તા.૮મી માર્ચે વિશ્વ નારી દિન છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહી છે અને જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે તેવી ઉક્તિ છે પરંતુ ભારતમાં સ્ત્રીઓ પર બળાત્કારની જેટલી ઘટનાઓ ઘટે છે તેટલી જ વિશ્વના બીજા કોઈ દેશમાં ભાગ્યે જ ઘટે છે. ભારતમાં સ્ત્રીઓની ભલે અવદશા હોય પરંતુ દેશની રાજનીતિમાં સ્ત્રીઓ મોખરાનું સ્થાન ભોગવે છે.

  • પંજાબી હોવા છતાં મહિલા સાંસદે પતિને પણ શાકાહારી બનાવી દીધા

વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હજુ કોઈ પણ મહિલા પ્રેસિડેન્ટ બની શક્યાં નથી ત્યારે ભારતમાં ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી મહિલા વડાંપ્રધાન બન્યાં હતાં. દેશના સૌથી મોટા પક્ષ કોંગ્રેસનું સુકાન એક મહિલા- સોનિયા ગાંધીના હાથમાં છે. દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલાઓ છે. બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી પણ એક મહિલા છે. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ શ્રીમતી કમલા એક મહિલા છે. દેશનાં લોકસભાનાં સ્પીકર પદે પણ શ્રીમતી મીરાં કુમાર એક મહિલા છે. લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ પણ એક મહિલા છે.

હરસિમરત કૌર

આ શ્રૃંખલામાં એક વધુ પીંછું ઉમેરી શકાય તેવાં શક્તિશાળી મહિલા શ્રીમતી હરસિમરત કૌર બાદલ પણ છે. તેઓ પંજાબથી આવતાં સાંસદ છે. વિપક્ષમાં બેસતાં હોવા છતાં તેઓ જ્યારે પ્રશ્નો ઊભા કરે છે ત્યારે સરકારે ધ્યાનપૂર્વક જવાબ આપવો પડે છે. ૨૦૦૯માં પહેલી વાર તેઓ બઠિડા મતક્ષેત્રમાંથી ચૂંટાઈને લોકસભામાં આવ્યાં હતાં. તેઓ એક ઘણાં મોટા પરિવારના પુત્રવધૂ છે. આમ તો તેઓ ચૂંટણી લડવા માંગતા નહોતા. પરંતુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે તેમના પુત્ર રણઈન્દ્રસિંહને ચૂંટણી મેદાનમાં ઉતારતી વખતે એવી બડાશ મારી હતી કે, ”મારા પુત્રને બાદલ પરિવાર કે બીજું કોઈ હરાવી શકે તેમ નથી.”

અમરિન્દરસિંહના આ વિધાન બાદ બાદલ પરિવારે નિર્ણય કર્યો કે ”અમરિન્દસિંહનું અભિમાન ઉતારવું.” અમરિન્દરસિંહ પતિયાલાના રાજવી પરિવારમાંથી આવે છે અને તેમના યુવરાજને હરાવવાની કોઈની તાકાત નથી તેમ તેઓ સમજતા હતા. બાદલ પરિવારે તેમના ખાનદાનની વહુ શ્રીમતી હરસિમરત કૌરને પતિયાલાના યુવરાજ સામે મેદાનમાં ઉતારી દીધાં અને પતિયાલાના યુવરાજને હરાવી પંજાબમાં હલચલ મચાવી દીધી. શ્રીમતી હરસિમરત કૌર સ્વરૂપવાન છે, બુદ્ધિશાળી પણ છે અને રાજનીતિમાં કુશળ પણ છે. તેઓ હંમેશાં પંજાબી લિબાસ અને માથા પર ઓઢેલા દુપટ્ટામાં જ નજર આવે છે. હમણાં હમણાં જ પૂરી થયેલી દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીન્ી ચૂંટણીઓમાં પણ શ્રીમતી હરસિમરત કૌર બાદલે તેમના અકાલી દળના ઉમેદવારોના સમર્થનમાં જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી અને શિખ ભાઈ-બહેનો તેમનું ભાષણ સાંભળી દંગ રહી ગયાં હતાં.

પંજાબી છતાં શાકાહારી

હરસિમરત કૌર પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનાં પુત્રવધુ ્ને શીરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહના પત્ની છે. તેઓ એક પુત્ર અને બે પુત્રીઓની માતા છે.

શ્રીમતી હરસિમરત કૌરનો જન્મ તા.૨૫ જુલાઈ, ૧૯૬૬માં દિલ્હીમાં થયો હતો. દિલ્હીની જ લૌરેટો કોન્વેન્ટ સ્કૂલમાં તેઓ ભણ્યાં. તે પછી દિલ્હીની કોલેજ દ્વારા તેઓ ટેક્સટાઈલ ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએટ થયાં. તેમના દાદા સુરજિતસિંહ મજીઠિયા ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને નેપાળના રાજદૂત હતા. તેમના પિતા સરદાર સત્યજિતસિંહ મજીઠિયા અમૃતસરની ખાલસા કોલેજની ગર્વિંનગ કાઉન્સિલના અધ્યક્ષ છે. ટ્રિબ્યુન અખબાર પણ આ જ પરિવારનું છે. શ્રીમતી હરસિમરતકૌર બાદલના ભાઈ સરદાર વિક્રમજીત સિંહ પંજાબ સરકારમાં મંત્રી છે. શ્રીમતી હરસિમરત કૌર બાદલ ભગવાનમાં અને ગુરુ ગ્રંથ સાહેબમાં પૂરી શ્રદ્ધા ધરાવે છે. દર મહિને તેમના ઘરે શ્રી અખંડ સાહિબનો પાઠ કરવામાં આવે છે. તેઓ પંજાબી હોવા છતાં સંપૂર્ણ શાકાહારી છે. તેમણે તેમના પતિ સુખબીરસિંહ બાદલને પણ શાકાહારી બનાવી દીધા છે. સુખબીરસિંહ બાદલ પૂર્ણતઃ શાકાહારી અને નશાથી જોજનો દૂર છે.

સુસ્મિત ચહેરો

રાજનીતિમાં આવેલી કેટલીક મહિલાઓ સામે કરોડોના ભ્રષ્ટાચારના આરોપો છે. પરંતુ શ્રીમતી હરસિમરત કૌર બાદલનું વ્યક્તિત્વ અને પ્રતિભા સ્વચ્છ છે. તેઓ કન્યા ભ્રૂણ હત્યાની વિરુદ્ધ એક ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. આ હેતુથી તેમણે એક ”નન્હીં છાં”નામની એક સંસ્થા પણ ઊભી કરી છે. તેઓ પોતાના વિસ્તારના સરપંચો સાથે નિયમિત રીતે બેસીને તેમની રજૂઆતો સાંભળે છે. પંજાબની યુવતીઓને બચાવવા હંમેશાં કાર્યરત રહે છે. બાદલ ગાંવમાં તેમણે ‘ઓલ્ડ એજ હોમ’ પણ ઊભું કર્યું છે. ગરીબ બાળકોને મદદ કરવા પણ એક અલગ સંસ્થા ચલાવે છે. તેમના લોકસભા મતક્ષેત્રમાં નવ વિધાનસભા ક્ષેત્ર આવે છે પરંતુ શ્રીમતી હરસિમરત કૌર દરેક ક્ષેત્રની અંદર જઈ લોકોને મળે છે. તેમની ઓફિસ સૌ માટે ખુલ્લી છે. તેમની ઓફિસમાં ધારાસભ્યોને કે કાર્યકરોને અપમાનિત કરી ઉતારી પાડવામાં આવતા નથી. મુલાકાતીઓને ગૌરવપૂર્ણ પરંતુ મધુર સ્મિત આપે છે.

બની શકે કે ૨૦૧૪માં એનડીએની બહુમતી આવે તો કેન્દ્રમાં મંત્રી બની જાય અથવા તો એક દિવસ પંજાબનાં પ્રેમાળ મુખ્યમંત્રી પણ બની જાય. તેઓ પંજાબના સુમધુર મોનાલિસા છે.