નીતીશકુમારના મતે મોદી સેક્યુલર નથી, તો અડવાણી કેવી રીતે સેક્યુલર?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનાં ઢોલનગારાં અત્યારથી જ વાગવા માંડયાં છે. વર્ષાના આગમન સાથે થતી મેઘ ગર્જનાઓ કરતાં રાજકીય પક્ષોની ગાજવીજ વધુ તીવ્ર લાગે છે. અષાઢી રાતના

મોદી V/S નીતીશકુમાર મહત્ત્વાકાંક્ષાની લડાઈવીજચમકારા કરતાં નેતાઓએ ખેંચેલી તલવારો વધુ ચમકીલી લાગે છે. ૭, રેસકોર્સ સુધીની દોડ માટે કોંગ્રેસે એક માત્ર રાહુલ ગાંધી માટે યુવાન પણ શાંત ઘોડો સજ્જ રાખ્યો છે. રાહુલ ગાંધીને વડાપ્રધાન થવાની ઉતાવળ છે તેવું ક્યાં પણ પ્રગટ ન થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી માટે સંઘે નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવા પાણીદાર ઘોડો સજ્જ કરી દીધો છે. જો કે ૮૬ વર્ષની વયે પણ પીએમની ખુરશી સુધી પહોંચવા એલ.કે. અડવાણી પણ કોઈ ખખડધજ ઊંટ પર પલાણવા તૈયાર છે. સુષ્મા સ્વરાજ કોઈની યે જાનમાં જવા તૈયાર નથી. રાજનાથસિંહ પક્ષના પ્રમુખ તરીકે ગોર મહારાજ હોવા છતાં ‘બીજા લોકો’ કહેતા હોય તો પોતે પણ ઘોડે ચઢી જવા તૈયાર છે. કોંગ્રેસ અને ભાજપાની લડાઈમાં કોઈનો ય ગજ ના વાગતો હોય તો મુલાયમ પણ સાઈકલ પર બેસી વરરાજા થવા તૈયાર છે.


નીતીશની મહત્ત્વાકાંક્ષા

આ બધામાં ‘હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી’- એવું કહેતા નીતીશકુમારને હવે બિહારની સત્તા નાની પડે છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તેમણે જે ડ્રામા કર્યા તે જોતાં હવે એ વાત સ્પષ્ટ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને પણ વડાપ્રધાન બનવાનો અભરખો છે. હા, તેઓ પ્રમાણમાં ઓછું બોલે છે પણ તેનો અર્થ એ નથી કે એમની મહત્ત્વકાંક્ષાઓ નાની છે. નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર વચ્ચે ફરક એટલો છે કે મોદી દિલ્હીની ગાદી સર કરવા એક પછી એક પ્રતિસ્પર્ધીઓને દૂર કરી રહ્યાં છે. તેઓ તેમના લક્ષ્ય અને ઈદારાઓમાં સ્પષ્ટ છે. પરંતુ નીતીશકુમાર એવી હિંમત કરી શક્તા નથી. મહત્ત્વાકાંક્ષા બેઉની એક સમાન છે. મોદી સ્પષ્ટ છે, નીતીશકુમાર દંભી છે. નીતીશકુમારના મતે નરેન્દ્ર મોદી ધર્મ નિરપેક્ષ નથી. આશ્ચર્યની વાત એ છે કે ૨૦૦૩માં નીતીશકુમારે અનેકવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું:”નરેન્દ્રભાઈની હવે ગુજરાતની બહાર રાષ્ટ્રીય કક્ષાએ પણ જરૂર છે.” આવા નીતીશકુમાર અચાનક કેમ બદલાઈ ગયા?હકીકત તો એ છે કે નરેન્દ્ર મોદીને હજુ ભાજપાએ સત્તાવાળ રીતે ભાજપાના નેતૃત્વ હેઠળના એનડીએના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા નથી. તેઓ હજુ ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ બન્યા છે. ખરી વાત તો એ છે કે નીતીશકુમારને પણ વડાપ્રધાન પદ હાંસલ કરવા માટેની બીજા ઓ જેટલી જ તાલાવેલી છે. આ લડાઈ ધર્મનિરપેક્ષતાની નહીં પરંતુ મહત્ત્વાકાંક્ષાની છે નીતીશકુમારની લોકપ્રિયતા બિહારમાં ઘટી રહી છે તે પણ એક હકીકત છે. નીતીશકુમાર ૧૭ વર્ષ સુધી એનડીએના એક મજબૂત સાથી તરીકે રહ્યા. અચાનક ગોવામાં ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર થતાં જ નીતીશકુમાર ખાનગીમાં છંછેડાયા. ગોવાના એ નિર્ણય પછી એલ.કે. અડવાણીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું ત્યારે ચૂપ રહ્યા એ વખતે તેમને લાગ્યું કે પોતાનું યુદ્ધ અડવાણી લડી રહ્યા છે. પરંતુ સંઘના આદેશ બાદ અડવાણી ઠંડા પડી ગયા અને રાજીનામા આપી દેવાનો નિર્ણય પાછો ખેંચ્યો એટલે નીતીશકુમાર સફાળા જાગ્યા. એમણે અલ્ટિમેટમ આપ્યું કે ”૨૦૧૪માં એનડીએના પીએમપદના ઉમેદવારનું નામ જાહેર કરો અથવા તો નરેન્દ્ર મોદીએ પદના ઉમેદવાર નથી એવું જાહેર કરો.” પણ સંઘ કે ભાજપા એ સ્પષ્ટતા કરવા તૈયાર ના થયા. એટલે તેમણે ભાજપાનું વલણ ધર્મનિરપેક્ષ રહ્યું નથી એમ કહી છેડો ફાડી નાંખ્યો. નોંધપાત્ર વાત એ છે કે નીતીશકુમારની આ દલીલ ગળે ઊતરે તેવી નથી, ૧૭ વર્ષથી એનડીએના સાથી રહેનાર નીતીશકુમાર એ વાત કેમ ભૂલી જાય છે કે તેઓ જેમની પ્રત્યે આદરની વાત કરે છે તે અડવાણી એક કટ્ટરવાદી નેતા છે. બાબરી મસ્જિદ ધ્વંસમાં તેમની ભૂમિકા અંગે આક્ષેપો થયેલા છે. બાબરી મસ્જિદ ધ્વંસ કરવાની યોજના અટલ બિહારી વાજપેયીથી પણ છૂપાવવામાં આવી હતી. ૨૦૦૨માં ગોધરાકાંડ પછી જે કોઈ ઘટનાઓ ઘટી ત્યારે અટલજી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગતા હતા પરંતુ મોદીને અડવાણીના કારણે જ અભયદાન મળ્યું હતું. શું આ બધી ઘટનાઓથી નીતીશકુમાર અજાણ હતા ?

 

અડવાણીનો રોલ શું ?

આ ઘટનાક્રમમાં એલ.કે.અડવાણીનો રોલ પણ સંદિગ્ધ અને શંકાસ્પદ લાગે છે. અડવાણી ફરી એક વાર રાજનાથસિંહને ફોન કરીને જણાવ્યું છે કે પક્ષે કોઈ એક વ્યક્તિના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી જોઈએ નહીં પણ સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી જોઈએ. અડવાણીનું આ બ્યાન શંકાસ્પદ લાગે છે. તેઓ એક રાજકારણી પણ છે અને મહત્ત્વાકાંક્ષી પણ છે. આટલી ઉંમરે પહોચ્યા પરંતુ તેઓ વડાપ્રધાન થઈ ના શક્યા તેનો તેમને વસવસો છે. ”જો હું નહીં તો મોદી પણ નહીં.” એવી માનસિક્તાથી પીડાતા અડવાણીના છૂપા આશીર્વાદ મોદી સામે બગાવત કરનાર તમામ ને હોઈ શકે છે. નીતીશકુમાર અને શરદ યાદવ સાથેના તેમના સંબંધો સુમધુર રહ્યા છે. આ સંબંધોનો ઉપયોગ નીતીશકુમારને સાથે રાખવા કરતાં છેડો ફડાવવા માટે વધુ કર્યો હોય તેવી કોઈને પણ શંકા જાય તેમ છે. નરેન્દ્ર મોદી સાથે પરદા પાછળની ગેમ દિલ્હીમાં ભાજપામાં જ વધુ રમાતી હોય તેમ લાગે છે. અલબત્ત, મોદીની લોકપ્રિયતા, વાક્ચાતુર્ય, વકતૃત્વ શૈલી અને મોદીના મની પાવર આગળ એ સહુ વિરોધીઓ લાચાર છે. અટલ બિહારી વાજપેયી પછી ભાજપા પાસે અટલજી કરતાં અલગ પણ આગવો અને એક માત્ર નરેન્દ્ર મોદી જ માસ અપીલ ધરાવતો ચહેરો છે. મોદીની તાકાત આગળ સંઘ પણ બેબસ છે. આઝાદીના ૬૫ વર્ષ બાદ દેશમાં કટ્ટર હિન્દુવાદી સરકાર રચવાનું આરએસએસનું સ્વપ્ન રહ્યું છે. એ સ્વપ્ન મોદી જ પૂરું કરી શકે તેમ છે તેમ સંઘને લાગે છે અને એટલે જ સંઘે પક્ષના અડવાણી- સુષ્મા, યશવંતસિંહા, જસવંતસિંહ જેવા સાથીઓની પરવા કર્યા વિના મોદીનો ચહેરો આગળ ધર્યો છે. જેડી(યુ) જેવા પક્ષોની પણ પરવા કર્યા વિના સંઘે મોદીના નામ પર મહોર મારી દીધી છે. અલબત્ત, આ એક જબરદસ્ત મોટો જુગાર હશે. સંઘે એના લાંબા કાર્યકાળ દરમિયાન મોટામાં મોટો દાવ ખેલ્યો છે.

 

મોદી સામે પડકારો

નરેન્દ્ર મોદી માટે પણ ૨૦૧૪માં નવી દિલ્હીમાં ૭, રેસકોર્સ રોડ સુધી પહોંચવાનો રસ્તો આસાન નહીં હોય.એનડીએની શરૂઆત થઈ ત્યારે તેની સાથે ૨૪ ઘટક પક્ષો હતા. હવે માત્ર બે જ છે. નરેન્દ્ર મોદીની છબી કટ્ટરવાદીની અને એકાધિકારવાદીની હોઈ દેશના મોટાભાગના સેક્યુલર પક્ષો તેમની સાથે બેસવા તૈયાર નથી. તેથી તેમણે એકલા હાથે જ ઝઝૂમવું પડશે. એક માત્ર બિહારમાં જ સાડા દસ કરોડની વસતીમાં ૧૭ ટકા વસતી લઘુમતીની છે. ઉત્તરપ્રદેશ પણ એટલું જ મોટું રાજ્ય છે. યુ.પી.માં લોકસભાની કુલ ૮૦ બેઠકો છે. તેમાંથી કોંગ્રેસ પાસે ૨૨ અને ભાજપા પાસે માત્ર ૧૦ છે. મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં પણ લઘુમતી મતદારો લાખ્ખોમાં છે. દક્ષિણના અને નોર્થ ઈસ્ટનાં રાજ્યોમાં ભાજપાએ ખાતું જ ખોલ્યું નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપાએ- એનડીએએ દિલ્હીમાં ગાદી સર કરવી હોય તો ભાજપા અને તેના સાથી પક્ષોએ ૨૭૨ના જાદુઈ આંકડાને સ્પર્શવું પડશે. સાથી પક્ષો તૂટતા જાય છે ત્યારે નરેન્દ્ર મોદીએ નવા સાથીઓ શોધવા પડશે. પોતાના પક્ષના જ સાથીઓ અંદરથી સાથે ના હોઈ તેમણે એકલા હાથે જ જંગ લડવો પડશે. હા, આજે જ જો ચૂંટણી થાય તો દેશમાં અનિશ્ચિતતા અને અરાજક્તા ભર્યાં જ પરિણામો આવે. પ્રાદેશિક પક્ષોની દાદાગીરી સામે કોંગ્રેસ અને ભાજપા- બેઉ નબળા પડી રહ્યાં છે. ૨૦૧૪માં દેશને સ્થિર અને સશક્ત સરકાર મળે તેમ આજે તો લાગતું નથી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે બધો જ દાવ મોદી પર લગાવી દીધો છે. બધો જ મદાર હવે મોદી પર છે. મોદી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં દેશમાં હજુ પ્રમુખશાહી પદ્ધતિ નથી એ વાતનો તેમણે ખ્યાલ રાખવો પડશે. ભાજપ હવે વન મેન પાર્ટી અને વન મેન-શો બની ગયો છે. તેનો ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું.