જ્યારે નટવર સિંહ, શશિ થરુર, અશોક ચવાણ, સુબોધકાંત સહાયને રાજીનામું આપવું પડયું હતું

આજે પ્રજાસત્તાક દિન છે. ભારતને પ્રજાસત્તાક થયે છથી વધુ દાયકા થયા. દિલ્હીમાં આજે ભવ્ય પરેડ થશે. એ પરેડ માટે સૌ કોઈને ગર્વ અને ગૌરવ થાય તેવો સ્પેક્ટેક્યુલર શો હશે, પરંતુ બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ ભારતે હજુ ગરીબીમાંથી આઝાદી મેળવવાની બાકી છે, ભારતે હજુ કોમવાદ અને જ્ઞાતિવાદથી આઝાદી મેળવવાની બાકી છે. ભારતે હજી બેરોજગારીમાંથી આઝાદી મેળવવાની બાકી છે અને સૌથી મોટી વાત એ કે ભારતે હજુ ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની બાકી છે.

ભ્રષ્ટાચાર અને વિકાસ

એક અમેરિકન અર્થશાસ્ત્રીએ એક વિવાદાસ્પદ વિધાન કરેલું છે કે, કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે ભ્રષ્ટાચાર પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જોકે બધા લોકો આ વિધાન સાથે સંમત નહીં થાય, પરંતુ એક વાત સ્વીકારવી પડે કે, લોકતંત્ર એ ધીમી પ્રક્રિયાવાળી વહીવટી પદ્ધતિ ધરાવે છે. તમારે એક એરપોર્ટ બનાવવું છે તો તે અંગેના પ્લાન્સ બનાવવાથી માંડી, અધિકારીઓની ટેબલે ટેબલે ફરીને લેવી પડતી મંજૂરી, મંત્રીની મંજૂરી, નાણાં વિભાગની મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયાથી માંડીને વર્ક ઓર્ડરની પ્રક્રિયા મહિનાઓ લઈ શકે છે. હવે તમે દરેક ટેબલ પર ‘વ્યવહાર’ કરી દો તો એ કામ કેટલું ઝડપી પૂરું થાય ? જે તે શહેરને કેટલું વહેલું એરપોર્ટ મળે? થઈ શકે ને ઝડપી વિકાસ ?

પાછલાં પ્રકરણો

ભારતમાં આજ સુધી આવેલી એક પણ સરકાર એવી નથી કે જેમાં કોઈ ને કોઈ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ થયો ન હોય. જવાહરલાલ નહેરુના સમયમાં પણ એ વખતના સંરક્ષણ મંત્રી વી. કે. કૃષ્ણમેનન પર ઇંગ્લેન્ડથી લશ્કર માટે જીપો ખરીદવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. નહેરુ એમાં જવાબદાર નહોતા, પણ કૃષ્ણમેનને તેમને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. એ પછી મુંદ્રા અને ધર્મ તેજા પ્રકરણ ઊછળ્યું હતું. વાજપેયીજીની સરકાર વખતે કારગિલના યુદ્ધ વખતે કોફિન પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. યુપીએની સરકાર વખતે ટુજી સ્પેક્ટ્રમ પ્રકરણ ચમક્યું હતું. લાલુ પ્રસાદ પર ઘાસચારા કૌભાંડનો આરોપ હતો. તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા પર આવક કરતાં વધુ સંપત્તિના આરોપો મૂકાયા હતા. મુલાયમસિંહ પણ આવા આરોપોથી બાકાત નથી. મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. હાલ મધ્ય પ્રદેશમાં વ્યાપમં કૌભાંડ પણ ચર્ચામાં રહ્યું. તે પછી લલિત મોદી પ્રકરણ બજારમાં આવ્યું. દિલ્હીમાં કેજરીવાલની સરકારના એક મંત્રી દ્વારા ઓટો પરમિટનું પ્રકરણ વિવાદમાં આવ્યું. કેજરીવાલે કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલી પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી તેમના રાજીનામાંની માગણી કરી છે.

આજે દેશમાં અને દિલ્હીમાં જે થઈ રહ્યું છે એમાં ફરક એટલો જ છે કે, યુપીએ સરકાર વખતે આરોપો મૂકનારા બચાવની સ્થિતિમાં છે અને એ વખતે બચાવ કરનારા આજે આરોપો મૂકી રહ્યા છે. યુપીએ સરકારના ૧૦ વર્ષના વહીવટ દરમિયાન વિરોધ પક્ષના દબાણના કારણે છ જેટલા મંત્રીઓએ અને એક મુખ્યમંત્રીએ રાજીનામાં આપી દેવા પડયા હતા.

નટવર સિંહ

તા. ૬ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ કેન્દ્રના વિદેશમંત્રી નટવર સિંહે યુએનના ઇરાક ખાતેના ઓઈલ ફોર ફૂડ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે કેટલોક ફાયદો ઉઠાવ્યાના આરોપ હેઠળ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. એ વખતે નટવર સિંહે કહ્યું હતું કે, “મારા કારણે સંસદ ચાલે જ નહીં એમ હું થવા દેવા માગતો નથી. તેથી હું રાજીનામું આપી દઉ છું.” પરંતુ સાચું કારણ એ હતું કે, પક્ષમાંથી જ ઉપરથી આવેલા દબાણના કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

શશિ થરુર

તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૦ના રોજ કેન્દ્ર સરકારના જુનિયર વિદેશમંત્રી શશિ થરુરે પણ એવા જ બીજા એક કારણસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આઈપીએલમાં કોચી ફ્રેન્ચાઈઝ અંગે ખોટી રીતે મદદરૂપ થવાનો આરોપ હતો. તેમનાં પત્ની સુનંદા થરુર એ કોર્ન્સોિટયમનાં સભ્ય હતાં. જોકે, આ અંગે કોઈ જ કેસ કરવામાં આવ્યો નહોતો. એ વખતે સંસદમાં નાણાં બિલ અટવાઈ પડે તેમ લાગતા ઉપરના દબાણના કારણે તેમને રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. એ પછી કેટલાક સમય બાદ તેમનાં પત્ની સુનંદા થરુરનું એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયું.

અશોક ચવાણ

મહારાષ્ટ્રના એ વખતના મુખ્યમંત્રી અશોક ચવાણે પણ તા. ૯ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપી દીધું હતું. તેમની પર આરોપ હતો કે, આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમણે ગેરકાયદે વધારાના ફ્લોરની મંજૂરી આપી હતી. આ કેસ અંગે ચાર્જશીટ થયેલી છે. હજુ કેસનો કોઈ નિકાલ આવ્યો નથી.

સુબોધકાંત સહાય

તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ કેન્દ્રના પ્રવાસન ખાતાના મંત્રી સુબોધકાંત સહાયને પણ ભ્રષ્ટાચારના મુદ્દે રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર વિરોધ પક્ષનો આરોપ હતો કે, તેમણે તેમના ભાઈ જે ખાનગી કંપનીમાં ડાયરેક્ટર હતા તે કંપનીને કોલ બ્લોક આપવાની ભલામણ કરી હતી. સીબીઆઈએ એ કેસમાં સુબોધકાંત સહાય કે તેમના ભાઈના નામનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો નથી.

અશ્વિની કુમાર

તા. ૧૦ મે, ૨૦૧૩ના રોજ કેન્દ્રના કાયદામંત્રી અશ્વિની કુમારને પણ રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. તેમની પર આરોપ હતો કે જે કેસ સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ હતો તેવા કોલગેટની તપાસને તેમણે પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. તેમની સામે કોઈ કેસ થયો નથી.

પવનકુમાર બંસલ

એવી જ રીતે યુપીએ સરકારના એ વખતના રેલવેમંત્રી પવનકુમાર બંસલે પણ ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજીનામું આપી દીધું હતું. તેમની સામે આરોપ હતો કે, રેલવેના અધિકારીઓની બઢતી માટે તેમના એક ભત્રીજાએ લાંચ લીધી હતી. આ પ્રકરણ અંગે સીબીઆઈએ કેસ કરેલો છે જેમાં તેમની ભત્રીજો એક આરોપી છે.

આ બધાં તો ભૂતકાળનાં પ્રકરણો છે. હવે એ વખતે જે સત્તા પક્ષ હતો તેઓ સુષમા સ્વરાજ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણને પણ લક્ષ્ય બનાવી રહ્યો છે. ભાજપના જ નેતા ર્કીિત આઝાદ ભાજપના જ એક મંત્રી પર ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે દિલ્હીમાં જંતરમંતર પર ધરણાં કરનાર અણ્ણા હઝારે ચૂપ છે. બાબા રામદેવ ચૂપ છે. કિરણ બેદી ચૂપ છે. લાગે છે કે, તેઓ પણ અમેરિકાના અર્થશાસ્ત્રીની એ વિવાદાસ્પદ વાત સંમત છે કે, દેશના ઝડપી વિકાસ માટે ભ્રષ્ટાચાર જરૂરી છે.

ભ્રષ્ટાચારથી દેશનો વિકાસ કરી શકાય એ વિચાર સાથે અમે સંમત નથી.