Devendra Patel

Journalist and Author

Date: June 3, 2013

ઓપરેશન ગ્રીનહંટ અને સલવા જૂડુમનો : લોહિયાળ બદલો

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નંદકુમાર પટેલની હત્યા બાદ માઓવાદીઓએ તેમના મૃતદેહને આ રીતે ત્યજી દીધો હતો. નંદકુમાર પટેલની બાજુમાં જ બ્લૂ ચેક્સનું જે શર્ટ દેખાય છે તે તેમના પુત્ર દિનેશનો મૃતદેહ છે. નંદકુમાર પટેલના હાથ પાછળથી બાંધી દેવાયા હતા અને તે પછી તેમના ગળા પર અને પેટમાં ગોળીઓ મારવામાં આવી હતી.

ઓપરેશન ગ્રીનહંટ અને સલવા જૂડુમનો : લોહિયાળ બદલો

છત્તીસગઢમાં જગદલપુરની ઘાટીમાં માઓવાદીઓએ લોહિયાળ ખેલ ખેલ્યો. માઓવાદના આંચળા હેઠળ ૧૦૦૦ જેટલા ભારતીય માઓવાદીઓએ ૨૮ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરી નાંખી. પૂરા ત્રણ કલાક સુધી આ ખૂની ખેલ થતો રહ્યો. ત્રણ કલાક સુધી કોંગ્રેસના નેતાઓ પર ગોળીઓ વરસતી રહી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અનેક લોકો માર્યા ગયા. આઘાતજનક વાત એ છે કે ત્રણ કલાક સુધી આ લોહીની હોળી ખેલાતી રહી, પરંતુ ના તો રાજ્ય સરકારના ગૃહખાતાને તેની ખબર પડી કે ના તો કેન્દ્રના ગૃહખાતાને. નોંધપાત્ર વાત એ છે કે માઓવાદીઓએ સહુથી પહેલી વાર કોઈ રાષ્ટ્રીય પાર્ટીને પોતાનું લક્ષ્ય બનાવ્યું. અત્યાર સુધી નકસલવાદીઓ કે માઓવાદીઓ કોઈ પોલીસ અધિકારી કે વહીવટી અધિકારીને પોતાનું નિશાન બનાવતા હતા, પરંતુ છત્તીસગઢનાં જંગલોમાં એક હજાર માઓવાદીઓએ જે કાંઈ કર્યું તે આતંકવાદી કૃત્ય નહીં પરંતુ ભારત સરકારની સામે માઓવાદીઓની રીતસરની બગાવત જ છે.

આ જંગલિયતભર્યું કૃત્ય કરનારા કોઈ પાકિસ્તાની નહોતા. ધર્ર્મઝનૂનથી ગુમરાહ થયેલા કોઈ કટ્ટરપંથીઓ નહોતા. તે બધા જ ભારતીય નાગરિકો હતા. નકસલ વિરોધી સંગઠન ‘સલવા જુડૂમ’ ના સંસ્થાપક મહેન્દ્ર કર્મા કે જેઓ કોંગ્રેસના આદિવાસી નેતા છે. તેમના પર માઓવાદીઓએ ૧૦૦ જેટલી ગોળીઓ મારી. કર્માના મૃતદેહ પર નૃત્ય કર્યું અને રાતભર મોતના આ તાંડવની ઉજવણી કરી.

ઓપરેશન ગ્રીનહંટ
ઉત્તરાખંડના માઓવાદીઓએ ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નંદકુમાર પટેલ અને ‘સલવા જૂડુમ’ સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર કર્માની હત્યા કરીને ‘ઓપરેશન ગ્રીન હંટ” અભિયાનનો બદલો લીધો છે. નંદકુમાર અગાઉની સરકાર વખતે રાજ્યના ગૃહમંત્રી હતા અને તે વખતે રાજ્યમાંથી માઓવાદને ખતમ કરવા “ઓપરેશન ગ્રીન હંટ”ના નામ હેઠળ નકસલ પ્રભાવિત જંગલોમાં સૈનિકો અને અર્ધ સૈનિક દળો તહેનાત કરી સશસ્ત્ર માઓવાદીઓની સાફસૂફીનું અભિયાન હાથ ધર્યું હતું. માઓવાદીઓ આ દળોને ખસેડવા માંગતા હતા. એ વખતે કેટલાક નકસલવાદીઓ માર્યા પણ ગયા હતા. તેનો બદલો લેવા નંદકુમાર પટેલ અને મહેન્દ્ર કર્મા સહિત કોંગ્રેસી નેતાઓની હત્યા કરી દેવાઈ. અત્રે એ જાણવું જરૂરી છે કે માઓવાદ પ્રભાવિત ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સડક કેમ જતી નથી. માઓવાદીઓ સડક બનવા દેતા નથી. સ્કુલો, શરૂ કરવા દેતા નથી, વીજ થાંભલા નાંખવા દેતા નથી. કોઈ પોલીસ સ્ટેશન કે કોર્ટ પણ નથી. અહીં માઓવાદી નેતાઓના જ કાનૂન અને તેમનું રાજ ચાલે છે. દેશના વડાપ્રધાન કોણ છે તેની ગરીબ અને અભણ આદિવાસીઓને ખબર નથી. માઓવાદી નેતાઓ વિકાસના કામો થવા દેતાં જ નથી. અહીં જાણે કે ભારત સરકારનું રાજ જ નથી એવી પરિસ્થિતિ છે.

માઓવાદ વકર્યો
આશ્ચર્યની વાત એ છે કે દેશનાં કેટલાંક મોટાં રાજ્યોનું વિભાજન કરીને બનાવવામાં આવેલાં નાનાં નાનાં રાજ્યોમાં નકસલવાદ અથવા માઓવાદ વધુ વકર્યો છે. દેશનાં ૨૦ રાજ્યોના ૨૨૩ જિલ્લાઓ નકસલવાદથી વધુ પ્રભાવિત છે. દેશનો ૯૨ હજાર કિલોમીટરનો વિસ્તાર નકસલ – માઓવાદના પ્રભાવ હેળ છે. આ વિસ્તારોમાં ૨૦૦૦થી વધુ પોલીસ સ્ટેશન છે, પરંતુ તે બધું જ નિરર્થક. સરકારે ત્રણ વર્ષમાં થયેલા નકસલી હુમલાઓના આધાર પર જે ૨૬ જિલ્લાઓ સહુથી વધુ પ્રભાવિત માન્યા છે તેમાં ૮૦ ટકા હુમલા થયા. છે. છત્તીસગઢમાં બસ્તર, બીજાપુર, દંતેવાડા, કાંકેરા, કાંડોગાવ,નારાયણપુર, રાજનંદગાવ અને સુકમા માઓવાદથી પ્રભાવિત છે. ઝારખંડમાં ગઢવા, ગિરિહાડ, ગૂમણ, ખૂંટી, લાતેહાર, પલામૂ, સમડેગ અને પશ્ચિમ સિંહભૂમ પ્રભાવિત છે. બિહારમાં ઔરંગાબાદ, ગયા અને જુમઈ નકસલવાદીઓનો હોટ બેડ માનવામાં આવે છે. ઓરિસ્સામાં કોરાપુર,મલ્કાનગીરી અને બોલાનગીર નકસલવાદ પ્રભાવિત છે. આંધ્રપ્રદેશમાં ખમ્મમ, અને વિશાખાપટ્ટનમમાં નકસલવાદની આગ છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી તથા પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ મીદનાપુર જિલ્લાઓમાં નકસલવાદ વકર્યો છે.

વર્ષ ૨૦૧૨માં ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલવાદી હુમલાઓમાં ૩૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. ૧૧૪ જવાનો શહીદ થયા છે. ૭૪ નકસલીઓ માર્યા ગયા છે. ૧૮૮૨ નકસલી પકડાયા છે. ૧૩૪ જેટલા હુમલા સુરક્ષા બળો પર થયા છે. ૨૧૭ વખત સુરક્ષાદળોએ નકસલીઓને ઘેર્યા છે.

સહુથી મોટી ઘટનાઓ
૨૯ જૂન, ૨૦૦૮ ઓરિસ્સાના બેલિમિસા કુંડમાં નૌકામાં જઈ રહેલા પોલીસદળ પર હુમલો. ૩૮ જવાનો માર્યા ગયા.

૧૬ જુલાઈ, ૨૦૦૮ : ઓરિસ્સાના મલ્કાગિરિ જિલ્લામાં પોલીસવાનને સુરંગથી ઉડાવી દીધી. ૨૧ પોલીસકર્મીઓ માર્યા ગયા.

૨૨ મે, ૨૦૦૯ મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાનાં જંગલોમાં પોલીસકર્મીઓ પર હુમલો થયો. ૧૬ પોલીસ જવાનો માર્યા ગયા.

૧૬ જૂન, ૨૦૦૯ ઝારખંડના પલામી જિલ્લામાં બારૂદી સુરંગથી વિસ્ફોટ. ૧૧ પોલીસ કર્મીઓ માર્યા ગયા.

૬ એપ્રિલ, ૨૦૧૦ દેતવાડા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર હુમલો. ૭૬ જવાનો માર્યા ગયા. ૫૦ ઘાયલ થયા.

૨૯ જૂન, ૨૦૧૦ છત્તીસગઢના નારાયણ જિલ્લામાં સીઆરપીએફનાં વાહનો પર હુમલો, ૧૫ જવાનોનાં મોત.

પ્રોક્સી વોર
આ ઘટનાઓને ગરીબ આદિવાસીઓના હક્ક માટેની લડત તરીકે હવે લઈ શકાય

નહીં. એ વાત સાચી છે કે નકસલવાદનો આરંભ ૧૯૬૭માં ગરીબ આદિવાસીઓના શોષણ વિરુદ્ધ તેમના હક્કો માટે ચારુ મજુમદાર અને કનુ સંન્યાલ દ્વારા થયો હતો. પશ્ચિમ બંગાળના સિલીગુડી જિલ્લાની પાસે આવેલા નકસલબાડી નામના વિસ્તારથી આ લડતની શરૂઆત થઈ હોઈ તેને નકસલવાદ નામ અપાયું, પરંતુ હવે છત્તીસગઢમાં જે ઘટનાઓ ઘટી તે નકસલવાદ નહીં પરંતુ ચીન અને પાકિસ્તાન પ્રેરિત માઓવાદ છે. ચીન ભારતના જંગલ વિસ્તારના લોકોને પૈસા, શસ્ત્રો,કોમ્પ્યુટર્સ અને લેટેસ્ટ સાધનો આપે છે.

આ કામ તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા કરે છે.

ચીન અને પાકિસ્તાનનો અસલી મકસદ ભારતના સાર્વભૌમત્વને અને બંધારણીય લોકશાહીને ખતમ કરવાનો છે. છત્તીસગઢની છેલ્લી લોહિયાળ ઘટના બાદ ૧૦૦૦ માઓવાદીઓએ લાશો પર પણ ફરીથી ગોળીબાર કરી માઓવાદ જિન્દાબાદનાં સૂત્રો પોકાર્યાં હતાં. માઓત્સે તુંગ તો ચીનના નેતા હતા, ભારતના નહીં. ભારતના નાગરિકો ચીનના નેતાનાં સૂત્રો પોકારે તે જ દર્શાવે છે કે ભારતના જ કેટલાક નાગરિકોએ ભારત સરકાર સામે બળવો પોકાર્યો છે. માઓવાદીઓએ ભારતના જ બંધારણ વિરુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો છે. ચીન અને પાકિસ્તાનનું ભારત સાથેનું આ પ્રોક્સી વોર છે. આ બંને પડોશી દેશો ભારતની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દેવા માંગે છે. ભારતમાં એક ખૌફ પેદા કરવા માંગે છે. આવા દરીંદાઓ સાથે ભારત સરકારે અને જે તે રાજ્ય સરકારોએ સખ્ત હાથે કામ લેવાની જરૂર છે. તેઓ સમજદારી કે વિકાસની ભાષા સમજતા નથી. તેમને તેમની ભાષામાં જ જવાબ આપવો પડશે. જરૂર પડે તો ભારતના લશ્કરને પણ તહેનાત કરી આવા નકસલ – માઓવાદીઓની સાફસૂફીનું કામ સોંપવું પડશે. લાગે છે કે માઓવાદીઓનો પ્રશ્ન રાજનૈતિક રીતે ઉકેલાશે નહીં. તેમને શસ્ત્રની ભાષા જ સમજાય તેમ છે.

આ આતંકવાદ નથી.
આ કામ કરવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિની જરૂર છે. છેલ્લા કેટલાયે સમયથી છત્તીસગઢ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં માઓવાદીઓ આપણા પોલીસકર્મીઓ અને જવાનોને મોતને ઘાટ ઉતારતા રહ્યા છે અને આપણે એ નજારો ચૂપચાપ જોતા આવ્યા છીએ. એટલું જ નહીં પણ આવી ઘટનાઓ બાદ દેશના નેતાઓ એકબીજા પ્રત્યે આરોપો અને પ્રત્યારોપો કરવામાંથી નવરા પડતા નથી એ આ દેશની કમનસીબી છે. એટલું જ વિચારો કે અમેરિકાના કોઈ એક રાજ્યમાં ૧૦૦૦ અમેરિકનોએ અમેરિકાની જ કોઈ એક પાર્ટીના ૩૦ જણને મારી નાંખ્યા હોય તો તે કેવું ઓપરેશન હાથ ધરત?

ભારતની એ કમનસીબી છે કે ભારતના ક્રિકેટજગત પર ડોન દાઉદ રાજ કરે છે અને ભારતના ગરીબ આદિવાસી ઇલાકાઓમાં હવે ચીન અને પાકિસ્તાન રાજ કરે છે. માઓવાદના નામે ભારતીયો પર હુમલાની ઘટનાને રાષ્ટ્રદ્રોહની વ્યાખ્યામાં મૂકવી જોઈએ અને ચીને પાકિસ્તાને આપેલાં શસ્ત્રોથી લડતા માઓવાદીઓની સાફસૂફી કરી દેવી જોઈએ, કારણ કે આ આતંકવાદી ઘટના નહીં પરંતુ ભારતને અસ્થિર કરી દેવાની રાજનૈતિક ઘટના છે. માઓવાદીઓને દેશના દુશ્મનો તરીકે ગણવા જોઈએ. માઓવાદીઓ અને નકસલવાદીઓ પ્રત્યે હમદર્દી ધરાવનારા દંભી માનવ અધિકારીવાદીઓને પણ કિનારે કરી દેવા જોઈએ. કેટલાક પબ્લિસિટી ભૂખ્યા માનવ અધિકારવાદીઓ એક નકસલવાદી મરે છે તો બૂમરાણ મચાવી દે છે પણ સેંકડો નાગરિકો, પોલીસકર્મીઓ કે જવાનો મરે છે તો ચૂપ રહે છે .

ખનીજ સંપત્તિ પર નજર
સવાલ એ પણ છે કે છત્તીસગઢ અને ઝારખંડ જેવાં નવાં રાજ્યો શું માઓવાદીઓનો પગદંડો જમાવવા માટે રચવામાં આવ્યાં હતાં? શું માઓવાદીઓ બંદૂકની નાળથી લોકોને ડરાવતા રહે તે માટે આ રાજ્યો અલગ કરવામાં આવ્યાં હતાં? આ માઓવાદીઓએ ૧૯૯૦ના ગાળામાં પશ્ચિમ બંગાળના પુરુલિયા વિસ્તારમાં વિમાનમાંથી વિદેશી હથિયારો નીચે ફેંક્યાં હતાં તે ઘટનાનું રહસ્ય આજ સુધી ખૂલવા પામ્યું નથી. સરકારે એ વાત સમજી લેવાની જરૂર છે કે છત્તીસગઢ અને ઝારખંડની ભૂમિમાં અઢળક ખનીજ સંપત્તિ છે. અને તેની પર કેટલાકની નજર છે. જ્યાં આવી અપાર ખનીજ સંપદા છે ત્યાં જ માઓવાદીઓ બંદૂકની અણીએ ખૌફ પેદા કરે છે. અસલી રહસ્ય આ છે , માઓવાદીઓના માસ્ટર માઈન્ડ ગણપતિ અને ગગન્ના જેવા લોકોનો અસલી મકસદ આ ખનીજ સંપત્તિ લૂંટવાનો છે. તેઓ જો ગરીબ જ હોત તો તેમની પાસે એ.કે. ૫૬, આધુનિક શસ્ત્રો, લેપટોપ અને હિમાલિયન બ્રાન્ડની મિનરલ વોટરની બોટલ્સ ક્યાંથી આવી? ખરેખર તો ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા વિસ્તારોના આદિવાસી યુવકોને ભારતની જ સેનામાં દાખલ કરી દઇ તેમને માઓવાદીઓની સામે મૂકી દેવા જોઈએ. ઝેરનું ઓસડ ઝેર જ.

www.devendrapatel.in

મારા પતિનો ૩૧ વર્ષ સુધી ઈન્તજાર કર્યો છે

”હા, હું ભારત માટે જાસૂસી કરતો હતો” ભારતીય જાસૂસ સુરજીતસિંહની કબૂલાત

તા.૩૧ ડિસેમ્બર, ૧૯૮૧નો દિવસ. એ દિવસે સખત ઠંડી હતી. એક યુવાન સાવ એકલો ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાનમાં ઘૂસી ભારત માટે જાસૂસી કરવા એક પાકિસ્તાનીને રિક્રુટ કરવા માંગતો હતો. ૪૩ વર્ષના ભારતીય યુવાન સુરજિતે જે પાકિસ્તાની માણસને બોર્ડર પર બોલાવ્યો તેને ભારતીય લશ્કરના જ જવાનોએ પકડી માર માર્યો. તેને પાછો મોકલી દેવામાં આવ્યો. બીજી બાજુ સુરજિતને પણ ભારતીય સરહદ ઓળંગવા દેવામાં આવી નહીં. સુરજિત ભારતીય જાસૂસ હતો તે વાત ભારતીય લશ્કર જાણતું નહોતું.

મારા પતિનો ૩૧ વર્ષ સુધી ઈન્તજાર કર્યો છે

જે પાકિસ્તાનીને ભારતીય લશ્કરે માર માર્યો હતો તે હવે બદલો લેવા માંગતો હતો. બીજા દિવસે સરહદ પર પણ બીજા જ સ્થળે તેની સુરજીતસિંહ સાથે મુલાકાત થઈ. પાકિસ્તાનીએ સુરજિતસિંહને તેના ઘેર આવવા આમંત્રણ આપ્યું. સુરજિતસિંહ સરહદ ઓળંગીને પાકિસ્તાનીના ઘેર ગયો. થોડી જ વારમાં પાકિસ્તાનના સૈનિકો આવી ગયા અને સુરજિતસિંહને પકડી લીધો. જે પાકિસ્તાનીને માર પડયો હતો તેણે જ આ કામ કર્યું હતું.

સરબજીતના બદલે પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલા સુરજિતસિંહે જાતે ભારત આવ્યા પછી આ કબૂલાત કરી છે. ભારત માટે જાસૂસી કરવાના આરોપસર તે પાકિસ્તાનની કોટ લખપત જેલ લાહોરમાં ૩૧ વર્ષની સજા ભોગવી ગઈ તા. ૨૮ જૂન ૨૦૧૨ના રોજ ભારત પાછો ફર્યો.

પકડાઈ ગયા બાદ સુરજિતસિંહને લાહોર ખાતે આવેલા પાકિસ્તાનના લશ્કરી હેડક્વાર્ટર પર લઈ જવામાં આવ્યો હતો. સાડા ચાર વર્ષ સુધી તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન તેને એક અંધારી કાળ કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો હતો. સુરજિતસિંહને રોજ થર્ડ ડિગ્રીનો માર મારવામાં આવતો હતો. સુરજિતસિંહ કહે છેઃ ”હું પકડાઈ ગયો તે પછીના પાંચ વર્ષ મારી જિંદગીના અત્યંત ખરાબ વર્ષ હતા. મેં નર્કની યાતના જ ભોગવી છે. મને પેશાબ થઈ જાય ત્યાં સુધી મને મારવામાં આવતો હતો. હું બેભાન થઈ જતો હતો. મારા પ્રાઈવેટ પાર્ટસની અંદર મરચાં ભરી દેવામાં આવતાં હતાં. હું મૃત્યુ માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો. પાકિસ્તાનના આર્મી એક્ટ મુજબ ૧૯૮૫માં મને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો અને મને લાહોરની કોટ લખપત જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સજા સાંભળી હું ખુશ થયો હતો, કારણ કે હવે થર્ડ ડિગ્રીના જુલમનો અંત આવશે તેમ હું માનતો હતો.”

સુરજિતસિંહ કહે છેઃ ”પહેલાં તો હું મોત ઈચ્છતો હતો પરંતુ મને મારી પત્ની અને ચાર બાળકોનો ખ્યાલ આવતાં મેં દયાની અરજી કરી. ૧૯૮૯માં એ વખતના પ્રેસિડેન્ટ ગુલામ ઈશાકખાને મારી અરજી પર વિચારણા કરી મારી મોતની સજાને આજીવન કારાવાસની સજામાં બદલી નાંખી હતી.”

સુરજિતસિંહ તેના પંજાબના ફિરોજપુર વિસ્તારના ફિદાએ ગામના ઘરની બહાર પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી તેની આપવીતી કહેવા બચી ગયો છે. સુરજિતસિંહનો જન્મ પંજાબના આ નાનકડા ગામના એક સામાન્ય પરિવારમાં ૧૯૩૬ની સાલમાં થયો હતો. તે નાનો હતો ત્યારથી જ દેશની સેવા કરવા માંગતો હતો. નવમું ધોરણ ભણી રહ્યા બાદ તે પંજાબની આર્મ્ડ પોલીસમાં જોડાયો હતો. અહીં તેણે ભણવાનું ચાલુ રાખી મેટ્રિક કરી લીધું હતું. તે પછી તેને બિહાર (હાલ ઝારખંડ)ના હઝારીબાગ ખાતે પોસ્ટિંગ મળ્યું હતું. ૧૯૬૭માં પંજાબ આર્મ્ડ પોલીસનું નામ બદલીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેને ઘર યાદ આવ્યું છતાં નોકરી છોડીને ઘેર આવી ખેતી કરવા લાગ્યો હતો.

”એ દિવસોમાં લશ્કરના અધિકારીઓ સરહદ નજીકના ગામોમાં આવી સ્થાનિક રહીશોને ભારત માટે જાસૂસી કરવાનું કહેતા હતા. મને પણ એક લશ્કરી અધિકારી દ્વારા તેમના માટે કામ કરવાનું કહેવામાં આવ્યું અને મેં હા પાડી. બદલામાં મને પૈસા મળવાના હતા. માટે જાસૂસીનું કામ કરવાનું છે તે વિષે હું સભાન નહોતો.”: સુરજિતસિંહના ઉપરોક્ત બ્યાન બાદ ભારત સરકારે સુરજિતસિંહ એ ભારત સરકારનો જાસૂસ હોવાની વાતને નકારી કાઢી છે કે, ગૃહસચિવે સ્પષ્ટતા કરી છે કે સુરજિતસિંહ ભારત સરકારનો જાસૂસ હતો તેવું રેકોર્ડ પર ક્યાંય નથી. પરંતુ સુરજિતસિંહ પોતાના બ્યાન પર કાયમ છે. બની શકે કે તે લશ્કરના કર્મચારી તરીકે નોકરી પર ન હોતો પરંતુ ભારતીય લશ્કરની ગુપ્તચર શાખાના એક અધિકારીઓએ તેને જે કામ સોંપ્યું હતું તે શાયદ જાસૂસ પ્રકારનું જ હતું.

સુરજિતસિંહ કહે છેઃ ”પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ મારી પાસે એવી કબૂલાત કરાવવા માંગતા હતા કે, હું ‘રો’નો એજન્ટ છું. હું એ લોકોના યાતનાભર્યા જુલ્મથી બચવા એ લોકો જેમ કહે તેમ હા પાડતો હતો. અલબત્ત, એ વાત સાચી છે કે હું પાકિસ્તાનમાં ઘુસી પાકિસ્તાનના લશ્કરના હેડક્વાર્ટરના ત્રણ કલાર્કને ફોડી નાંખી કેટલાંક દસ્તાવેજો હું હાંસલ કરવા માંગતો હતો. તે પછી હું રાતના સમયે સતલજ નદી ક્રોસ કરી ભારત પાછો ભાગી જવા માંગતો હતો.”

તે કહે છે : ”તે પછી હું વારંવાર પાકિસ્તાન જતો હતો. ડિસેમ્બર ૧૯૮૧માં મારી ધરપકડ થઈ તે પહેલાં હું ૮૫ વખત પાકિસ્તાનમાં ટ્રીપ મારી આવ્યો હતો. મને એક ટ્રીપના ૧૯૮૦ સુધી રૂ. ૭૫૦૦ મળતા હતા. તેમાંથી રૂ.૬૦૦૦ હું પાકિસ્તાની કલાર્કસને આપતો હતો. બાકીની રકમ હું મારી પાસે રાખતો હતો.”

સુરજિતસિંહને આ ટ્રીપની રકમ ઉપરાંત તેના પરિવારને દર ત્રણ મહિને રૂ.૩૦૦ મળતા હતા. એ પછી સુરજિતસિંહે તેના ગામમાં પાકુ મકાન બનાવ્યું હતું, જ્યારે બીજાં મકાનો માટીથી બનેલાં હતાં. પરંતુ ડિસેમ્બર, ૧૯૮૧માં સુરજિતસિંહ પકડાઈ ગયો તે પછી બધું બદલાઈ ગયું. એક દિવસે તે પાકિસ્તાનની ભીતર ગયો અને પાછો ના આવ્યો. તેના પરિવારને લાગ્યું કે સુરજિતસિંહનું મૃત્યુ નીપજ્યું હોવું જોઈએ. સુરજિતસિંહના પત્નીનું નામ હરબન્સ કૌર છે. પતિના ગૂમ થઈ ગયા બાદ પૂરા ૨૩ વર્ષ સુધી તેના પરિવારને અગાઉ મળતી રકમ મળ્યા કરતી. હરબન્સ કૌર તેના ચારેય બાળકોને ઉછેરતાં રહ્યાં. હરબન્સ કૌર કહે છેઃ ”મારા પતિએ તે દિવસે જતાં પહેલાં કહ્યું હતું કે, હું થોડા દિવસોમાં પાછો ફરીશ. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, પણ તેઓ પાછા ના આવ્યા. હું બારીમાં બેસી તેઓ હમણાં આવશે તેવી આશ સાથે રાહ જોતી રહી. તેઓ જીવે છે કે મૃત્યુ પામ્યા છે તેની પણ મને ખબર નહોતી. મારા પતિની ગેરહાજરીમાં મેં મારા સંતાનોને ઉછેરવા માટે બધા જ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.”

આજે ૭૦ વર્ષની વયે પહોંચેલા હરબન્સ કૌર કહે છેઃ ”બાળકોને સારી રીતે ભણાવવા મારી પાસે પૂરતા પૈસા નહોતા. બાળકોને સ્કૂલ છોડી દેવી પડતી. સમય વહેતો રહ્યો. પરંતુ ૨૦૦૪માં બધું બદલાઈ ગયું. મારા પતિના ગૂમ થયાના ૨૩ વર્ષ બાદ એક દિવસ મારા પતિનો પત્ર આવ્યો ત્યારે જ અમને ખબર પડી કે, મારાં સંતાનોના પિતા જીવે છે અને પાકિસ્તાનની લાહોર જેલમાં છે. આ પત્ર પણ લાહોરની જેલમાં સજા ભોગવી રહેલા પણ રજા પર આવેલા સુરજિતસિંહના ગુરમેશ નામના એક સાથી દ્વારા આવ્યો હતો. મેં પણ પત્ર લખી ગુરમેશને વિનંતી કરી કે, તમે આ પત્ર પાછા જાવ ત્યારે મારા પતિને આપજો.”

સુરજિતસિંહ જીવે છે એ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. ગામ આખું તેના ઘર પાસે એકત્ર થઈ ગયું. સુરજિતનાં પત્નીની આંખમાં આંસુ હતા. હરબન્સ કૌર કહી રહ્યા હતાઃ ”હવે મને આશા છે કે એક દિવસ હું મારા પતિનું મોં જોવા સહભાગી બનીશ.”

૩૧ વર્ષના લાંબા ઈન્તજારનો અંત એટલો ઝડપી નહોતો. આ સમય દરમિયાન સરબજિતસિંહ નામનો એક ભારતીય કેદી પણ લાહોરમાં બોમ્બ વિસ્ફોટના આરોપસર લાહોરની એજ જેલમાં હતો. સરબતજિતના પરિવારની દલીલ છે કે, તે નશાની હાલતમાં સરહદ પાસે ગયો હતો. હકીકતમાં લાહોરના બોમ્બ ધડાકા સાથે તેને કોઈ સંબંધ નહોતો. તા.૨૬ જૂન,૨૦૧૨ના રોજ પાકિસ્તાનના પ્રેસિડેન્ટ આસીફ અલી ઝરદારીએ જાહેરાત કરી કે, ”સરબતજિંતસિંહને છોડી મૂકવામાં આવશે.” અલબત્ત, પાકિસ્તાનના મીડિયામાં ઊહાપોહ થતાં તેના થોડા જ કલાકમાં એ જાહેરાત વિશે યુ-ટર્ન લેતાં પાકિસ્તાને જાહેર કર્યું કે પાકિસ્તાનના પ્રેસિડેન્ટે સરબતજિતસિંહને નહીં પણ સુરજિતસિંહ નામના બીજા કેદીને છોડવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને ફેરવી તોળતાં સરબતજિતના ઘેર જે આનંદ હતો તે નિરાશામાં ફેરવાઈ ગયો અને સુરજિતસિંહના ઘેર ખુશીની લહેર છવાઈ ગઈ.અત્રે એ નોંધવું જરૂરી છે કે તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાં કેદીઓએ સરબજિતસિંહને બેફામ માર માર્યો હતો અને સરબજિતસિંહનું પાકિસ્તાનની હોસ્પિટલમાં જ મૃત્યુ નીપજ્યું હતું. પણ આ કથા પાકિસ્તાનની જેલમાંથી છુટીને આવેલા સુરજિતસિંહની છે. સુરજિતસિંહ તો છુટીને ઘેર પાછો આવી ગયો પરંતુ તે ઘેર આવ્યો ત્યારે ખબર પડી કે ૨૪ વર્ષની વયે તેના મોટા પુત્ર સહિત, તે તેના પિતા, મોટાભાઈ, ત્રણ નાનાભાઈઓ, બે નાની બહેનો સહિત તેના પરિવારનાં કુલ આઠ વ્યક્તિ મૃત્યુ પામી ચૂક્યા છે. ગામમાં તેના મિત્રો પણ મૃત્યુ પામ્યા છે. ગામ પણ બદલાઈ ગયું છે. કશું જ ઓળખાય એવું રહ્યું નથી. હા, એક વાતનો તેને સંતોષ છે તે તેના ત્રણ પૌત્રોનો દાદા બની ગયો છે, પણ એના ઘરની આર્િથક પરિસ્થિતિ સારી નથી. બાળકોને ઉછેરવામાં બધું જ ખર્ચાઈ ગયું છે. જમીનનો મોટો હિસ્સો વેચાઈ ગયો છે. બાકીની જમીન ગીરો છે. પરિવાર પર રૂ.૩૦ લાખનું દેવું છે. અગાઉ બનેલું પાકું મકાન વેચીને હરબન્સ કૌર હવે બારણા વગરના મકાનમાં રહે છે.

આવી છે એક દેશભક્ત જાસૂસના જીવનની કથા.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén