વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના ૯૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર એક મહિલા તે યુનિવર્સિટીના વાઈસ ચોન્સેલર બન્યાં છે.
તેમનું નામ લુઈઝ રિચર્ડસન.
ઈંગ્લેન્ડમાં આવેલી ઓક્સફર્ડ યુનિવર્સિટી અંગ્રેજી ભાષા બોલતા વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે. લુઈઝ રિચર્ડસન જાન્યુઆરી મહિનામાં જ તેમનો પદ કાર્યભાર સંભાળી રહ્યા છે. આજે આખું વિશ્વ આતંકવાદના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે ત્યારે ખૂબી એ વાતની છે કે લુઈઝ રિચર્ડસન’ટેરર એક્સપર્ટ’ છે. વિશ્વભરમાં ફેલાયેલ આતંકવાદ પર અભ્યાસ કરનાર લુઈઝ આતંકવાદના વિષયના નિષ્ણાત સ્કોલર છે. તેમણે લખેલા અનેક પુસ્તકો પૈકી એક પુસ્તક જેે સૌથી વધુ જાણીતું છે. તેનું શીર્ષક છે : ‘વોટ ટેરરિસ્ટ વોન્ટ : અંડર સ્ટેન્ડિંગ ધી એનિમી, કંટેઈનિંગ ધી થ્રેટ.’
૫૭ વર્ષની વયના લુઈઝ રિચર્ડસન અનેક પુરસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યાં છે.
લુઈઝ રિચર્ડસનનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. તેમના પિતા પણ આતંકવાદના વિષય પરના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાત હતા. તેમનું બચપણ ટ્રેમોર ખાતે વીત્યું હતું. તેઓ સાત ભાઈ-બહેનો પૈકીના એક હતા. તેમના પિતાનંુ નામ આર્થર અને માતાનું નામ જુલી છે. ડબલીનની ટ્રિનિટી કોલેજ ખાતે અભ્યાસ કરી તેમણે બી.એડ્.ની ડિગ્રી લીધી હતી. ૧૯૮૨માં તેમણે એમ.એ.ની ડિગ્રી લીધી હતી.
૧૯૭૭માં અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણવા માટે તેમને રોટરી સ્કોલરશીપ મળી હતી તે પછી તેમણે સેંટ એન્ડ્રયૂઝ અને હાવર્ડ યુનિવર્સિટી દ્વારા આતંકવાદ પર અભ્યાસ કરી પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી અપગ્રેડ કરી હતી. તેમના આ અભ્યાસમાં આંતરરાષ્ટ્રીય સલામતી અને અમેરિકા તથા બીજા દેશોની કમ્પેરેટિવ ફોરેન પોલિસીનો વિષય પણ આવી જતો હતો. ૧૯૮૯માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પણ હાંસલ કરી હતી.
આ સમયગાળા દરમિયાન તેમણે બધા મળીને કુલ આઠ વર્ષ સુધી ભણાવવાનું કામ પણ કર્યું હતું. અમેરિકાના હાવર્ડ યુનિવર્સિટીના બીજા કેટલાયે વહીવટી વિભાગોનું તેમણે નેતૃત્વ કર્યું હતું. અલબત્ત, તેમનું મુખ્ય લક્ષ્ય તો આતંકવાદનો અભ્યાસ જ હતું. ટેરરિસ્ટ મૂવમેન્ટ ઈન ઈન્ટરનેશનલ રિલેશન્સના પરના તેમના અભ્યાસ અને શિક્ષણના કારણે તેમને હાવર્ડ યુનિવર્સિટી તરફથી લેવનસન પ્રાઈઝ મળ્યું હતું. એ જ રીતે અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિએશન તરફથી શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય માટે પણ તેમને ‘એબ્રામસન એવોર્ડ’ એનાયત થયો હતો.
૨૦૦૯માં યુનિવર્સિટી ઓફ સેંટ એન્ડ્રયુઝમાં પ્રિન્સિપાલ તરીકે તેમની નિમણૂક થઈ હતી.
અમેરિકામાં ન્યૂયોર્ક ખાતેના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર નાઈન ઈલેવનના આતંકી હુમલા બાદ તેમણે આતંકવાદ પર વૈજ્ઞાાનિક અભ્યાસ કરી ‘વોટ ટેરરિસ્ટ વોન્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ સિવાય તેમણે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘વ્હેન એલાઈઝ ડિફટઃ એંગ્લો- અમેરિકન રિલેશન્સ ઈન ધી સુએઝ એન્ડ ફોકલેન્ડ ક્રાઈસીસ’, ‘ધી રૂટ્સ ઓફ ટેરરિઝમ’ અને ‘ડેમોક્રસી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ : લેસન ફ્રોમ ધી પાસ્ટ’નો સમાવેશ થાય છે.
૨૦૦૧થી ૨૦૦૮ દરમિયાન તેમણે ૩૦૦થી વધુ પ્રવચનો ટેરરિઝમ પર આપ્યા. અમેરિકાની સેનેટને પણ તેમણે સંબોધી. ૨૦૦૯માં તેમને ધી ટ્રીનિટી કોલેજ ડબલીન એલ્યુમની એવોર્ડ પ્રાપ્ત થયો. ૨૦૧૦માં તેઓ ફ્ેલો ઓફ ધી રોયલ સોસાયટી ઓફ એડીનબરો તરીકે પસંદગી પામ્યા. ૨૦૧૩માં મોસ્કો સ્ટેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સ ડોક્ટરેટની માનદ્ ડિગ્રી આપી.
હવે તેઓ ઈંગ્લેન્ડની ખ્યાતનામ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યાં છે.
તેઓ કહે છે : અમેરિકામાં જ્યારે નાઈલ ઈલેવનનો આતંકવાદી હુમલો થયો ત્યારે અમેરિકનોએ વધુ પડતી તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેનું એક કારણ એ હતું કે આ પ્રકારના હિંસક કટ્ટરતાનો તેમને પહેલો અનુભવ હતો. અલકાયદાના ચાર ઉતારુઓએ અમેરિકન ઉતારુ વિમાનોના અપહરણ કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાઈ ૩,૦૦૦ લોકોનાં મોત નીપજાવ્યા હતા. તેની સામે આવા હુમલા વખતે બ્રિટિશરો આયરીશ આતંકવાદનો સામનો કરતી વખતે વધુ સ્થિતિ સ્થાપક- લચક વૃત્તિવાળા રહ્યા છે. આતંકવાદની ઘટનાઓ મનોવૈજ્ઞાાનિક પ્રતિક્રિયાઓે વધુ ઉત્પન્ન કરે છે. આતંકવાદની ઘટનાઓ આવી સાયકોલોજિકલ ઈમ્પેક્ટ ઊભી કરવા માટે જ થાય છે.
તેઓ કહે છે : ‘કોમ્બાટિંગ સાયકોલોજિકલ ઈમ્પેક્ટ ઓફ ટેરર ઈઝ ધી બેસ્ટ કાઉન્ટર મેજર’. યુનિવર્સિટીઓ અને કટ્ટરવાદ વચ્ચે કોઈ સીધી કડી હોવાની વાતનો તેમણે ઈન્કાર કરે છે પણ સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે હિંસક કટ્ટરવાદીઓ મોટે ભાગે યુવાનો જ વધુ હોય છે. એમાંયે યુવતીઓ કરતાં યુવકો વધુ અને ક્યારેક તેઓ યુનિવર્સિટીઓમાં ભેગા થાય છે. એક ગ્રેજ્યુએટને જોબ નથી મળતી ત્યારે તે બીજું વિચારતો થાય છે. આજના સમયમાં કટ્ટરવાદને નાથવા યુનિવર્સિટીઓ મહત્ત્વપૂર્ણ રોલ ભજવી શકે છે. યુનિવર્સિટીઓ તેમના વિદ્યાર્થીઓને આતંકવાદ અને તેથી પેદા થતી સમસ્યાઓ અંગે યોગ્ય જ્ઞાાન આપી શકે. ઉદ્દામવાદને નષ્ટ કરવા માટે શિક્ષણ જ શ્રેષ્ઠ એન્ટીડોટ- ઉપાય છે.
શ્રીમતી લુઈઝ રિચર્ડસનની વાત સાચી છે. પાકિસ્તાનમાં રહેલા જૈશ-એ- મોહંમદ જેવા આતંકવાદી સંગઠનો અશિક્ષિત અને ગરીબ યુવાનોને ગુમરાહ કરી સ્યૂસાઈડ બોમ્બર બનાવી ભારતમાં ધકેલી દે છે. આ યુવાનોને શિક્ષણ અને જોબ મળી હોત તો તેઓ આતંકવાદી બનવાનું પસંદ ના કરત.
જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લુઈસ રિચર્ડસન વાઈસ ચાન્સેલર તરીકે નીમાયા છે. તેના ચાન્સેલર ક્રીસ પેટન છે. તેઓ કહે છેઃ પ્રો. રિચર્ડસન અમારી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે આવી રહ્યા છે. તેનો અમને આનંદ છે. ઓક્સફર્ડએ વિશ્વની મહાન યુનિવર્સિટીઓ પૈકીની એક છે. શ્રીમતી રિચર્ડસનની ખ્યાતિ બંને પાર છે.શ્રીમતી રિચર્ડસન કહે છેઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દેશભરની યુનિવર્સિટીઓમાં શિક્ષણ અને સંશોધનની બાબતમાં ટોચના સ્થાને હોય તે મારી અગ્રતા હશે. હું ખાતરી આપું છે કે દરેક યુવાન માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી એક લોહચુંબક સાબિત થશે, પછી તેઓ અહીં ભણવા માટે ક્યાંયથી પણ આવતા હોય. દરેક ટેલેન્ટેડ વ્યક્તિ દરેક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ ભણાવવા અને સંશોધન માટે ઓક્સફર્ડ આવે તેવું અમે ઈચ્છીએ છીએ.’
Comments are closed.