતા કહ્યું: ‘ના, બસ એમ જ. સહેજ માથું દુઃખતું હતું.’

‘હું ધાબા પર ગઈ હતી. એક બિલાડી ઘરમાં ઘૂસી ગઈ હતી, તેને ભગાવવા ઉપર ગઈ હતી’: રમોના તેના હાથમાં રાખેલો મોબાઈલ છુપાવવાનો પ્રયાસ કરતાં બોલી.

વિશાલે કહ્યું: ‘મેં તો તને કાંઈ પૂછયું જ નથી.’

રમોના અપરાધભાવ અનુભવતાં સીધી રસોડામાં જતી રહી. મોબાઈલ એક ખૂણામાં મૂકી દીધો અને વિશાલ માટે ચા બનાવવામાં પરોવાઈ ગઈ આખો દિવસ રમોના અને વિશાલ વચ્ચે ભાગ્યે જ કોઈ વાત થઈ. વિશાલ એક ટેબ્લેટ લઈ તેના શયનખંડમાં સૂઈ ગયો.

સાંજ પડતાં રમોનાએ પૂછયું: ‘શું રસોઈ બનાવું?’

‘કાંઈ પણ.’

રમોનાએ પણ વધુ ચર્ચા કરવાનું ટાળી વિશાલને ગમતી રસોઈ બનાવી, જમવાનું પીરસ્યું. વિશાલે ચૂપચાપ જમી લીધું. જમ્યા પછી વિશાલને ટેલિવિઝન પર તેની મનગમતી સિરિયલ જોવાની ટેવ હતી. આજે તેણે એવુું કાંઈ ના કર્યું. બંધ ટીવી સામે તે બેસી જ રહ્યો. સૂતાં પહેલાં બંનેેએ આખો દિવસ શું કર્યું તેની વાતો કરતાં. આજે એવું કાંઈ જ ના થયું. રાત્રે પલંગમાં પણ વિશાલ પડખું ફેરવીને સૂઈ ગયો. રમોનાને ખ્યાલ આવી ગયો કે કાંઈક તો ગરબડ છે જ. ‘શું વાત છે’ એવું પૂછવાની તેની હિંમત નહોતી.

આવું બીજા દિવસે પણ પુનરાવર્તન થયું. વિશાલ ના તે રમોનાને લડયો કે ના તો ઝઘડયો. એ ચૂપચાપ નોકરીએ જતો રહ્યો. રમોના આખો દિવસ વિચારશૂન્ય થઈ પડી રહી. આવું એક દિવસ થયું. બીજા દિવસે થયું. પૂરા દસ દિવસ સુધી ચાલ્યું. વિશાલે પણ જોયું કે, રમોનામાં કાંઈ પરિવર્તન દેખાય છે. એ દુબળી થવા લાગી હતી. તે અશક્ત જણાતી હતી. કેટલાક દિવસોથી રમોના વિશાલને જમવાનું પીરસતી અને તેણે અગાઉ જમી લીધું છે તેવું કહેતી.

એક સાંજની વાત છે.

વિશાલ નોકરીએથી ઘેર આવ્યો. તેના દીમાગમાં હજુ રમોનાની ધાબા પરની વાત હજુ ગૂંજતી હતી. આજે પણ વિશાલ કાંઈ બોલ્યા ચાલ્યા વિના જમવા બેઠો. જમી લીધું. રાત પડી. આજે પણ વિશાલે ટી.વી. પર કોઈ શ્રેણી નિહાળી નહીં. ચૂપચાપ રમોનાએ બાળકને ઊંઘાડી દીધું.

રાત આગળ વધવા લાગે તે પહેલાં રમોનાએ તેના પતિને કહ્યું: ‘થોડીક ક્ષણો મને આપો.’

‘એટલે ?’

‘એક મિનિટ હું આવું છું’ એમ કહી રમોના રસોડામાં ગઈ. તે પાછી આવી ત્યારે તેના હાથમાં ધારદાર ચાકુ હતું.

વિશાલ ગભરાઈ ગયો.

તે કાંઈ બોલે તે પહેલાં રમોનાએ પોતાની હથેળીમાં ચાકુ ઘુસાડી દીધું, તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું.

વિશાલ ચોંકી જતાં બોલ્યોઃ ‘આ શું કર્યું ?’

રમોના બોલીઃ ‘હું આ પીડા સહન કરી શકું છું પણ તમારું મૌન સહન કરી શકતી નથી.’

‘પણ મેં તો તને કાંઈ કહ્યું જ નથીઃ’ વિશાલ બોલ્યો.

રમોના બોલીઃ ‘મને એનો તો વાંધો છે. હું જાણું છું કે તમે મારો ભૂતકાળ જાણી ચુક્યા છો. તમે મને મારતા કેમ નથી? મને કાપી નાંખતા કેમ નથી? મારી એ અપરિપક્વતા હતી. એક સમયે મેં મારી ઉંમર સમજ કરેલી ભૂલ હતી. પણ તમારા મૌનની આગમાં હું સળગી રહી છું. મને માફ કરી દો. પ્લીઝ!

અને રમોનાના હાથમાંથી લોહી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિશાલ પણ રડી પડયો. એણે તાત્કાલિક એના હાથે રૂમાલ બાંધી દીધો. તત્કાળ તેને તબીબી સારવાર આપવામાં આવી. રમોના બચી ગઈ.

એ દિવસ પછી રમોનાએ એના ભૂતકાળને કાયમ માટે ભુલાવી દીધો. વિશાલે પણ રમોનાને માફ કરી દીધી. પશ્ચાતાપની આગમાં બળીને રમોના ફરી કંચન શુદ્ધ થઈ. ત્યાર પછી વિશાલે કદીયે રમોનાને કાંઈ પૂછયું નહીં. અને એના ભૂતકાળનો કોઈ અફસોસ પણ રાખ્યો નહીં. તેમનું દાંપત્ય જીવન પણ બચી ગયું.

કેટલીક વાર ક્રોધ કરતાં મૌન વધુ શક્તિશાળી સાબિત થાય છે! ક્રોધ કરતાં મૌન, પસ્તાવો, ભૂલોનો એકરાર અને ક્ષમાથી ઘણા પ્રશ્નો હલ થઈ શકે છે. ક્ષમા માંગતાં અને ક્ષમા આપતા શીખો.

– દેવેન્દ્ર પટેલ