ગુન ગુના રહે હૈ ભંવરે, ખીલ રહી હૈ કલી કલી
 

ઋતુરાજ વસંતનું આગમન થઇ ચૂક્યું છે. કવિઓએ વર્ષાને ઋતુઓની રાણી અને વસંતને ઋતુરાજ કહ્યો છે. મહાકવિ કાલીદાસે ઋતુરાજ વસંતને કામદેવનો સખો કહ્યો છે. રાક્ષસોથી દુઃખી થયેલા દેવો ભગવાન પાસે ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે,હિમાલયની પર્વતમાળા પર ધ્યાનમાં બેઠેલા મહાદેવથી કોઇ પુત્ર ઉત્પન્ન થાય તો તે જ રાક્ષસને હણી શકશે. પિતાએ કરેલા અપમાનથી જ પાર્વતીજી તો યજ્ઞાનું કૂદી પડી જીવનનો અંત આણી ચૂક્યાં હતા. પરંતુ પર્વતરાજ હિમાલયની પુત્રી ઉમા એ જ પર્વત પર જન્મ લઇને હવે યુવાનીમાં ડગ માંડી રહી હતી. દેવોએ વિચાર્યુ કે, ઉમા રોજ મહાદેવની પૂજા કરવા જાય છે પણ ધ્યાનસ્થ શિવ તો આંખ ઉઘાડતા જ નથી. શિવ તેમનાં નેત્રો ખોલે અને ઉમા પર તેમની નજર પડે અને ઉમા સાથે લગ્ન કરવા તૈયાર થાય તો જ કોઇ સારું પરિણામ આવે. દેવોએ કામદેવને આ કામ સોંપ્યું. કામદેવે શિવને ધ્યાનમાંથી વિચલિત કરવા તેના મિત્ર વસંતનો સહારો લીધો. વસંતના આગમન સાથે જ પર્વતમાળા પર પુષ્પો ખીલી ઉઠયાં. મંદ મંદ પવન શરૂ થયો. ભ્રમરો ઉડવા લાગ્યા. પુષ્પોની મહેક ચારે બાજુ પ્રસરી ગઇ અને જ્યારે ઉમા મહાદેવની પૂજા કરવા આવ્યાં હતાં ત્યારે જ કામદેવે તેમનું પુષ્પબાણ છોડયં. શિવ ધ્યાનથી વિચલિત થયા અને તેમની નજર અદ્ભુત સુંદરતા ધરાવતાં ઉમા તરફ પડી. પણ થોડીક ક્ષણોમાં શિવે ફરી ધ્યાનમાં સ્થિર થઇ જોયું તો આ કામ કામદેવનું હતું. તેમણે કોપાયમાન થઇ ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ખાખ કરી નાંખ્યો. પરંતુ દેવોની વિનંતીથી શિવે ઉમા સાથે લગ્ન કર્યા. તેમનાથી એક પુત્ર પેદા થયો જેનું નામ કાર્તિકેય. એ કાર્તિકેયે રાક્ષસને હણ્યો.

 
આમ્ર મંજરીઓ ખીલી ઊઠે
 

આ આખીયે કથા મકાકવિ કાલિદાસે ‘કુમાર સંભવમ્’ માં વર્ણવી છે. વસંત ઋતુનો પ્રભાવ જ એવો છે કે દેવોના દેવ મહાદેવ પણ વસંત ઋતુમાં જ ચલિત થયા હતા. આવી વસંત ઋતુના આગમનથી જ વાતાવરણ બદલાઇ જાય છે. ઠંડી ધીમે ધીમે વિદાય લે છે. વૃક્ષો અને વેલીઓ નવાં પર્ણો ધારણ કરે છે. નાનાં-નાનાં છોડ પર ફૂલો ફરી ખીલવા માંડે છે. તેની ઉપર ભ્રમરો ઉડવા લાગે છે. આંબાના વૃક્ષો પર આમ્ર મંજરીઓ ખીલી ઉઠે છે. આમ્ર વૃક્ષની નીચેથી પસાર થતાં જ મધુર મઘમઘાટનો અહેસાસ થાય છે. ઠંડીની વિદાયથી ગૌરીઓના ગાલની રૂક્ષતા દૂર થાય છે. ચહેરા અને હોઠ ખીલી ઊઠે છે. બાગ બગીચાઓ પર પતંગિયા ઉડાઉડ કરતાં જણાય છે. પ્રકૃતિ આળસ મરડીને બેઠી થઇ ખિલખિલાટ હસતી હોય તેમ લાગે છે. વસંતના આગમનથી સૌ કોઇના ચહેરા પર મુસ્કાન દેખાય છે. ઘણાં યુવક-યુવતીઓ હજારોની સંખ્યામાં વસંત પંચમીના દિવસે જ લગ્ન કરવાનું પસંદ કરે છે. પ્રેમીઓનો પ્રિય વેલેન્ટાઇન ડે પણ આ જ ઋતુમાં આવે છે તે પણ એક જોગાનુજોગ છે. વેલેન્ટાઇન ડે પ્રત્યે શિવસેના જેવા કટ્ટરપંથી પક્ષોના નેતાઓનું વલણ પણ હવે બદલાતું જાય છે. વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરનાર યુવક-યુવતીઓ પર ત્રાટકવાનું શિવસેનાએ હવે બંધ કરી દીધું છે. મુંબઇમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતાં યુગલોને માર મારવાનું કામ શિવસૈનિકો કરતા હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરે હવે તેમના પુત્ર આદિત્યને જાહેર જીવનમાં લાવી રહ્યા છે. લાગે છે કે પુત્રએ પિતા અને દાદાની વિચારધારામાં બદલાવ આણ્યો છે.

 
યુવા વોટ બેંક
 

યુવક-યુવતીને યુવાનોની વોટબેંક જતી રહેવાના ભયે વેલેન્ટાઇન ડે પ્રત્યેનો શિવસેનાનો અને કટ્ટરપંથીઓનો અભિગમ બદલાયો છે. પ્રેમ કરવો એ આદેશ અને ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષ પુરાણી પરંપરા રહી છે. પ્રેમી-પ્રેમિકાઓની સેંકડો કથાઓ ભારતના ઇતિહાસમાં દર્જ છે. પ્રેમની પૂજા શ્રીકૃષ્ણ-રાધાની લીલાઓમાં પણ જોવા મળે છે. પ્રેમનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ ભારતીય ગ્રંથોમાં ઉપલબ્ધ છે. વિશ્વ હવે ગ્લોબલ વિલેજ બની રહ્યું છે ત્યારે વેલેન્ટાઇન-ડેનો વિરોધ કરનારા અને તાલિબાનો વચ્ચે કોઇ જ ફરક નથી. આવા ઉત્કૃષ્ઠ પ્રેમના નામ પર તો ખડી કરાયેલી વિશ્વની અજાયબી સમી ભવ્ય તાજમહાલની ઇમારત આખા વિશ્વને ભારત આવવા આમંત્રી રહી છે.

 
મુગલ ગાર્ડન
 

પહેલાં અજમલ કસાબને અને તે પછી અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓ પ્રત્યે નરમી ન દાખવનાર ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય બગીચામાં ખીલી ઉઠેલી વસંતનું સ્વાગત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનનો બગીચો સ્વયં એક ઉપવન છે. વસંતઋતુના રંગબેરંગી પુષ્પોની સુગંધથી મુગલ ગાર્ડન મહેંકી ઊઠયો છે. આ ફૂલોની પ્રાકૃતિક સુંદરતાએ પૂરા વાતાવરણને સપ્તરંગી બનાવી દઇને ધરતી પર ઇન્દ્રધનુષ ઉતારી દીધું હોય એમ લાગે છે. આ મુગલ ગ્રાઉન્ડમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રોજ સવારે સેર કરવા નીકળે છે ત્યારે બગીચામાં ઠેર-ઠેર મોરલાઓ ટહૂકી ઊઠે છે. વસંત પંચમીના દિવસથી જ રાષ્ટ્રપતિ ભવનનો આ ભવ્ય મુગલ ગાર્ડન દેશના આમ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પૂરા એક મહિના સુધી લોકો આ મુગલ ગાર્ડન નિહાળવા આવનજાવન કરી શકશે. તા.૧૭મી માર્ચ સુધી આ મુગલ ગાર્ડન સૌ કોઇ માટે ખુલ્લો રહેશે. ભારતમાં વસંત પંચમીના દિવસથી મદનોત્સવ શરૂ થઇ જાય છે, જે હોળી પછી પણ કેટલાક દિવસો સુધી ચાલુ રહે છે. તે ફાગ તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગાર્ડનમાં સેકંડો જાતના ગુલાબ ખીલી ઊઠે છે. વિશ્વની કેટલીક દુર્લભ પુષ્પ પ્રજાતિઓ પણ અહીં જોવા મળે છે. આ પરિસરમાં એક સંગીતમય ફુવારો પણ છેજે શહનાઇ અને વંદેમાતરમની ધૂન પર જલક્રીડા કરે છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે આધુનિક વિશ્વની સાથે પણ ભારતનો સંબંધ કેવી રીતે પલ્લવીત થયો છે તે જોવો હોય તો મુગલ ગાર્ડન અને તેના ગુલાબ જોવા જ રહ્યા. અહીં મહારાણી એલિઝાબેથના નામના ગુલાબ પણ છે અને મધર ટેરેસાના નામના શ્વેત ગુલાબ પણ છે. અર્જુન અને ભીમના નામના ગુલાબ પણ છે અને રાજા રામ મોહનરાયના નામના ગુલાબ પણ છે. પંડિત જવાહરલાલથી માંડીને અબ્રાહમ લિંકન અને જહોન એફ.કેનેડીના નામથી માંડીને વિશ્વની બીજી અનેક પ્રતિભાઓના નામને અનુરૂપ રંગોવાળા ગુલાબ દૃશ્યમાન છે.

 
આધ્યાત્મિક વાટિકા
 

રાષ્ટ્રપતિ ભવનના આ મુગલ ગ્રાઉન્ડનું એક આકર્ષક અંગ તેની આધ્યાત્મિક વાટિકા પણ છે. અહીં વિભિન્ન ધર્મો તથા મતોની માન્યતા અનુસાર વૃક્ષો અને છોડવાઓ સંગસંગ લગાવવામાં આવ્યાં છે. વિશ્વભરમાં ભાઇચારો ખીલે તે માટેના સહઅસ્તિત્વની વિચારધારાને પ્રકૃતિના માધ્યમથી પ્રદર્શિત કરવા માટે રૂદ્રાક્ષ, ચંદન, કદંબ, વડ, પારસ, પીંપળો અને ખજૂર પણ બાજુબાજુમાં લગાડવામાં આવેલા છે. તે બધા જ એક સાથે વૃદ્ધિ પામે છે. લીંબુના આકારના ચીની સંતરા પણ અહીં જોવા મળશે. તમે દિલ્હી જાવ તો સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનના આ અદ્ભુત મુગલ ગાર્ડનમાં તમે પ્રવેશ મેળવી શકશો. મુગલ ગાર્ડનમાં ખાવા પીવાની ચીજો મોબાઇલ કે પર્સ લઇ જવાની મનાઇ છે. રાષ્ટ્રપતિ ભવનના ૩૫મા નંબરના દ્વારથી નાગરિકો પ્રવેશ મેળવી શકશે.