બાલ્ઝાર્કે કહ્યું છે : Behind every great fortune there is a crime.
ભારતે પેદા કરેલા બે ડોન વિશાળ સંપત્તિના માલિક છે, પણ તેમની તે વિશાળ સંપત્તિ ગુનાખોરીની પેદાશ છે. આ બે ડોન પૈકી એક છે છોટા રાજન અને બીજો છે દાઉદ ઈબ્રાહિમ. ડોન દાઉદનો કટ્ટર દુશ્મન પણ છેવટે તો ડોન તો ખરો જ. છોટા રાજન છેલ્લા બે દાયકાથી ફરાર હતો અને અચાનક ઇન્ડોનેશિયાના શહેર બાલીમાંથી કેવી રીતે પકડાયો ? તે રહસ્ય ઘણાંને સમજાતું નથી. ઘણાં કહે છે કે, તેને ડોન દાઉદ પતાવી દેશે તેવો તેને ખતરો હતો. કેટલાક કહે છે તે જાતે જ શરણે આવ્યો છે. કેટલાક કહે છે કે, તેની બંને કિડની ફેલ થઈ ગઈ હોઈ સલામતીના વાતાવરણમાં તેની પર કિડનીનું પ્રત્યારોપણ થઈ શકે તે માટે તેણે ભારતના શરણે આવવાનું પસંદ કર્યું છે.
હકીકત એ છે કે, તે ઇન્ડોનેશિયાના બાલીમાંથી તો હમણાં પકડાયો, પરંતુ તેનું કાઉન્ટડાઉન તો ગયા એપ્રિલ માસથી જ શરૂ થઈ ગયું હતું. કહેવાય છે કે, કોઈ અજ્ઞાત વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની પોલીસને જાણ કરી દીધી હતી કે, ડોન છોટા રાજન મોહનકુમાર નામના બનાવટી નામે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે મોહનકુમાર એવા બનાવટી નામે પાસપોર્ટ બનાવરાવી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી લીધો છે. જાણકાર વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાની પોલીસને એ વાતની જાણકારી પણ આપી હતી કે, તે ખતરનાક અપરાધી છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. ઓસ્ટ્રેલિયા ચાહત તો ડોન છોટા રાજનને પકડીને સીધો ભારતના હવાલે કરી શક્યું હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાને ડર હતો કે, ખતરનાક ગુનેગાર ઓસ્ટ્રેલિયામાં છુપાયો છે અને ઓસ્ટ્રેલિયામાંથી તેની ધરપકડ થઈ છે તેવા સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસારિત થાય તો તેના ટૂરિઝમ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ કારણથી ઓસ્ટ્રેલિયાની પોલીસે છોટા રાજન સહીસલામત ઓસ્ટ્રેલિયાની બહાર નીકળી જાય તેની વ્યવસ્થા ગોઠવી દીધી. આ યોજના અનુસાર છોટા રાજને જેવી ઇન્ડોનેશિયા જવાની ફ્લાઈટ પકડી તેની સાથે જ ઓસ્ટ્રેલિયાની પોલીસે ઈન્ટરપોલના મારફતે ઈન્ડોનેશિયાની પોલીસને ફ્લાઈટ નંબર સાથે જાણ કરી દીધી. દુનિયા સમજી કે ઇન્ડોનેશિયા પોલીસે મોટી ધાડ મારી, પરંતુ હકીકતમાં એ મુત્સદ્દીગીરી ઓસ્ટ્રેલિયાની સરકારની હતી. બાલીમાં પકડાઈ ગયા બાદ છોટા રાજન ઇન્ડોનેશિયા માટે પણ એક જવાબદારી હતી ઈન્ડોનેશિયા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ ના હોવા છતાં તે આ ખતરનાક ગુનેગારને તેના ઘરમાં રાખવા તૈયાર નહોતું. તેથી આંતરરાષ્ટ્રીય નીતિના અન્ય મિકેનિઝમ હેઠળ તેણે ભારતની પોલીસને બોલાવી ભારતનો ડોન ભારતને સોંપી દીધો.
છોટા રાજન જે પાસપોર્ટ પર પકડાઈ ગયો ને એણે ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીમાં બનાવ ટાળ્યો હતો. એ વખતે પણ તે ઇન્ડોનેશિયામાંથી પકડાયો હતો. ઈન્ડોનેશિયાની પોલીસે તેને ઝિમ્બાબ્વે મોકલવાનું ગોઠવ્યું. કહેવાય છે કે, સિડનીમાં બનાવટી પાસપોર્ટ બનાવડાવ્યો તે પૂર્વે છોટા રાજને હરારેમાં તેનો બનાવટી પાસપોર્ટ બનાવરાવ્યો હતો અને એ પાસપોર્ટ પર તે કેટલાક સમય સમયના અંતરાલમાં ઝિમ્બાબ્વેમાં જ રહ્યો. મુંબઈની ક્રાઈમ બ્રાંચ પોલીસના મંતવ્ય મુજબ છોટા રાજને પહેલો નકલી પાસપોર્ટ ૧૯૮૪માં અને બીજો પાસપોર્ટ ૧૯૮૮માં બનાવરાવ્યો હતો. છોટા રાજને મોહનકુમાર નામનો બનાવટી પાસપોર્ટ હઝારેમાં બન્યો હોવાનું મનાય છે. બાલીમાં તેનું લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. છોટા રાજનની વિરુદ્ધમાં મુંબઈમાં ૭૫ જેટલા કેસો છે તેમાંથી ૨૫ કેસ મકોકા, પોટા અને ટાડા હેઠળ છે. ડોન છોટા રાજનની ધરપકડ બાદ પાકિસ્તાને ડોન દાઉદ ઇબ્રાહિમની સુરક્ષામાં વધારો કરી દીધો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડાભોલ એક કાબેલ અધિકારી છે. તેઓ જેમ્સ બોન્ડ જેવું કોઈ પણ ઓપરેશન હાથ ધરી શકવાની ક્ષમતા ધરાવે છે. એક વાર ડોન દાઉદ ભારતના હાથમાં આવી જાય તો પાકિસ્તાને ભારત વિરોધી જે જે ભયાનક કૃત્યો કરાવ્યાં છે તે બધાં જ જાહેર થઈ જવાનો ડર પાકિસ્તાનને સતાવે છે. કહેવાય છે કે, ડોન દાઉદ ઈબ્રાહિમ કરાંચીના ક્લિફ્ટન પાર્કમાં રહે છે. આ એક પોશ ઇલાકો છે. દાઉદની સુરક્ષા પાકિસ્તાનની સરકારે અત્યંત જટિલ તાલીમ પામેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના અધિકારીઓને સોંપી છે તેમાં કેટલાક પાકિસ્તાનના ગુપ્તચર સંસ્થાના નિવૃત્ત એજન્ટ્સ પણ છે. ડોન દાઉદની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પાસે છે.
ડોન દાઉદ ઇબ્રાહિમ મુંબઈમાં રહેતા તેના પરિવારના કેટલાક ગેંગસ્ટર્સ સાથે નિયમિત ટેલિફોનિક સંપર્ક કરતો રહે છે. તેની પર ભારત સરકારની ગુપ્તચર એજન્સીઓ પણ નજર રાખી રહી છે. કહેવાય છે કે, ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની કોટન મિલો પર માલિકી ધરાવે છે. એનું કારણ એ પણ છે કે,પાકિસ્તાનમાં કોટન મિલો સ્થાપવાનું કામ પણ તેણે જ કર્યું હતું. ડોન દાઉદ હજારો કરોડની મુંબઈમાં કાપડની મિલો બંધ પડી ગઈ તે પછી એ બંધ મિલોની મશીનરી તે ભંગારના નામે પાકિસ્તાન લાવ્યો હતો અને મશીનરીથી એણે પાકિસ્તાનમાં કાપડની મિલો ઊભી કરી હતી. ડોન દાઉદ હજારો કરોડની સંપત્તિનો માલિક છે. તેણે ભારત, પાકિસ્તાન અને દુબઈમાં રિયલ એસ્ટેટમાં મોટાં રોકાણો કરેલા છે. કરાંચી અને મુંબઈના શેરબજારમાં પણ તેનાં મોટાં રોકાણો છે. આ ઉપરાંત તે કેટલીક પેટા કંપનીઓના નામે પશ્ચિમ એશિયા અને સેન્ટ્રલ એશિયાના કેટલાક દેશોમાં કાર્યરત તેલના કૂવાઓની પેઢીઓના શેરોમાં તે મોટો હિસ્સો ધરાવે છે. માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ કેટલાંક સમય પહેલાં યુરોપ ગયો હતો તે વખતે ભારતની ગુપ્તચર સંસ્થાઓએ તેનો સર્વેલન્સ દ્વારા પીછો કરતાં તે સાવધ થઈ ગયો હતો અને તે પછી તેણે પાકિસ્તાનમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે એમ ભારતીય ગુપ્તચર એજન્સીઓ માની રહી છે.
ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં પનાહ લઈને બેઠો છે પરંતુ પાકિસ્તાનમાં રહીને જ રિમોટ કંટ્રોલથી તે ભારતમાં તેનો ધંધો સંભાળે છે. ડોન છોટા રાજનને બાલીથી મુંબઈ લઈ જવાના બદલે સીધો દિલ્હી લઈ જવાયો તેનું એક કારણ હતું કે, મુંબઈમાં આજે પણ ડોન દાઉદનું નેટવર્ક હયાત છે. ખુદ છોટા રાજને એવો આક્ષેપ કર્યો છે કે મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓ ડોન દાઉદના પે રોલ પર છે. એ લોકો જ છોટા રાજનને મુંબઈમાં પતાવી દે તેવી ભીતિ છોટા રાજનને છે. છોટા રાજન સામે ૭૦ જેટલા કેસો મુંબઈમાં હોવા છતાં એ બધા જ કેસો સીબીઆઈને ટ્રાન્સફર આ કારણે જ કરી દેવાયા.
હજુ હમણાં સુધી ડોન દાઉદની બહેન હસીના પારકર મુંબઈમાં રહી દાઉદ ઈબ્રાહિમનો મુંબઈ ખાતેનો તમામ ગેરકાયદે બિઝનેસ સંભાળતી હતી. તા. ૬,જુલાઈ ૨૦૧૪ના રોજ હસીના પારકરનું ૫૧ વર્ષની વયે મુંબઈમાં મૃત્યુ નીપજ્યું. હસીના પારકર લેડી ડોન તરીકે જાણીતી હતી. તેના પરિવારમાં તે ‘આપા’ના નામથી જાણીતી હતી. દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ તે મુંબઈના ડોંગરી વિસ્તારના નાગાપાડાના ગાર્ડન વિસ્તારમાં રહેતી હતી. ૧૯૯૧માં અરુણ ગવળીએ તેના પતિ ઈસ્માઈલ પારકરની ડોંગરીમાં જ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. પતિના મૃત્યુ બાદ હસીના પારકરને ડી- કંપનીમાં સામેલ કરી દેવામાં આવી હતી. એણે જલ્દી ડોનના બિઝનેસ પર કાબૂ મેળવી લીધો હતો. એની ઝડપ માટે એક કિસ્સો જાણીતો છે. એકવાર એક ભવ્ય ઈમારતમાં એક એપાર્ટમેન્ટ જોવા ગઈ. એ એપાર્ટમેન્ટ એને પસંદ આવ્યો એ બિલ્ડિંગના ૭મા માળે રહેતા બીજા તમામ રહીશોને માત્ર અડધો જ કલાકમાં જ તેમના એપાર્ટમેન્ટ ખાલી કરી બહાર રવાના કરી દીધા હતા. એક પણ રહીશે હસીના સામે ફરિયાદ કરવાની હિંમત કરી નહોતી. એ પછી નાગાપાડા વિસ્તારના ગોર્ડન હાઉસનો આખોયે સાતમો માળ હસીના પારકરની માલિકીનો બની ગયો હતો. હસીના અહીં રહેવા આવી તે પછી દાઉદ ઈબ્રાહિમના ગેંગના માણસોએ એ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દીધો હતો. હસીના ‘ગોડ મધર ઓફ નાગપાડા’ તરીકે પણ જાણીતી હતી.
મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે દાઉદ ઈબ્રાહિમે તેની ૪૫ જેટલી બેનામી મિલકતોને હેન્ડલ કરવાનું કામ હસીના પારકરને સોંપ્યું હતું. હસીના આ ઉપરાંત દાઉદ માટે ખંડણીનો બિઝનેસ, બોલીવુડની ફિલ્મોનો ઓવરસીઝ બિઝનેસ, હવાલા બિઝનેસ અને ટીવી કેબલ બિઝનેસ પણ સંભાળતી હતી. મોટી પ્રોપર્ટીઓના ઝઘડામાં મધ્યસ્થ બનીને તે વિવાદોનો ઉકેલ લાવવાનું અને તે કામ કરવા બદલ મોટી ફી વસૂલ કરવાનું કામ પણ હસીના પારકર કરતી હતી.
હસીના પારકર ધારવા કરતાં ખૂબ ચાલાક હતી. તે પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સીધો સંપર્ક રાખતી નહોતી. તેનો દાઉદ સાથે સીધો ટેલિફોનિક સંપર્ક નહીંવત્ હતો જેથી તે ગુપ્તચર ખાતાના સર્વેલન્સમાં આવી ના જાય. આ કારણથી હસીના તેના વિશ્વાસુ માણસો અને સંદેશાવાહકો દ્વારા જ ડોન દાઉદના સંપર્કમાં રહેતી. મુંબઈ પોલીસમાં હસીના પારકર સામે છેતરપિંડી અને ખંડણીનો એક જ કેસ હતો. હસીના પારકર જીવી ત્યાં સુધી ખુલ્લેઆમ મુંબઈની પોલીસના નાક નીચે ડોન દાઉદનો બિઝનેસ સંભાળતી રહી અને પોલીસે તેને પકડવાની હિંમત જ ના કરી. ડોન દાઉદ ઈબ્રાહિમનો આટલો દબદબો જો આજે મુંબઈમાં હોય તો ડોન છોટા રાજને ડોન દાઉદ ઈબ્રાહિમથી ડરવા માટે પૂરતા કારણો છે. ડોન દાઉદ ઇબ્રાહિમ અને ડોન છોટા રાજન કોઈ જમાનામાં મિત્રો હતા. આજે એકબીજાના જાની દુશ્મન છે. ૧૯૮૭માં છોટા રાજનનાં લગ્ન થયા ત્યારે ડોન દાઉદ ઇબ્રાહિમે ખાસ હાજરી આપી હતી. અંડરવર્લ્ડની દુનિયામાં પણ રાજકારણીઓ જેવું જ હોય છે. રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી એ વાત અંડરવર્લ્ડને પણ લાગુ પડે છે. રાજનીતિ કે અંડરવર્લ્ડમાં હૃદય, લાગણી કે સંવેદનને કોઈ સ્થાન નથી. અમેરિકન લેખક મારિઓ પુઝો લિખિત નવલકથા ‘ધ ગોડફાધર’ વાંચી લેજો અથવા એ જ શીર્ષક હેઠળની ફિલ્મ નિહાળી લેજો.
Comments are closed.