ભાજપ રામના સહારે પણ ડીએમકે રામ વિરોધી

ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર હિન્દુત્વના અને અયોધ્યામાં રામ મંદિરના એજન્ડાને લઈને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે નરેન્દ્ર મોદી સિવાય હિન્દુત્વનો બીજો કોઈ ચહેરો નથી. દેશની ટોપ જોબ માટે એલ. કે. અડવાણી પસંદ થઈ શક્યા હોત, પરંતુ પાકિસ્તાનમાં મહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક ઝુકાવવાના કારણે સંઘે અડવાણીને નાપાસ કરી દીધા છે. મહાકુંભમાં સંતોની નરેન્દ્ર મોદી માટેની પસંદગી એ એક રીતે હિન્દુત્વ અને રામમંદિરના અસલી એજન્ડાને ઉજાગર કરનારી છે.

ભગવાન શ્રીરામ દેશના ૭૦ કરોડ હિન્દુઓના અધિષ્ઠાતા દેવ છે, પરંતુ સાથે સાથે એ વાત પણ જાણી લેવી જોઈએ કે દક્ષિણ ભારતમાં વસતા ઘણા લોકો હિન્દુ વિરોધી લાગણી ધરાવે છે. ખાસ કરીને દ્રવિડ રાજનીતિ હિન્દુત્વની તરફેણ કરતી નથી.

દક્ષિણના ઘણા લોકો રામની નહીં પરંતુ રાવણની પૂજા કરે છે. કેટલાકને તો રામના નામની એલર્જી છે. દા.ત. થિરૂમાવલમ નામના એક સંસદ સભ્યે તેના પિતાનું નામ રામાસામી હતું તે બદલીને થોલ્કાપિયન કરી નાંખ્યું છે. હિન્દુત્વ અને રામાયણ પ્રત્યે તિરસ્કાર દર્શાવવા તેમણે આમ કર્યું હોવાનું મનાય છે. એ જ રીતે ડીએમકેના વડા એમ. કરુણાનિધિ પણ હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. દક્ષિણની પ્રાદેશિક પાર્ટીઓની માન્યતા છે કે રામાયણ અને મહાભારત એ ઉત્તરમાંથી આવેલા આર્યોએ આપેલું સાહિત્ય છે. આર્યોને તેઓ આક્રમણખોરો કહે છે. રામાયણ અને મહાભારતની નિંદા કરે છે. કરુણાનિધિના એક પુત્રનું નામ સ્ટેલિન છે.

અલબત્ત, તામિલનાડુમાં રામના નામે સાવ પડદો પાડી દેવામાં આવ્યો છે તેવું નથી. તાજેતરમાં જ ચેન્નાઈમાં રામાયણ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે. પૂરા એક મહિના સુધી તે પરિષદ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલવાના છે. તેમાં રામાયણ પર વિવિધ સંશોધનો હજુ થવાનાં છે. કેટલાક વૈજ્ઞાનિકો, વનસ્પતિ શાસ્ત્રીઓ, પુરાતત્ત્વવિદો તથા ઇતિહાસકારોએ દાયકાઓથી કરેલાં રામાયણ પરનાં સંશોધનો હજુ જાહેર કરવામાં આવશે. દા.ત. અમૃતલીંગમ નામના એક વનસ્પતિ-શાસ્ત્રીએ અયોધ્યાથી લંકા સુધી પ્રવાસ ખેડી ભગવાન શ્રીરામે જ્યાં જ્યાં વનવાસ કર્યો હતો તે યાત્રામાર્ગોની આસપાસ આવેલી વનસ્પતિ, વૃક્ષો, ફળો અને ફૂલોનો અભ્યાસ કર્યો છે. વાલ્મીકિએ રામાયણમાં જે વનસ્પતિ અને વૃક્ષો તથા ભૂમિનું વર્ણન કર્યું હતું તેની સાથે તેનો તાલમેલ બરાબર બેસે છે તેમ તેમનું માનવું છે. તેઓ કહે છે રામાયણમાં જે ફળફૂલનું વર્ણન છે તે આજે પણ એ વનવિસ્તારમાં ઉપલબ્ધ છે. પર્વતો, ભૂમિ, નદીઓનો પણ રામાયણમાં કરાયેલા વર્ણન પ્રમાણે જ તાલમેલ છે. રામાયણ લખાયું ત્યારે નૈમિષારણ્ય, ચિત્રકૂટ, દંડકારણ્ય અને પંચવટી વિસ્તારમાં ગામ છે. જંગલો હતાં. રામાયણના કિષ્કિન્ધાકાંડમાં ભૂમિનું જે વર્ણન છે તથા જે વનસ્પતિનું વર્ણન છે તે બધું જ બંધ બેસે છે.

એવા જ બીજાં એક વૈજ્ઞાનિક ડો. નંદિતા ક્રિશ્ના કહે છે કે અયોધ્યા છોડયા બાદ ભગવાન શ્રીરામે વનમાં જે સ્થળે રહેવાનું પસંદ કર્યું હતું તે સ્થળ વનસ્પતિ અને વૃક્ષોથી સમૃદ્ધ હતું. વાલ્મીકિએ રામાયણમાં વાઘ અને સિંહોનું વર્ણન કરેલું છે પણ સામાન્ય રીતે આ પ્રાણીઓ સાથે રહી શકતાં નથી. એકમાત્ર મધ્યપ્રદેશમાં ભીમબેડકા ગુફા વિસ્તારમાં કેટલાંક વર્ષોજૂનાં ચિત્રોમાં વાઘ અને સિંહો સાથે સાથે રહેતાં હોવાનાં દૃશ્યો છે. આ ગુફાઓની દીવાલો ૧૦ હજાર વર્ષ જૂની છે તેથી કોઈ જમાનામાં વાઘ અને સિંહ સાથે રહેતા હોવા જોઈએ.

ચેન્નાઈ ખાતેના આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો રામાયણની ઘટનાઓ પરનાં ચિત્રો પણ પ્રર્દિશત કરી રહ્યા છે. તેમાં રાજા રવિવર્માનાં ચિત્રોથી માંડીને બીજી સદીના પથ્થર યુગના કેટલાંક ચિત્રોને પણ સ્થાન છે.

આ પરિષદના આયોજકોનું કહેવું છે કે આ સેમિનાર ચેન્નાઈમાં યોજવાનો અમારો ઉદ્દેશ એ છે કે અમે તામિલનાડુની પ્રજાને કહેવા માંગીએ છીએ કે રામાયણ એ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક ઘટના છે. રિઅલ લાઈફ સ્ટોરી છે. ભગવાન શ્રીરામ થઈ જ ગયા છે. તેમનું અસ્તિત્વ હતું જ અને તે માટે અમારી પાસે વૈજ્ઞાનિક તથા પુરાતત્ત્વના શાસ્ત્રીય પુરાવા છે. રામાયણ મહાકાવ્યમાં વર્ણવવામાં આવેલાં વૃક્ષો, વનસ્પતિ, ફળફૂલ અને ભૂમિ એ બધું જ સત્ય છે. રામાયણ એક પુસ્તકથીયે વિશેષ છે.

એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન સેન્ટરનાં વૈજ્ઞાનિક અમૃતલીંગમ તથા ડો. નંદિતા ક્રિશ્નાએ રામાયણમાં આવતા સંજીવનીના પ્રસંગ અને ભૂમિ પર પણ સંશોધન કર્યું છે. શ્રીલંકાના ટ્રોપિકલ ફોરેસ્ટ પરની એક ઊંચી ટેકરી તેમણે શોધી કાઢી હતી જ્યાંથી સંજીવની લાવવામાં આવી હતી. આ પર્વત પરથી કેટલીયે ઔષધીને લગતી વનસ્પતિ મળી આવી છે. હનુમાનજી આ ટેકરી પરથી સંજીવની લઈ આવ્યા હતા.

રાવણ સીતાજીને ઉપાડીને લંકા લઈ ગયો ત્યારે ભગવાન શ્રીરામે દરિયો પાર કરવા માટે રામસેતુ તૈયાર કરાવડાવ્યો હતો. આ રામસેતુ અંગેની એક અપ્રાપ્ય બુક પણ આ પ્રસંગે પુનઃ પ્રગટ થઈ રહી છે. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે ડીએમકે(દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના વડા એમ. કરુણાનિધિ લંકા સાથેના દરિયાઈ માર્ગોને સરળ બનાવવાના નામે રામસેતુને તોડી નાખવાની તરફેણ કરી રહ્યા છે. આ તેમની હિન્દુ વિરોધી લાગણીનો નમૂનો છે. ૧૯૨૯ની સાલમાં એ વખતના રામનાદ શન્મુગાના રાજા રાજેશ્વરા નાગનાથ સેથુપથીની ઇચ્છાથી એન. વનમમલાઈ પિલ્લાઈએ ધી સેતુ ઓફ રામેશ્વરમ્ નામનું પુસ્તક લખ્યું હતું. કહેવાય છે કે ભગવાન શ્રીરામે રામનાદના રાજાને રામસેતુ સાચવવાનું કામ સોંપ્યું હોઈ એ રાજા સેથુપથી કહેવાય છે.

આ સેમિનારમાં ભારતીય જનતા પાર્ટીને ગમે તેવી એક વાત પણ છે. આ સેમિનારમાં જે સંશોધન પેપર્સ રજૂ થઈ રહ્યાં છે તેમાં એક પેપર એવું પણ છે કે જે અયોધ્યામાં રામમંદિર હતું જ તેવા વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વ શાસ્ત્ર આધારિત પુરાવા દર્શાવી રહ્યું છે. ટૂંકમાં અયોધ્યાની એ વિવાદિત ભૂમિ પર કોઈ જમાનામાં રામમંદિર હતું જ તેવી વાત એ સંશોધનમાં જણાવાઈ છે.

ચેન્નાઈના સરસ્વતી રિસર્ચ સેન્ટરના ઇન્ડોલોજિસ્ટ રામ મોહન કહે છે, તામિલનાડુની પ્રજા માટે રામાયણ કોઈ અજાણી વાત નથી. તામિલનાડુના પ્રાચીન સાહિત્યમાં પણ રામાયણ અને મહાભારતની કેટલીક ઘટનાઓની વાતનો ઉલ્લેખ આવે જ છે. માત્ર રાજકારણીઓ જ તેમની વોટબેંક માટે રામ અને કૃષ્ણની ટીકા કરે છે અથવા વોટબેંક ઊભી કરવા માટે રામના નામનો ઉપયોગ કરે છે. રાજકારણીઓ રામના નામની ગમે તેટલી ટીકા કરે પણ કરોડો હિન્દુઓનાં હૃદયમાંથી રામને દૂર કરી શકાશે નહીં.

www.devendrapatel.in