ભયંકર પૂર, કાતિલ ઠંડી, ધગધગતી ગરમી અતિવૃષ્ટિ ને ભીષણ દુષ્કાળ માટે તૈયાર રહો

ભાઈ ગુરુદાસજી નામના એક હિન્દી ભાષી કવિની સુંદર રચના છે,જેમાં તેમણે આ ધરતી કોનાથી પીડિત છે તે વાતનું વર્ણન કર્યું છે. આ કાવ્ય રચનામાં ધરતી સ્વયં પોકારે છે : ”હું એ પર્વતોના ભારથી પીડિત નથી. હું મારી ગોદમાં બિછાવેલી વનસ્પતિ, વૃક્ષો, છોડ કે જીવ-જંતુઓના ભારથી પણ પીડિત નથી, હું નદી- નાળાં, સમુદ્રોના ભારથી પણ દુઃખી નથી, પરંતુ મારી પર બોજ છે તો એમનો છે જે મારી સાથે છળકપટ કરે છે, વિશ્વાસઘાત કરે છે અને જે કુદરતની ફિજાઓમાં શ્વાસ લે છે અને તેનો જ દ્રોહ કરે છે.”

૨૦૫૦ પહેલાં ભયંકર પ્રલય માટે તૈયાર રહો

ધરતીની આ વેદના સાવ સાચી છે. કેદારનાથ પર આવેલી આપદામાં હજારો માણસોએ જાન ગુમાવ્યા. કોઈએ પતિ ગુમાવ્યો કોઈએ પત્ની, કોઈએ માતા-પિતા તો કોઈએ સંતાનો. ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતાં કુદરતી આફતનાં દૃશ્યો ખૌફનાક હતાં. સ્વજનોને ગુમાવી બેઠેલાં લોકોની વેદનાનાં દૃશ્યો હૃદયને હચમચાવી દે તેવા હતાં. પણ એ બધામાં સહુથી ખરાબ વાત એ હતી કે  દેશના ખૂણેખૂણેથી આપેલા યાત્રાળુઓ એક ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે ઉત્તરાખંડમાં લૂંટફાટનો નગ્ન નાચ પણ ચાલ્યો. કેટલાંક લોકોએ મૃતદેહો પરથી દાગીના ઉતારી લીધા. આભૂષણો લૂંટવા શબોના હાથ અને ગળા કાપ્યાં. લાશોને ફંફોળી ફંફોળીને તેમની નીચે દટાયેલા પર્સ અને મોબાઈલ લૂંટયા. એટલું જ નહીં પરંતુ ભગવાન શિવના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી પણ લોકો લૂંટી ગયા. લુટારાઓએ બેંકોના એટીએમ પણ લૂંટયા. ચાર ચાર દિવસથી ભૂખ્યાં લોકો અને બાળકો ભૂખથી મરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ ચાવલની એક થાળીના રૂ.૫૦૦ અને એક રોટલીના રૂ.૧૮૦ પડાવ્યા. એથીયે વધુ તો પરાકાષ્ટા એ હતી કે, એકલી પડી ગયેલી સ્ત્રીઓ પર બળાત્કાર પણ થયા. શું આ છે ભારતીય સંસ્કૃતિની વિરાસત ? તમામ પક્ષોના નેતાઓ ૨૦૧૪ની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખી માનવ લાશો પર પોતાની રાજકીય ખીચડી પકવતા રહ્યા અને બીજી બાજુ સેંકડો માણસો માત્ર ભૂખ અને બીમારીથી પણ મૃત્યુ પામ્યા. ક્યાં ગઈ માનવતા ? ક્યાં ગયા કથાકારોના ઉપદેશ ? ક્યાં ગયો ભગવાન શ્રી રામનો આદર્શ ? કયાં ગયું ભગવાન શ્રીકૃષ્ણનું ગીતા જ્ઞાન ? ક્યાં ગયો ઈસુનો દયાનો ઉપદેશ ?ક્યાં ગયો ભગવાન બુદ્ધનો અને મહાવીરનો પ્રેમ અને અહિંસાનો ઉપદેશ ? કેદારનાથ પર પ્રકૃતિના ખૌફના દૃશ્યો કરતાં માનવીએ ખેલેલા ભ્રષ્ટ અને બેઈમાનીનાં કરતૂતોના દૃશ્ય વધુ બિહામણાં હતાં.

નદીઓનો લય તોડયો

ભારતમાં નદીઓને લોકમાતા કહે છે. વૈદિક સભ્યતા અને સંસ્કૃતિનો મૂળ આધાર નદીઓ છે. ગંગા, જમુના, નર્મદા, સરસ્વતી કે કાવેરી જેવી નદીઓમાં સ્નાન કરવું તે પણ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. ઋગ્વેદમાં ઋષિઓ કહે છે : ”દેવતા રક્ષા કરે, પૂર્વજો રક્ષા કરે, જળ ભરેલી પ્રવાહમાન નદીઓ પણ અમારી રક્ષા કરે.” એમ પણ કહેવાય છે કે, ”નદીના લયમાં રાષ્ટ્રનો લય છે, એમ ના થાય તો પ્રલય.” જો કાંઈ ઉત્તરાખંડમાં થયું તે નદીઓના પ્રવાહને ઠેર ઠેર રોકવાથી જ થયું. નદીઓનાં પ્રવાહને અનેક સ્થળે રોકી તેના લયબદ્ધ પ્રવાહને તીતરભીતર કરી નાંખ્યો. આજકાલ ઉત્તરાખંડમાં ૨૨૦થી વધુ વિદ્યુત પરિયોજનાઓ ચાલી રહી છે. બીજી ૬૦૦ વિદ્યુત પરિયોજનાઓ પ્રસ્તાવિત છે. ટિહરી જેવા બંધ બનાવવા માટે પર્વતોને કોતરવા રાક્ષસી યંત્રો કામે લગાડવામાં આવેલાં છે. આ યંત્રો પર્વતોની ભીતર વિશાળ સુરંગો પણ બનાવેલ છે. એ માટે પૃથ્વીની અંદર મોટી સંખ્યામાં વિસ્ફોટ પણ કરવામાં આવે છે. ઠેર ઠેર ડાયનેમાઈટથી ધરતીની છાતી ચીરવામાં આવી રહી છે. ગંગા, યમુના, અલકનંદા, ભાગીરથી, મંદાકિની, પિંડર, ધાંગલી, કાલી, ગોરી ગંગા, રામગંગા અને વિષ્ણુગંગાના તટવર્તી વિસ્તારોમાં સહુથી વધુ વિસ્ફોટો કરવામાં આવ્યા છે. આ તમામ નદીઓના કુદરતી પ્રવાહને આંતરવામાં આવ્યા છે. પરિણામે અતિ ભારે વર્ષાથી વરસેલા પાણીએ પોતાનો બીજો માર્ગ શોધી લીધો અને ઉત્તરાખંડને તબાહ કરી દીધું.

ટિહરી ડેમ- વિનાશક ?

નિષ્ણાતોના મતે આ બનવાનું જ હતું. આ કામ આજકાલનું નથી. પ્રકૃતિને અવરોધવાનું કામ ૧૯૬૦થી શરૂ થયેલું છે. કોઈ પણ રાજનીતિજ્ઞો વિકાસની આંધળી દોટમાં પર્યાવરણ નિષ્ણાતોની, વિજ્ઞાનીઓની કે ધાર્મિક નેતાઓની સલાહ સાંભળી જ નહીં. ટિહરી ડેમ પાછળ આજ સુધીમાં રૂ.૧૦,૦૦૦ કરોડ ખર્ચાઈ ચુક્યા છે. બીજા ૨૪૪ હાઈડલ પ્રોજેક્ટ બાંધવાનું આયોજન થઈ ચૂક્યું છે. પંચેશ્વર ડેમ તો ટિહરી ડેમ કરતાં મોટો હશે. ઘણા ઓછા લોકોને ખબર છે કે કેટલાક ડેમ ખેડૂતોને ઓછો લાભ આપે છે અને પાવર લોબીના માધાંતાઓને વધુ શ્રીમંત બનાવે છે. ટિહરી હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કહ્યું કે ”ડેમમાં આવેલું ૨.૫ લાખ ક્યુસેક પાણી અમે ડેમમાં જ સગ્રંહિત કરી રાખ્યું હતું. અમે માત્ર ૧૭.૬ હજાર ક્યુસેક પાણી જ છોડયું હતું.” એનો અર્થ એ કે જો ટિહરી ડેમનું એ બધું જ પાણી ડેમને બચાવવા છોડવામાં આવ્યું હોત તો ઋષિકેશ અને હરદ્વાર જેવાં આખાને આખા નગરો જ એ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાત, અને મૃત્યુ આંક લાખોમાં હોત. બીજી ગંભીર વાત એ છે કે જે સ્થળે ટિહરી ડેમ બન્યો છે તે વિસ્તારની ભૂમિ- જમીન એટલી મજબૂત નથી કે આટલું બધું પાણી તેની છાતી પર સંઘરી શકે. આ કારણથી ટિહરી ડેમમાંથી થોડા દિવસો બાદ પાણીનો વિશાળ જથ્થો છોડવો જ પડશે. તે નવેસરથી ભયંકર પૂર લાવી શકે છે. જો એમ ના કરવામાં આવે તો ડેમ આખો તૂટી જાય. ટૂંકમાં બીજી ભયંકર આફત માથા પર ઝળૂંબે છે. અત્યારે જ ઉત્તરાખંડને જે નુકસાન થયું છે તેના કારણે રાજ્યના રોડ રસ્તા અને બીજા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવા રૂ.૨૧૦૦૦ કરોડ જોઈશે. રાજ્યના ૧૦૦૦ કિલોમીટર રસ્તા અને ૩૦૦ જેટલા પુલ ધોવાઈ ગયા છે. હજારો ખાનગી અને સરકારી મકાનો ધ્વસ્ત થઈ ગયાં છે. સૌથી મોટી કરુણતા તો એ છે કે યાતના ભોગવતા માણસોને બચાવવા પ્રયાસ થયો પણ હજારો નિર્દોષ પશુઓ આ જળપ્રવાહમાં ખેંચાઈ ગયાં. જે બચ્યાં છે તેમને જીવાડવાની કોઈને ચિંતા નથી. મૂંગાં અને અબોલ પશુઓ તો તેમની વેદના વ્યક્ત કરવા પણ સમર્થ નથી. છેલ્લાં ૧૨ વર્ષ દરમિયાન પોલિટિકલ લોબી અને કોન્ટ્રાક્ટર લોબીએ માત્ર પૈસા માટે જ પ્રકૃતિ સાથે જે છેડછાડ કરી તેનાં પરિણામો આજે ભોગવી રહ્યા છીએ. 

આફતોની ચેતવણી

ગ્લોબલ વોર્મિગના કારણે વિશ્વનું હવામાન બદલાઈ રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ થાય છે, ક્યાંક ભયંકર દુષ્કાળ પડે છે, ક્યાંક કલ્પનાતીત બરફ વર્ષા થાય છે, તો ક્યાંક ભયંકર ગરમી પડે છે. વૃક્ષોનું છેદન અને પીગળતી હિમશીલાઓ ૨૦૫૦ સુધીમાં કેદારનાથ કરતાં પણ ભયંકર પ્રલય લાવશે એવી નિષ્ણાતોની આ આગાહી માત્ર ભારત માટે નહીં આખા વિશ્વ માટે છે. કુદરતની આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. વિશ્વભરની વૈજ્ઞાનિક સંસ્થાઓએ પોતાના લેટેસ્ટ અહેવાલો દ્વારા વિશ્વને કુદરતના બદલતા મિજાજ અંગે ફરી ચેતવણી આપી છે. આઈપીસીસીના અહેવાલ અનુસાર એવી ચેતવણી આપવામાં આવી છે કે, ૨૦૫૦ સુધી નિયમીત રૂપે હવામાનમાં જબરદસ્ત ફેરફારો થશે અને જલપ્રલયથી માંડીને ભયંકર ઠંડી અને ભયંકર દુષ્કાળથી માંડીને ભયંકર ગરમીના પ્રકોપની ઘટનાઓ ઘટી શકે છે. એ જ રીતે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાના કેટલાંક દેશોમાં પાણીની જબરદસ્ત તંગી અને ભયંકર જળપ્રલય પણ થઈ શકે છે. મોનસૂન ચક્ર અનિયમિત બની જશે. હિમાલયનો બરફ પીગળી જતાં તેમાંથી નીકળતી નદીઓ સુકાવા માંડશે. કોલકત્તા, અને મુંબઈ જેવાં શહેરો સહિત બંગલાદેશના કેટલાંક વિસ્તારોમાં જળસ્તર વધવાથી માંડીને ચક્રવાત, પૂર આવશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ, માઉન્ટેન ડેવલર્પમેન્ટ મે ૨૦૧૩ના સમયે જ ચેતવણી આપી હતી કે હિમાલયની ગ્લેસિયર્સ પીગળવાથી તબાહી મચી શકે છે. ભયંકર પૂર પણ આવી શકે છે. હિમાલયના હિન્દકુશ ક્ષેત્રમાં ગ્લેસિયર્સ ઝડપથી પીગળી રહ્યાં છે. અફઘાનિસ્તાનથી બર્મા સુધીમાં ૨૦ હજાર ગ્લેસિમર સરોવરો છે. આ સરોવરો ઓગળવા માંડે તો થોડી જ મિનિટોમાં લાખો ક્યૂબીક મીટર પાણી છોડી શકે છે. એમ થાય તો મોટાં મોટાં નગરો પાણીનાં ઊંચાં મોજાંઓમા ગરકાવ થઈ જશે.એ જળપ્રલયથી કોઈ બચશે નહીં. વિકાસની આવી આંધળી દોટ વિનાશ જ લાવશે.