‘રાજનીતિમાં કોઈ કોઈનું કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનું કાયમી દુશ્મન હોતું નથી. એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર એકબીજાના શત્રુ હતા,પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એક થઈ ગયા. એક જમાનામાં ભાજપ અને શિવસેના એકબીજાનાં સહોદર હતા આજે તેમનો સંબંધ બહારથી સાથી જેવો પણ ભીતરથી શત્રુ જેવો છે. અંગ્રેજીમાં તેને ‘એનિમી વિધીન’ કહે છે. દરેક પોલિટિકલ પાર્ટીમાં આવું હોય છે જ. કોંગ્રેસની ભીતર પણ આવું છે અને ભાજપની ભીતર પણ આવું જ છે.
એક જમાનાના કાર્ટૂનિસ્ટ બાળાસાહેબ ઠાકરે શિવસેનાના સ્થાપક અને સુપ્રીમો હતા. તેમના અવસાન પછી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના આજે સર્વેસર્વા છે. શિવસેના આજે એનડીએનો એક હિસ્સો છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં તે ભાજપના સહયોગી પક્ષ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાએ તાજેતરમાં પાકિસ્તાની ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ થવા ના દીધો. તે પછી પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી કસૂરીના પુસ્તક વિમોચનના કાર્યક્રમના આયોજક સુધીન્દ્ર કુલકર્ણીના મોં પર કાળો રંગ લગાવી જે તાયફો કર્યો તેથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. દેખીતી રીતે જ આવી ઘટનાઓથી ભારતીય સમાજની અસહિષ્ણુતાનો ખરાબ સંદેશ દુનિયાભરમાં જાય તો તેથી ભારતની છબી બગડે તે સ્વાભાવિક છે. શિવસેનાનાં આ કૃત્યોથી મહારાષ્ટ્રની ભાજપ સરકારે અને કેન્દ્ર સરકારે અંતર જાહેર કર્યું.
એ પછી એમ લાગતું હતું કે, શિવસેના હવે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર સાથે અને કેન્દ્રની એનડીએ સરકાર સાથેનો છેડો ફાડી નાખશે, પણ તેમ ના થયું. તાજેતરમાં જ દશેરાના દિવસે મુંબઈમાં યોજાયેલી એક વિશાળ રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “અમે મહારાષ્ટ્રની સરકાર કે કેન્દ્રની સરકારથી અલગ થવાના નથી, પરંતુ એમની સાથે ક્યાં સુધી રહેવું તે ભવિષ્યમાં નક્કી કરીશું”, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ જે ભાષણ આપ્યું તેથી ભારતીય જનતા પાર્ટીને અંદરથી રાહત થાય એમ લાગતું નથી. ઉદ્ધવ ઠાકરે ૪૫ મિનિટના પ્રવચનમાં તેમણે તે તણખા વેર્યા તે જોતાં લાગે છે કે, તેઓ અંદર ભાજપ માટે કાંટો બનીને રહેશે. ઉદ્ધવ ઠાકરેનું પ્રવચન સહયોગી સાથી તરીકે ઓછું અને અંદર જ બેઠેલા વિરોધ પક્ષ તરીકે વધુ હતું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “આ બધા ગાય જેવા વિષય પર શું બોલ્યા કરે છે ? દેશમાં વધી રહેલી મોંઘવારી પર કેમ બોલતા નથી ? મહારાષ્ટ્રના ભાજપના વડા રાવસાહેબે કહે છે કે, અમે પાકિસ્તાની ક્રિકેટર્સ અને એક્ટર્સને સલામતી પૂરી પાડીશું. બીજા દિવસે મેં અખબારોમાં વાંચ્યું કે, નાગપુરમાં તુવેરની દાળની ચોરી થઈ. મહારાષ્ટ્ર સરકાર તુવેરની દાળને સલામતી કેમ પૂરી પાડતી નથી ?”
ઉદ્ધવ ઠાકરેના આ ચાબખા સાંભળી શ્રોતાઓ જબરદસ્ત પ્રતિભાવ આપતા હતા. એ જ રીતે ઉદ્ધવ ઠાકરેએ દેશમાં વધી રહેલી મુસ્લિમોની સંખ્યા અંગે પણ કહ્યું : “આ લોકોની વસતી આમ જ વધતી રહેશે તો હિંદુસ્તાન અને હિંદુઓનું શું રહેશે ?”
ઉદ્ધવ ઠાકરે બોલ્યા : “પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીને ભારત બોલાવનાર સુધીન્દ્ર કુલકર્ણી રેડ મંકી જેવા છે. સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરવા બદલ અમને કોઈ ક્ષોભ નથી.” આ વિધાનમાં બીજું વિધાન ઉમેરતાં તેઓ રાજ ઠાકરે પર આડકતરો પ્રહાર કરતા બોલ્યા કે, “આ સિવાય બીજા ઘણા લાલ વાનરો અહીંતહીં ફરતા હશે. આ રેલી થાય જ નહીં તે માટે આટલામાં જ આંટા મારતા હશે.”
વાત એમ હતી કે ઉદ્ધવ ઠાકરેની રેલી શિવાજી પાર્કમાં હતી અને શિવસેનાથી છૂટા પડેલા રાજ ઠાકરે શિવાજી પાર્ક વિસ્તારમાં જ રહે છે.
એથી આગળ વધીને ઉદ્ધવ ઠાકરેએ વધુ સ્પષ્ટ થઈ કહ્યું : “લોકોના ઘરમાં ગાયનું માંસ શોધવાના બદલે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરો. એ લોકો (ભાજપ) કહે છે કે મંદિર (રામમંદિર) વહીં બનાયેંગે લેકિન કબ વહ બતાતે નહીં હૈં. ગાય પર જ બહસ શા માટે ? દેશમાં વધતી મોંઘવારી, ભાવવધારો અને ફુગાવા વિશે બોલે ને !”
શિવાજી પાર્કની એ સભામાં ઉદ્ધવ ઠાકરે માટે એક અલગ માઈક્રોફોનની સુવિધા રાખવામાં આવી હતી. છેલ્લી ઘડીએ તે કાર્યક્રમ ના થતાં બીજું માઈક્રોફોન લાવવું પડયું. આ ઘટના પર પણ વાર કરતાં શિવસેનાના સુપ્રીમોએ કહ્યું : “બે માઈક્રોફોન એકસાથે કામ કરતાં નથી. સ્પષ્ટ છે કે, અમે શિવસેનામાં ‘ડબલ સ્પીક’માં માનતા નથી.
ઉદ્ધવ ઠાકરેના આ બધા જ પ્રહાર ભાજપ અને શિવસેના વચ્ચેના ભીતરી અજંપાના દ્યોતક છે. ઉદ્ધવ ઠાકરેએ દાદરીની ઘટનાથી માંડીને દલિતોની હત્યા અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા જેમાં સરકારમાં તે ખુદ ભાગીદાર છે. તેમણે દેશમાં એક સમાન નાગરિક ધારો લાવવાનો વાયદો પણ યાદ અપાવ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે શિવસેનાએ તેના મોટા ભાઈ જેવા ભાજપને ઘણું નુકસાન કરવા પ્રયાસ કર્યો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વર્ષો પહેલાંની એક તસવીરવાળું હોર્ડીગ રસ્તા પર મૂક્યું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાળાસાહેબ ઠાકરે આગળ નમીને પ્રણામ કરતાં દેખાડવામાં આવ્યા. દેખીતી રીતે જ શિવસેનાની આ અયોગ્ય પ્રયુક્તિ વડા પ્રધાનને નીચા દેખાડવાની હતી. બગડેલા સબંધોની આ પરાકાષ્ઠા છે. ભૂતકાળમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે આવા લવ એન્ડ હેટના પ્રસંગો ઊભા થયા હતા, પરંતુ ગોપીનાથ મુંડે જેવા નેતાઓ બાળાસાહેબ ઠાકરે અને ભાજપ વચ્ચે સેતુ બનવાની ક્ષમતા ધરાવતા હતા. આજે એમની ખોટ વર્તાય છે.
શિવસેના અને ભાજપ વચ્ચેની આ રસ્સીખેંચની લડાઈ ૨૦૧૭ સુધી ચાલુ રહી શકે છે.
Comments are closed.