આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે

બળાત્કારની ઘટનાઓએ માત્ર ભારતવાસીઓને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અઢી વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર હેવાનોએ ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેનાર દેશને આખી દુનિયા સમક્ષ શર્મસાર કરી દીધો છે. સ્કૂલમાં જતાં બાળકો સાથે વાન ચલાવતો ડ્રાઇવર ગંદી હરકતો કરે છે. કોલેજમાં ભણાવતો અધ્યાપક વધુ ગુણ આપવાની લાલચ આપી બળાત્કાર કરે છે. ટયૂશનમાં જતી બાળાઓ સાથે ભણાવતો શિક્ષક વિદ્યાર્થીના ઉપાંગો સાથે છેડછાડ કરે છે. દેશના હાર્દસમા દિલ્હીમાં રાત્રે એકલદોકલ યુવતી પર ગેંગરેપ થાય છે.

તમે શહેરમાં હોય કે ગામડામાં – ક્યાંય સલામત નથી. તમે ગમે ત્યારે લૂંટાઈ શકો છો. તમારા ગળાની ચેઇન ગમે ત્યારે ખેંચાઈ શકે છે. ગમે ત્યારે તમારું ખૂન થઈ શકે છે. બાળકો કે યુવતીઓ ગમે ત્યારે બળાત્કારનો ભોગ બની શકે છે.

આંકડા કહે છે કે ભારતમાં રહેતાં ૨૫ ટકા બાળકો અને ૯૯ ટકા સ્ત્રીઓ અનિચ્છનીય સેક્સુઅલ છેડછાડનો ભોગ એક વાર તો તેમના જીવન દરમિયાન બની ચૂકી હોય છે. પુરુષો કોઈ ને કોઈ બહાને તેમની પત્ની સિવાયની સ્ત્રીઓને સ્પર્શી લેવાનો પ્રયાસ કરે છે. આ કૃત્ય કરવામાં દેશના ઉચ્ચ અધિકારીઓ પણ બાકી નથી. પંજાબના એક પ્રતિષ્ઠિત અધિકારીએ પંજાબનાં એક મહિલા આઈએએસ અધિકારીના હિપ્સ પર ટપલી મારી હતી અને મોટો વિવાદ ઊભો થયો હતો. તમે મોડેલ હો તો મેકઅપમેન પણ યુવતીઓના ગાલ પર સ્પર્શવાનો આનંદ લૂંટે છે. આ કૃત્ય કરવામાંથી કેટલાક સાધુઓ અને બાપુઓ પણ બાકી નથી.

આમ કેમ?

વિખ્યાત જર્મન વૈજ્ઞાનિક ડો. સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિનું કેન્દ્રબિન્દુ સેક્સ છે. અલબત્ત, ડો. ફ્રોઈડની આ થિયરી વિવાદાસ્પદ રહી છે, પરંતુ યુનિર્વિસટીઓમાં ભણતા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને આ થિયરી વિસ્તૃત રીતે ભણાવવામાં આવે છે.

સ્ટેટેસ્ટિક્સ કહે છે કે જે સ્ત્રીઓ સેક્સુઅલ છેડછાડનો ભોગ બને છે તેમાંથી ૯૦ ટકા સ્ત્રીઓ જ એવું બન્યાનું ખાનગીમાં કબૂલ કરે છે. જે સ્ત્રીઓ, યુવતીઓ કે બાળકીઓ સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે તેમાં મોટેભાગે પરિવારનાં સગાંઓ, પરિવારના મિત્રો કે તેમના શિક્ષકો જ સંડોવાયેલા હોય છે. એમ થયા બાદ આબરૂ જવાના ભોગે ઘણી સ્ત્રીઓ ફરિયાદ નોંધાવવાનું ટાળે છે. સમાજ પણ વિચિત્ર છે. કોઈ એક સ્ત્રી પર બળાત્કાર થયો હોય અને તે પોલીસ ફરિયાદ નોંધાવે તો તેનાં જ સગાંઓ, પડોશીઓ અને મિત્રો જે તે પીડિતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાના બદલે તેની સામે આંગળી ચીંધી તેની વાતો કરવાની ખાનગીમાં મજા માણતા હોય છે. એથીયે વધુ વિચિત્ર વાત એ છે કે કોઈ સ્ત્રી તેની પર થયેલા બળાત્કારની ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે ત્યારે ખુદ પોલીસની તેના તરફની નજર બદલાઈ જાય છે. પીડિતા ગરીબ, અભણ અને ગ્રામ્ય વિસ્તારની હોય તો પોલીસ તેને ગંદા સવાલો પૂછી સ્ત્રીના જવાબો સાંભળવાનો લુત્ફ ઉઠાવવા પ્રયાસ કરે છે.

એક અભ્યાસ મુજબ બળાત્કાર કરનાર પુરુષો મોટે ભાગે ૨૫થી ૩૫ વર્ષની વયના હોય છે. આ લોકોએ મોટેભાગે

હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હોતું નથી. તેઓ હિંસક પ્રવૃત્તિ, શરાબપાન અને કેફી દ્રવ્યોના સેવનનો ઇતિહાસ ધરાવતા હોય છે. કેટલાક એથ્લીટ્સ પણ આવાં કૃત્યોમાં સંડોવાયેલા જણાયા છે. આવા લોકો ‘સાયકો’ હોય છે અને બળાત્કાર પછી પીડિતાની હત્યા કરી દેવાની વૃત્તિ ધરાવે છે. હા, જો કોઈ બળાત્કાર આયોજનપૂર્વકનો હોય તો તેમ કરનાર પુરુષ ઉચ્ચ શિક્ષણ પામેલા હોય છે. તેઓ ઓછા હિંસક હોય છે અને તેઓ જે યુવતી પર બળાત્કાર કરે છે તે યુવતીના પરિવાર સાથે પરિચય ધરાવતા હોય છે.

વેલ્લોર ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરતાં પિડિયાટ્રિશિયન ડો.ગીતા મથાઈ કહે છે કે બાળકો સાથે મોટાભાગના સેક્સુઅલ છેડછાડ કરનારા લોકો દેખાવમાં શાલીન, નમ્ર, ઓછું અને સારું બોલનારા તથા શિક્ષિતો હોય છે. આવા લોકો પહેલાં બાળકનો વિશ્વાસ સંપાદન કરે છે. પરિવારનો વિશ્વાસ સંપાદન કરે છે. તે પછી એકલતામાં બાળક પર બળાત્કાર કરે છે. બળાત્કાર કર્યા પછી બાળકને ગભરાવી મૂકે છે અને તેને મૌન રહેવા ધમકી આપે છે.

તબીબોની સલાહ છે કે કોઈ પણ બળાત્કારની ઘટના બાદ તમે જો બળાત્કારી સામે પોલીસફરિયાદ કરવા માંગતા હોય તો એફ.આઈ.આર. એટલે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રીપોર્ટ નોંધાવવાની સાથે પીડિતાએ તેનું તબીબી પરીક્ષણ કરાવવું જરૂરી હોય છે. શરીરના અંગની બહાર અને અંદરના ભાગે થયેલી ઇજાની સારવાર જરૂરી છે. ટીટનસ અર્થાત્ ધનુરનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે. જે યુવતીઓ બળાત્કારનો ભોગ બને છે તેમાંથી ૧૫ ટકા યુવતીઓ જાતીય રોગના સંક્રમણનો ભોગ બનવાની દહેશત રહે છે તેથી તે બાબતની દવાઓ પણ તબીબોની સલાહ પ્રમાણે લઈ લેવી જરૂરી હોય છે. પીડિતાઓ હિપેટાઈટીસ બી, ગોનોરિયા,સિફિલીસ, હિર્પસ, ક્લેમિડિયા અને ટ્રિકોમોનાસ વેજાઈનલીસ જેવા રોગનો ભોગ બની શકે છે. તે રોગ ન થાય તે માટેની દવાઓ ઉપલબ્ધ છે. બળાત્કારનો ભોગ બનેલી પીડિતા પોલીસ ફરિયાદ ન કરે તો પણ તેણે નિષ્ણાત તબીબ પાસે જવું જોઈએ અને ડોક્ટરની સલાહ અનુસાર સેફ્રટીયાઝોનનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે તેમ ડો. ગીતા મથાઈનું કહેવું છે. આ ઉપરાંત પીડિતાને એઝીથ્રોમાઈસીનનો ઓરલ ડોઝ પણ આપવો જરૂરી છે. તેમાં સેક્નીડાઝોલ, ટિનિડાઝોલ અથવા મેટ્રાનિડાઝોલ જેવા બ્રોડ સ્પેક્ટ્રમ ઔષધો પણ આપવાની હિમાયત કરવામાં આવી છે. ડોક્ટરો કહે છે કે હિર્પસની ટ્રીટમેન્ટ પાંચથી સાત દિવસના કોર્સમાં કરી શકાય છે. હિપેટાઈટીસ બી માટે બુસ્ટર ડોઝ લેવાનો હોય છે. પીડિતાની રોગપ્રતિકારક શક્તિ વિષેની માહિતી ના હોય તો વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવે છે. આવા કેસોમાં એચ.આઈ.વી. થવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ પીડિતાનો દર છ મહિને એચ.આઈ.વી. ટેસ્ટ કરાવવો જરૂરી છે. પીડિતા પર થયેલા બળાત્કારની ઘટનાના ૭૨ કલાકમાં દવાઓ શરૂ કરી દેવાની તબીબો હિમાયત કરે છે. બળાત્કારની ઘટના બાદ પીડિતાને સિફિલીસ થયો છે કે કેમ તે માટેનો બ્લડ ટેસ્ટ ઘટનાના ત્રણ માસ બાદ કરાવી લેવો જરૂરી રહે છે.

તમારે સલામત રહેવું હોય તો શું કરશો?

તમારા બાળકને તમારા ઘરના સરનામા અને ટેલિફોન નંબરથી સજ્જ રાખો. બાળકોને એ વાત શીખવો કે તેમના શરીરના કોઈ અમુક ભાગને કોઈએ પણ સ્પર્શવું જોઈએ નહીં. રસ્તામાં કોઈ પણ અજાણી વ્યક્તિ વાત કરવા પ્રયાસ કરે કે ચોકલેટ કે આઈસક્રીમ ખવરાવવાની ઓફર કરે તો તેનાથી દૂર જતા રહેવું, અજાણી વ્યક્તિ કારમાં લીફ્ટ આપવાની ઓફર કરે તો તે ઓફર સ્વીકારવી નહીં. અંધારું થયા બાદ બાળકોને બહાર રખડવા કે રમવા જવા પ્રોત્સાહન આપવું નહીં.

તમે તમારાં બાળકોને જરૂરથી માર્શલ આર્ટ શીખવો. માર્શલ આર્ટ બાળકોને વધુ ચપળ, ઊર્જાવાન, શિસ્તબદ્ધ અને અચાનક હુમલા વખતે પ્રતિરોધ શીખવે છે.

તમે સ્ત્રી હો તો તમને આસપાસના લોકો અને તે વાતાવરણની માહિતી હોવી જરૂરી છે. દિવસે રોડ પર ચાલતી વખતે દિવાસ્વપ્નો નિહાળવાં નહીં. સેલફોન હંમેશાં સાથે રાખવો પણ રસ્તા પર ચાલતી વખતે સેલફોન વાપરવો નહીં. એક સ્થળે શાંતિથી ઊભા રહીને વાત કરી લ્યો. રસ્તા પર ચાલતી વખતે કાનમાં ઇયર ફોન નાખી મ્યુઝિક સાંભળવું નહીં. આવી પરિસ્થિતિમાં યુવતીઓ બેધ્યાન બની જાય છે અને હેવાનો આવી બેધ્યાન યુવતીઓને જ પોતાનો શિકાર બનાવે છે. સ્ત્રીઓએ કોઈ પણ અજાણી વ્યક્તિની કોઈ પણ જાતની મદદ સ્વીકારવી નહીં. કંઈ પણ શંકા જેવું લાગે તો તમે તમારા આત્માને પૂછો. કાંઈક ગરબડ લાગે તો ચીસ પાડી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરો. બની શકે તેટલી ઝડપથી દોડીને ભાગી જાવ. આવા સંજોગોમાં માર્શલ આર્ટની તાલીમ યુવતીને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. હાઈસ્કૂલ લેવલથી જ બાળાઓ માર્શલ આર્ટની તાલીમ લઈ લે એ જરૂરી છે. જ્યાં અંધારું હોય તેવી દુકાનમાં કદી પ્રવેશશો નહીં.

સલામત રહેવાની આ કેટલીક ટિપ્સ છે. ઓલ ધ બેસ્ટ.

www.devendrapatel.in