ચમકદમકની દુનિયામાં જિયા-'ધી લોન્લી લેડી'

૧૯૮૩માં એક ફિલ્મ બની હતી : ‘ધી લોન્લી લેડી.’ પિટર સેડસીએ આ અમેરિકન ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. મૂળ હેરોલ્ડ રોબિન્સની નવલકથા પરથી આ ફિલ્મ બની હતી. કથાની નાયિકાનું નામ જેરિલી રેન્ડેલ હતું. તે કેલિફોર્નિયાના એક નાનકડા નગરની સ્કૂલમાં ભણતી હતી ત્યારથી જ તેને કોઈ ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લેખિકા બનવું હતું. એણે સ્કૂલમાં જ સર્જનાત્મક લેખન સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી. એ પછી તે હોલિવૂડના સુપ્રસિદ્ધ સ્ક્રીનપ્લે લેખક વોલ્ટર થોર્ટનના પુત્ર વોલ્ટને મળી. તેની સાથે મિત્રતા થઈ. એકવાર રાતના સમયે તે વોલ્ટના ઘરે ગઈ. બીજા કેટલાક મિત્રો પણ ત્યાં આવેલા હતા. એ વખતે પુલ પાર્ટી યોજવામાં આવી હતી. રાત્રે કેટલાકે ડ્રિંક્સ લીધું. તે પછી કેટલાકે તેની પર શારીરિક અત્યાચાર કર્યો.

વોલ્ટના પિતા સ્ક્રીન પ્લે લેખક વોલ્ટર આવી જતાં તેમણે કિશોર વયની જેરિલીને વધુ અત્યાચારમાંથી બચાવી લીધી. એ પછી જેરિલીનો લેખક વોલ્ટર પ્રત્યેનો આદર વધી ગયો. જેરિલી કરતાં વોલ્ટર મોટી વયના હોવા છતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ. જેરિલી આમેય હોલિવૂડમાં સ્ક્રીનપ્લે લેખિકા બનવાનું સ્વપ્ન નિહાળી રહી હતી. જેરિલી અને વોલ્ટર વચ્ચેની મિત્રતા પ્રણયમાં પલટાઈ ગઈ. જેરિલી વોલ્ટરને પરણવા તૈયાર થઈ ગઈ. માતાના સખત વિરોધ છતાં જેરિલી અને વોલ્ટર પરણી ગયાં. જેરિલીએ પણ લખવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે તેના પતિ વોલ્ટરના લખેલા સ્ક્રીનપ્લેમાં થોડો સુધારો કર્યો. ખરેખર તો એણે આખા સ્ક્રીનપ્લેમાં “શા માટે ?” એટલો શબ્દ જ ઉમેર્યો હતો. બસ, આ મુદ્દા પર બેઉ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડાના એક તબક્કે વોલ્ટરે તેની પર આક્ષેપ કર્યો : “મારા બંગલાના પુલમાં તારી પર બળાત્કાર થતો હતો ત્યારે તું એનો આનંદ માણતી હતી.”

વોલ્ટરના આ વિધાનથી આઘાત પામેલી જેરિલીએ વોલ્ટરથી છૂટાછેડા લઈ લીધા. વોલ્ટરથી છૂટા પડયા બાદ જેરિલી કોઈ યોગ્ય સાથીની શોધમાં હતી. તે એવી વ્યક્તિની શોધમાં હતી જે તેને હોલિવૂડની કોઈ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાનું કામ અપાવી શકે. આ હેતુથી હોલિવૂડ સાથે સંકળાયેલા અનેક લોકોના સંપર્કમાં આવી. હોલિવૂડમાં નામ અને પ્રતિષ્ઠા અપાવવાના બહાને અનેક લોકોએ તેનો ઉપભોગ કર્યો. લાંબા સંઘર્ષના અંતે એને એક ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાની તક મળી. એણે ‘ધી હોલ્ડ-આઉટ્સ’ નામન ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો. ફિલ્મ તો સફળ નીવડી જ, પરંતુ એની સાથે સાથે એને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે લેખિકા તરીકેનો એકેડેમી એવોર્ડ પણ મળ્યો. આખરે એ દિવસ આવી ગયો જ્યારે લોસ એન્જલિસના ભવ્ય થિયેટરમાં એવોર્ડ એનાયત થવાનો હતો. જેરિલી સુંદર વસ્ત્રો પહેરીને થિયેટરમાં ગઈ. એવોર્ડ ફંક્શનનું લાઈવ ટેલિકાસ્ટ આખા અમેરિકામાં થઈ રહ્યું હતું. જ્યારે જેરિલીના નામની જાહેરાત થઈ ત્યારે તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ ગાજી ઊઠયું. જેરિલીને એક નામી હસ્તી દ્વારા એવોર્ડ હાથમાં આપવામાં આવ્યો. તેને પ્રતિભાવ આપવાનું કહેવામાં આવ્યું. જેરિલી પોડિયમ પાસે ગઈ અને હાથમાં એવોર્ડને પકડી રાખતાં એવોર્ડ સુધી પહોંચતાં તેના પતિથી માંડીને હોલિવૂડ સાથે સંકળાયેલી કેટકેટલી વ્યક્તિઓએ પોતાનો ઉપભોગ કર્યો છે તે જાહેર કરી દીધું. ફિલ્મની લેખિકા બનવા માટે તેણે ફિલ્મના એજન્ટ, ડાયરેક્ટર, પ્રોડયુસર અને નાયકે તેનું ક્યારે ક્યારે શારીરિક શોષણ કર્યું તે બધું જ તેણે જાહેરમાં કહી દીધું. એ બોલી : “મને એવોર્ડ નહીં, પરંતુ આત્મસન્માનની જરૂર છે.”

એટલું બોલી એણે એવોર્ડને પોડિયમ પર જ મૂકી દીધો. એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી તે બધાને સ્તબ્ધ અને શરમજનક હાલતમાં છોડીને ઓડિટોરિયમની બહાર નીકળી ગઈ.

‘ધી લોન્લી લેડી’ ફિલ્મની કથા અહીં પૂરી થાય છે.

– આ ફિલ્મ હોલિવૂડ સાથે સંકળાયેલી બડી બડી હસ્તીઓને ગમી નહોતી. ગમી એટલા માટે નહોતી કે ચમકદમકથી ભરેલી ફિલ્મની ગ્લેમરસ દુનિયાની અંધારી બાજુને ખુલ્લી કરી નાખવામાં આવી હતી. ફિલ્મ જગતમાં પ્રવેશથી માંડીને ટકી રહેવા અને પ્રતિષ્ઠા સુધી પહોંચવા માટે એક યુવતીએ સિનિયર લેખક, એજન્ટ, ડાયરેક્ટરથી માંડીને એક્ટર સાથે કેટકેટલાં ‘અનૈતિક સમાધાનો’ કરવાં પડયાં તેની તેમાં કહાણી હતી. જેરિલી પાસે બધું જ હતું, પરંતુ નામના મેળવ્યા બાદ પણ ભીતરથી તે ‘લોન્લી લેડી’ હતી.

તાજેતરમાં જ પંખા પર લટકીને અકાળે જીવન ટૂંકાવનાર ૨૫ વર્ષની અભિનેત્રી જિયા ખાન પણ શાયદ ‘લોન્લી લેડી’ જ હતી. જેરિલી સ્કૂલમાં ભણતી હતી ત્યારથી જ તે ફિલ્મ જગતમાં લેખિકા બનવા માગતી હતી. તે રીતે અમેરિકામાં જન્મેલી અને લંડનમાં ઉછરેલી જિયા ખાન પણ બચપણથી અભિનેત્રી બનવા માગતી હતી. સદ્નસીબે એને પહેલી જ તક દેશના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ‘નિઃશબ્દ’માં કામ કરવાની મળી. તે પછી આમિર ખાનના ‘ગઝિની’માં કામ કરવાની તક મળી. તે પછી અક્ષયકુમાર સાથે કામ કર્યું, પરંતુ આ ટોચના અભિનેતાઓ સાથે કામ કરવાની તક જ તેના માટે મુશ્કેલી બની ગઈ. એ બે ફિલ્મો પછી તેની મહત્ત્વાકાંક્ષાની ઊંચાઈ પણ વધી ગઈ. માનસિક રીતે તે હવે તે એવા જ ઊંચા કલાકારો સાથે મોટી ફિલ્મો મળશે તેની અપેક્ષા રાખવા માંડી હતી. પરંતુ બહારથી ગ્લેમરસ દેખાતી ફિલ્મની દુનિયા ભીતરથી ગંદી અને વ્યવહારમાં ક્રૂર છે. બોલિવૂડની ફિલ્મી દુનિયા એક મહાસાગર જેવી છે. તેની ભીતર નાની-નાની માછલીઓને ગળી જવા શાર્ક માછલીઓ અને મોટા મોટા મગરમચ્છો રોજ શિકારની શોધમાં હોય છે. જે લોકો શો-બિઝનેસને જાણે છે તેમને ખબર છે કે, તે ભૂખ્યા માનવભક્ષી રાક્ષસોથી ભરેલો છે. ખાસ કરીને એક્ટ્રેસ બનવાનાં સ્વપ્ન જોતી કેટલીયે યુવતીઓ આ માનવભક્ષી રાક્ષસોની વાસનાનો ભોગ બનેલી છે.

સિનેમાના બિગ સ્ક્રીન પર ચમકવા માટે હિરોઈનોને કોઈનો કોઈ સહારો જોઈએ જ છે. નરગિસે રાજ કપૂરનો સહારો લેવો પડયો હતો. મીનાકુમારીએ કમાલ અમરોહીનો સહારો લેવો પડયો હતો. વહીદા રહેમાને ગુરુ દત્તનો સહારો લેવો પડયો હતો. મધુબાલાએ પહેલાં દિલીપકુમાર અને તે પછી કિશોરકુમારનો સહારો લેવો પડયો હતો. એમને સ્ટારડમ પ્રાપ્ત કરતાં પહેલાં કેટલી તકલીફો સહન કરવી પડી હશે એ તો ભગવાન જાણે, પરંતુ અહીં એક નામ ઉલ્લેખનીય છે. આજે જેનું નામ લોકો જાણતા નથી એ એક એક્ટ્રેસ વિમ્મી. એક જમાનામાં વિનોદ ખન્ના સાથે કામ કરનાર એક્ટ્રેસ વિમ્મીને પાછલી જિંદગીમાં તેને કોઈ જ કામ ના મળતાં પેટનો ખાડો પૂરવા એણે પ્રોસ્ટિટયૂટ બની જવું પડયું હતું. હોલિવૂડની એક જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી સોફિયા લોરેને કામ મેળવવા એનાથી બેવડી ઉંમરના એ જમાનાના મશહૂર ફિલ્મકાર કાર્લો પોન્ટી સાથે લગ્ન કરવું પડયું.

પરંતુ બિચારી જિયા !

લંડનથી કેટરિના કૈફની જેમ જ હિરોઈન બનવાનાં સ્વપ્ન લઈને આવેલી જિયાને બોલિવૂડ ના ફળ્યું. કેટરિના કૈફને સલમાનનો એક પેટ્રન તરીકે સહારો મળ્યો. જિયાને એ વાતની ખબર નહોતી કે તેના જેવી હજારો યુવતીઓ રોજ બોલિવૂડના નિર્માતાઓ અને દિગ્દર્શકોની આસપાસ આંટા મારે છે. સ્ટુડિયોમાં કલાકોના કલાકો સુધી ફિલ્મમાં રોલ મેળવવા બેસી રહે છે… Role or any ‘bloodyrole.’

લંડનગર્લ બિચારી એટલું ન સમજી શકી કે એને શરૂઆતમાં જે ‘ઇન્સ્ટન્ટ સક્સેસ’ મળી એ એક અકસ્માત હતો. ઇન્સ્ટન્ટ સક્સેસ જ એની દુશ્મન બની ગઈ. જિયા એ ના સમજી શકી કે બોલિવૂડની દુનિયા આજથી ૨૫ કે ૫૦ વર્ષ પહેલાં જેવી નથી. પહેલાં મર્યાદિત હિરોઈનો જ હતી. હવે નામ અને પ્રતિષ્ઠાની ખોજમાં રોજ નવો ચહેરો ગ્લેમરસ દુનિયાનો હિસ્સો બનવા મુંબઈ આવે છે. આ ગ્લેમરની દુનિયામાં પ્રવેશવા તે બધું જ કરવા તૈયાર છે. ક્યાંક તેમને કામ મળે છે અને ‘ફ્લેશ’ અથવા ‘હ્યૂમન ફ્લેશ’માં ખોવાઈ જાય છે. બોલિવૂડના માંધાતાઓ માટે આવી પાર્ટી ગર્લ્સ તેમનું ‘ઇઝી મીટ’ છે., તેમને ખાઈ જાય છે. ચૂસી લેવાય છે અને ફેંકી દેવાય છે. એકાદ-બે ફિલ્મમાં કામ કરવાથી જે થોડા ઘણા પૈસા મળ્યા હોય તે વપરાઈ ગયા બાદ એ યુવતીઓ ‘નર્ક’માં ધકેલાઈ જાય છે અને એ નર્ક છે : ‘ડ્રગ્સ, બુઝ-દારૂ અને પ્રોસ્ટિટયૂશન.’ ચમકદમકથી ભરેલી બોલિવૂડની દુનિયાની ભીતરની આ કડવી વાસ્તવિકતા છે. બોલિવૂડના માંધાતાઓ એક જતી રહે એટલે બીજી શોધે છે. જે ખોવાઈ જાય છે તે પોતાની જાતને પરાજિત, હતાશ અને નિષ્ફળ સમજે છે. તેમાંથી ડિપ્રેશન આવે છે. ડિપ્રેશનથી પીડાતી હિરોઈનો એકલતાનો ભોગ બને છે. કોઈવાર કોઈ અર્ધદગ્ધ બોયફ્રેન્ડનો સહારો લે છે અને જ્યારે બોયફ્રેન્ડ પણ સાથ છોડતો જણાય ત્યારે બધી જ દિશાઓમાંથી વિફળ થયેલી યુવતી નર્વસ બ્રેકડાઉનમાં સરી પડે છે.

જિયા જે પરિવારમાંથી આવતી હતી તે પણ એક ભગ્ન પરિવાર હતું. જિયા જ્યારે ત્રણ જ માસની હતી ત્યારે તેના પિતા અલી રીઝવી ખાને લંડનમાં જિયા અન તેની માતાને તરછોડી દીધાં હતાં. તે પછી તેની માતાએ બીજું લગ્ન કર્યું અને તેના ઓરમાન પિતાએ પણ પરિવારને તરછોડી દીધું. ‘નિઃશબ્દ’માં કામ કર્યા બાદ જિયાના જીવનમાં અનેક બોયફ્રેન્ડ આવ્યા. જસપ્રીત વાલિયા,સાહિલ પીરઝાદા સાથે પણ તેનાં નામ જોડાયાં. લંડનના મોટી ઉંમરના એક ઉદ્યોગપતિ સાથે પણ તેનું નામ જોડાયું. છેલ્લે છેલ્લે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથે પણ તેનું નામ જોડાયું. તે તમામમાં તે નિષ્ફળ નીવડી. કદાચ બધા જ બેવફા હતા. છેલ્લે છેલ્લે સૂરજ પણ તેને મળવાથી દૂર રહેતો હતો. તેણે સૂરજને ટેક્સ્ટ મેસેજમાં લખ્યું હતું : “You are geting toocold.” એ પછીના છેલ્લા મેસેજમાં તેણે લખ્યું હતું : “You are geting too close to Neelu.”

આ ટેક્સ્ટ મેસેજીસ જ દર્શાવે છે કે, લંડનથી મોટાં ખ્વાબ લઈને આવેલી અત્યંત સંવેદનશીલ જિયા ફિલ્મી દુનિયાથી અને તેના બોયફ્રેન્ડથી પણ અલગ પડી ગઈ હતી. ફિલ્મ જગતથી વિખૂટી પડી ગયેલી જિયાએ સૂરજ જેવા બોયફ્રેન્ડનો સહારો લીધો, પણ સૂરજ પણ બીજી કોઈ સાથે વ્યસ્ત હતો. તે હવે સાવ એકાકી હતી. જુહુના ફ્લેટમાં તે એકલી હતી ત્યારે એ એકલતા જ એને ભરખી ગઈ. પ્રેમમાં છેહ તેને સુરજે દીધો કે કોઈ અન્યએ તે હવે સ્પષ્ટ થશે.

જિયા બિચારી સાચા અર્થમાં ‘ધી લોન્લી લેડી’ હતી.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in