કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો

એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટર્સને લીંબડી મોકલવા પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી એ પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતાં પહેલાં માત્ર ઔપચારિકતા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના કાને એ વાત નાખવા ગયા કે, “લીંબડીમાં આગ લાગી હોઈ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.”

ગૃહમંત્રી રસિકભાઈ પરીખની વાત સાંભળ્યા બાદ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ પ્રશ્ન કર્યો : “રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી ? તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો ? તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ જાણો છો ખરા ?”

રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા.

તે પછી ફરી ડો. જીવરાજ મહેતાએ કહ્યું, “રસિકભાઈ તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવામાં કામે લાગી જવું પડશે. તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો. રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો.”

અને રસિકભાઈએ ડો. જીવરાજ મહેતાની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું. આ ઘટના કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ એક દિવસ એક વખતના પૂર્વ ગૃહમંત્રી ખુદ રસિકભાઈ પરીખે જાણીતા વરિષ્ઠ સમાજસેવક શશીકાંત દવે (જૂનાગઢ)ના તેમના ઘરે ભોજનના ટેબલ પર કહી હતી. એ વખતે રતુભાઈ અદાણી અને પૂર્વ કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટી પણ હાજર હતા. થેલિસિમિયા તબીબી ક્ષેત્રે મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માનિત શશીકાંત દવેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અકસ્માતો અને હોનારતો વખતે મંત્રીઓના જે તે સ્થળે દોડી જવા પ્રતિબંધ મૂકવા માગણી કરી છે.

હવાઈ નિરીક્ષણ શા માટે ?

ક્યાંક કુદરતી હોનારત સર્જાય છે અને નેતાઓ હેલિકોપ્ટર લઈ હવાઈ નિરીક્ષણ કરવા દોડી જાય છે. ક્યાંક મોટો અકસ્માત સર્જાય છે અને મંત્રીઓ જાતે જ ઘટનાસ્થળ પર દોડી જાય છે. તેમની સાથે ન્યૂઝ ચેનલવાળા પણ દોડે છે. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ દોડે છે. આખું વહીવટી તંત્ર મંત્રીઓની સુરક્ષામાં લાગી જાય છે. આવું આજે જ થાય છે તેવું નથી. વર્ષોથી ચાલ્યું આવે છે. પરિણામ એ આવે છે કે,ઘવાયેલાઓને જે તાત્કાલિક સારવારની જરૂર હોય છે તે બાજુએ રહી જાય છે. એમ્બ્યુલન્સ અને તબીબો બાજુમાં રહી જાય છે. પરિણામે ઘવાયેલાઓના જાન બચાવવાની કામગીરીમાં મંત્રીઓની મુલાકાત દખલરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ બીએસએફના અધિકારીઓને લઈ જતું એક વિમાન તૂટી પડયું અને ૧૦ અધિકારીઓનાં મોત નીપજ્યા જે એક કમનસીબ ઘટના હતી. આ વખતે પણ કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ ઘટનાસ્થળે દોડી ગયા. રાજનાથસિંહ એક કાર્યક્ષમ મંત્રી છે, પરંતુ રાષ્ટ્રમાં કે રાજ્યમાં થતાં અકસ્માતો વખતે જે તે સ્થળે મંત્રીઓના દોડી જવા પર હવે સંયમ રાખવાની જરૂર છે.

વિપક્ષો પણ સંયમ રાખે

એ વાત સાચી પણ છે કે જ્યારે કોઈ સ્થળે મોટી અકસ્માતની ઘટના બને છે ત્યારે મંત્રી ત્યાં ના જાય તો વિપક્ષોના નેતાઓ પણ પહોંચી જાય છે અને લોકોની લાગણીઓને ખિસ્સામાં કરી તેનો રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરે છે. જે તે ક્ષેત્રના મંત્રી ઘટનાસ્થળે ના પહોંચે તો વિપક્ષના નેતાઓ જે તે મંત્રીને લોકોની પરવા નથી એવી ટીકા પણ કરે છે. વિપક્ષોએ પણ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેનો રાજકીય લાભ ખાટવાની પ્રવૃત્તિથી બચવું જોઈએ. મંત્રી હોય કે વિપક્ષનો નેતા તેણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, મોટા અકસ્માતો વખતે ભારે ખુવારી થતી હોય છે. તે વખતે સ્થાનિક પ્રશાસન કલેક્ટરથી માંડીને ક્લાર્ક સહિત અને પોલીસ સહિત સૌ કોઈ જાનમાલને થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોની કીમતી ચીજવસ્તુઓ કોઈ ચોરી ના જાય તેની સુરક્ષા ગોઠવવામાં વ્યસ્ત હોય છે. મોટી હોનારત વખતે પોલીસ અને લશ્કરના જવાનો પણ બચાવ કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે મંત્રીઓ હેલિકોપ્ટરમાં ત્યાં જઈ તેમને મદદરૂપ થવાના બદલે અગવડરૂપ વધારે થતાં હોય છે.

હા, તેમણે કાંઈક કરવું જ હોય તો ભૂતકાળમાં પૂર્વ રેલવેમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ કર્યું તેમ કરવું જોઈએ. આજથી છ દાયકા પૂર્વે એ વખતના વડા પ્રધાન જવાહરાલ નહેરુના મંત્રીમંડળમાં લાલબહાદુર શાસ્ત્રી રેલવેમંત્રી હતા. ૧૯૫૬માં તામિલનાડુમાં એક મોટો રેલવે અકસ્માત થયો હતો, જેમાં ૧૨૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતની નૈતિક જવાબદારી પોતે સ્વીકારી લીધી હતી અને લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું.

આજે આ શક્ય છે ખરું ?

દર મિનિટે એક અકસ્માત

અકસ્માતો એ હવે આ દેશનો એક હિસ્સો બની ગયો છે. દેશમાં થતાં અકસ્માતોના આંકડા ગોઝારા છે. ભારતમાં રોજ ૧૨૧૯ વાહન અકસ્માતો થાય છે. દર વર્ષે ભારતમાં રોડ અકસ્માતોમાં ૧,૩૭,૦૦૦ માણસો મૃત્યુ પામે છે. આ આંકડો ૨૦૧૩નો છે. દ્વિચક્રી વાહનો ચલાવનારાઓના જે અકસ્માતો થાય છે તે પૈકી ૨૫ ટકા વાહનચાલકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજે છે. દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૧૯ વર્ષથી ઓછી વયનાં ૨૦ બાળકો રોજ મૃત્યુ પામે છે. રોજ ૩૭૭ લોકો બેફામ વાહન ચલાવવાના કારણે મૃત્યુ પામે છે. દેશમાં દર એક મિનિટે ગંભીર રોડ અકસ્માત થાય છે. સૌથી વધુ અકસ્માતો દિલ્હીમાં થાય છે. તે પછી ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, મુંબઈ, કાનપુર, લખનૌ, આગ્રા, હૈદરાબાદ અને પૂણે આવે છે.

ગુજરાતમાં રોડ અકસ્માતથી રોજ ૨૩ લોકોનાં મૃત્યુ નીપજે છે.

નાગરિકો કાળજી રાખે અને મંત્રીઓ સંયમ રાખે.