Devendra Patel

Journalist and Author

Author: Devendra Patel (Page 41 of 43)

મારા દિલની વાત એને કદીયે કહી શક્યો નહીં

એ આખીયે કોલેજની કિલકારી હતી અબુધ, અતાર્કિક અને નિર્દોષ પણ

એનું નામ ‘એની’ હતું.

તબીબી કોલેજના એક અધ્યાપક પાછલા વર્ષોની વાતને યાદ કરતાં કહે છેઃ “મેડિકલ કોલેજમાં આવેલી ‘એની’ એક દક્ષિણ ભારતીય વિદ્યાર્થિની હતી. આમ તો તે મેડિકલની સ્ટુડન્ટ હતી પરંતુ બીજી વિદ્યાર્થિનીઓ કરતાં સાવ નોખી, ભોળી, અબુધ અને નાદાન. તે હિન્દી પણ સાઉથ ઇન્ડિયન સ્પર્શવાળું બોલતી. ચાલુ ક્લાસે તે ક્યારે શુ પૂછશે તેનું અનુમાન કરી શકાતું નહીં. એકવાર મારા સાથી પ્રો. શર્મા વેકેશન પર જઇ રહ્યા હતા. તેમના પત્નીને પૂરા માસ જઇ રહ્યા હતા. એનીએ અચાનક જ બધાની વચ્ચે પૂછી નાંખ્યુ : “સર,મેડમ કા અંતિમ સમય ચલ રહા હૈ?”

બધા હસી પડયાઃ પ્રો. શર્માએ કહ્યું : “અંતિમ સમય નહીં પૂરા સમય ચલ રહા હૈ.”

એક વખત પ્રો. મહેતાના પિતાજીનું અવસાન થયું. ત્યારે પણ એની બોલી હતી : “સર, આપકા પિતાજી મર ગયા, બહોત દુઃખ હુઆ.” એનીની વાક્ય રચના સુધારતા મેં એને કહ્યું…. દેખો એની, ઐસા નહી બોલતે, તુમ્હે કહના ચાહિયે આપકે પિતાજી નહી રહે, સુનકર બહોત દુઃખ હુઆ.”

અને એનીનો હાથ પકડી મેં એને કહ્યું હતું : અબ ચલો યહાં સે.” મેં એને સાહસિકતાથી જ સ્પર્શ કર્યો હતો. એની વયસ્ક હતી. પ્રથમ સ્પર્શની અનુભૂતિ એક અમીટ છાપ છોડી દે છે. આવી એની આખાયે કલાસમાં એક તોફાન હતું. એની બેલગામ જબાનના કારણે રોજ ક્લાસમાં હાસ્યની કિલકારી થતી. સાડા ત્રણ વર્ષના મારા અધ્યાપન કાર્યમાં હું હંમેશાં ભગવાનને પ્રાર્થના કરતો કે એની ક્લાસમાં ચૂપચાપ બેસી રહે તો સારું. એની આજે શું બોલી તેની ચર્ચા સ્ટાફરૂમમાં થતી હતી. એક દિવસ એની અચાનક મારી પાસે આવી અને પૂછવા લાગી : “સર, મૈં બુદ્ધ હું યા બુદ્ધુ? શાહ સર હમે બુધ્ધ કહેતે હૈ ઓર લડકો કો બુદ્ધુ.”

હું ફરી સંકટમાં આવી ગયો. છતાં મેં કહ્યું : “દેખો એની, લડકિયો કેં બારે મે નિર્ણય લેના કઠિન હૈ. વૈસે ભી સિર્ફ એક માત્રા કા ફરક હૈ.”

એની એ પૂછયું : “સર આપ કિસ ગ્રાઉન્ડ પે ઐસા કહતે હૈં?”

મેં કહ્યું: “દેખો એની, લડકિયા સામાન્ય તક જલદી જલદી સાંસ લેતી હૈં. પરિણામ સ્વરૂપ ઉનકી મસ્તિષ્ક કૌશિકાઓ મે ઓક્સિજન કા પ્રવાહ શિથીલ હોતા હૈ, ઇસ વજહસે લડકિયોં મે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કમ રહેતી હૈં.”

 પણ એનીએ બીજો સવાલ ફેંક્યો : “સર, લડકિયાં ગહરી સાંસ ક્યો નહીં લેતી હૈ?”

અને આવા અચાનક ઉઠેલા સવાલનો જવાબ આપતા હું બોલી ગયોઃ “દેખો એની, યે એક વૈજ્ઞાનિક તથ્ય હૈ જિસકા સંબંધ સ્ત્રી કે વક્ષઃસ્થળ કી પ્રોજેક્ટેડ બ્યુટી સે હૈં. ઉસકી સુંદરતા સે હૈં.”

હું ગહરા શ્વાસ અને વૃક્ષ સ્થળના સંબંધને સમજાવું તે પહેલાં તે બોલી ઊઠી : “સર, યે વક્ષ ક્યા હૈ?”

અને હું ચૂપ થઇ ગયો. એની નાદાનીયત પર મને હસવું આવ્યું. મેં પ્રેમથી મારો હાથ એના ખભા પર મૂક્યો, અને એટલા જ પ્રેમથી હું એને સ્ટાફરૂમની બહાર મૂકી આવ્યો. એમ કરતાં કરતાં ચાર વર્ષ વીતી ગયા : હું એનીને બદલી તો ના શક્યો પરંતુ ધીમે ધીમે હું જ એની જેવો થઇ ગયો. એની એક દિવસ ક્લાસમાં ના આવે તો મને ચિંતા થઇ જતી. ઘણીવાર મને એની અનિવાર્ય લાગતી હતી. એનું મારી સાથેનું તાદાત્મ્ય અનન્ય હતું. કોઇ કોઇ વાર તો મને થતું કે, “હું એની ને કહી દઉં કે એની તું મને બહુ જ ગમે છે.” પરંતુ ખૂલીને વાત કરવાની મારી હિંમત ચાલી નહીં. મારો જન્મ દિવસ હોય ત્યારે તે હંમેશા શુભેચ્છા પાઠવતી. એક દિવસ એના જન્મ દિવસે તે સરસ ડ્રેસ પહેરીને આવી હતી. મે કહ્યું: “એની, તુમ અચ્છી લગતી હો.”

એની બોલી હતી : “અચ્છી હું ઇસલિયે તો અચ્છી લગતી હું. ઇસમે નઇ કૌનસી બાત હૈ, સર?”

મને ઘણીવાર એવું લાગતું કે હું અને એની એક સમાંતર શીખર પર છીએ અને ત્યાં સુધી પહોંચવાનો કોઇ સેતુ મારી પાસે નહોતો. અમારી વચ્ચેનો ફાંસલો અમિટ હતો. હું તાર્કિક વાતો કરતો. તે સાવ અર્તાિકક હતી. હું ગંભીર હતો. તે સાવ રમતીયાળ હું લોકોનો અસ્વીકાર કરતો, પરાજીત કરતો અને સન્માન પામતો હતો.તે લોકોને સ્વીકારી લેતી. અપમાનીત થતી અને છતાંયે આનંદિત રહેતી. મારી કોલેજમાં ફિડીયોલોજી, ફાર્મેકોલોજી, મેડિસીન, એનેટોમી, એન્કોલોજી એ બધું જ ભણાવવામાં આવતું હતું. પરંતુ મારા માટે તો એની જ એક ‘સબ્જેક્ટ’ બની ગઇ હતી. હું એની સાથે વાત કરવાના વિષયની તલાશમાં હતો. એક દિવસ મેં એને પૂછી જ નાંખ્યું: “એની, તુમ બહોત સવાલ કરતી હો, આજ મૈં તુમસે એક સવાલ પૂછું.”

તે તરત જ બોલીઃ “મુઝે તો જવાબ દેના આતા હી નહીં હૈં, સર.”

“નહીં એની આજ મેરી ખાતિર… મેરી કસમ.” એટલું બોલતા હું કાંપી ગયો. કારણ કે એમાં મારામાં એના પ્રત્યેના છૂપા પ્રેમની અભિવ્યક્તિ અને અધિકાર છુપાયેલો હતો. મેં જોયુ તો એની થોડી શરમાઇ ગઇ. થોડું થોડું મુશ્કરાવા લાગી. તે બોલી : “અચ્છા પૂછીએ સર”

મેં પૂછયું: “જિંદગી કે બારે મેં ક્યા સોચતી હો? અગલે સાલ તુમ ડોકટર હો જાઓગી.”

એની બોલી “સર, મેં તો જિંદગી કે બારે મેં નહી, શરીર કે બારે મે સોચતી હું. ઔર જિંદગી સે જ્યાદા બાઇક કે બારે મેં સોચતી હું,જિસે મૈં ચલાના ચાહતી હું, પર વહ મેરે પાસ હૈ નહીં. મેં બ્લેક જીન્સ ટોપ કે બારે મેં સોચતી હું, જો મુઝે પસંદ હૈ, પર મા પહનને દેતી નહીં હૈ. મૈં પાપા કે બારે મેં સોચતી હું, જિનકી કમી મૈને હંમેશાં મહેસૂસ કી હૈં. કાશ આજ પાપા હોતે… સર, મૈં ને જિંદગી કે બારે મેં કભી સોચા નહીં હૈં. વહ તો મેરે પાસ ભરપૂર હૈ. લેકિન સર, આપ જિંદગી કે બારે મેં ક્યા સોચતે હો… આપ કો ક્યા કમી હૈ?”

મૈં નિશ્વાસ સાથે કહ્યું : “હા, એની, મેરી જિંદગી મેં ભી કુછ કમી તો હૈં”

મારું એ વિધાન સાંભળ્યા બાદ એનીએ આગળ કાંઇ જ પૂછયું નહીં. મને લાગ્યું કે હું પરાજિત થઇ ગયો. હું નિયંત્રણ ગુમાવી દઉં એ પહેલા મેં એનીને વિદાય કરી દીધી. એ મારી સામે અનિમેષ દૃષ્ટિથી જોતી જોતી ચાલી ગઇ. હું સ્ટાફરૂમમાં ગયો તો ત્યાં પણ મેં અધ્યાપકો એનીની જ વાત કરતા હતા. બધાને કોઇને કોઇ દુઃખ હતું. ત્યારે કોઇ કહેતું : ‘અરે યાર, જીવન જીવવું હોય તો એનીની જેમ જીવો. બસ એ તો કિલકારી છે. કિલકારી.” આ બધું સાંભળી હું ચૂપ રહેતો. મને લાગતું હતું કે મારા સુખની વ્યાખ્યા એનીથી જ પૂર્ણ થતી હતી. પણ હું તેને કદીયે કહી શકતો નહોતો. અને એની તો નાદાન હતી.

એક દિવસ પ્રો. શર્માએ સ્ટાફરૂમમાં બધાને કહ્યું : “કિલકારી ત્રણ માસની રજા પર દિલ્હી જાય છે.”

બધાંએ પૂછયું “શું થયું એની ને?”

“એનીને કાંઇ થયું નથી. એની બહેન ગંભીર રીતે બીમાર છે. તેની બહેનની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ છે. તેને બે નાના બાળકો છે. એનીએ પોતાની એક કિડની આપવા નિર્ણય કર્યો છે. કિડની મેચ થઇ ગઇ છે. બે દિવસ પછી ઓપરેશન છે.”

હું અવાક્ થઇ ગયો.

સ્ટાફરૂમમાં ચર્ચા શરૂ થઇ. “એમાં એનીએ કિડની આપવાની જરૂર ક્યાં હતી?” બીજા કોઇએ કહ્યું : એની ઇઝ ગ્રેટ.” પરંતુ હું ગભરાયો. તરત જ બહાર દોડયો. પ્રો. શર્મા બોલી રહ્યા હતા : “બુદ્ધિશાળી લોકો તો મૂર્ખતાથી બચી જાય છે પણ અબૂધ નહીં. એની મૂર્ખ છે.”

એક માત્ર મને ખબર હતી : “એની અનકલકયુલેટેડ છે. તે ગણતરી બાજ નથી.”

મેં તપાસ કરી તો એની દિલ્હી પહોંચી ગઇ હતી. એ દિવસ પછી સમાચાર મળ્યા કે એની પરનું ઓપરેશન સફળ રહ્યું નથી. તેની એક કિડની કાઢી લીધા બાદ તે ખુદ ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે એ સમાચાર સાંભળતાં જ મેં ટ્રેન પકડી અને સીધો દિલ્હી પહોંચ્યો. એની અને તેની બહેન બેઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હતા. હું ડોકટરને મળ્યો. એમણે કહ્યું કે એનીની તબિયતમાં કોઇજ સુધારો નથી. તેમણે મને માત્ર પાંચ જ મિનિટ એનીને મળવા પરવાનગી આપી. હું સીધો આઇસીયુમાં પહોંચ્યો. તેના મોં પર ઓક્સિજન માસ્ક હતું, પણ સ્થિર આંખે મને જોઇ રહી. હું ચૂપચાપ એને જોઇ રહ્યો. રૂમમાં સન્નાટો છવાયેલો હતો. એનીની નિર્દોષ બધી જ કિલકારીઓ મને યાદ આવી ગઇ. હું તેનો હાથ પકડીને કહેવા માંગતો હતો : “એની, તેં આ શું કર્યું. હું તને બહું જ ચાહું છું.” પણ હું કહી શક્યો નહીં. હા, મેં એનો હાથ પકડી લીધો. એણે આંખોથી મુશ્કાનભર્યો પ્રતિભાવ આપ્યો. એ બોલી શકતી નહોતી. એણે મને આંખોથી એના ઓશીકાની પાછળ પડેલો મોબાઇલ એના હાથમાં આપવા ઇશારો કર્યો. તે આંખમાં આંસુઓ પરનું નિયંત્રણ ગુમાવી ચૂકી હતી. મને લાગ્યું કે હું તેની સામે હારી રહ્યો હતો. વધુ ભાવુક ના થઇ જાઉ તે કારણે હું તરત જ બહાર નીકળી ગયો.

હું વેઇટીંગરૂમમાં પહોંચું તે પહેલાં મારા મોબાઇલ પર મેસેજ આવ્યો એ એનીનો મેસેજ હતો. એનીએ લખ્યુ હતું “મૈં જાનતીથી … આપ મુઝે પ્યાર કરતે હો.”

અને જાણે કે એ શબ્દોમાં લાખ વાર વાંચી નાખ્યા. એ એસએમએસ વાંચતા વાંચતા હું રડી પડયો. અને થોડીક ક્ષણો બાદ ફરી એનીનો મેસેજ આવ્યોઃ “…લેકિન આપ ભી નહીં જાન પાયે.”

મને લાગ્યું કે એક હીમશીલા પીગળી રહી છે. એનીની લાગણી મારા સુધી પહોંચી કેમ નહીં? મને થતું હતું કે એની ફરી સાજી થઇ જાય. ફરી તેની અબુધ વાતો કરે. ફરી કોઇ નાદાન સવાલ કરે…” હું આ બધુ વિચારતો હતો ત્યાં એનીનો ફરી મેસેજ આવ્યો : “બાય બાય… સર આઇ લવ યુ.”

– અને હું ફરી આઇસીયુમાં દોડયો.

એનીની આંખો સદાના માટે બંધ થઇ ગઇ હતી. એના ચહેરા પર એવીને એવી જ મુશ્કરાહટ હતી. મને થતું હતું કે, હમણાં તે કાંઇ બોલી ઊઠશે. પણ એવું કાંઇ જ બન્યું નહીં. .. એક વોર્ડ બોયે તેના દેહ પર સફેદ ચાદર ઢાંકી દીધી.

આ વાતને વર્ષો થઇ ગયાં પરંતુ એનીનો પહેલો અને છેલ્લો એસએમએસ આજે પણ મેં સેવ કરી રાખ્યો છે…. કહેતાં અધ્યાપક તેમની વાત પૂરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

શુષ્ક રાજનીતિમાં મધુર ને સસ્મિત મોનાલિસા

તા.૮મી માર્ચે વિશ્વ નારી દિન છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહી છે અને જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે તેવી ઉક્તિ છે પરંતુ ભારતમાં સ્ત્રીઓ પર બળાત્કારની જેટલી ઘટનાઓ ઘટે છે તેટલી જ વિશ્વના બીજા કોઈ દેશમાં ભાગ્યે જ ઘટે છે. ભારતમાં સ્ત્રીઓની ભલે અવદશા હોય પરંતુ દેશની રાજનીતિમાં સ્ત્રીઓ મોખરાનું સ્થાન ભોગવે છે.

  • પંજાબી હોવા છતાં મહિલા સાંસદે પતિને પણ શાકાહારી બનાવી દીધા

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હજુ કોઈ પણ મહિલા પ્રેસિડેન્ટ બની શક્યાં નથી ત્યારે ભારતમાં ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી મહિલા વડાંપ્રધાન બન્યાં હતાં. દેશના સૌથી મોટા પક્ષ કોંગ્રેસનું સુકાન એક મહિલા- સોનિયા ગાંધીના હાથમાં છે. દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલાઓ છે. બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી પણ એક મહિલા છે. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ શ્રીમતી કમલા એક મહિલા છે. દેશનાં લોકસભાનાં સ્પીકર પદે પણ શ્રીમતી મીરાં કુમાર એક મહિલા છે. લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ પણ એક મહિલા છે.

હરસિમરત કૌર

આ શ્રૃંખલામાં એક વધુ પીંછું ઉમેરી શકાય તેવાં શક્તિશાળી મહિલા શ્રીમતી હરસિમરત કૌર બાદલ પણ છે. તેઓ પંજાબથી આવતાં સાંસદ છે. વિપક્ષમાં બેસતાં હોવા છતાં તેઓ જ્યારે પ્રશ્નો ઊભા કરે છે ત્યારે સરકારે ધ્યાનપૂર્વક જવાબ આપવો પડે છે. ૨૦૦૯માં પહેલી વાર તેઓ બઠિડા મતક્ષેત્રમાંથી ચૂંટાઈને લોકસભામાં આવ્યાં હતાં. તેઓ એક ઘણાં મોટા પરિવારના પુત્રવધૂ છે. આમ તો તેઓ ચૂંટણી લડવા માંગતા નહોતા. પરંતુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે તેમના પુત્ર રણઈન્દ્રસિંહને ચૂંટણી મેદાનમાં ઉતારતી વખતે એવી બડાશ મારી હતી કે, ”મારા પુત્રને બાદલ પરિવાર કે બીજું કોઈ હરાવી શકે તેમ નથી.”

અમરિન્દરસિંહના આ વિધાન બાદ બાદલ પરિવારે નિર્ણય કર્યો કે ”અમરિન્દસિંહનું અભિમાન ઉતારવું.” અમરિન્દરસિંહ પતિયાલાના રાજવી પરિવારમાંથી આવે છે અને તેમના યુવરાજને હરાવવાની કોઈની તાકાત નથી તેમ તેઓ સમજતા હતા. બાદલ પરિવારે તેમના ખાનદાનની વહુ શ્રીમતી હરસિમરત કૌરને પતિયાલાના યુવરાજ સામે મેદાનમાં ઉતારી દીધાં અને પતિયાલાના યુવરાજને હરાવી પંજાબમાં હલચલ મચાવી દીધી. શ્રીમતી હરસિમરત કૌર સ્વરૂપવાન છે, બુદ્ધિશાળી પણ છે અને રાજનીતિમાં કુશળ પણ છે. તેઓ હંમેશાં પંજાબી લિબાસ અને માથા પર ઓઢેલા દુપટ્ટામાં જ નજર આવે છે. હમણાં હમણાં જ પૂરી થયેલી દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીન્ી ચૂંટણીઓમાં પણ શ્રીમતી હરસિમરત કૌર બાદલે તેમના અકાલી દળના ઉમેદવારોના સમર્થનમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી અને શિખ ભાઈ-બહેનો તેમનું ભાષણ સાંભળી દંગ રહી ગયાં હતાં.

પંજાબી છતાં શાકાહારી

હરસિમરત કૌર પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનાં પુત્રવધુ ્ને શીરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહના પત્ની છે. તેઓ એક પુત્ર અને બે પુત્રીઓની માતા છે.

શ્રીમતી હરસિમરત કૌરનો જન્મ તા.૨૫ જુલાઈ, ૧૯૬૬માં દિલ્હીમાં થયો હતો. દિલ્હીની જ લૌરેટો કોન્વેન્ટ સ્કૂલમાં તેઓ ભણ્યાં. તે પછી દિલ્હીની કોલેજ દ્વારા તેઓ ટેક્સટાઈલ ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએટ થયાં. તેમના દાદા સુરજિતસિંહ મજીઠિયા ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને નેપાળના રાજદૂત હતા. તેમના પિતા સરદાર સત્યજિતસિંહ મજીઠિયા અમૃતસરની ખાલસા કોલેજની ગર્વિંનગ કાઉન્સિલના અધ્યક્ષ છે. ટ્રિબ્યુન અખબાર પણ આ જ પરિવારનું છે. શ્રીમતી હરસિમરતકૌર બાદલના ભાઈ સરદાર વિક્રમજીત સિંહ પંજાબ સરકારમાં મંત્રી છે. શ્રીમતી હરસિમરત કૌર બાદલ ભગવાનમાં અને ગુરુ ગ્રંથ સાહેબમાં પૂરી શ્રદ્ધા ધરાવે છે. દર મહિને તેમના ઘરે શ્રી અખંડ સાહિબનો પાઠ કરવામાં આવે છે. તેઓ પંજાબી હોવા છતાં સંપૂર્ણ શાકાહારી છે. તેમણે તેમના પતિ સુખબીરસિંહ બાદલને પણ શાકાહારી બનાવી દીધા છે. સુખબીરસિંહ બાદલ પૂર્ણતઃ શાકાહારી અને નશાથી જોજનો દૂર છે.

સુસ્મિત ચહેરો

રાજનીતિમાં આવેલી કેટલીક મહિલાઓ સામે કરોડોના ભ્રષ્ટાચારના આરોપો છે. પરંતુ શ્રીમતી હરસિમરત કૌર બાદલનું વ્યક્તિત્વ અને પ્રતિભા સ્વચ્છ છે. તેઓ કન્યા ભ્રૂણ હત્યાની વિરુદ્ધ એક ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. આ હેતુથી તેમણે એક ”નન્હીં છાં”નામની એક સંસ્થા પણ ઊભી કરી છે. તેઓ પોતાના વિસ્તારના સરપંચો સાથે નિયમિત રીતે બેસીને તેમની રજૂઆતો સાંભળે છે. પંજાબની યુવતીઓને બચાવવા હંમેશાં કાર્યરત રહે છે. બાદલ ગાંવમાં તેમણે ‘ઓલ્ડ એજ હોમ’ પણ ઊભું કર્યું છે. ગરીબ બાળકોને મદદ કરવા પણ એક અલગ સંસ્થા ચલાવે છે. તેમના લોકસભા મતક્ષેત્રમાં નવ વિધાનસભા ક્ષેત્ર આવે છે પરંતુ શ્રીમતી હરસિમરત કૌર દરેક ક્ષેત્રની અંદર જઈ લોકોને મળે છે. તેમની ઓફિસ સૌ માટે ખુલ્લી છે. તેમની ઓફિસમાં ધારાસભ્યોને કે કાર્યકરોને અપમાનિત કરી ઉતારી પાડવામાં આવતા નથી. મુલાકાતીઓને ગૌરવપૂર્ણ પરંતુ મધુર સ્મિત આપે છે.

બની શકે કે ૨૦૧૪માં એનડીએની બહુમતી આવે તો કેન્દ્રમાં મંત્રી બની જાય અથવા તો એક દિવસ પંજાબનાં પ્રેમાળ મુખ્યમંત્રી પણ બની જાય. તેઓ પંજાબના સુમધુર મોનાલિસા છે.

‘અમી મારી વાગ્દત્તા અને પ્રણાલિ મારો પ્રથમ પ્રેમ’

લંડનમાં રહેતા એક ગુજરાતી પરિવારના એક યુવાનના જીવનમાં બે સ્ત્રીઓ આવી

એક પત્ર ‘સંદેશ’ કાર્યાલય પર ”કભી-કભી” કક્ષ માટે આવે છે. લખનારનું નામ પ્રણવ છે. તે લંડનમાં રહે છે.

પ્રણવ લખે છેઃ ”અમે લંડનમાં સ્થાયી થયાં છીએ. એ વખતે હું અપરિણીત હતો. મારી બહેન નિધીની સગાઈ માટે અમે ઈન્ડિયા આવ્યાં હતાં. મારાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં. એક સાદગીભર્યા સમારંભમાં મારી બહેનની સગાઈ થઈ. એ વખતે સામે પક્ષેથી મારા જીજાજીના પરિવારમાંથી એક ખૂબસૂરત યુવતી પણ હાજર હતી. તે મને એકીટસે જોયા કરતી હતી. મેં પણ એની સામે અપલક નજરે જોયું. અમારો પરિચય થયો. એનું નામ પ્રણાલિ હતું. પ્રણાલિએ રંગબેરંગી બંગડીઓ પહેરેલી હતી. વાતવાતમાં ખબર પડી કે તે પણ લંડનથી જ આવી હતી. અને સાથે જ જમ્યાં. ખૂબ વાતો કરી. એકબીજાનાં ફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ પણ આપલે કર્યા. સાંજે અમે છૂટા પડયા પરંતુ મને લાગ્યું કે પ્રણાલિએ મારું મન ચોરી લીધું છે. મારો અને પ્રણાલિનો જુગ જુગ જૂનો સંબંધ હોય એમ મને લાગ્યું.

મારે ફાઈનલ યરની પરીક્ષા હોઈ મારે બીજા જ દિવસે લંડન પાછા જવાનું હતું. દિલ્હીથી મેં પ્લેન પક્ડયું. પરંતુ જતાં જતાં પણ મેં પ્રણાલિ સાથે ફોન પર વાત કરી લીધી. મારી સાથે મારો કઝીન પણ હતો. મેં એને કહ્યું, ”મને પ્રણાલિ બહુ જ ગમી ગઈ છે.”ળપરંતુ એણે કહ્યું: ” તો અમીનું શું ?”

અમીનું નામ સાંભળતા જ મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. થોડાં વર્ષો પહેલાં મારા પિતાશ્રીએ એમના ખાસ મિત્રની દીકરી અમી સાથે મારી સગાઈ કરી નાખી હતી. અમે લંડનમાં રહીએ છીએ પરંતુ સમાજની રૂઢીઓથી ચુસ્ત છીએ. અમી સુખી પરિવારની ગામડામાં રહેતી સુશીલ છોકરી છે. તેને બહુ ઓછું મળ્યો હતો પરંતુ તે મને બહુ જ ચાહતી હતી. દિલ્હીથી લંડનની આઠ કલાકની સફર દરમિયાન હું ગડમથલમાં રહ્યો. હવે એક વર્ષ પછી તો મારું લગ્ન લેવાનું હતું. પ્રણાલિ મારા દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. જ્યારે અમી હું તેની સાથે પરણું તેની રાહ જોઈ રહી હતી.

લંડન પહોંચ્યા બાદ પ્રણાલિને હું ભૂલી ના શક્યો. પરંતુ થોડા દિવસો બાદ ઈન્ડિયાથી અમીનો પત્ર આવ્યો. તેણે લખ્યું હતું :” આ વખતે તો આપણે મળી શક્યા નહીં પરંતુ મારા હૃદયમાં તમે કૃષ્ણની જેમ બિરાજેલા છો. આઈ લવ યુ, પ્રણવ.”

એના બીજા જ દિવસે પ્રણાલિનો ફોન આવ્યોઃ ”પ્રણવ, હું લંડન આવી ગઈ છું. તમારી યાદ આવતી હતી એટલે આવતાની સાથે જ તમને પહેલો ફોન કર્યો.”

હું અસંજસમાં પડી ગયો. એક તરફ મારી વાગ્દત્તા અમી હતી. બીજી તરફ જેના તરફ હું આકર્ષાયો હતો તે પ્રણાલિ હતી. અમીનો પત્ર ક્યારેક જ આવતો જ્યારે પ્રણાલિ સાથે હું રોજ ફોન પર વાત કરતો હતો. પ્રણાલિ મને કહેતી હતી : ”પ્રણવ, મનથી હું તને વરી ચૂકી છું. મારી જિંદગી તારાથી જ શરૂ થાય છે અને તારાથી જ ખતમ થશે.”

એ પછી તો હું અને પ્રણાલિ અવારનવાર મળતા. લંડનની સ્ટ્રીટસમાં સાથે જ ફરતાં. કલાકો સુધી પિકાડીલી સર્કસ પાસે બેસી રહેતાં. વાતો કરતાં. હું ક્યારેક પ્રણાલિના ઘરે જતો. પ્રણાલિની નાની બહેનને પણ હું તેના જીજાજી તરીકે ગમતો હતો.

સમય વીતતો ગયો. લંડનમાં અમે વેમ્બલી ખાતે રહીએ છીએ. એક દિવસ મારા પપ્પાએ મને કહ્યું: ”આ સમરમાં આપણે ઈન્ડિયા જવાનું છે. તારાં લગ્ન લેવાનાં છે, એટલે તારા કપડાં પસંદ કરી લે.”

હું ચોંકી ગયો. મને પ્રણાલિ પણ ગમતી હતી. બીજી બાજુ અમી સાથે મારી સગાઈ થયેલી હોઈ સામાજિક બંધન પણ હતું. અમી સાથે સંબંધ તોડી નાંખવા માટે કોઈ કારણ નહોતું. તે રૂપાળી હતી. એમ.એ. સુધી ભણી હતી. પ્રતિષ્ઠિત પરિવારની પુત્રી હતી. છતાં મેં દલીલ કરીઃ ”પપ્પા, અમી સાથે જ હું લગ્ન કરું એ જરૂરી છે ?”

”હાઃ તેઓ બોલ્યા : ”આપણાથી બીજું કાંઈ જ ના વિચારાય. હવે એ સગાઈ તોડી નાંખીએ ને છોકરી આપઘાત કરે તો અમે તો સમાજમાં ક્યાંયના યે નહીં રહીએ. સમાજ આપણને ફેંકી દેશે. ભવિષ્યમાં તારાં સંતાનોને પણ કોઈ છોકરી નહીં આપે.”

અને એ રાત્રે અમે અમારા રૂમમાં ચાલ્યા ગયાં. મારી મમ્મીને પણ અમી જ ઘરમાં વહુ બની આવે તે જોઈતું હતું. આખી રાત હું ઊંઘી ના શક્યો. મેં વિચાર્યું કે હું અમી સાથે સગાઈ તોડી નાખીશ તો મારા મમ્મી-પપ્પા, કુટુંંબીઓ, સમાજ અને અમી એ બધાં દુઃખી દુઃખી થઈ જશે અને પ્રણાલિ સાથે સંબંધ તોડું તો મારે પ્રણાલિને જ દુઃખી કરવાની છે. છેવટે મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સમજીને પ્રણાલિને જ બીજા દિવસે ફોન જોડી તેની જ સલાહ લેવા મેં નિર્ણય કર્યો. મેં ફોન પર પ્રણાલિને મમ્મી-પપ્પાની ઈચ્છા વિષે વાત કરી અને એ કહે તેમ જ કરવા સલાહ માંગી.

પ્રણાલિનો સ્વર ઉદાસ અને ભારે હતો. તે અત્યંત સમજદાર હતી. પ્રણાલિ બોલી : ”તારી અમી સાથે સગાઈ થયેલી છે તે વાતની મને ખબર છે. અમીને કે તારા મમ્મી- પપ્પાને દુઃખી કરવાનો તને કે મને કોઈ અધિકાર નથી. પ્રેમમાં બધું પામવાનું જ હોતું નથી.”

મેં કહ્યું: ”ના, પ્રણાલિ, હું તને ચાહું છું. મને થાય છે કે આપણે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ.”

પ્રણાલિએ કહ્યું: ”એમાં દુઃખી થવાનું જ હોય છે. હું એટલી બધી સ્વાર્થી નથી કે તારાં માતા-પિતા કે અમી પાસેથી તને છીનવી લઉં. મારી સલાહ છે કે તું અમી સાથે લગ્ન કરી લે.”

થોડા દિવસો બાદ હું અને પ્રણાલિ ફરી મળ્યાં. પ્રણાલિની એ જ સલાહ હતી. એણે કહ્યું: ”ભાગીને લગ્ન કર્યા બાદ જે મુશ્કેલીઓ આવશે તે પાર વિનાની હશે.”

લાંબી ચર્ચા બાદ પ્રણાલિએ મને અમી સાથે જ લગ્ન કરવાની સાચા દિલથી સલાહ આપી. ઘરે આવીને મેં અમી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી. મને તો પાછળથી ખબર પડી કે હું હા પાડું ત્યાં સુધી મારી મમ્મીએ દૂધ કે ચા નહીં પીવાની બાધા લીધી હતી.

સમરમાં અમે ઈન્ડિયા આવ્યાં. અમી સાથે ધામધૂમથી મારાં લગ્ન લેવાયાં. લગ્નના દિવસે જ સવારે લંડનથી પ્રણાલિનો ફોન આવ્યો હતોઃ ”પ્રણવ, તું મને પ્રોમિસ કર કે હર હાલમાં તું અમીને ખુશ રાખીશ…”

મેં તેને પ્રોમિસ કર્યું એણે મને ”ઓલ ધ બેસ્ટ” કહી શુભેચ્છા પાઠવી.

લગ્ન બાદ હું અમી, મારાં મમ્મી-પપ્પા લંડન પાછાં ફર્યા. અમીને આવતાં જ મને એટલો બધો પ્રેમ આપ્યો કે હું ધીમે ધીમે પ્રણાલિને ભૂલી ગયો. સમય વહેતો રહ્યો. અમી હવે પ્રેગ્નન્ટ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. એક દિવસે સવારે મારાં ઘરના લિવિંગરૂમની ટિપોય પર એક પત્રિકા મેં જોઈ. પ્રણાલિના લગ્નની પત્રિકા હતી. ફરી એક વાર ભૂલાઈ ગયેલી વાત યાદ આવી ગઈ. જાણે કે રુઝાયેલો જખ્મ તાજો થઈ ગયો. મેં એ લગ્નમાં ના જવાનો નિર્ણય કર્યો. હું પ્રણાલિ જેટલો મજબૂત નહોતો. પ્રણાલિ બીજા કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની મારામાં તાકાત નહોતી. પરંતુ લગ્નના દિવસે જ પ્રણાલિનો મારી પર ફોન આવ્યોઃ ”પ્રણવ, મારા લગ્નમાં જરૂર આવજે. મારે એક વાર તને જોઈ લેવો છે. ખબર નથી ફરી તું જોવા મળીશ કે નહીં. બસ આટલી જ ઈચ્છા છે.”

હું કંઈ બોલી શક્યો નહિ. એ ફરી બોલી ”આપણો પ્રેમ આત્માનો પ્રેમ છે, શરીરનો નહીં પણ ત્યાગનો પ્રેમ છે કાંઈ મેળવવાનો નહીં. જરૂર આવજે. હું રાહ જોઈશ.”

પ્રણાલિની ઈચ્છા અનુસારે હું તેના લગ્નમાં ગયો પરંતુ ભગ્નહૃદયે પાછો આવ્યો. ઘેર આવીને ધીમે ધીમે પ્રણાલિને ભૂલવા મેં કામમાં મન પરોવ્યું. એ રાત્રે હું ફરી ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે અમીએ ચા અને સ્થાનિક ન્યૂઝપેપર મારી ટિપોય પર મૂકતાં કહ્યું: ” ગઈકાલે તમે જે લગ્નમાં ગયા હતા તે ફેમિલીને અકસ્માત થયો છે.”

મેં ઝડપથી અખબાર હાથમાં લીધું. પ્રણાલિને પરણવા જે વર આવ્યો હતો તેની જાન લઈ જતી એક લકઝરી બસ અને ટ્રેન વચ્ચે અથડાતાં અકસ્માત થયો હતો. હું ધ્રુજી ઊઠયો. મેં ફોન કરીને તપાસ કરી તો માલૂમ પડયું કે પ્રણાલિ ઘવાઈ હતી પરંતુ તેના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રણાલિ મધુરજની મનાવે તે પહેલાં જ તે વિધવા થઈ ચૂકી હતી. તે હોસ્પિટલમાં હતી. હું સીધો જ હોસ્પિટલ પહોંચ્યો. પ્રણાલિ વિધવા થઈ ચૂકી છે તે માનવા હું તૈયાર ન હોતો. મને ભગવાન પર ગુસ્સો આવ્યો કે ઈશ્વર કોઈ એક વ્યક્તિને જ આટલું બધું દુઃખ શા માટે આપે છે ? મેં એને સાંત્વના આપી. કલાકો સુધી તેની પાસે બેસી રહ્યો. રાત્રે ઘેર આવ્યો. મને આખી રાત વિચારો આવતા રહ્યા કે પ્રણાલિ હવે કોને સહારે જીવશે ? અમી મારી બાજુમાં ઊંઘી ગઈ. હતી. હું આખી રાત જાગતો રહ્યો. ઊભો થઈ આંટા મારતો રહ્યો. છેક પરોઢિયે મારી આંખ મળી ગઈ.

હું જાગ્યો ત્યારે અજવાળું થઈ ચૂક્યું હતું. અમી રોજની જેમ ચાનો કપ લઈ મારી પાસે આવી. તે મારી પાસે બેઠી. મારા હાથમાં હાથ પરોવીને બોલીઃ ”તમે પ્રણાલિ સાથે લગ્ન કરી લ્યો.” હું ચમક્યો.

તે બોલીઃ ”હા. હું અત્યંત સ્વસ્થતાથી કહું છું તમે પ્રણાલિને આપણા ઘરમાં લઈ આવો. હું તમારા ને પ્રણાલિના સંબંધો વિશે જાણું છું. પ્રણાલિએ મને સુખી જોવા પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું. હવે મારો પ્રણાલિને કાંઈક આપવાનો વારો છે. તમે, હું અને પ્રણાલિ ખુશીથી સાથે રહીશું. પ્રણાલિ અને હું બહેનોની જેમ જ એક ઘરમાં રહીશું.”

 મેં કહ્યું :”પણ લોકો શું કહેશે ?”

અમી બોલીઃ ”આપણા સુખની વ્યાખ્યા આપણે નક્કી કરવાની છે, સમાજે નહીં, તમે ખુશીથી પ્રણાલિને લઈ આવો અને આપણી જિંદગીને ખુશનુમા બનાવી દઈએ.”

ખૂબ વિચાર્યા બાદ એક દિવસ મેં નિર્ણય કરી જ લીધો. અમી જેવી સ્ત્રી પણ આ જગતમાં હોય છે તે માનવા મારું મન તૈયાર નહોતું. હું પ્રણાલિને મળ્યો. પહેલા તો તે સંમત ના થઈ. પરંતુ ખૂબ પરિશ્રમ બાદ તે મારા ઘેર આવવા સંમત થઈ. અમીની હાજરીમાં જ મેં પ્રણાલિને પત્ની તરીકે ઘરમાં આવકારી. અને આખા ઘરમાં અને સમાજમાં જબરદસ્ત ધરતીકંપ થયો. મારા મામા- મામી, ફુઆ- ફોઈ અને આખા સમાજે અમારો બહિષ્કાર કર્યો. પ્રણાલિના સગાંસંબંધીઓ તથા તેના સમાજે પણ તેનો બહિષ્કાર કર્યો. પરંતુ મને, અમીને કે પ્રણાલિને સમાજ શું કહે છે તેની કોઈ ચિંતા નહોતી. અમે ત્રણેય એક અલગ ઘરમાં રહેવા ગયાં. સમાજ અમને ભૂલી જાય તે પહેલાં અમે સમાજને ભૂલી ગયાં. મારો અનુભવ છે કે તમારી પાસે પૈસા હોય તો સમાજ તમારી કદમબોસી કરશે.

આ વાતને વર્ષો વીતી ગયાં આજે અમીથી થયેલા મને બે પુત્રો અને પ્રણાલિથી થયેલી એક દીકરી છે. બંને પુત્રો મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે. મારી દીકરી સાયન્સ ફેકલ્ટીની વિર્દ્યાિથની છે. અમારા ઘરમાં છ સભ્યોથી ઘર ભર્યું ભર્યું છે. થેંકસ ટુ અમી,થેંકસ ટુ પ્રણાલિ.

– પત્ર પૂરો થાય છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતના ભાગલા કરી રચવા માગે છે – મુઘલસ્તાન

ઇન્ડિયન મુઝાહિદ્દીને આ યોજનાના ભાગરૂપે જ ભારતમાં થયેલા બોમ્બ ધડાકાઓ માટેની જવાબદારી સ્વીકારી છે

હિન્દુસ્તાન નામ તમે સાંભળ્યું છે. પાકિસ્તાન નામ પણ સાંભળ્યું છે,પણ હવે એક નવા શબ્દપ્રયોગથી પરિચિત થવા તૈયાર રહો. તે નવું નામ છે – મુઘલિસ્તાન. ૧૯૪૭માં ભારતના ભાગલા થયા. તેમાંથી સર્જાયું પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાન પરંતુ એ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ભીતર રહેલાં કેટલાંક જિહાદી બળો ભારતના વધુ ભાગલા કરી ભારતમાં રહેતા રાષ્ટ્રવાદી મુસ્લિમોને ઉશ્કેરી તેમના માટે નવું વતન મુઘલિસ્તાન ઊભું કરવાની ખતરનાક યોજના ધરાવે છે. આ સાજિશ હેઠળ ભાગલાવાદી તત્ત્વો ઉત્તર ભારત અને પૂર્વ ભારતનો કેટલોક ભાગ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ભેળવી આ નવો દેશ ઊભો કરવાનો મનસૂબો ધરાવે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતાં આ કટ્ટરવાદી પરિબળોના સૂચિત મુઘલિસ્તાનનો નક્શો પણ ભારતીય ઇન્ટેલિજન્સને હાથ લાગ્યો છે.

ભારતના બીજા ભાગલાની યોજના સહુથી પહેલાં મુઘલસ્તાન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, એમઆરઆઈ કે જે બાંગ્લાદેશની જહાંગીરનગર યુનિવર્સિટીનો એક ભાગ છે, તેણે તૈયાર કરી હતી. આ ઇન્સ્ટિટયૂટને પાકિસ્તાનની આઈએસઆઈ અને બાંગ્લાદેશની ગુપ્તચર સંસ્થા ડાયરેક્ટર જનરલ ઓફ ફોર્સીસ ઇન્ટેલિજન્સ (ડીજીએફઆઈ) દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. મુઘલિસ્તાન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ બાંગ્લાદેશ એ જ મુઘલિસ્તાન. કોરિડોરનો એક નક્શો તૈયાર કરી ભારતના એ વિસ્તારને મુઘલિસ્તાન નામ આપ્યું છે. ભારતનો આ કોરિડોર પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથે સીધો જોડી દેશે એવી મુઘલિસ્તાનની કલ્પના છે. અલબત્ત, તેઓ મુઘલિસ્તાનનું ઉચ્ચારણ મુઘલસ્તાન કરે છે.

પાકિસ્તાનની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ભારતમાં છૂપી રીતે ચાલતી જેહાદી ચળવળને તમામ મદદ કરે છે. આમ તો પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર પ્રેસિડન્ટ ઝિયા ઉલ હકે ઓપરેશન ટોપાક હેઠળ ભારતનો કેટલોક ભાગ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભેળવી એક નવું ઇસ્લામિક રાષ્ટ્ર ઊભું કરવાની યોજના વિચારી હતી. આ યોજના હવે આગળ વધી છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભારતના મુસ્લિમ વસ્તીવાળા કેટલાક ભાગોને આઝાદ કરાવી ગ્રેટર પાકિસ્તાનની રચનાનો વિચાર ઓસામા બિન લાદેનને પણ ગમી ગયો હતો. લાદેને કહ્યું હતું કે ભારતના મુસ્લિમોને હિન્દુઓથી આઝાદી અપાવવા માટે મારી જે મદદની જરૂર હશે તે હું કરીશ. માત્ર ઓસામા બિન લાદેને જ નહીં, પરંતુ કરાંચીમાં રહેતા ડોન દાઉદ ઈબ્રાહિમે, જમાત એ ઇસ્લામ, લશ્કર એ તૈયબા અને જૈસ એ મોહંમદ અને હિઝબુલ મુઝાહિદ્દીને પણ અવિભક્ત ઇસ્લામિક રાષ્ટ્રની રચનાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. સિમિ તરીકે ઓળખાતી ધી સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન મુઝાહિદ્દીન પણ આ આઇડિયા પર કામ કરી રહ્યા છે.

લશ્કર એ તૈયબા તો ભારત સામેના આ જંગને ‘હોલી વોર’ કહે છે. લશ્કર એ તૈયબાએ ભારતના હિન્દુઓને ઇસ્લામના દુશ્મન તરીકે જાહેર કર્યા છે અને તેની વેબસાઈટ પર તથા તેની પત્રિકાઓમાં હાલના ભારતને ખતમ કરી નાખવાનો

મનસૂબો જાહેર કર્યો છે. જૈશ એ મોહંમદે જાહેર કર્યું છે કે અમે ભારત હસ્તકના કાશ્મીરને જ આઝાદ કરાવવા માગતા નથી, પરંતુ ભારતના ભરચક મુસ્લિમ વસ્તીવાળા બીજા ભાગોને પણ આઝાદ કરી નવી દિલ્હીના લાલ કિલ્લા પર ઇસ્લામિક ઝંડો લહેરાવવા માગીએ છીએ. સિમિએ ઇસ્લામ દ્વારા ભારતની આઝાદીનો નારો આપ્યો છે. ઇન્ડિયન મુઝાહિદ્દીને આ યોજનાના જ ભાગરૂપે લખનૌ, વારાણસી, ફૈઝાબાદ, બેંગલુરુ, જયપુર, અમદાવાદ અને નવી દિલ્હીમાં કરાયેલા બોમ્બ ધડાકાઓ માટેની જવાબદારી સ્વીકારી છે. ઇન્ડિયન મુઝાહિદ્દીને જુદી જુદી સંસ્થાઓને જે ઈ-મેલ મોકલ્યા છે, તેમાં તેણે ભૂતકાળમાં ભારત પર હુમલા કરી વિજેતા બનવાની ચાહત ધરાવનાર મોહંમદ બિન મસીમ, મોહંમદ ઘોરી અને મેહમૂદ ગઝનીને તેમના રોલમોડલ જાહેર કર્યા છે. ઇન્ડિયન મુઝાહિદ્દીને મોકલેલા નોટોરિયસ ઈ-મેલ્સમાં એવી ચેતવણી ઉચ્ચારી છે કે “તમે ઇસ્લામનો અંગીકાર કરો અને તમારી જાતને બચાવી લ્યો.” મુઘલિસ્તાનની રચનામાં આ પરિબળો સિંધ, પશ્ચિમ પંજાબ, કંદહાર, પૂર્વ બંગાળ ઉપરાંત ભારતની કાશ્મીર ખીણ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળનો મલ્લપુરમ જિલ્લો અને હૈદરાબાદ ડેક્કનનો કેટલોક વિસ્તાર સમાવિષ્ટ કરવા માગે છે. એટલે કે પાકિસ્તાનનો ડેમોગ્રાફ જમ્મુ, મેવાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ થઈ આસામ સુધીનો ભાગ મુઘલસ્તાનમાં લઈ જવા માગે છે. એ વાત હવે ઓપન સિક્રેટ છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો જ એક ભાગ હોવા છતાં અનેક સામૂહિક હત્યાઓને કારણે કાશ્મીરમાં વસતા કાશ્મીરી પંડિતો કાશ્મીરમાંથી હિજરત કરી ગયા છે અને કાશ્મીરમાં વસતા મુસલમાનો ભારતના બંધારણની કલમ ૩૭૦ હેઠળ સ્પેશિયલ સ્ટેટસ ભોગવે છે. કેન્દ્ર સરકારને સહુથી ઓછો આવકવેરો જમ્મુ અને કાશ્મીરમાંથી મળે છે અને બીજાં રાજ્યો કરતાં સહુથી વધુ કેન્દ્રીય સહાય જમ્મુ અને કાશ્મીરને મળે છે. એ રાજ્યની જરૂરિયાતોની ૯૦ ટકા રકમ ગ્રાન્ટ પેટે અને માત્ર ૧૦ ટકા રકમ જ લોન પેટે અપાય છે. તેની સામે લદાખમાં વસતા બૌદ્ધો માઇનોરિટીમાં છે, છતાં કાશ્મીર જેટલી નોકરીઓ લદાખના યુવાનોને અપાતી નથી. ચોંકાવનારી વાત એ છે કે લદાખ અને તે વિસ્તારમાં રહેતા બૌદ્ધો મૃત્યુ પામે તો તેમને મુસ્લિમ પ્રભુત્વવાળા કારગિલ વિસ્તારમાં અંતિમક્રિયા કરવા દેવાનો કટ્ટરપંથીઓ ઇનકાર કરે છે. નવી બૌદ્ધ મોનેસ્ટરીઝ પણ હવે એ વિસ્તારમાં બાંધવા દેવામાં આવતી નથી. પરિણામે લેહ વિસ્તારમાં સંખ્યાબંધ બૌદ્ધ સ્ત્રીઓ ઇસ્લામનો અંગીકાર કરી રહી છે.

મુઘલિસ્તાનની રચનાનો આવો ભયંકર પ્લાન કેમ બન્યો તે પણ જાણવા જેવું છે. પાકિસ્તાન અને બાંગલાદેશની ગુપ્તચર સંસ્થાઓ લાંબા સમયથી ભારતના કયા કયા જિલ્લાઓ અને વિસ્તારોમાં મુસ્લિમોની વસતી વધી રહી છે તેની પર નજર રાખી રહ્યું છે. દા.ત. હરિયાણામાં એક વિસ્તાર ‘મેવાત’ તરીકે ઓળખાય છે. અહીં ૬૬ ટકા વસતી મુસ્લિમોની છે. હરિયાણા સરકારે સ્થાનિક બહુમતીને ખુશ કરી વોટબેન્ક માટે ચૂપચાપ મેવાત નામના જિલ્લાની રચના કરી દીધી છે. હરિયાણા સરકારના આ પગલાને કારણે કટ્ટરપંથીઓને બળ મળ્યું છે, એમ ખુદ રાષ્ટ્રવાદી મુસ્લિમો માની રહ્યા છે. મેવાત જિલ્લાના પ્રત્યેક મુસ્લિમ પરિવારમાં જન્મદર ૧૦થી ૧૨ બાળકોનો છે. મોહંમદ ઇશાક નામનો એક માણસ બિસમિલ્લાહ નામની સ્ત્રીને પરણેલો છે અને તેના ઘરે ૨૩ સંતાનો છે. દેશની ગુપ્તચર એજન્સીઓના ધ્યાન પર એ વાત પણ આવી છે કે જૂની દિલ્હી અને ભારતના પંજાબના માલેરકોલટા વિસ્તારના કટ્ટરપંથી મુસ્લિમો ત્રાસવાદીઓને પનાહ અને બીજી સવલતો આપે છે.

આવું જ ઉત્તરપ્રદેશના આગ્રા, અલીગઢ, આઝમગઢ, મીરત, બીજનોર, મુઝફ્ફરનગર, વારાણસી, બરેલી, સહરાનપુર અને મુરાદાબાદમાં થઈ રહ્યું છે. બોમ્બ ધડાકા કરનારા આ વિસ્તારો જ છુપાઈ રહે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર મુસ્લિમ પ્રભુત્વવાળા સભ્યો બની રહ્યા હોઈ તેની અસર સ્થાનિક રાજનીતિ પર પણ પડી રહી છે.

નેપાળની સરહદ પર કટ્ટરવાદનું શિક્ષણ આપતી મદરેસાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ભારતની સીમા સુરક્ષા બળના ડાયરેક્ટર જનરલના આંકડા મુજબ ભારત નેપાળ સરહદ પર ૧૧૦૦ જેટલી નવી મદરેસાઓ શરૂ થઈ છે. એ સિવાય નવી ૩૪૩ મસ્જિદો અને ૧૭ મસ્જિદ કમ મદરેસાઓ શરૂ થઈ છે. નેપાળ વિસ્તારમાં ૨૮૨ મસ્જિદો અને ૧૫૨ મદરેસાઓ શરૂ થઈ છે. આ માટેનાં નાણાં સાઉદી અરેબિયા, ઇરાન, કુવૈત, પાકિસ્તાન અને બાંગલાદેશથી આવે છે.

આ બધી ઇસ્લામિક સંસ્થાઓના મેનેજરો કાઠમંડુમાં આવેલી જે તે મુસ્લિમ દેશોની એમ્બેસીના અધિકારીઓ તથા હબીબ બેન્ક ઓફ પાકિસ્તા
નની કાઠમંડુ શાખાના વડાઓના સંપર્કમાં રહી ફંડ મેળવે છે.

પાકિસ્તાનની હબીબ બેન્ક હવે નેપાળની હિમાલયન બેન્કમાં ભાગીદાર બની છે તેથી મદરેસાઓને મદદ હિમાલયન બેન્ક દ્વારા મોકલવામાં આવે છે. આ રકમ જે હેતુ માટે આપવામાં આવે છે તે હેતુ માટે જ વપરાય છે કે નહીં તેની પર નજર રાખવા પાકિસ્તાનની એલચી કચેરીના અધિકારીઓ નાણાકીય સહાય લઈ જનાર મદરેસાઓની નિયમિત વિઝીટ કરે છે.

આ બધી જ પ્રક્રિયા જેહાદીઓની કલ્પનાના મુઘલિસ્તાનની રચનાની પૂર્વ ડિઝાઇનના ભાગરૂપ છે.

www.devendrapatel.in

મંત્રીઓ ને પોલીસ પણ હવે ધનવાનોના ગુલામ

અમદાવાદ જેવાં મેટ્રો શહેરો શિકાગો જેવાં ખતરનાક ક્રાઈમ કેપિટલ બન્યાં

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં એક ધનવાન તબીબના પુત્રે રૂ. એ કરોડની બીએમડબલ્યુ કારને ૧૫૦ કિલોમીટરની ઝડપે ચલાવીને મધ્યમવર્ગના પરિવારના બે સંતાનોને જાહેરમાં કચડી નાખ્યા. એક ભયાનક અકસ્માત સર્જીને તબીબનો પુત્ર કોઈ રહસ્યમય યુવતીની કારમાં બેસીને પલાયન થઈ ગયો. કારનો ભુક્કો થઈ ગયો. જે બે યુવાન મૃત્યુ પામ્યા છે તેમનાં માતા-પિતાની હાલત અત્યંત દયાજનક છે. પિતાએ ન્યાય માગવા ઉપવાસ પર ઊતરવું પડયું. છતાં પોલીસ ગાંધીનગરના ઈશારે આ ઘટના અંગે ધીમી ગતિએ આગળ વધતી રહી. એ વાતથી સમગ્ર જનસમાજમાં સરકાર અને તંત્ર પ્રત્યે ભયંકર રોષ ભભૂકી ઊઠયો છે.

પોલીસ જ વિસ્મયજનક

કારચાલક વિસ્મય શાહ હતો. તેના પિતા ડો. અમિત શાહ આંખના સર્જન છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારમાં મોટી વગ ધરાવે છે. ડો. અમિત શાહનો પુત્ર રંગીન તબિયતનો હોવાનું તેના મિત્રો કહી રહ્યા છે. તે કદીયે ૧૦૦ કિલોમીટર કરતાં ઓછી ઝડપે કાર ચલાવતો નથી. તેની પાસે જે કાર હતી તે પણ ચંદીગઢનું પાસિંગ છે. ગુજરાતમાં કેટલાય વખતથી તે ફરતી હોવા છતાં ગુજરાત આરટીઓમાં તેનું રજિસ્ટ્રેશન થયું નથી. સાઈકલના ચોરને ટીપી નાખતી પોલીસ આ ભયંકર ઘટના અંગે ડો. અમિત શાહના ઘરે જઈ વિલા મોંઢે પાછી ફરતી રહી અને સમય પસાર કરતી રહી. રવિવારની રાત્રે અકસ્માત થયો, પરંતુ બે દિવસ વીતવા છતાં પોલીસે રહસ્યમય ચૂપકીદી સેવી. મીડિયાના ભારે દબાણ અને મૃતકના પિતાની ઉપવાસની ધમકી બાદ જ અકસ્માત સર્જનાર વિસ્મય શાહને પોલીસ સ્ટેશનમાં હાજર કરવો પડયો. ઘટનાને બે દિવસ વીતી ગયા હોઈ વિસ્મય શાહે દારૂ પીધો હતો કે કેમ તે સાબિત કરવું હવે મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન મોટરકાર વિસ્મય શાહ નહીં, પરંતુ કોઈ ડ્રાઈવર ચલાવતો હતો તેવા બનાવટી પુરાવા ઊભા કરવા સાજીશ થઈ. પોલીસ બધું જ જાણતી હોવા છતાં કોઈકના ઇશારે મૌન રહી. પોલીસનું આ રહસ્યમય વલણ ગુજરાત સરકારનું તંત્ર કેવા લોકોના હાથમાં છે તેનો નમૂનો છે. વિસ્મયના પિતા ડો. અમિત શાહનો ભૂતકાળ પણ ગુનાઈત અને કૌભાંડોથી ભરેલો છે. તેમની સામે અનેક ફરિયાદો પણ થયેલી છે. આવા લોકોને બચાવવા તંત્ર મેદાનમાં આવે તેથી વધુ વિસ્મયજનક બીજું શું હોઈ શકે ?

આ છે ગુજરાત

ચૂંટણી વખતે ગુજરાતના લોકોએ ભાજપાને ખોબલે ખોબલે મત આપ્યા છે. રાજકારણીઓની મુશ્કેલી જ એ છે કે, એકવાર સત્તા પર આવ્યા બાદ જલદીથી લોકોને ભૂલી જાય છે. ગુજરાતની જનતા પારાવાર વેદનાઓમાંથી પસાર થઈ રહી છે. ચોરલુટારા, બળાત્કારીઓ, ચેઈનસ્નેચરો અને છેતરપિંડી કરનારા ઠગો છડેચોક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના તંત્રની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જાહેરમાં ફાયરિંગ થાય છે. રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ધોળેદહાડે ઘરફોડ ચોરીઓ થાય છે. રોજ આંગડિયા લુંટાય છે. રોજ એક મંદિરમાં ચોરી થાય છે. રોજ કોઈ મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેવામાં આવે છે. દર થોડા થોડા દિવસે બળાત્કાર થાય છે. રોજ એક બાળક ગુમ થાય છે. ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે તેની ખબર આ આંકડા પરથી પડશે. અમદાવાદ શહેરમાં દર મહિને પાંચ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. જાન્યુઆરી, ૨૦૧૨થી ૨૭ જાન્યુઆરી, ૨૦૧૩ સુધીમાં શહેરમાં લૂંટ અને ધાડના ૨૯૪ બનાવો, બળાત્કારના ૬૬ બનાવો, ચોરીના ૩૮૯૫ બનાવો, ચેઈન ખેંચી જવાના ૩૬૯ બનાવો નોંધાયા છે. બે વર્ષમાં ૬૦ મંદિરોમાંથી ચોરી થઈ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આટલી ખરાબ કદી નહોતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરો ક્રાઈમ કેપિટલ્સ બની રહ્યાં છે. એક જમાનામાં ન્યૂયોર્ક કે શિકાગોની આવી પરિસ્થિતિ હતી. અમદાવાદ જેવાં શહેરમાં તો ગુંડાઓનું જ રાજ છે. કોઈ દિવસ એક સાથે દસ દસ ગાડીઓના કાચ તોડી નાખવામાં આવે છે તો બીજા દિવસે ૮થી ૧૦ બાઈક્સ સળગાવી દેવામાં આવે છે,પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

ક્યાં છે પોલીસ ?

પ્રજા પૂછી રહી છે ક્યાં છે પોલીસ ? ક્યાં છે પ્રજાને સલામતીની અને સુરક્ષાની ખાતરી આપનારા નેતાઓ ? ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પોલીસની સલામો ઝીલવામાં પડી ગયા છે. પોલીસ પણ લોકોના બદલે મંત્રીઓની સલામતીમાં જ વ્યસ્ત છે. રોજ સવાર-સાંજ પીક-અવર્સ દરમિયાન ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય છે, પણ રાજ્યનું ગૃહખાતું ગુજરાતની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કુંભકર્ણની નિદ્રા માણી રહ્યું છે. સત્તાની પ્રાપ્તિ બાદ મંત્રીઓ ઝડપથી તેમને મત આપનાર પ્રજાજનોને ભૂલી ગયા છે. એમાંયે છેલ્લે જજીસ બંગલા પાસે ડો. અમિત શાહના પુત્રે ભયંકર અકસ્માત સર્જીને બે પરિવારના દીપકોને બુઝાવી દીધા તે પછી મૃત્યુ પામનાર પુત્રના પિતાની સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તે જોતાં તો એમ જ લાગે છે કે, ગુજરાતના મંત્રીઓ, નેતાઓ અને પોલીસ પણ ધનવાનોની જ ગુલામ છે.

ક્યાં છે સંવેદના ?

ચૂંટણી વખતે ફંડ આપનાર લોકો જ ગુજરાતના સાચા માલિકો બની બેઠા છે. જમીનોના ઇન્વેસ્ટર્સ, જમીનોનાં દલાલો, કેટલાક બિલ્ડર્સ અને ગાંધીનગરમાં બેઠેલા તેમના ભાગીદારોને બીએમડબલ્યુ કારના અકસ્માતનો કોઈ જ રંજ નથી. બે ઘરમાં માતમ છે,પણ ગાંધીનગરને તેની કોઈ જ સંવેદના નથી. એક પિતા ઉપવાસ પર બેસે તો પણ સરકારને તેની કોઈ જ અસર નથી. એક માતા વારંવાર બેહોશ થઈ જાય છે, પરંતુ મંત્રીને તેના ઘરે જઈ સાંત્વના આપવા જવાની પણ ફુરસદ નથી. આસારામ આશ્રમના ગુરુકુળમાં ભણતાં બે બાળકોના રહસ્યમય મોત પર પણ સરકારે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. ગુમ થયેલાં બાળકોનાં માતા-પિતાનો વિલાપ નેતાઓને સ્પર્શતો જ નથી. પ્રજા પ્રત્યેની આવી રુક્ષતા સત્તા પર બેઠેલા નેતાઓ માટે ક્યારેક વિપરીત પરિણામો પણ લાવી શકે છે. પ્રજા કાયમ માટે કોઈના ખિસ્સામાં છે તેવું માની લેવું તે વધુ પડતું આત્મવિશ્વાસમાં રાચવા જેવું થશે.

શ્રીમંતોના નબીરાઓ

ગુજરાતમાં રાતોરાત શ્રીમંત બની ગયેલા પૈસાપાત્ર માણસો પણ તેમના નબીરાઓને કાબૂમાં રાખે તે જરૂરી છે. પુત્રના હાથમાં કરોડ રૂપિયાની ગાડીનું સ્ટિયરિંગ સોંપતાં પહેલાં પુત્રની લાયકાત પણ તેમણે જોઈ લેવી જોઈએ. દીકરો રાત્રે ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે પાર્ટીઓ કરે છે અને કેટલી સ્પીડથી કાર ચલાવે છે તે બધી બાબતો પર પણ માતા-પિતા નજર નહીં રાખે તો કોઈ દિવસ તેઓ કોઈ નિર્દોષ પરિવારની જિંદગી તો રોળી જ નાખશે અને સાથે સાથે તેમના પુત્રને પણ જેલના સળિયા ગણવાનો વારો આવશે. શહેરની પ્રજાની એવી માગણી છે કે, ડો. અમિત શાહ પૈસાથી અને રાજકીય સંપર્કોથી ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ તેમના પુત્રએ સર્જેલા ગંભીર અકસ્માત સંબંધમાં તેમની સામે તમામ કાયદાકીય પગલાં લેવાં જોઈએ અને અકસ્માત સર્જનારને સખતમાં સખત સજા થવી જોઈએ.

બાળકો ને યુવતીઓને સલામત કેવી રીતે રાખશો? Be Careful

આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે

બળાત્કારની ઘટનાઓએ માત્ર ભારતવાસીઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર હેવાનોએ ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનાર દેશને આખી દુનિયા સમક્ષ શર્મસાર કરી દીધો છે. સ્કૂલમાં જતાં બાળકો સાથે વાન ચલાવતો ડ્રાઇવર ગંદી હરકતો કરે છે. કોલેજમાં ભણાવતો અધ્યાપક વધુ ગુણ આપવાની લાલચ આપી બળાત્કાર કરે છે. ટયૂશનમાં જતી બાળાઓ સાથે ભણાવતો શિક્ષક વિદ્યાર્થીના ઉપાંગો સાથે છેડછાડ કરે છે. દેશના હાર્દસમા દિલ્હીમાં રાત્રે એકલદોકલ યુવતી પર ગેંગરેપ થાય છે.

તમે શહેરમાં હોય કે ગામડામાં – ક્યાંય સલામત નથી. તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો. તમારા ગળાની ચેઇન ગમે ત્યારે ખેંચાઈ શકે છે. ગમે ત્યારે તમારું ખૂન થઈ શકે છે. બાળકો કે યુવતીઓ ગમે ત્યારે બળાત્કારનો ભોગ બની શકે છે.

આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે. પુરુષો કોઈ ને કોઈ બહાને તેમની પત્ની સિવાયની સ્ત્રીઓને સ્પર્શી લેવાનો પ્રયાસ કરે છે. આ કૃત્ય કરવામાં દેશના ઉચ્ચ અધિકારીઓ પણ બાકી નથી. પંજાબના એક પ્રતિષ્ઠિત અધિકારીએ પંજાબનાં એક મહિલા આઈએએસ અધિકારીના હિપ્સ પર ટપલી મારી હતી અને મોટો વિવાદ ઊભો થયો હતો. તમે મોડેલ હો તો મેકઅપમેન પણ યુવતીઓના ગાલ પર સ્પર્શવાનો આનંદ લૂંટે છે. આ કૃત્ય કરવામાંથી કેટલાક સાધુઓ અને બાપુઓ પણ બાકી નથી.

આમ કેમ?

વિખ્યાત જર્મન વૈજ્ઞાનિક ડો. સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિનું કેન્દ્રબિન્દુ સેક્સ છે. અલબત્ત, ડો. ફ્રોઈડની આ થિયરી વિવાદાસ્પદ રહી છે, પરંતુ યુનિર્વિસટીઓમાં ભણતા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને આ થિયરી વિસ્તૃત રીતે ભણાવવામાં આવે છે.

સ્ટેટેસ્ટિક્સ કહે છે કે જે સ્ત્રીઓ સેક્સુઅલ છેડછાડનો ભોગ બને છે તેમાંથી ૯૦ ટકા સ્ત્રીઓ જ એવું બન્યાનું ખાનગીમાં કબૂલ કરે છે. જે સ્ત્રીઓ, યુવતીઓ કે બાળકીઓ સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે તેમાં મોટેભાગે પરિવારનાં સગાંઓ, પરિવારના મિત્રો કે તેમના શિક્ષકો જ સંડોવાયેલા હોય છે. એમ થયા બાદ આબરૂ જવાના ભોગે ઘણી સ્ત્રીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળે છે. સમાજ પણ વિચિત્ર છે. કોઈ એક સ્ત્રી પર બળાત્કાર થયો હોય અને તે પોલીસ ફરિયાદ નોંધાવે તો તેનાં જ સગાંઓ, પડોશીઓ અને મિત્રો જે તે પીડિતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે તેની સામે આંગળી ચીંધી તેની વાતો કરવાની ખાનગીમાં મજા માણતા હોય છે. એથીયે વધુ વિચિત્ર વાત એ છે કે કોઈ સ્ત્રી તેની પર થયેલા બળાત્કારની ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે ત્યારે ખુદ પોલીસની તેના તરફની નજર બદલાઈ જાય છે. પીડિતા ગરીબ, અભણ અને ગ્રામ્ય વિસ્તારની હોય તો પોલીસ તેને ગંદા સવાલો પૂછી સ્ત્રીના જવાબો સાંભળવાનો લુત્ફ ઉઠાવવા પ્રયાસ કરે છે.

એક અભ્યાસ મુજબ બળાત્કાર કરનાર પુરુષો મોટે ભાગે ૨૫થી ૩૫ વર્ષની વયના હોય છે. આ લોકોએ મોટેભાગે

હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હોતું નથી. તેઓ હિંસક પ્રવૃત્તિ, શરાબપાન અને કેફી દ્રવ્યોના સેવનનો ઇતિહાસ ધરાવતા હોય છે. કેટલાક એથ્લીટ્સ પણ આવાં કૃત્યોમાં સંડોવાયેલા જણાયા છે. આવા લોકો ‘સાયકો’ હોય છે અને બળાત્કાર પછી પીડિતાની હત્યા કરી દેવાની વૃત્તિ ધરાવે છે. હા, જો કોઈ બળાત્કાર આયોજનપૂર્વકનો હોય તો તેમ કરનાર પુરુષ ઉચ્ચ શિક્ષણ પામેલા હોય છે. તેઓ ઓછા હિંસક હોય છે અને તેઓ જે યુવતી પર બળાત્કાર કરે છે તે યુવતીના પરિવાર સાથે પરિચય ધરાવતા હોય છે.

વેલ્લોર ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરતાં પિડિયાટ્રિશિયન ડો.ગીતા મથાઈ કહે છે કે બાળકો સાથે મોટાભાગના સેક્સુઅલ છેડછાડ કરનારા લોકો દેખાવમાં શાલીન, નમ્ર, ઓછું અને સારું બોલનારા તથા શિક્ષિતો હોય છે. આવા લોકો પહેલાં બાળકનો વિશ્વાસ સંપાદન કરે છે. પરિવારનો વિશ્વાસ સંપાદન કરે છે. તે પછી એકલતામાં બાળક પર બળાત્કાર કરે છે. બળાત્કાર કર્યા પછી બાળકને ગભરાવી મૂકે છે અને તેને મૌન રહેવા ધમકી આપે છે.

તબીબોની સલાહ છે કે કોઈ પણ બળાત્કારની ઘટના બાદ તમે જો બળાત્કારી સામે પોલીસફરિયાદ કરવા માંગતા હોય તો એફ.આઈ.આર. એટલે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રીપોર્ટ નોંધાવવાની સાથે પીડિતાએ તેનું તબીબી પરીક્ષણ કરાવવું જરૂરી હોય છે. શરીરના અંગની બહાર અને અંદરના ભાગે થયેલી ઇજાની સારવાર જરૂરી છે. ટીટનસ અર્થાત્ ધનુરનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે. જે યુવતીઓ બળાત્કારનો ભોગ બને છે તેમાંથી ૧૫ ટકા યુવતીઓ જાતીય રોગના સંક્રમણનો ભોગ બનવાની દહેશત રહે છે તેથી તે બાબતની દવાઓ પણ તબીબોની સલાહ પ્રમાણે લઈ લેવી જરૂરી હોય છે. પીડિતાઓ હિપેટાઈટીસ બી, ગોનોરિયા,સિફિલીસ, હિર્પસ, ક્લેમિડિયા અને ટ્રિકોમોનાસ વેજાઈનલીસ જેવા રોગનો ભોગ બની શકે છે. તે રોગ ન થાય તે માટેની દવાઓ ઉપલબ્ધ છે. બળાત્કારનો ભોગ બનેલી પીડિતા પોલીસ ફરિયાદ ન કરે તો પણ તેણે નિષ્ણાત તબીબ પાસે જવું જોઈએ અને ડોક્ટરની સલાહ અનુસાર સેફ્રટીયાઝોનનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે તેમ ડો. ગીતા મથાઈનું કહેવું છે. આ ઉપરાંત પીડિતાને એઝીથ્રોમાઈસીનનો ઓરલ ડોઝ પણ આપવો જરૂરી છે. તેમાં સેક્નીડાઝોલ, ટિનિડાઝોલ અથવા મેટ્રાનિડાઝોલ જેવા બ્રોડ સ્પેક્ટ્રમ ઔષધો પણ આપવાની હિમાયત કરવામાં આવી છે. ડોક્ટરો કહે છે કે હિર્પસની ટ્રીટમેન્ટ પાંચથી સાત દિવસના કોર્સમાં કરી શકાય છે. હિપેટાઈટીસ બી માટે બુસ્ટર ડોઝ લેવાનો હોય છે. પીડિતાની રોગપ્રતિકારક શક્તિ વિષેની માહિતી ના હોય તો વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવે છે. આવા કેસોમાં એચ.આઈ.વી. થવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ પીડિતાનો દર છ મહિને એચ.આઈ.વી. ટેસ્ટ કરાવવો જરૂરી છે. પીડિતા પર થયેલા બળાત્કારની ઘટનાના ૭૨ કલાકમાં દવાઓ શરૂ કરી દેવાની તબીબો હિમાયત કરે છે. બળાત્કારની ઘટના બાદ પીડિતાને સિફિલીસ થયો છે કે કેમ તે માટેનો બ્લડ ટેસ્ટ ઘટનાના ત્રણ માસ બાદ કરાવી લેવો જરૂરી રહે છે.

તમારે સલામત રહેવું હોય તો શું કરશો?

તમારા બાળકને તમારા ઘરના સરનામા અને ટેલિફોન નંબરથી સજ્જ રાખો. બાળકોને એ વાત શીખવો કે તેમના શરીરના કોઈ અમુક ભાગને કોઈએ પણ સ્પર્શવું જોઈએ નહીં. રસ્તામાં કોઈ પણ અજાણી વ્યક્તિ વાત કરવા પ્રયાસ કરે કે ચોકલેટ કે આઈસક્રીમ ખવરાવવાની ઓફર કરે તો તેનાથી દૂર જતા રહેવું, અજાણી વ્યક્તિ કારમાં લીફ્ટ આપવાની ઓફર કરે તો તે ઓફર સ્વીકારવી નહીં. અંધારું થયા બાદ બાળકોને બહાર રખડવા કે રમવા જવા પ્રોત્સાહન આપવું નહીં.

તમે તમારાં બાળકોને જરૂરથી માર્શલ આર્ટ શીખવો. માર્શલ આર્ટ બાળકોને વધુ ચપળ, ઊર્જાવાન, શિસ્તબદ્ધ અને અચાનક હુમલા વખતે પ્રતિરોધ શીખવે છે.

તમે સ્ત્રી હો તો તમને આસપાસના લોકો અને તે વાતાવરણની માહિતી હોવી જરૂરી છે. દિવસે રોડ પર ચાલતી વખતે દિવાસ્વપ્નો નિહાળવાં નહીં. સેલફોન હંમેશાં સાથે રાખવો પણ રસ્તા પર ચાલતી વખતે સેલફોન વાપરવો નહીં. એક સ્થળે શાંતિથી ઊભા રહીને વાત કરી લ્યો. રસ્તા પર ચાલતી વખતે કાનમાં ઇયર ફોન નાખી મ્યુઝિક સાંભળવું નહીં. આવી પરિસ્થિતિમાં યુવતીઓ બેધ્યાન બની જાય છે અને હેવાનો આવી બેધ્યાન યુવતીઓને જ પોતાનો શિકાર બનાવે છે. સ્ત્રીઓએ કોઈ પણ અજાણી વ્યક્તિની કોઈ પણ જાતની મદદ સ્વીકારવી નહીં. કંઈ પણ શંકા જેવું લાગે તો તમે તમારા આત્માને પૂછો. કાંઈક ગરબડ લાગે તો ચીસ પાડી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરો. બની શકે તેટલી ઝડપથી દોડીને ભાગી જાવ. આવા સંજોગોમાં માર્શલ આર્ટની તાલીમ યુવતીને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. હાઈસ્કૂલ લેવલથી જ બાળાઓ માર્શલ આર્ટની તાલીમ લઈ લે એ જરૂરી છે. જ્યાં અંધારું હોય તેવી દુકાનમાં કદી પ્રવેશશો નહીં.

સલામત રહેવાની આ કેટલીક ટિપ્સ છે. ઓલ ધ બેસ્ટ.

www.devendrapatel.in

સ્ત્રીઓએ વરુઓ વચ્ચે જ ચાલતાં રહેવાનું છે?

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’નાં મહિલા પત્રકાર શારા અશરફ પોતાના અનુભવ વર્ણવે છે

શારા અશરફ દિલ્હીથી પ્રગટ થતાં સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર’હિન્દુસ્તાન ટાઈમ્સ’નાં મહિલા પત્રકાર છે. દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ રાત્રીના સમયે દિલ્હી કેવું ખોફનાક બની જાય છે તે સંદર્ભમાં તેમણે પોતાના જ અનુભવની કથા એ અખબારમાં વર્ણવી છે. શારા અશરફની કથા એમના જ શબ્દોમાં વાંચો :

“૨૦૦૪થી હું દિલ્હીમાં રહું છું. હું જ્યારથી દિલ્હી આવી ત્યારથી સતત ભયભીત, અસલામત અને મારી જાતને નિઃસહાય અનુભવું છું. મારા મિત્રો મારા માટે કહે છે કે, હું પત્રકાર છું તેથી મને કોઈને પણ સીધાદોર કરી દેવાના વિશેષાધિકાર છે, પરંતુ હું તેમને કહું છું કે, ના, એ વાત ખોટી છે. હું પણ દિલ્હીની બીજી છોકરીઓ જેવી જ છું. હું વ્યવસાયી પત્રકાર છું, સુખી પત્ની છું અને યુવાન માતા છું.

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સવારે ૯.૩૦ વાગે હું દિલ્હીના મારા પાંડવનગરના નિવાસેથી ઓફિસે જવા નીકળી. મારા ઘરથી માંડ ૧૦૦ વાર દૂર આવેલા મેઈન રોડ પર પહોંચી. હું ઓટોરિક્ષાની રાહ જોવા લાગી. ઓટો ના મળતાં પંદર મિનિટ બાદ હું મધર ડેરીના બસસ્ટોપ પાસે પહોંચી. હું બસની રાહ જોતી હતી તે દરમિયાન એમસીડીના ત્રણ કર્મચારીઓને મેં દુકાનનાં પગથિયાં પાસે બેઠેલા જોયા. મને જોઈને તેઓ હિન્દી ફિલ્મનું ગીત મોટેમોટેથી ગાવા લાગ્યા. મેં તેમની સામે કડક નજરે જોયું,પણ તેની તેમની પર કોઈ જ અસર ના થઈ. તેઓ ગંદી નજરે મને જોવા લાગ્યા. મેં તેમની ઉપેક્ષા કરી. મેં આશ્ચર્ય સાથે જોયું તો ૫૦ વર્ષની વયનો એક કર્મચારી ઊભો થયો અને મારી પાસે આવી તેના મિત્રોને કહેવા લાગ્યો કે, સેક્સના અમુક એક્ટમાં હું સરસ લાગીશ. એના મિત્રોએ એ કર્મચારીને કહ્યું : “એને જ પૂછી લોને કે તે તૈયાર છે કેમ ?”

એ લોકોની ગંદી વાતો સાંભળી મારું લોહી ઊકળી ગયું. મેં અહીંથી શાંતિપૂર્વક દૂર ચાલ્યા જવાનું નક્કી કર્યું. હું થોડીક ચાલી હોઈશ ને એ લોકો ફરી ગંદુ બોલવા લાગ્યા. હવે મારાથી સહન થયું નહીં. હું પાછી ફરી અને એ લોકો જ્યાં બેઠા હતા ત્યાં જ પહોંચી ગઈ. મને તેમની પાસે આવેલી જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. મેં બહુ જ શાંતિથી તેમને પૂછયું : “બોલો, તમારે મને શું કહેવું છે ?”

એક આંખવાળા કર્મચારીએ મને કહ્યું : “અમે તો બીજા કોઈની વાતો કરતા હતા.”

હકીકતમાં તે બધાના મોંમાંથી દારૂની વાસ આવતી હતી. મેં તરત જ ૧૦૦ નંબર ડાયલ કર્યો. પોલીસકંટ્રોલે મને કહ્યું : “તમે જ્યાં છો ત્યાં જ ઊભાં રહો. હું પોલીસવાન મોકલું છું.”

હું નજીકમાં જ ઊભી રહી ગઈ. એ લોકો હજુ નક્કી કરી શકતા નહોતા કે મેં ખરેખર પોલીસને ફોન કર્યો છે કે કેમ ? એમને એમ હતું કે હું અમસ્તા જ તેમને બીવડાવું છું. તેઓ ત્યાં બેસી જ રહ્યા. લગભગ ૨૦ મિનિટ બાદ પીસીઆર વાન આવી પહોંચી. એમસીડીના કર્મચારીઓ એટલામાં જ હતા. મેં સબ ઇન્સ્પેક્ટરને એ લોકોની બીભત્સ હરકતોની જાણ કરી. સબ ઇન્સ્પેક્ટરે એક આંખવાળા કર્મચારીને બોલાવીને પૂછયું. એણે એવું કાંઈ બોલ્યાનો ઇનકાર કર્યો. પોલીસે અનિચ્છાએ મારી ફરિયાદ નોંધી. પોલીસે મારું નામ જાણી આશ્ચર્ય વ્યક્ત કર્યું. મેં લખાવ્યું હતું : “શારા અશરફ વાઈફ ઓફ અભિષેક કુમાર.” પોલીસે મને પૂછયું : “યે કૈસે હો સકતા હૈ ?”

મેં કહ્યું : “ક્યોં કિ યે ઇન્ડિયા હૈ.”

પોલીસ પાસે હવે કોઈ પ્રશ્ન નહોતો. એણે મને એ સમજાવવા કોશિશ કરી કે, “આ ત્રણ જણ એમસીડીના કર્મચારી છે અને ફરજ પર દારૂ પીધેલા છે. હું તમારી ફરિયાદના આધારે એફ.આઈ.આર. નોંધીશ તો એમની નોકરી જશે.” એમ સમજાવી મને કહે વા લાગ્યા : “જાને દિજીયે મેડમ, યે લોગ સ્વીપર્સ હૈ. ઈનકી નોકરી ચલી જાયેગી. ઈનકે બચ્ચોં કી બદદુઆ લગેગી આપકો.”

એણે એફ.આઈ.આર. નોંધવા ઇનકાર કર્યો એટલે મેં કહ્યું : “હું પત્રકાર છું.”

તે પછી અમે બધાં પોલીસ સ્ટેશન ગયાં, મને એક રૂમમાં લઈ જવામાં આવી. રૂમ ગંદો હતો અને એક ખાટલા પર કેટલાક પોલીસ કર્મીઓ સૂઈ ગયા હતા. તેમનાં વસ્ત્રો દીવાલ પર ટીંગાડેલાં હતાં. એ રૂમમાં કોઈ મહિલા કોન્સ્ટેબલ નહોતી. કેટલીકવાર પછી સબ ઇન્સ્પેક્ટર એમસીડીના સુપરવાઈઝર સાથે અંદર આવ્યા અને એ કર્મચારીઓ વતી માફી માગી. મારી ફરિયાદ પાછી ખેંચી લેવા મને વિનંતી કરવા લાગ્યા. લાંબો વિચાર કર્યા બાદ મેં કહ્યું : “ચાલો હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં છું, પરંતુ તેઓ ભવિષ્યમાં કોઈપણ યુવતીને પરેશાન નહીં કરે તેવી લેખિત ખાતરી મને આપો.”

એ લોકોએ લેખિત માફીનામું લખી આપ્યું. મને એટલો તો સંતોષ હતો કે એ લોકોએ ક્ષમા માગી.”

હવે આવો એક બીજો જ અનુભવ મને ૨૦૦૭માં થયો. એ વખતે ‘એશિયન એજ’ અખબારમાં હું તાલીમી પત્રકાર હતી. એક મધરાતે મને મારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો. હું એની હિન્દી ટેક્સ્ટ વાંચી ઠરી જ ગઈ. તેમાં આવું કાંઈક લખ્યું હતું : “જો વેક્સની જાહેરાતોમાં પગ દર્શાવવામાં આવે છે, ખીલ ના થાય તે માટે ગાલ દર્શાવવામાં આવે છે તો સેનેટરી નેપ્કિન્સની જાહેરાતમાં સંબંધિત અંગ કેમ દર્શાવવામાં આવતું નથી ?”

મને ગુસ્સો આવ્યો. જે નંબર પરથી એ મેસેજ આવ્યો હતો તે નંબર પર મેં ફોન કર્યો. કોઈએ ઉપાડયો નહીં. તે પછી સવારે પીસીઓ પરથી એ નંબર પર ફોન કર્યો. એ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડયો. મેં એને પૂછયું : “મેં તમારા ફોન નંબર પરથી વલ્ગર મેસેજ રિસિવ કર્યો છે.”

એણે એવું કાંઈ કર્યું જ નથી એમ કહી ફોન કાપી નાખ્યો. હું તરત જ દિલ્હીના માલવિયાનગર પોલીસ સ્ટેશને ગઈ અને મેં ફરિયાદ નોંધાવી. પોલીસને પણ એ મેસેજ વાંચવાની મજા આવી હોય એમ લાગ્યું છતાં એણે કહ્યું : “અમે એ વ્યક્તિને બોલાવીશું.”

સાંજે હું ફરી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસે મને બીભત્સ મેસેજ મોકલનાર વ્યક્તિને બોલાવી રાખ્યો હતો. હું તેને ઓળખી ગઈ. તે મને જાણતો હતો. હું પત્રકારત્વનું ભણતાં ભણતાં પાર્ટટાઈમ મોડેલિંગ પણ કરતી હતી એ વખતે તે મેઈકઅપમેન હતો. એ મને મેકઅપ કરતો ત્યારે તેનું વર્તન અત્યંત સુંદર અને વ્યવસ્થિત હતું. હું ટી.વી. માટે કોર્મિશયલ કરતી હતી ત્યારે તે સ્ટુડિયો પર આવી મારો મેકઅપ કરતો હતો. પણ એ હું મોડેલિંગ કરતી હતી તે વખતના કેટલાક ફોટોગ્રાફ્સ લઈને પોલીસ સ્ટેશને આવ્યો હતો. મારી તસવીરો જોઈને પોલીસ અધિકારીનું વર્તન બદલાઈ ગયું. એણે મેકઅપ મેને રજૂ કરેલા મારા મોડેલિંગના ફોટા ટેબલ પર ગોઠવ્યા અને મને વ્યંગમાં કહ્યું : “તમે તો કહ્યું કે, તમે અખબારમાં કામ કરો છો, પણ તમે તો મોડેલ છો.”

એ પછી મને ગંદા મેસેજ મોકલનાર મેકઅપમેને કહ્યું : “મેં તો માત્ર જોક્સ ખાતર મેસેજ મોકલ્યા હતા.”

પરંતુ મેં કહ્યું : “એ બીભત્સ મેસેજ સામે મારો સખત વિરોધ છે. મધરાતે આવા વલ્ગર મેસેજ મોકલનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ.”

મેં ઘણી દલીલો કરી, પરંતુ છેવટે મારે જ પોલીસ સ્ટેશન છોડવું પડયું.

ઓગસ્ટ, ૨૦૧૧માં ત્રીજો બનાવ બન્યો. હું મારી કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી ઓફિસમાંથી બહાર નીકળી ત્યાં જ રસ્તા પર બે માણસો મારો પીછો કરતા જણાયા. તેઓ મોટે મોટેથી હું સાંભળું તેમ બોલવા લાગ્યા. એક જણ બોલ્યો : “બીજી બધી જ છોકરીઓની એનેટોમી (શારીરિક રચના) આના જેવી જ લાગતી હશે ?”

બીજાએ કહ્યું : “ચાલો એને જ પૂછીએ.”

હું પાછી ફરી. મને જોઈને હસવા લાગ્યા. મેં મગજ પરનો કાબૂ ગુમાવ્યો. હું સીધી તેમની સામે પહોંચી ગઈ અને મેં તેમને પૂછયું : “તમે તમારી માની એનેટોમી નથી જોઈ ?”

એ લોકોને મારા આવા જવાબની અપેક્ષા નહોતી. તેઓ દોડવા લાગ્યા. મેં એકને પકડી લીધો. બીજો ભાગી ગયો. નજીકમાં જ પોલીસ ઊભી હતી. મેં ગંદી રિમાર્ક કરનાર વ્યક્તિને પોલીસને સોંપી દીધો. પોલીસે મને ફરિયાદ લખાવવા સલાહ આપી જેથી એ લોકોને પાઠ ભણાવી શકાય. હું સંમત થઈ. પતિયાલા કોર્ટમાં કેસ મૂકવામાં આવ્યો. મારા પિતા અને મારા પતિ બેઉ ધારાશાસ્ત્રી છે. કેસ હવે હિયરિંગ પર છે. મારા પિતા અને મારા પતિ મને બહુ જ મદદ કરે છે, પણ મારી સલામતી અંગે સતત ચિંતા પણ કરે છે. દિલ્હીની ગેંગરેપની ઘટના બાદ આવા અસામાજિક તત્ત્વો સામે લડવા હું વધુ કૃતનિશ્ચયી બની છું. મારી અન્ય સ્ત્રીઓને સલાહ છે કે, તમારી સાથે કાંઈ પણ અણછાજતું બને તો તેની સામે ફરિયાદ નોંધાવો. તે પ્રતિરોધક સાબિત થાય છે.”

(સ્રોત અને સૌજન્ય :
‘હિન્દુસ્તાન ટાઈમ્સ)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

શિવને પણ ચલિત કરનાર ઋતુરાજ વસંતનું આગમન

ગુન ગુના રહે હૈ ભંવરે, ખીલ રહી હૈ કલી કલી
 

ઋતુરાજ વસંતનું આગમન થઇ ચૂક્યું છે. કવિઓએ વર્ષાને ઋતુઓની રાણી અને વસંતને ઋતુરાજ કહ્યો છે. મહાકવિ કાલીદાસે ઋતુરાજ વસંતને કામદેવનો સખો કહ્યો છે. રાક્ષસોથી દુઃખી થયેલા દેવો ભગવાન પાસે ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે,હિમાલયની પર્વતમાળા પર ધ્યાનમાં બેઠેલા મહાદેવથી કોઇ પુત્ર ઉત્પન્ન થાય તો તે જ રાક્ષસને હણી શકશે. પિતાએ કરેલા અપમાનથી જ પાર્વતીજી તો યજ્ઞાનું કૂદી પડી જીવનનો અંત આણી ચૂક્યાં હતા. પરંતુ પર્વતરાજ હિમાલયની પુત્રી ઉમા એ જ પર્વત પર જન્મ લઇને હવે યુવાનીમાં ડગ માંડી રહી હતી. દેવોએ વિચાર્યુ કે, ઉમા રોજ મહાદેવની પૂજા કરવા જાય છે પણ ધ્યાનસ્થ શિવ તો આંખ ઉઘાડતા જ નથી. શિવ તેમનાં નેત્રો ખોલે અને ઉમા પર તેમની નજર પડે અને ઉમા સાથે લગ્ન કરવા તૈયાર થાય તો જ કોઇ સારું પરિણામ આવે. દેવોએ કામદેવને આ કામ સોંપ્યું. કામદેવે શિવને ધ્યાનમાંથી વિચલિત કરવા તેના મિત્ર વસંતનો સહારો લીધો. વસંતના આગમન સાથે જ પર્વતમાળા પર પુષ્પો ખીલી ઉઠયાં. મંદ મંદ પવન શરૂ થયો. ભ્રમરો ઉડવા લાગ્યા. પુષ્પોની મહેક ચારે બાજુ પ્રસરી ગઇ અને જ્યારે ઉમા મહાદેવની પૂજા કરવા આવ્યાં હતાં ત્યારે જ કામદેવે તેમનું પુષ્પબાણ છોડયં. શિવ ધ્યાનથી વિચલિત થયા અને તેમની નજર અદ્ભુત સુંદરતા ધરાવતાં ઉમા તરફ પડી. પણ થોડીક ક્ષણોમાં શિવે ફરી ધ્યાનમાં સ્થિર થઇ જોયું તો આ કામ કામદેવનું હતું. તેમણે કોપાયમાન થઇ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ખાખ કરી નાંખ્યો. પરંતુ દેવોની વિનંતીથી શિવે ઉમા સાથે લગ્ન કર્યા. તેમનાથી એક પુત્ર પેદા થયો જેનું નામ કાર્તિકેય. એ કાર્તિકેયે રાક્ષસને હણ્યો.

 
આમ્ર મંજરીઓ ખીલી ઊઠે
 

આ આખીયે કથા મકાકવિ કાલિદાસે ‘કુમાર સંભવમ્’ માં વર્ણવી છે. વસંત ઋતુનો પ્રભાવ જ એવો છે કે દેવોના દેવ મહાદેવ પણ વસંત ઋતુમાં જ ચલિત થયા હતા. આવી વસંત ઋતુના આગમનથી જ વાતાવરણ બદલાઇ જાય છે. ઠંડી ધીમે ધીમે વિદાય લે છે. વૃક્ષો અને વેલીઓ નવાં પર્ણો ધારણ કરે છે. નાનાં-નાનાં છોડ પર ફૂલો ફરી ખીલવા માંડે છે. તેની ઉપર ભ્રમરો ઉડવા લાગે છે. આંબાના વૃક્ષો પર આમ્ર મંજરીઓ ખીલી ઉઠે છે. આમ્ર વૃક્ષની નીચેથી પસાર થતાં જ મધુર મઘમઘાટનો અહેસાસ થાય છે. ઠંડીની વિદાયથી ગૌરીઓના ગાલની રૂક્ષતા દૂર થાય છે. ચહેરા અને હોઠ ખીલી ઊઠે છે. બાગ બગીચાઓ પર પતંગિયા ઉડાઉડ કરતાં જણાય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઇ ખિલખિલાટ હસતી હોય તેમ લાગે છે. વસંતના આગમનથી સૌ કોઇના ચહેરા પર મુસ્કાન દેખાય છે. ઘણાં યુવક-યુવતીઓ હજારોની સંખ્યામાં વસંત પંચમીના દિવસે જ લગ્ન કરવાનું પસંદ કરે છે. પ્રેમીઓનો પ્રિય વેલેન્ટાઇન ડે પણ આ જ ઋતુમાં આવે છે તે પણ એક જોગાનુજોગ છે. વેલેન્ટાઇન ડે પ્રત્યે શિવસેના જેવા કટ્ટરપંથી પક્ષોના નેતાઓનું વલણ પણ હવે બદલાતું જાય છે. વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરનાર યુવક-યુવતીઓ પર ત્રાટકવાનું શિવસેનાએ હવે બંધ કરી દીધું છે. મુંબઇમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતાં યુગલોને માર મારવાનું કામ શિવસૈનિકો કરતા હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરે હવે તેમના પુત્ર આદિત્યને જાહેર જીવનમાં લાવી રહ્યા છે. લાગે છે કે પુત્રએ પિતા અને દાદાની વિચારધારામાં બદલાવ આણ્યો છે.

 
યુવા વોટ બેંક
 

યુવક-યુવતીને યુવાનોની વોટબેંક જતી રહેવાના ભયે વેલેન્ટાઇન ડે પ્રત્યેનો શિવસેનાનો અને કટ્ટરપંથીઓનો અભિગમ બદલાયો છે. પ્રેમ કરવો એ આદેશ અને ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષ પુરાણી પરંપરા રહી છે. પ્રેમી-પ્રેમિકાઓની સેંકડો કથાઓ ભારતના ઇતિહાસમાં દર્જ છે. પ્રેમની પૂજા શ્રીકૃષ્ણ-રાધાની લીલાઓમાં પણ જોવા મળે છે. પ્રેમનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ ભારતીય ગ્રંથોમાં ઉપલબ્ધ છે. વિશ્વ હવે ગ્લોબલ વિલેજ બની રહ્યું છે ત્યારે વેલેન્ટાઇન-ડેનો વિરોધ કરનારા અને તાલિબાનો વચ્ચે કોઇ જ ફરક નથી. આવા ઉત્કૃષ્ઠ પ્રેમના નામ પર તો ખડી કરાયેલી વિશ્વની અજાયબી સમી ભવ્ય તાજમહાલની ઇમારત આખા વિશ્વને ભારત આવવા આમંત્રી રહી છે.

 
મુગલ ગાર્ડન
 

પહેલાં અજમલ કસાબને અને તે પછી અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓ પ્રત્યે નરમી ન દાખવનાર ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય બગીચામાં ખીલી ઉઠેલી વસંતનું સ્વાગત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનો બગીચો સ્વયં એક ઉપવન છે. વસંતઋતુના રંગબેરંગી પુષ્પોની સુગંધથી મુગલ ગાર્ડન મહેંકી ઊઠયો છે. આ ફૂલોની પ્રાકૃતિક સુંદરતાએ પૂરા વાતાવરણને સપ્તરંગી બનાવી દઇને ધરતી પર ઇન્દ્રધનુષ ઉતારી દીધું હોય એમ લાગે છે. આ મુગલ ગ્રાઉન્ડમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રોજ સવારે સેર કરવા નીકળે છે ત્યારે બગીચામાં ઠેર-ઠેર મોરલાઓ ટહૂકી ઊઠે છે. વસંત પંચમીના દિવસથી જ રાષ્ટ્રપતિ ભવનનો આ ભવ્ય મુગલ ગાર્ડન દેશના આમ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પૂરા એક મહિના સુધી લોકો આ મુગલ ગાર્ડન નિહાળવા આવનજાવન કરી શકશે. તા.૧૭મી માર્ચ સુધી આ મુગલ ગાર્ડન સૌ કોઇ માટે ખુલ્લો રહેશે. ભારતમાં વસંત પંચમીના દિવસથી મદનોત્સવ શરૂ થઇ જાય છે, જે હોળી પછી પણ કેટલાક દિવસો સુધી ચાલુ રહે છે. તે ફાગ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગાર્ડનમાં સેકંડો જાતના ગુલાબ ખીલી ઊઠે છે. વિશ્વની કેટલીક દુર્લભ પુષ્પ પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. આ પરિસરમાં એક સંગીતમય ફુવારો પણ છેજે શહનાઇ અને વંદેમાતરમની ધૂન પર જલક્રીડા કરે છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે આધુનિક વિશ્વની સાથે પણ ભારતનો સંબંધ કેવી રીતે પલ્લવીત થયો છે તે જોવો હોય તો મુગલ ગાર્ડન અને તેના ગુલાબ જોવા જ રહ્યા. અહીં મહારાણી એલિઝાબેથના નામના ગુલાબ પણ છે અને મધર ટેરેસાના નામના શ્વેત ગુલાબ પણ છે. અર્જુન અને ભીમના નામના ગુલાબ પણ છે અને રાજા રામ મોહનરાયના નામના ગુલાબ પણ છે. પંડિત જવાહરલાલથી માંડીને અબ્રાહમ લિંકન અને જહોન એફ.કેનેડીના નામથી માંડીને વિશ્વની બીજી અનેક પ્રતિભાઓના નામને અનુરૂપ રંગોવાળા ગુલાબ દૃશ્યમાન છે.

 
આધ્યાત્મિક વાટિકા
 

રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગ્રાઉન્ડનું એક આકર્ષક અંગ તેની આધ્યાત્મિક વાટિકા પણ છે. અહીં વિભિન્ન ધર્મો તથા મતોની માન્યતા અનુસાર વૃક્ષો અને છોડવાઓ સંગસંગ લગાવવામાં આવ્યાં છે. વિશ્વભરમાં ભાઇચારો ખીલે તે માટેના સહઅસ્તિત્વની વિચારધારાને પ્રકૃતિના માધ્યમથી પ્રદર્શિત કરવા માટે રૂદ્રાક્ષ, ચંદન, કદંબ, વડ, પારસ, પીંપળો અને ખજૂર પણ બાજુબાજુમાં લગાડવામાં આવેલા છે. તે બધા જ એક સાથે વૃદ્ધિ પામે છે. લીંબુના આકારના ચીની સંતરા પણ અહીં જોવા મળશે. તમે દિલ્હી જાવ તો સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનના આ અદ્ભુત મુગલ ગાર્ડનમાં તમે પ્રવેશ મેળવી શકશો. મુગલ ગાર્ડનમાં ખાવા પીવાની ચીજો મોબાઇલ કે પર્સ લઇ જવાની મનાઇ છે. રાષ્ટ્રપતિ ભવનના ૩૫મા નંબરના દ્વારથી નાગરિકો પ્રવેશ મેળવી શકશે.

 

મેરી મોત કે બાદ આપ કિસી સે શાદી નહીં કરોગે

બાદશાહ જહાંગીરના શાસનકાળમાં દિલ્હીમાં એક મીના બજાર હતું. મોગલ સરદારોની ઔરતો અહીં ખરીદી કરવા આવતી. અહીં મુમતાઝ જેમિનીની પણ એક ભવ્ય દુકાન હતી. મુમતાઝ બેહદ સુંદર હતી. એક દિવસ શાહજાદા શાહજહાં ફરતાં ફરતાં મીના બજાર તરફ ગયા. તેમની નજર મુમતાઝ તરફ પડી. મુમતાઝનું બધું જ ઝવેરાત વેચાઇ ગયું હતું. માત્ર એક હીરો વધ્યો હતો. રાજકુમાર શાહજહાંએ હીરાની કિંમત પૂછી. મુમતાઝે કહ્યું : ‘એક લાખ રૂપિયા’

શાહજહાંએ હીરો ખરીદી લઇ લાખ રૂપિયા ચૂકવી દીધા. રાજકુમાર મહેલમાં પાછા આવ્યા પણ તેમની નજર સમક્ષથી મુમતાઝનું સૌંદર્ય હટતું નહોતું. એક દિવસ તેમણે પોતાની મુરાદ પૂરી કરી લીધી. બડી શાન-શૌકતથી મુમતાઝ સાથે શાદી કરી લીધી. મુમતાઝને સામ્રાજ્ઞા પદ આપ્યું. શાહજહાં મુમતાઝને બેહદ ચાહતા હોઇ તેમણે તેમના હારેમમાં બીજી એક પણ સ્ત્રી રાખી નહીં. બદલામાં મુમતાઝે પણ શાહજહાંને અનહદ પ્રેમ આપ્યો. ટૂંક સમયમાં મુમતાજ સમગ્ર રાજ્યમાં સર્વપ્રિય બની ગઇ. મુમતાઝને શાસન કરવાની ઇચ્છા નહોતી. તે ફક્ત તેના સ્વામીની એકમાત્ર અધિકારીણી બનીને રહેવા માંગતી હતી.

સમય વીતતો ગયો.

મુમતાજ કેટલાંક બાળકોની મા બની, પણ તેનું સૌંદર્ય એવું ને એવું જ જળવાઇ રહ્યું. હા, તેની છેલ્લી પ્રસૂતિ વખતે તેને અસ્વસ્થતાનો આભાસ થયો. તે કોઇ આવી રહેલા ખતરાથી ભયભીત થવા લાગી હતી.

એક સાંજે મુમતાઝ અને શાહજહાં બગીચામાં ફરી રહ્યાં હતાં. મુમતાઝ અચાનક એક સ્થાન પર બેસી ગઇ. શાહજહાંએ જોયું તો મુમતાઝના કપાળ પર પ્રસ્વેદ બિન્દુ હતાં. શાહજહાંએ પૂછયું : “પ્યારી મુમતાઝ, તુમ્હે ક્યા હો ગયા?’

મુમતાજ બોલીઃ “કુછ નહીં, જહાંપનાહ. મૈં ઉસ પક્ષી યુગલ કો દેખ રહી હું. ઐસા માલુમ હોતા હૈં કિ વહ એક દૂસરે કો બેહદ પ્યાર કરતે હૈં.”

શાહજહાં મુમતાઝના ભીતરનો ભાવ સમજી ગયા. તેમણે મુમતાઝના કપાળ પરના પ્રસ્વેદ બિન્દુને લૂછી નાખ્યું: “ક્યા સોચ રહી હો, મુમતાઝ?”

મુમતાઝ બોલીઃ “જહાંપનાહ મેં સોચ રહીથી કિ, ઉનકા યે પ્યાર અમર હો સકતા હૈં?”

“ક્યોં નહીં?” શાહજહાંએ કહ્યું : “યદી યે એક દૂસરે કે પ્રતિ સચ્ચે ઔર વફાદાર રહે તો ઉનકા પ્યાર જરૂર અમર હોગા.”

“અગર કોઇ મુસીબત આઇ તો?”
શાહજહાંએ કહ્યું : “તુમ્હારી તબિયત તો ઠીક હૈં ન?”

“હા, મેરી તબિયત ઠીક હૈ. લેકિન મેં સોચ રહી થી કી દુનિયા કી હર ચીજ નષ્ઠ હોને વાલી હૈ. ક્યા પ્યાર મોહબ્બત ભી?”

“યે તો સંસાર કા નિયમ હૈં. લેકિન યે સબ બાત મત સોચો. તુમ્હે આરામ કી જરૂર હૈ : શાહજહાંએ કહ્યું, અને બેગમને મહેલના કમરામાં લઇ ગયા.

કેટલાક દિવસો વીત્યા.

મુમતાઝ ફરી કમજોરી મહેસુસ કરવા લાગી. શાહજહાં મુમતાઝનો બહુજ ખ્યાલ રાખતા હતા. મુમતાઝના આરામ માટે બધી જ સુવિધાઓ તેમણે ઉપલબ્ધ કરાવી હતી. મુમતાઝ હવે બીમાર છે તેનો તેમને ખ્યાલ આવી ગયો હતો.

એક રાત્રે મુમતાઝને આવી રહેલી કોઇ દુર્ઘટનાનો વિચિત્ર આભાસ થયો. તેને લાગ્યું કે હવે તે ઝાઝું જીવશે નહીં. એ રાત્રે તેને ઊંઘ આવતી નહોતી. રાતે તે કરવટ બદલતી રહી. ના રહેવાતાં તેણે શાહજહાંને ઉઠાડયા. શાહજહાંએ પૂછયું: “ક્યા બાત હૈં, મુમતાઝ?”

મુમતાઝે કહ્યું: “મેરે માલિક આપને મુઝે બેહદ પ્યાર દીયા હૈં. સભી સુવિધાઓ દી હૈં, લૈકિન મુઝે લગતા હૈં કિ, ઇસ સમય મૈં બચુંગી નહીં.”

“ઐસા મત સોચો, મુમતાઝ. હિંમત રખ્ખોઃ” બાદશાહે કહ્યું.

મુમતાઝ થોડીવાર માટે શાંત થઇ ગઇ. પણ ભીતરના દર્દને તે સહન કરી શકતી નહોતી. તે ધીમેથી બોલીઃ “મેરે માલિક, અબ મૌત મેરે સામને ખડી હૈં, કિન્તુ ઇસકે પહેલે મેં દમ તોડું મેરી દો ઇચ્છાએ હૈં, ક્યા આપ પુરી કર સકોગે?”

“મેં વાદા કરતા હું, તુમ્હારી હર ઇચ્છા પુરી હોગી.” બાદશાહે કહ્યું.

મુમતાઝ બોલી : ‘તો વાદા કરો કિ મેરી મોત કે બાદ આપ કિસીસે શાદી નહીં કરોગે, ક્યોકિ મૈં નહી ચાહતી કી કોઈ દૂસરી સ્ત્રી આપ કે પ્યાર કી હકદાર બને.’
“ઔર દૂસરી ઇચ્છા ક્યા હૈ?” બાદશાહે પૂછયું.

મુમતાઝ બોલી : “ઔર વાદા કરો કિ મેરી કબ્ર પર ઐસા સ્મારક બનવાએગે જો દુનિયામેં અપને ઢંગ કા એક હી હોગા, તાકિ મેરા નામ અમર રહે.”

શાહજહાંએ ભીની આંખે હા પાડીઃ “મૈં તુમ્હારી દોનો ઇચ્છા પૂરી કરુંગા.”

થોડા જ વખતમાં પ્રસૂતા મુમતાઝે બાળકને જન્મ આપતી વખતે જ દમ તોડી દીધો. મુમતાઝના મૃત્યુથી શાહજહાં વિચલીત થઇ ગયા. દુઃખી દુઃખી થઇ ગયા. કહેવાય છે કે કેટલાયે દિવસો સુધી તેઓ મહેલમાં રડતા રહ્યાં. કેટલાયે દિવસો સુધી તેઓ મહેલની બહાર નીકળ્યા નહીં, પણ તેમને અચાનક મુમતાઝને આપેલા વચનો યાદ આવ્યાં. હવે તેઓ મુમતાઝની છેલ્લી ઇચ્છાઓ પૂરી કરવા ફરી સ્વસ્થ અને કટીબદ્ધ બન્યા.

મુમતાઝના મૃત્યુ બાદ શાહી દરબારીઓએ શાહજહાંને ફરી લગ્ન કરવા દબાણ કર્યું. એ બધાના દબાણ પાછળ તેમની રાજનૈતિક ઇચ્છાઓ હતી. કોઇ બાદશાહને ખુશ કરવા માંગતા હતા તો કોઇ સગા થવા માંગતા હતા.બધાને શાહજહાંએ એક જ જવાબ આપ્યોઃ “જેસે મનુષ્ય કે લિયે એક હી પરવરદીગાર હૈ, એક હી સુરજ હૈં એક હી ચાંદ હૈં, વૈસે સચ્ચી મહોબ્બત ભી એક હીં સે હોતી હૈં.”

એક દિવસ શાહજહાંએ શાહી દરબારમાં બધાં અમીર ઉમરાવો અને દરબારીઓને બોલાવી બેગમ મુમતાઝની આખરી ઇચ્છાઓની વાત પ્રગટ કરી. બાદશાહની મક્કમતા આગળ હવે તેમને ફરી શાદી કરવાના બધા જ પ્રસ્તાવો ઠુકરાવી દેવામાં આવ્યા અને મુમતાઝની ઇચ્છા અનુસાર મુમતાઝની કબર પર સંગે મરમરનું સ્મારક બનાવવા હુકમ કર્યો. બાદશાહની ઇચ્છા અનુસાર યમુના નદીનાં કિનારે વિશ્વનું અદ્વિતીય સ્મારક બનાવવાનું કામ શરૂ થયું. વર્ષો સુધી એ કામ ચાલ્યું. અને તેને મુમતાઝના નામ સાથે જોડી “મુમતાઝ મહાલ” નામ આપવામાં આવ્યું જેને દુનિયા આજે તાજમહાલના નામે ઓળખે છે. વિશ્વના કોઇ પ્રેમીએ તેની પ્રેયસી કે પત્ની માટે આવું ભવ્ય સ્મારક બનાવ્યું નથી. ઇજિપ્તમાં પીરામિડો બન્યા પરંતુ તેમાં ઇજિપ્તના રાજાઓએ ફરી જન્મ વખતે બધી સુખ-સગવડો મળે તે માટે પોતાના જ શબ અંદર મૂકી પીરામિડો સીલ કરાવ્યા. તેમાં પ્રેમ કે મહોબ્બતના ભાવ નહોતા. આજે દુનિયાભરના લોકો તાજમહાલ જોવા આવે છે અને શાહજહાં તથા મુમતાઝના અદ્વિતીય પ્રેમને યાદ કરે છે. તાજમહાલની સુંદરતા તેના સંગેમરમરથી બનેલા અદ્ભુત ઢાંચાના કારણે નહીં પણ એક બાદશાહે તેની બેગમને કરેલા સાચુકલા પ્રેમના કારણે જ જગપ્રસિદ્ધ છે તાજમહાલની કહાણી માત્ર ઇમારતની સુંદરતાની જ નહીં પણ એક બેગમ અને તેના બાદશાહના જીવન સૌંદર્યની કહાણી છે.

તાજેતરમાં જ ગયેલા ‘વેલેન્ટાઇન ડે’ નિમિત્તે એક ઐતિહાસિક પણ ક્લાસિક લવસ્ટોરી પ્રસ્તુત છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

રામાયણ માત્ર ગ્રંથ કે હકીકત?

ભાજપ રામના સહારે પણ ડીએમકે રામ વિરોધી

ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર હિન્દુત્વના અને અયોધ્યામાં રામ મંદિરના એજન્ડાને લઈને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે નરેન્દ્ર મોદી સિવાય હિન્દુત્વનો બીજો કોઈ ચહેરો નથી. દેશની ટોપ જોબ માટે એલ. કે. અડવાણી પસંદ થઈ શક્યા હોત, પરંતુ પાકિસ્તાનમાં મહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક ઝુકાવવાના કારણે સંઘે અડવાણીને નાપાસ કરી દીધા છે. મહાકુંભમાં સંતોની નરેન્દ્ર મોદી માટેની પસંદગી એ એક રીતે હિન્દુત્વ અને રામમંદિરના અસલી એજન્ડાને ઉજાગર કરનારી છે.

ભગવાન શ્રીરામ દેશના ૭૦ કરોડ હિન્દુઓના અધિષ્ઠાતા દેવ છે, પરંતુ સાથે સાથે એ વાત પણ જાણી લેવી જોઈએ કે દક્ષિણ ભારતમાં વસતા ઘણા લોકો હિન્દુ વિરોધી લાગણી ધરાવે છે. ખાસ કરીને દ્રવિડ રાજનીતિ હિન્દુત્વની તરફેણ કરતી નથી.

દક્ષિણના ઘણા લોકો રામની નહીં પરંતુ રાવણની પૂજા કરે છે. કેટલાકને તો રામના નામની એલર્જી છે. દા.ત. થિરૂમાવલમ નામના એક સંસદ સભ્યે તેના પિતાનું નામ રામાસામી હતું તે બદલીને થોલ્કાપિયન કરી નાંખ્યું છે. હિન્દુત્વ અને રામાયણ પ્રત્યે તિરસ્કાર દર્શાવવા તેમણે આમ કર્યું હોવાનું મનાય છે. એ જ રીતે ડીએમકેના વડા એમ. કરુણાનિધિ પણ હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. દક્ષિણની પ્રાદેશિક પાર્ટીઓની માન્યતા છે કે રામાયણ અને મહાભારત એ ઉત્તરમાંથી આવેલા આર્યોએ આપેલું સાહિત્ય છે. આર્યોને તેઓ આક્રમણખોરો કહે છે. રામાયણ અને મહાભારતની નિંદા કરે છે. કરુણાનિધિના એક પુત્રનું નામ સ્ટેલિન છે.

અલબત્ત, તામિલનાડુમાં રામના નામે સાવ પડદો પાડી દેવામાં આવ્યો છે તેવું નથી. તાજેતરમાં જ ચેન્નાઈમાં રામાયણ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે. પૂરા એક મહિના સુધી તે પરિષદ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલવાના છે. તેમાં રામાયણ પર વિવિધ સંશોધનો હજુ થવાનાં છે. કેટલાક વૈજ્ઞાનિકો, વનસ્પતિ શાસ્ત્રીઓ, પુરાતત્ત્વવિદો તથા ઇતિહાસકારોએ દાયકાઓથી કરેલાં રામાયણ પરનાં સંશોધનો હજુ જાહેર કરવામાં આવશે. દા.ત. અમૃતલીંગમ નામના એક વનસ્પતિ-શાસ્ત્રીએ અયોધ્યાથી લંકા સુધી પ્રવાસ ખેડી ભગવાન શ્રીરામે જ્યાં જ્યાં વનવાસ કર્યો હતો તે યાત્રામાર્ગોની આસપાસ આવેલી વનસ્પતિ, વૃક્ષો, ફળો અને ફૂલોનો અભ્યાસ કર્યો છે. વાલ્મીકિએ રામાયણમાં જે વનસ્પતિ અને વૃક્ષો તથા ભૂમિનું વર્ણન કર્યું હતું તેની સાથે તેનો તાલમેલ બરાબર બેસે છે તેમ તેમનું માનવું છે. તેઓ કહે છે રામાયણમાં જે ફળફૂલનું વર્ણન છે તે આજે પણ એ વનવિસ્તારમાં ઉપલબ્ધ છે. પર્વતો, ભૂમિ, નદીઓનો પણ રામાયણમાં કરાયેલા વર્ણન પ્રમાણે જ તાલમેલ છે. રામાયણ લખાયું ત્યારે નૈમિષારણ્ય, ચિત્રકૂટ, દંડકારણ્ય અને પંચવટી વિસ્તારમાં ગામ છે. જંગલો હતાં. રામાયણના કિષ્કિન્ધાકાંડમાં ભૂમિનું જે વર્ણન છે તથા જે વનસ્પતિનું વર્ણન છે તે બધું જ બંધ બેસે છે.

એવા જ બીજાં એક વૈજ્ઞાનિક ડો. નંદિતા ક્રિશ્ના કહે છે કે અયોધ્યા છોડયા બાદ ભગવાન શ્રીરામે વનમાં જે સ્થળે રહેવાનું પસંદ કર્યું હતું તે સ્થળ વનસ્પતિ અને વૃક્ષોથી સમૃદ્ધ હતું. વાલ્મીકિએ રામાયણમાં વાઘ અને સિંહોનું વર્ણન કરેલું છે પણ સામાન્ય રીતે આ પ્રાણીઓ સાથે રહી શકતાં નથી. એકમાત્ર મધ્યપ્રદેશમાં ભીમબેડકા ગુફા વિસ્તારમાં કેટલાંક વર્ષોજૂનાં ચિત્રોમાં વાઘ અને સિંહો સાથે સાથે રહેતાં હોવાનાં દૃશ્યો છે. આ ગુફાઓની દીવાલો ૧૦ હજાર વર્ષ જૂની છે તેથી કોઈ જમાનામાં વાઘ અને સિંહ સાથે રહેતા હોવા જોઈએ.

ચેન્નાઈ ખાતેના આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો રામાયણની ઘટનાઓ પરનાં ચિત્રો પણ પ્રર્દિશત કરી રહ્યા છે. તેમાં રાજા રવિવર્માનાં ચિત્રોથી માંડીને બીજી સદીના પથ્થર યુગના કેટલાંક ચિત્રોને પણ સ્થાન છે.

આ પરિષદના આયોજકોનું કહેવું છે કે આ સેમિનાર ચેન્નાઈમાં યોજવાનો અમારો ઉદ્દેશ એ છે કે અમે તામિલનાડુની પ્રજાને કહેવા માંગીએ છીએ કે રામાયણ એ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક ઘટના છે. રિઅલ લાઈફ સ્ટોરી છે. ભગવાન શ્રીરામ થઈ જ ગયા છે. તેમનું અસ્તિત્વ હતું જ અને તે માટે અમારી પાસે વૈજ્ઞાનિક તથા પુરાતત્ત્વના શાસ્ત્રીય પુરાવા છે. રામાયણ મહાકાવ્યમાં વર્ણવવામાં આવેલાં વૃક્ષો, વનસ્પતિ, ફળફૂલ અને ભૂમિ એ બધું જ સત્ય છે. રામાયણ એક પુસ્તકથીયે વિશેષ છે.

એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન સેન્ટરનાં વૈજ્ઞાનિક અમૃતલીંગમ તથા ડો. નંદિતા ક્રિશ્નાએ રામાયણમાં આવતા સંજીવનીના પ્રસંગ અને ભૂમિ પર પણ સંશોધન કર્યું છે. શ્રીલંકાના ટ્રોપિકલ ફોરેસ્ટ પરની એક ઊંચી ટેકરી તેમણે શોધી કાઢી હતી જ્યાંથી સંજીવની લાવવામાં આવી હતી. આ પર્વત પરથી કેટલીયે ઔષધીને લગતી વનસ્પતિ મળી આવી છે. હનુમાનજી આ ટેકરી પરથી સંજીવની લઈ આવ્યા હતા.

રાવણ સીતાજીને ઉપાડીને લંકા લઈ ગયો ત્યારે ભગવાન શ્રીરામે દરિયો પાર કરવા માટે રામસેતુ તૈયાર કરાવડાવ્યો હતો. આ રામસેતુ અંગેની એક અપ્રાપ્ય બુક પણ આ પ્રસંગે પુનઃ પ્રગટ થઈ રહી છે. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે ડીએમકે(દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના વડા એમ. કરુણાનિધિ લંકા સાથેના દરિયાઈ માર્ગોને સરળ બનાવવાના નામે રામસેતુને તોડી નાખવાની તરફેણ કરી રહ્યા છે. આ તેમની હિન્દુ વિરોધી લાગણીનો નમૂનો છે. ૧૯૨૯ની સાલમાં એ વખતના રામનાદ શન્મુગાના રાજા રાજેશ્વરા નાગનાથ સેથુપથીની ઇચ્છાથી એન. વનમમલાઈ પિલ્લાઈએ ધી સેતુ ઓફ રામેશ્વરમ્ નામનું પુસ્તક લખ્યું હતું. કહેવાય છે કે ભગવાન શ્રીરામે રામનાદના રાજાને રામસેતુ સાચવવાનું કામ સોંપ્યું હોઈ એ રાજા સેથુપથી કહેવાય છે.

આ સેમિનારમાં ભારતીય જનતા પાર્ટીને ગમે તેવી એક વાત પણ છે. આ સેમિનારમાં જે સંશોધન પેપર્સ રજૂ થઈ રહ્યાં છે તેમાં એક પેપર એવું પણ છે કે જે અયોધ્યામાં રામમંદિર હતું જ તેવા વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વ શાસ્ત્ર આધારિત પુરાવા દર્શાવી રહ્યું છે. ટૂંકમાં અયોધ્યાની એ વિવાદિત ભૂમિ પર કોઈ જમાનામાં રામમંદિર હતું જ તેવી વાત એ સંશોધનમાં જણાવાઈ છે.

ચેન્નાઈના સરસ્વતી રિસર્ચ સેન્ટરના ઇન્ડોલોજિસ્ટ રામ મોહન કહે છે, તામિલનાડુની પ્રજા માટે રામાયણ કોઈ અજાણી વાત નથી. તામિલનાડુના પ્રાચીન સાહિત્યમાં પણ રામાયણ અને મહાભારતની કેટલીક ઘટનાઓની વાતનો ઉલ્લેખ આવે જ છે. માત્ર રાજકારણીઓ જ તેમની વોટબેંક માટે રામ અને કૃષ્ણની ટીકા કરે છે અથવા વોટબેંક ઊભી કરવા માટે રામના નામનો ઉપયોગ કરે છે. રાજકારણીઓ રામના નામની ગમે તેટલી ટીકા કરે પણ કરોડો હિન્દુઓનાં હૃદયમાંથી રામને દૂર કરી શકાશે નહીં.

www.devendrapatel.in

Page 41 of 43

Powered by WordPress & Theme by Anders Norén