તેઓ સાચેસાચ વિદ્વાન હતા. બ્રાહ્મણ હતા. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આખા યે વિસ્તારમાં તેઓ પંડિત તરીકે ઓળખાતા હતા. અનેક લોકો તેમનું માર્ગદર્શન લેવા આવતા. આટલું જ્ઞાાન ઓછું લાગતાં તેઓ શાસ્ત્રોના વધુ અભ્યાસાર્થે કાશી ગયા. બે વર્ષ સુધી કાશીમાં અધ્યયન કરી પાછા ફર્યા. એક દિવસ કોઈએ તેમને પૂછયું: ”પંડિતજી ! પાપનો પિતા કોણ?”
પ્રશ્ન સાંભળી પંડિતજી વિચારમાં પડી ગયા. તેમણે પુણ્ય અને પાપ વિશે અભ્યાસ કર્યો હતો પરંતુ પાપના પિતા કોણ એ વાત જાણતા નહોતા. કોઈ ગ્રંથમાં આવો સવાલ અને જવાબ લખવામાં આવ્યો ન હતો. તેઓ ફરી બધા ધર્મગ્રંથો જોઈ ગયા પરંતુ પાપનો બાપ કોણ એ વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ નહોતો. પંડિત વિદ્યાસાગર જેટલા વિદ્વાન હતા એટલા જિજ્ઞાાસુ પણ હતા. પંડિતજી આ પ્રશ્નનો ઉત્તર પામવા ફરી કાશી ગયા.
કેટલાયે દિવસોે સુધી વિદ્યાઓનું કેન્દ્ર ગણાતા કાશીમાં રોકાયા. કેટલાયે વિદ્વાનોને મળ્યા પરંતુ તેમના મગજમાં ઉતરે એવો જવાબ મળ્યો નહીં.
તેમણે કાશી છોડી દીધું.
બીજાં અનેક તીર્થો પર ગયા. બીજા અનેક વિદ્વાનોને મળ્યા, પરંતુ તેમને સંતોષજનક ઉત્તર મળ્યો નહીં.
આ રીતે ફરતાં ફરતાં એક દિવસ તેઓ પૂના પહોંચ્યા. પૂનામાં એક દિવસ તેઓ સદાશીવ પેઠ વિસ્તારમાં ફરી રહ્યા હતા. એ વખતે અહીં એક વિશાળ હવેલીના ઝરૂખામાં વિલાસિની નામની એક રૂપજીવિની બેઠેલી હતી. એની નજર પંડિત વિદ્યાસાગર પર પડી. પંડિતજીના લલાટ પર વિદ્વતાનું તેજ હતુ પરંતુ તેમનો ચહેરો ઉદાસ જોઈ તેની જિજ્ઞાાસા વધી ગઈ. એના મનમાં દ્વિધા થઈ કે, આ માણસ લાગે છે તો વિદ્વાન તો તે ઉદાસ કેમ ?
વિલાસિનીએ તેની દાસીને બોલાવીને કહ્યું: ‘જા… પેલા પંડિતજીને પ્રેમથી પૂછ કે તેઓ ઉદાસ કેમ છે ?”
દાસી નીચે ઊતરી સીધી પંડિત વિદ્યાસાગર પાસે પહોંચી. એણે પંડિતજીને પૂછયુઃ ”મહારાજ! મારી સ્વામિની પૂછે છે કે આપ આટલા ઉદાસ કેમ છો ?”
પંડિત વિદ્યાસાગરે નમ્રતાથી કહ્યું: ”દેવી! મને ના તો કોઈ રોગ છે કે ના તો કોઈ તકલીફ કે ના તો કોઈ લાલસા. તમે તમારી સ્વામિનીનીને કહો કે, તે મારી કોઈ સહાયતા કરી શકે તેમ નથી કારણ કે આ તો શાસ્ત્રીય સમસ્યા છે.”
દાસી બોલીઃ ”આપને કોઈ તકલીફ ના હોય તો આપની શાસ્ત્રીય સમસ્યા મને કહેશો?”
પંડિતજીએ તેમનો પ્રશ્ન દોહરાવ્યો.
દાસી જતી રહી. પંડિત વિદ્યાસાગર આગળ વધ્યા. દાસી તેની સ્વામિની પાસે ગઈ અને પંડિતજીના મનમાં ”પાપનો પિતા કોણ ?” એ વિશેની દ્વિધા હતા તે પ્રશ્ન ફરી દોહરાવ્યો. સ્વામિની વિલાસિનીએ દાસીને કહ્યું: ”તું પાછી જા અને પંડિતજીને બોલાવી લાવ. એમને કહેજે કે તમારા પ્રશ્નનો ઉત્તર સાવ સરળ છે. હું તેમના પ્રશ્નનો જવાબ આપી શકું તેમ છું.”
દાસી પંડિતજીને હવેલીમાં બોલાવી લાવી. વિલાસિનીએ તેમનું ફળાહારથી સ્વાગત કરતાં કહ્યું: ”પંડિતજી! તમારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે. પરંતુ તે માટે તમારે મારી હવેલીમાં થોડા દિવસ રોકાવું પડશે.”
પંડિત વિદ્યાસાગર આમેય કાશી સહિત અનેક તીર્થો પર ફરીને આવ્યા હતા. જ્ઞાાનની પ્રાપ્તિ થતી હોય તો અહીં રોકાવામાં પણ કોઈ વાંધો નથી એમ વિચારી તેમણે હા પાડી. તેમણે શરત મૂકી કે, ”હું અલગ ભવનમાં રહીશ.”
વિલાસિનીએ પંડિત વિદ્યાસાગરને રહેવા માટે અલગ ભવનની વ્યવસ્થા કરી દીધી. રૂપજીવિની સમૃદ્ધ અને સુખી હતી. અલગ ભવનમાં તમામ પ્રકારની સુવિધા એેણે ઉપલબ્ધ કરાવી દીધી.
પંડિત વિદ્યાસાગર રૂઢીવાદી બ્રાહ્મણ હતા. સ્વયં જલ ભરીને લાવતા હતા અને પોતાની રસોઈ જાતે જ બનાવી લેતા હતા. વિલાસિની રોજ સવારે તેમને પ્રણામ કરવા આવતી હતી.
એેક દિવસ વિલાસિનીએ કહ્યું: ”ભગવન્ ! આપ સ્વયં અગ્નિની સન્મુખ બેસીને ભોજન બનાવો છો, આપને ધુમાડો લાગે છે. આપની તકલીફ જોઈ મને કષ્ટ થાય છે. અગર આપની અનુમતિ હોય તો હું સ્વયં રોજ સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપના માટે ભોજન બનાવું ? આપ તો મારા અતિથિ છો ?”
પંડિત વિદ્યાસાગર હજુ કાંઈ વિચારે તે પહેલાં વિલાસિની ફરી બોલીઃ ”અગર આપ મને આવી સેવા કરવાની તક આપશો તો હું રોજ આપને દસ સુવર્ણ મુદ્રાઓ દક્ષિણા તરીકે આપીશ. આપ બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તપસ્વી છો. મને આપની સેવા કરવાની તક આપીને મારા જેવી અપવિત્ર પાપિણીનો ઉદ્વાર કરો. મારી પર આટલી કૃપા કરો.”
પંડિત વિદ્યાસાગરને ભગવાને અહલ્યાના કરેલા ઉધ્ધારનો કિસ્સો યાદ આવી ગયો. રૂપજીવિનીની નમ્ર પ્રાર્થનાનો તેમના સરળ પ્રકૃતિ પર ભારે અસર થઈ. પહેલાં તો એ પ્રસ્તાવ સ્વીકારતાં તેમને સંકોચ થયો પરંતુ રસોઈ બનાવતી વખતે થતા ધુમાડાથી મુક્તિ અને દક્ષિણા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું: ‘એમાં,વાંધા જેવું કાંઈ નથી. આ બિચારી પ્રાર્થના જ કરી રહી છે અને આમેય તે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભોજન બનાવવાની છે ને ! વળી દસ સુવર્ણ મુદ્રાઓ પણ મળવાની છે. તેમાં કોઈ પાપ થતું હશે તો પ્રાયશ્ચિત કરી લઈશ.”
પંડિત વિદ્યાસાગરે રૂપજીવિનીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસે વિલાસિની સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પંડિત વિદ્યાસાગરના ભવનમાં આવી. રસોઈકક્ષમાં ગઈ. તેણે પંડિતજી માટે શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દેવતાના ચરણ ધોયા. સુંદર આસન બીછાવ્યું. ચાંદીના પાત્રમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસ્યાં.
પંડિત વિદ્યાસાગરે જોયંુ તો તેમની સામેનો થાળ ભવ્ય અને રસદાર લાગતો હતો. વિલાસિનીએ પોતાના હાથે એ થાળ પંડિતજીની સન્મુખ મૂક્યો. પરંતુ પંડિત વિદ્યાસાગરે જેવો થાળમાં હાથ નાંખવા પ્રયાસ કર્યો તેવો જ રૂપજીવિનીએ એ થાળ પોતાની તરફ ખેંચી લીધો.
પંડિત વિદ્યાસાગર એમ કરવાનું કારણ સમજી શક્યા નહીં. તેઓ એક પ્રશ્નાર્થભરી દૃષ્ટિથી વિલાસિનીને જોઈ રહ્યા. પંડિત ચક્તિ હતા.
રૂપજીવિનીએ કહ્યું: ‘મને ક્ષમા કરો, પંડિતજી ! કર્મનિષ્ઠ બ્રાહ્મણને હું આચારચ્યુત કરવા માગતી નથી. હું તો માત્ર આપના પ્રશ્નનો ઉત્તર જ આપવા માગતી હતી. મારો ઉત્તર એ છે કે જે પંડિત બીજાનું લાવેેલું જળ પણ પોતાનું ભોજન બનાવવા યોગ્ય લેખતો નથી, જે પંડિત શાસ્ત્રજ્ઞા છે, જે વ્યક્તિ સદાચારી બ્રાહ્મણ છે તે જ વ્યક્તિ એક રૂપજીવિનીના વશમાં આવીને એક પાપિણીના હાથે બનાવેલું ભોજન અને દક્ષિણા લેવા તત્પર થઈ ગયો છે તે એક લોભ છે અને લોભ જ પાપનો પિતા છે.”
રૂપજીવિનીની વાણી સાંભળી સાંભળી પંડિત વિદ્યાસાગર શૂન્ય મનસ્ક થઈ ગયા તેમને બહુ જ ગ્લાનિ થઈ, પરંતુ તેમને તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો. આ તેમના માટે પ્રસન્નતાની વાત હતી. પાપનો પિતા લોભ છે તે વાત તેઓ સમજી ગયા હતા.
રૂપજીવિનીએ પંડિત વિદ્યાસાગરની વારંવાર ક્ષમા માંગી. પંડિતજીએ તેની સરળતા, નિર્દોષ ભાવ અને નિષ્પક્ષતાની સરાહના કરી.
પ્રસન્નચિત્ત પંડિત વિદ્યાસાગર રૂપજીવિનીએ બક્ષેલા જ્ઞાાનને માથે ચડાવી પોતાના ગામ તરફ રવાના થયા.
Comments are closed.