એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. વિમાનમાં કેટલાક સહેલાણીઓ પણ હતા અને કેટલાક બિઝનેસમેન પણ હતા.

એવામાં ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાની નજર એક ખૂણાની સીટ પર પડી. એક બાળકી રડી રહી હતી. તેની આંખમાં આંસુ હતા. તે ડૂસકાં લઈ રહી હતી. તે પોતાની આંખો પર પોતાના હાથ મૂકી રડતી આંખોને ઢાંકવા કોશિષ કરી રહી હતી. તેની બાજુમાં ૬૦ વર્ષનો એેક દાઢીવાળો આરબ નાગરિક બેઠેલો હતો. તેને એ છોકરીના રડવાની કોઈ ચિંતા નહોતી. આરબ બેફિકર હતો.

રડતી એ છોકરીની વય માંડ ૧૦ વર્ષની હતી. ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાએ એ છોકરીની પાસે જઈ પૂછયું: ‘કેમ રડે છે? કોઈ સમસ્યા છે ? કાંઈ જોઈએ છે?’

એ પ્રશ્ન સાંભળી ૧૦ વર્ષની એ બાળકી વધુ ને વધુ રડવા લાગી. એ બાળકીના રડવાનો અવાજ સાંભળી આસપાસના ઉતારુઓ પણ વિચારમાં પડી ગયા. કેટલાકે તેમની સીટમાંથી ઊભા થઈ તેની પાસે આવીને પૂછયું: ‘બેટા, તું રડે છે કેમ?’

એ બાળકીએ કહ્યું: ‘મારું નામ અમીના છે. મારી વય ૧૦ વર્ષની છે. મારી બાજુમાં બેઠેલો આ માણસ (આરબ) એક દિવસ અમારા ઘેર આવ્યો હતો. અમે ગરીબ છીએ. તે લગ્ન કરવા કોઈ છોકરી શોધવા આવ્યો હતો. મારા પિતા એક ઓટોરિક્ષા ચલાવે છે. ગમે તે કારણસર તેની મારા-પિતા સાથે ઓળખાણ થઈ હતી. એણે મારા પિતા સાથે કાંઈક વાત કરી હતી. મારે એક મોટી બહેન છે. મારા પિતા મારી મોટી બહેનને આ આરબ સાથે પરણાવી દેવા માગતા હતા. આ માણસની વય ૬૦ વર્ષની છે. એણે મારા બહેનને સાઉદી અરેબિયા લઈ જવાની વાત કહી હતી. આ માણસે મારી મોટી બહેનને જોઈ. એણે મારી મોટી બહેન શ્યામ અને કદરૂપી છે તેમ કહી તેને સાઉદી લઈ જવા ઈન્કાર કરી દીધો. એવામાં આ માણસની નજર મારી પર પડી હું. ૧૦ વર્ષની હોવા છતાં એણે મારી સાથે શાદી કરવાની વાત કરી. હું ગભરાઈ ગઈ. પરંતુ મારા પિતાએ બળજબરીથી મારી આ આરબ સાથે શાદી કરાવી દીધી. હવે તે મને સાઉદી અરેબિયા લઈ જાય છે. મારે આ માણસ સાથે સાઉદી અરેબિયા જવું નથી.

ફલાઈટ અટેન્ડેન્ટ અમૃતા અહલુવાલિયાએ તે બાળકીને સાંત્વના આપતાં કહ્યું: ‘અમીના તું ચિંતા ના કર. અમે તને મદદ કરીશું.’

એ પછી અમૃતા અહલુવાલિયા વિમાનની કોકપીકમાં ગઈ એણે પાઈલટ સાથે કાંઈક વાત કરી. વિમાન દિલ્હી ઉતરે તે પહેલાં   જ કેટલાક સંદેશા દિલ્હી એરપોર્ટને મોકલ્યા.

ઉતારું વિમાન નવી દિલ્હીના એરપોર્ટ પર ઊતર્યું. સાઉદી અરેબિયાથી આવેલા આરબે દિલ્હીથી બીજું આંતરરાષ્ટ્રીય વિમાન પકડવાનું હતું પરંતુ તે વિમાનમાંથી ઊતરે તે પહેલાં જ દિલ્હીની પોલીસ વિમાનની અંદર આવી ગઈ. ૧૦ વર્ષની બાળકી સાથે સાઉદી જઈ રહેલા ૬૦ વર્ષના આરબ નાગરિકની ધરપકડ કરવામાં આવી અને અમીનાનો કબજો લઈ પોલીસે તેને સલામત સ્થાને ખસેડી લીધી.

જે આરબ પકડાયો તેનું નામ યાહ્યા એમ.એચ.અલસગીહ હતું. ૬૦ વર્ષનો એ આરબ ભારતમાં પત્ની ખરીદવા આવ્યો હતો. હૈદરાબાદના એક ગરીબ મુસ્લિમ મહોલ્લામાંથી તે નાનકડી અમીનાને ખરીદી લીધી હતી. એ આરબે પોતાની ધરપકડનો વિરોધ કર્યો અને અમીના સાથેના ઈસ્લામિક મેરેજનું સર્ટિફિકેટ રજૂ કર્યું પરંતુ તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. પોલીસે તપાસ કરી તો અમીનાના પિતાએ અમીનાને માત્ર ૬૦૦૦ રૂપિયામાં વેચી દીધી હતી. બાકીના ૪૦૦૦ ડોલર આપવાની વાત બહાર આવી.

આખો કેસ અદાલત સમક્ષ ગયો. તે વખતે અમીનાના પિતા બદરુદ્દીને કબૂલ કર્યું કે ‘હું મારા પરિવારનું પૂરું કરી શક્તો નહોતો. હું બીજા કોઈની રિક્ષા ચલાવું છું. તેનું ભાડું આપું છું. ગેસ પુરાવું છું. ઉતારુઓ મળતા નથી. આખા દિવસમાં ખર્ચ બાદ કરતાં હું રિક્ષા ચલાવીને સાંજ પડે માંડ ૨૫થી ૪૦ રૂપિયા કમાઉં છું. મારા સંતાનો માટે કપડાં લાવવા મારી પાસૈ પૈસા નથી. હું ભાડાના ઘરમાં રહું છું. હું જે ઓરડીમાં રહું છું તેનું માસિક ભાડું રૂ. ૧૫૦ છે પરંતુ એ ભાડું ચૂકવવાના મારી પાસે પૈસા નથી.

અમીનાના પિતા કહે છે : મારે છ દીકરીઓ અને બે દીકરા છે હું એ બધાને અને મારી પત્નીને શું ખવરાવું? એ કારણે જ મારે આમ કરવું પડયું.’

એ પછી કોર્ટે અરબ નાગરિકને જામીન આપી દીધા પરંતુ છેતરપિંડીથી લગ્ન કરવાના મુદ્દે આરોપો યથાવત્ રાખ્યા.

એક નાનકડી બાળકી અમીનાની જિંદગી તો બરબાદ થતાં બચી ગઈ. એની જિંદગી બચાવવાનું કામ કરનાર અમૃતા અહલુવાલિયાએ વખતે ઈન્ડિયન એરલાઈન્સમાં ફલાઈટ અટેન્ડેન્ટ હતી.

એક દિવસ અમૃતા અહલુવાલિયાને ખબર પડી કે તેને કેન્સર છે. શરૂઆતમાં તો તે ડરી ગઈ પરંતુ અમૃતા એક બહાદુર મહિલા હતી. હજુ તો ગયા વર્ષે જ તેને કેન્સર છે એ દર્દનું નિદાન થતાં એને વિમાનની પરિચારિકાની નોકરી છોડવી પડી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની પર સર્જરી કરવામાં આવી. છ વખત ક્મિોથેરપીની સારવાર લેવી પડી. એ સિવાય ૩૨ વખત રેડિએશન થેરપી લેવી પડી. આ સમયગાળો તેના માટે યાતનાપૂર્ણ હતો.

તે સાજી થઈ.

તે કેન્સર સામે જંગ જીતી ગઈ અને અમીનાના કિસ્સા પછી એણે હૈદરાબાદની દુઃખી સ્ત્રીઓના બચાવવા એક હેલ્પલાઈન શરૂ કરી હતી તે કામ વધુ વેગપૂર્વક શરૂ કર્યું.

અમૃતા અહલુવાલિયાએ શરૂ કરેલી સ્ત્રીઓ માટેની હેલ્પલાઈન હૈદરાબાદ પોલીસના સહયોગથી કાર્યરત કરવામાં આવી. આ હેલ્પલાઈનની વિશિષ્ટતા એ છે કે તે ખુદ પૂર્વ વિમાની પરિચારિકા હોઈ તેની હેલ્પલાઈન હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે. અમૃતા કહે છે : આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહેલી એકલદોકલ મહિલાઓ અને તકલીફવાળી મહિલાઓને આ હેલ્પલાઈન મદદ કરશે. જે સ્ત્રીઓને એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની મદદની જરૂર હશે તેને અમે તમામ પ્રકારની સહાય પૂરી પાડીશું. તેમને એક ર્ટિમનલ બિલ્ડિંગથી બીજા ર્ટિમનલ પર જવું હશે કે ટ્રાન્ઝિટની સમજ ના પડતી હોય તેવી સ્ત્રીઓેને અમે યોગ્ય ર્ટિમનલ અને ગેટ નંબર પર પહોંચાડીશું. કોઈ સ્ત્રીને ટૂંકા સમય માટે સલામત સ્થળે રહેવા માટે ઊતરવું હશે તેને  સલામત સ્થળે લઈ જઈશું. જે સ્ત્રીને તેને લેવા માટે આવેલા પરિવારજનોે કે મિત્રો સુધી પહોંચવું હશે તેને એરપોર્ટની બહાર તેમના સગા સંબંધીઓ સુધી પહોંચાડીશું. કોઈ સ્ત્રીને કોઈ પણ માર્ગદર્શન જોઈતું હશે તે અમે પૂરું પાડીશું. કોઈને તાત્કાલિક તબીબી સહાય કે કાનૂની સહાય જોઈતી હશે તે પણ અમે એરપોર્ટ પર જ પૂરી પાડીશું.’

અમૃતા અહલુવાલિયા હવે કેન્સર સામે જંગ જીતી ગઈ છે. એક નાનકડી અમીનાને બચાવ્યા બાદ તે બીજી એવી અનેક અમીનાઓને મદદ કરી રહી છે. તે કહે છેઃ ‘આખી દુનિયાને કહેતાં મને શરમ આવે છે કે, ગરીબીના કારણે અમે લગ્નના બહાને અમારી દીકરીઓ વેચીએ છીએ. હવે હું દુઃખી અને તકલીફવાળી સ્ત્રીઓ માટે જ કામ કરીશ. મારું આ જ જીવન ધ્યેય છે.’

કેન્સરે અમૃતા અહલુવાલિયાના નૈતિક જુસ્સાને કમ થવા દીધો નથી. જે નાનકડી બાળકીના કારણે એ સ્ત્રીઓ માટે હેલ્પલાઈન શરૂ કરી એ અમૃતા અહલુવાલિયા એક પુસ્તક લખી રહી છેઃ ‘એક થી અમૃતા.’

અમૃતાને સલામ.

– દેવેન્દ્ર પટેલ