Devendra Patel

Journalist and Author

Author: Devendra Patel (Page 15 of 43)

ભાજપા તેના સાથી પક્ષોને કદ પ્રમાણે વેતરી રહ્યો છે

રાજનીતિ ક્રૂર છે. રાજનીતિમાં સંબંધો, લાગણીવેડા, પૂર્વનાં સમીકરણો એ કાંઈ ચાલતું નથી. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમન બાદ દેશની રાજનીતિ અને સમીકરણો એ બધું જ બદલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેનાના ૨૫ વર્ષના સંબંધો ખરાબે ચડયા છે. શિવસેના સાથેના સંબંધોનો અંત એ ભારતીય જનતા પાર્ટીની લાંબા ગાળાની યોજનાનો જ એક ભાગ છે. અત્યારે ટૂંકાગાળા માટે એ સંબંધો પૂર્વવત્ બને કે તૂટે, પરંતુ ભાજપાની રાજનીતિ એ છે કે, દેશમાં ફરી એક વાર એક નાના તમામ પક્ષોને ગ્રહણની પાછળ અદૃશ્ય કરીને ભાજપાએ એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊપસવું. મહારાષ્ટ્ર અને હરિયાણા- આ બંને રાજ્યોની ચૂંટણીઓ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિમાંથી ગઠબંધનની જરૂરિયાતોનો અંત લાવવા ભાર મૂક્યો હતો.

સોદાબાજી શક્ય નથી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ દેશમાં જે રાજકીય શૂન્યાવકાશ પેદા થયો છે તેમાં પદાર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના પ્રમુખ અમિત શાહ ઝડપભેર કામગીરી કરી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે ભાજપા તાત્કાલિક તેના સાથી પક્ષોને ફગાવી નહીં દે, પરંતુ મોદી સરકારના અસ્તિત્વ માટે કોઈ ખાસ મહત્ત્વ ન ધરાવતા તેના સાથી પક્ષો આજે ભાજપા સાથે કોઈ શરતો લાદી શકે અને સત્તામાં ભાગીદારી માટે કોઈ સોદાબાજી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની હાલત ખરાબ છે. ઉદ્ધવ ઠાકરે ભાજપાની સરકારમાં જોડાવા તત્પર છે, પરંતુ ભાજપા જ તેનાથી અંતર રાખે છે. શિવસેનાની આટલી દયામણી હાલત અગાઉ કદી નહોતી.

નવી વ્યૂહરચના

એક સમય હતો જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષો માટે અસ્પૃશ્ય હતી. અટલ બિહારી વાજપેયીના ઉદય બાદ તેમના ઉદારમતવાદી ચહેરાના કારણે ‘૯૦ પછીનાં વર્ષોમાં કેટલાક પક્ષો તેમના સાથી બન્યા અને ૧૯૯૮માં ૨૪ જેટલા ભાગીદાર પક્ષોની બનેલી ભાજપાના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની. રસપ્રદ વાત એ પણ છે કે, આજની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર પણ ૨૯ જેટલા પક્ષોની બની. તેમાંથી બે પક્ષો સાથ છોડી ગયા છે. ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં આ સાથીદારોની ખોજ કરવામાં આવી હતી, કારણ કે ભાજપાને પોતાને જ ખાતરી નહોતી કે તેને સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપાએ હવે નવી વ્યૂહરચના અપનાવી છે. બીજી પાર્ટીઓ સાથે નવાં જોડાણો કરવાના બદલે બીજા પક્ષોના ચાવીરૂપ નેતાઓની જ આયાત કરવા માંડી છે. દા.ત. કોંગ્રેસના બીરેન્દ્ર સિંહ અને રાવ ઇન્દ્રજીત સિંહ, રાષ્ટ્રીય જનતા દળના રામક્રીપાલ યાદવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહ અને નેશનલ કોન્ફરન્સના અજાતશત્રુ આનાં ઉદાહરણો છે.

ભાજપાનું ગેમ્બલિંગ

રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય સાથે જ બધું બદલાવા માંડયું છે. મોદીના નામની જાહેરાત સાથે જ નીતિશકુમારની જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપા સાથે છેડો ફાડયો તે પહેલો સંકેત હતો. અલબત્ત, ભાજપા માટે આ મોટો જુગાર હતો. તેને મોટો ફાયદો બિહારમાં જ થયો અને નીતિશકુમારની પાર્ટીને મોટી પછડાટ મળી. પરિસ્થિતિ એવી પેદા થઈ કે નીતિશકુમારે તેના જબરદસ્ત વિરોધી એવા લાલુ પ્રસાદ યાદવ સાથે દોસ્તી કરવા જવું પડયું. દિલ્હીમાં મોદી સરકારની રચના બાદ નાના સાથી પક્ષોને હડસેલી મૂકવા માટે ભાજપાનો આત્મવિશ્વાસ વધ્યો અને મહારાષ્ટ્ર તથા હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની રણનીતિ અપનાવી. જેનો તેને ફાયદો પણ થયો. આ બંને રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી શકાય તેવો એક પણ કેરિશ્મેટિક ચહેરો ના હોવા છતાં ભાજપા નરેન્દ્ર મોદીના સહારે તરી ગઈ અને એ બંને રાજ્યોમાં સરકાર પણ રચી દીધી. હરિયાણામાં ભાજપાએ કુલદીપ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે છેડો ફાડયો. નોંધપાત્ર વાત એ છે લોકસભામાં આ બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી કુલ ૧૦માંથી ૭ બેઠકો કબજે કરી હતી છતાં ભાજપાએ હરિયાણા જનહિત કોંગ્રેસને અલગ કરી એકલા હાથે ચૂંટણી લડી. આ જુગાર પણ સફળ થયો. ભાજપાને હરિયાણામાં જબરદસ્ત સફળતા મળી. મહારાષ્ટ્રમાં પણ લોકસભાની ચૂંટણી વખતે ભાજપા-શિવસેનાની યુતિએ કુલ ૪૮માંથી ૪૨ બેઠકો કબજે કરી હતી. એ જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપાએ તેના વર્ષો જૂના સહયોગી શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડવાનો જુગાર ખેલ્યો. ફાયદો ભાજપાને જ થયો. એક મોટા પક્ષ તરીકે ભાજપા ઊપસી. શિવસેનાને બાજુમાં હડસેલી સરકાર પણ રચી દીધી.

દક્ષિણનાં રાજ્યોમાં

દક્ષિણનાં રાજ્યોમાં ભાજપાનો હજુ પ્રભાવ નથી, પણ એણે પોતાનો પગદંડો જમાવવાના પ્રયાસનો આરંભ તો કરી જ દીધો છે. ૨૦૦૮માં ભાજપાએ કર્ણાટકમાં પહેલી જ વાર સરકાર રચી હતી, પણ તે પછીની ચૂંટણીઓમાં ભાજપાનો પરાજય થયો. તે પછી કર્ણાટકમાં ભાજપાએ નાની પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોડાણ કર્યું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૧૨ બેઠકો જીતીને ભાજપાએ તેનો આત્મવિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. તમિળનાડુમાં જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જેલમાં જવું પડયું અને જયલલિતાના પ્રતિસ્પર્ધી એવા એમ. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને કોંગ્રેસ સાથે વાંકુ પડયું છે તેથી ભાજપા હવે કોઈપણ સાથી પક્ષની મદદ વિના તમિળનાડુમાં પગરણ માંડવા તૈયારી કરી રહ્યું છે. તમિળનાડુની નાની પાર્ટીના નેતા વાઈકો અને કેપ્ટન વિજયકાંત કે જેઓ એનડીએના સહયોગી રહ્યા છે તેમને પણ હવે દૂર કરવાની રણનીતિ ભાજપા અપનાવી રહ્યું છે.

દેશને કોઈ એક જ રાષ્ટ્રીય પક્ષ ચલાવે તે જરૂરી છે અને ભાજપા એ યોજનાના ભાગરૂપે નાના સાથી પક્ષોને તેમના કદ પ્રમાણે વેતરી રહ્યું છે, જે ખોટું પણ નથી.

ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષોને સોદાબાજી કરી ન શકે તેવી સ્થિતિમાં લાવી દીધા

સાબ, આપ પાકિસ્તાનસે ભી ચુનાવ જીત સકતે હૈ !

દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા. કમનસીબે તેઓ કેટલાક સમયથી કોઈ પ્રતિક્રિયા આપી શકવા શરીરથી સમર્થ નથી. અલબત્ત, આ નવાજેશથી દેશના કરોડો લોકોને ખુશી થઈ હશે તેમાં કોઈ શંકા નથી.

કારકિર્દીનો આરંભ

સહેજ ફ્લેશબેક જોઈએ. તા. ૮મી મે, ૧૯૫૩ના દિવસની આ વાત છે. દિલ્હીના રેલવે સ્ટેશન પર ૨૮ વર્ષનો એક યુવાન જેણે ધોતી અને કુર્તો પહેર્યો હતો, પોતાની શોલ લપેટીને થોડા સામાન સાથે ટ્રેનના સામાન્ય ડબ્બામાં પ્રવેશ્યો. તે યુવાનની ર્સ્ફૂિત ભાજપાની મૂળ પાર્ટી જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી જોઈ રહ્યા હતા. એ વખતે જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રવેશબંધીના આદેશની વિરુદ્ધ તેઓ એક કાર્યક્રમ આપી રહ્યા હતા. તેઓ રાજ્ય માટે પૂર્ણ એકીકરણની માગણી કરી રહ્યા હતા. એ વખતે ડો. મુખરજીને ખબર પડી કે, ૨૮ વર્ષની વયના ધોતી-કુર્તાવાળા એ યુવાનનું નામ અટલ બિહારી વાજપેયી છે. તા. ૧૦ મે, ૧૯૫૩ના રોજ ડો. મુખરજીને જમ્મુ-કાશ્મીરની બોર્ડર પર ગિરફ્તાર કરી દેવાયા અને તેમને શ્રીનગરની જેલમાં મોકલી દેવામાં આવ્યા. એ પહેલાં ડો. મુખરજીએ તેમના યુવાન સાથીદાર અટલ બિહારી વાજપેયીને દિલ્હી પાછા જવાની સૂચના આપતાં કહ્યું કે, “એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ચલાવી લઈશું નહીં.” તેવા નારા સાથે પાર્ટી વિરોધ કરે.

ડો. મુખરજીનું તો તા. ૨૬ જૂન, ૧૯૫૬ના રોજ શ્રીનગરમાં પોલીસ કસ્ટડીમાં જ સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ નીપજ્યું, પરંતુ યુવાન વાજપેયીએ આખા દેશમાં પોતાના રાજકીય ગુરુનો સંદેશો પોતાની વાક્પટુતા અને મંત્રમુગ્ધ કરી દેનારી વકતૃત્લ શૈલી દ્વારા પ્રસારિત કરવાનું કામ કર્યું.

નહેરુ અને વાજપેયી

એ પછી ૧૯૫૭માં દેશમાં સામાન્ય ચૂંટણીઓ આવી. અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશના બલરામપુર મત વિસ્તારમાંથી લોકસભામાં પ્રવેશ કર્યો. અદ્ભુત સાંસદમાં પ્રવચન શૈલીથી તેમણે તેમના સમકાલીન સાંસદોનાં દિલ જીતી લીધાં. તેમાંથી એક જવાહરલાલ નહેરુ પણ હતા. એ સમયે નહેરુ વડા પ્રધાન હતા અને આખો દેશ નહેરુના કેરિશ્મેટિક વ્યક્તિત્વથી પ્રભાવિત પણ હતો. એ વખતે એક વિદેશી ઉચ્ચ અધિકારીની ભારતની મુલાકાત વખતે નહેરુએ વાજપેયીનો તેમની સાથે પરિચય કરાવતાં કહ્યું : “આ વ્યક્તિ એક દિવસ ભારતનો વડા પ્રધાન બનશે.”

એ સમયે અટલજી વિપક્ષમાં હતા. તા. ૮મી એપ્રિલ, ૧૯૬૪ના રોજ જ્યારે નેશનલ કોન્ફરન્સના એ વખતના નેતા શેખ અબ્દુલ્લાને જ્યારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જવાની પરવાનગી આપવામાં આવી ત્યારે રાજ્યસભામાં જવાહરલાલ નહેરુની સખત આલોચના કરનારા પણ અટલજી જ હતા. પરંતુ તા. ૨૭ મે, ૧૯૬૪ના રોજ જ્યારે જવાહરલાલ નહેરુનું અવસાન નીપજ્યું ત્યારે રાજ્યસભામાં એ જ અટલજીએ દિવંગત નહેરુને ભાવભીની અંજલિ પણ આપી હતી. શાયદ આ કારણથી જ બધાં જ રાજકીય પક્ષોના નેતાઓ અટલજી પ્રત્યે આદર ધરાવતા હતા. વાજપેયીજી ૪૭ વર્ષ સુધી સાંસદ રહ્યા. જે પૈકી ૧૧ વખત લોકસભામાં અને બે વાર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા, પરંતુ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સદૈવ તેમના દિલોદિમાગ પર છવાયેલો રહ્યો.

કવિહૃદય

અટલજી હૃદયથી કવિ હતા. કોઈ પણ પરિસ્થિતિ પર તેઓ પોતાના વિચારો તેમની કવિતાના માધ્યમથી અભિવ્યક્ત કરી શકતા હતા. એમની પ્રવચનશૈલી લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દેનારી હતી. અટલજીને આ વિરાસત તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓ બચપણથી જ તેમના પિતાની સાથે કવિ સંમેલનોમાં જઈ કવિતા પઠન કરતા હતા. તેમના પિતા મધ્યમ વર્ગમાંના સ્કૂલ શિક્ષક હતા. ‘મેરી ઇક્યાવન કવિતાએ’ એ શીર્ષકથી તેમની કવિતાઓનો એક સંગ્રહ કાફી લોકપ્રિય રહ્યો હતો.

૧૯૭૭માં અટલજી જનતા પાર્ટીની સરકાર વખતે ભારતના વિદેશમંત્રી હતા. એ વખતે તેમણે પાકિસ્તાન સહિત ભારતના તમામ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, ભાઈચારો અને કુદરતી સન્માનના સિદ્ધાંત પર સંબંધો વિકસાવવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે તેમણે એક વિધાન કર્યું હતું : “તમે મિત્ર બદલી શકો છો, પરંતુ પડોશી નહીં.” તેમના આ વિધાનને ભારતના વિદેશ મંત્રાલયમાં કહેવતના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન યાત્રા

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા પોખરણના અણુ પરીક્ષણ બાદ તેઓએ ચીનાર-એ-પાકિસ્તાનનો દૌરો કર્યો હતો. એ વખતે લાહોરના ગવર્નર હાઉસથી તેમણે કરેલું જોરદાર ભાષણ પાકિસ્તાનની સામાન્ય જનતાને હૃદયથી સ્પર્શી ગયું હતું. તેનું જીવંત પ્રસારણ પાકિસ્તાન અને ભારત બંને દેશોએ કર્યું હતું. તે પ્રવચનમાં તેમણે પરસ્પર આદાનપ્રદાન, અંદરોઅંદરના વિશ્વાસ પર ગરીબી સામે લડવા મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને ભારતીય ઉપખંડમાં આતંકવાદ તથા ડ્રગ્સ માફિયા સામે લડવા આહ્વાન કર્યું હતું. વાજપેયીના આ ભાવનાત્મક ભાષણ બાદ પાક. વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું : “વાજપેયી સાહબ, અબ તો આપ પાકિસ્તાન મેં ભી ચુનાવ જીત શકતે હૈં.”

સહી આદમી લેકિન

આમ અટલ બિહારી વાજપેયી એક સરળ અને સહૃદયી ઈન્સાન તરીકે મીડિયામાં પણ જાણીતા રહ્યા. કેટલીક વાર કેટલાક કટાર લેખકે તેમની ઘણી આલોચના પણ કરતા અને વાજપેયીજી તેમની જ ભાષામાં સસ્મિત જવાબ આપતા. એક વાર જાણીતા કટાર લેખક ખુશવંતસિંહે વાજપેયી માટે એવું વિધાન કહ્યું કે, “આદમી તો સહી હૈં લેકિન ગલત પાર્ટી મેં હૈં.”

ખુશવંતસિંહના આ બહુર્ચિચત વિધાનનો જવાબ આપતાં વાજપેયીજીએ કહ્યું હતું : “અગર મૈં આદમી સહી હૂ તો ગલત પાર્ટી મેં નહીં હો સકતા.”

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે અટલ બિહારી વાજપેયી માટે આ શબ્દો વાપર્યા હતા

ગુજરાતની યુવા પેઢી હવે ઝૂમ બરાબર ઝૂમ શરાબી

કેરાલામાં દારૂબંધી !

ગાંધીજીના ગુજરાતમાં તો શરાબબંધી છે, પરંતુ હવે કેરાલા જેવું ટૂરિસ્ટ સ્ટેટ પણ એ માર્ગે જવા માગે છે. કેરાલાએ તબક્કાવાર દારૂબંધી દાખલ કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. કેરાલા માટે આશ્ચર્યજનક વાત એ છે કે, દેશમાં જે માત્રામાં સરેરાશ દારૂ પીવાય છે તે કરતાં કેરાલમાં વ્યક્તિદીઠ શરાબપાનની માત્રા વધુ છે. વધુ આશ્ચર્યની વાત એ છે કે, કેરાલા દેશનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરાલા સહેલાણીઓનું પણ પ્રિય રાજ્ય છે. દારૂબંધી દાખલ કરવાથી ત્યાં પ્રવાસીઓની આવનજાવન તથા કરવેરાની આવક પર અસર પડવાની હોવા છતાં કેરાલા સ્ટેટ આ પગલું ભરવા જઈ રહ્યું છે તે એક સુખદ્ આશ્ચર્ય છે.

ગુજરાતની દારૂબંધી !

દેશમાં હાલ ગુજરાત, મિઝોરમ, નાગાલેન્ડ રાજ્યોમાં દારૂબંધી છે. અંગ્રેજોના જમાનામાં ગુજરાતમાં દારૂબંધી નહોતી. આજના ગાંધી રોડ પર વ્હિસ્કીની અને બ્રાન્ડીની દુકાનો હતી. એ જમાનામાં ‘એસ્ટ્રેલ-૮’ નામની વ્હિસ્કી બહુ જાણીતી હતી. આઝાદી બાદ ગુજરાતનું અલગ રાજ્ય બન્યા પછી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધીના કારણે પ્રમાણમાં લોકો સુખી અને સલામત છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં જાહેરમાં દારૂબંધી છે, પરંતુ ખાનગીમાં દારૂ છૂટથી મળે છે. ગુજરાતના નાનામાં નાના ગામમાં પણ દારૂ ઉપલબ્ધ છે. એકમાત્ર અમદાવાદ શહેરમાં ૪૦૦થી ૫૦૦ જેટલા નાનાં-મોટાં દારૂના અડ્ડા છે. એકમાત્ર અમદાવાદ જ રોજનો બે કરોડનો દારૂ ઢીંચી જાય છે. દારૂના અડ્ડાઓના કારણે શહેરના પોલીસ સ્ટેશનોને દર મહિને લાખોનો હપતો મળે છે. ગુજરાતમાં મોટાભાગે દારૂ રાજસ્થાન, પંજાબ અને દમણથી આવે છે. અમદાવાદ જેવા શહેરમાં લઠ્ઠાકાંડના કારણે સેંકડો લોકોનાં મૃત્યુ નીપજેલા છે. અમદાવાદ અને ગાંધીનગરના કોતરોમાં દેશી દારૂનો ગેરકાયદે ગૃહઉદ્યોગ ચાલે છે. જો કે મિઝોરમ અને નાગાલેન્ડ હવે દારૂબંધી સમાપ્ત કરી દેવાનો વિચાર કરી રહ્યા છે.

રાજસ્થાન-દિલ્હી

ગુજરાતના લોકો માટે દારૂ પીવાના પ્રિય સ્થળ રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ, ઉદેપુર અને રતનપુર બોર્ડર છે. રાજસ્થાનમાં ૧૯૭૭થી ૧૯૮૦ સુધી, ગુજરાતનાં કેટલાંક સીમાવર્તી જિલ્લાઓમાં દારૂબંધી દાખલ કરવામાં આવી હતી. તે પછી ૧૯૮૦થી ૧૯૮૧ સુધી આખા પ્રદેશમાં સંપૂર્ણ દારૂબંધી દાખલ કરવામાં આવી હતી. શરાબબંધીથી રાજસ્થાન સરકારને વેરામાં ભારે નુકસાન જાય છે તેવું બહાનું કાઢીને તા. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૧ના રોજ દારૂબંધી સમાપ્ત કરી દેવામાં આવી હતી. આજે રાજસ્થાનમાં આવેલા તમામ હાઈવે પર ‘ચિલ્ડ બિયર’ અને ‘અંગ્રેજી શરાબ કી દુકાન’ની હાટડીઓ જોવા મળે છે. રાજસ્થાનની બોર્ડર પર ‘સિગ્નેચર’નામના જાણીતા દારૂ અને બિયરના બ્રાન્ડ નેમવાળા દારૂના બાર પણ જોવા મળે છે. રાજસ્થાન સરહદમાંથી ગુજરાતમાં આવતો દારૂ ‘રાજસ્થાન મેઈક’ અને ‘પંજાબ મેઈક’ એમ એક જ બ્રાન્ડના અલગ અલગ ભાવ સાથે મળે છે. મોટા ભાગના ગુજ્જુઓ’બ્લેન્ડર્સ પ્રાઈડ’ કે ‘સિગ્નેચર’ બ્રાન્ડનો નકલી દારૂ જ ગટગટાવી જાય છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. રાજસ્થાન પછી છત્તીસગઢમાં પણ ૨૦૧૩-૧૪માં આંશિકરૂપે દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ સરકારની નવી નીતિમાં ત્યાં પણ દારૂની દુકાનો વધી ગઈ છે. દિલ્હીમાં તો સરકાર જ દારૂ વેચે છે. સાંજના છ કે સાત વાગે દિલ્હીની દારૂની દુકાન પર શ્રમજીવીઓ અને ખૂબ જ ઓછું કમાતા લોકો દારૂ ખરીદવા માટે દુકાન પર ધક્કામુક્કી કરે છે. દારૂની દુકાન પર એટલી તો ભીડ હોય છે કે ત્યાં જ કેટલાકના ખિસ્સાં કપાય છે.

૫૫,૦૦૦નાં મૃત્યુ

દેશમાં દર વર્ષે સડક દુર્ઘટનાઓમાં ૧,૩૮,૦૦૦ લોકોનાં મોત નીપજે છે. આલ્કોહોલ અને ડ્રગ ઇન્ફર્મેશન સેન્ટરના એક અભ્યાસ અનુસાર આમાંથી ૪૦ ટકા લોકો એટલે કે ૫૫,૦૦૦ લોકો દારૂ પીને વાહન ચલાવવાના કારણે મોતને ભેટે છે. ભારતમાં કુલ વસતીના ૨૬ ટકા લોકો શરાબનું સેવન કરે છે. તેમાંથી ૪૦.૭ ટકા પુરુષો છે. જ્યારે ૧૦ ટકા મહિલાઓ છે. દારૂ પીવાથી ૨૦૦થી વધુ બીમારીઓ થાય છે. શરાબથી થતી બીમારીઓના કારણે ભારત સહિત દુનિયાભરમાં ૩૩ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આલ્કોહોલના સેવનથી મોં, અન્નનળી કે ગળાનું કેન્સર થાય છે. શરાબના કારણે મસ્તિકમાં પ્રિસાઈનેપ્ટિક ડોપામીન રિસેપ્ટર્સમાં ફરક પડવાના કારણે માનસિક સંતુલન બગડી જાય છે. શરાબના કારણે હૃદયરોગ, બ્લડપ્રેશર, અલ્સર, સિરોસીઝ ઓફ લીવર, પેન્ક્રિયાટાઈટિસ, અનિદ્રા જેવા રોગો થાય છે. પુરુષના સ્પર્મમાં ઘટાડો પણ થાય છે. મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું તથા અચાનક કસૂવાવડ થઈ જવાનું એક કારણ શરાબ પણ છે. શરાબના કારણે મેન્ટલ ઇલનેસ એટલે કે મસ્તિષ્ક કામ કરવાનું બંધ કરી દે છે.

પ્રાચીન સમયમાં

દારૂને સુરા પણ કહે છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં સુરા અને સોમરસનો ઉલ્લેખ છે. સુરાપાન સંબંધી પાપની ધારણા વૈદિક પરંપરામાં દીર્ઘકાળથી રહી છે. ઋગ્વેદથી માંડીને અથર્વવેદ અને રામાયણ સુધીના ગ્રંથોમાં સુરાનો ઉલ્લેખ છે. ક્યાંક તેની નિંદા છે તો ક્યાંક તેની પ્રશંસા પણ છે અલબત્ત, પૌરાણિક કાળમાં સુરાપાનને પાપ જન્માવનારી કુટેવ કહેવામાં આવી છે. સુરાપાનને હિંદુ ધર્મશાસ્ત્રોમાં અધર્મની શ્રેણીમાં મૂક્યું છે. જો કે બીજી નોંધનીય વાત એ છે કે, ઉજ્જૈન પાસે કાલભૈરવને શરાબનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે.

વિશ્વના અન્ય દેશોમાં

અમેરિકામાં ૧૯૨૦ના અરસામાં સામાજિક સંગઠનોની માગ પર દારૂબંધી દાખલ કરવામાં આવી હતી, પરંતુ લોકો ગેરકાયદે ઠેકેદારો પાસેથી દારૂ ખરીદવા લાગ્યા હતા. દારૂબંધીના કારણે અમેરિકામાં અલકોપેન જેવા ખતરનાક ડોનનો ઉદય થયો હતો. ૧૯૩૩ આવતાં સુધીમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે અમેરિકામાંથી દારૂબંધી ઉઠાવી લીધી હતી. ફિનલેન્ડમાં ૧૯૧૯થી ૧૯૩૨ અને આઈસલેન્ડમાં ૧૯૧૫થી ૧૯૨૨ સુધી દારૂબંધી રહી. નોર્વેમાં ૧૯૧૬થી ૧૯૨૭ સુધી અને રશિયામાં ૧૯૧૪થી ૧૯૨૫ સુધી દારૂબંધી રહી હતી, હવે નથી. રશિયા તો હવે જગપ્રસિદ્ધ ‘વોડકા’ નામનો દારૂ બનાવે છે. આરબ રાષ્ટ્રોમાં દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ છે. કતાર, દક્ષિણ અરબસ્તાન અને યુએઈમાં ફક્ત હોટેલોમાં જ દારૂ પી શકાય છે. બહેરીનમાં તો હોટેલોમાં પણ દારૂના સેવન પર પ્રતિબંધ છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં દારૂબંધી નથી, પરંતુ દારૂ પીને કાર ચલાવનાર સામે કડક કાનૂની જોગવાઈઓ છે. તેની સામે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી જ પોલીસ માટે મોટી આવકનું સાધન બની ગઈ છે. ગાંધીજીના ગુજરાતમાં ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી’ જેવો માહોલ છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતની ટીન એજ છોકરીઓ પણ બિયર પીતી જોવા મળે છે.

કેરાલા હવે દારૂબંધી દાખલ કરવા માગે છે દારૂના સેવનથી ૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે

જેલના સળિયાની પાછળ પણ ચાલતો સત્તાનો ખેલ

રાજનીતિ જેવો કોઈ ખેલ નથી. રાજનીતિ જેવી કોઈ શતરંજ નથી. રાજનીતિ જેવો કોઈ ધંધો નથી. રાજનીતિ જેવી કોઈ લાલસા નથી. રાજનીતિ જેવો કોઈ મોહ નથી. રાજનીતિ જેવી કોઈ આસક્તિ નથી. રાજનીતિની રમતનો કોઈ અંત નથી. રાજનીતિ જેવી લપસણી કોઈ ચીજ નથી. રાજનીતિને કોઈ ઉંમર નડતી નથી. રાજનીતિ કોઈ બંધન નથી. રાજનીતિના કોઈ નિયમો નથી. રાજનીતિમાં વ્યસ્ત લોકો ઘરમાં હોય કે વનમાં, મહેલમાં કે જેલમાં – તેમની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે.

જયલલિતા

જેલમાં રહીને પણ રાજનીતિ કરાવવાળા નેતાઓમાં ભારતના નેતાઓ મોખરે છે. તમિળનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિ માટે જ્યારે જેલની સજા સંભળાવવામાં આવી ત્યારે ઘણાં બધાંને લાગ્યું કે તેમની પાર્ટીનો અને તેમની કારકિર્દીનો હવે અંત આવી ગયો છે, પરંતુ જયલલિતા જેલમાં રહીને પણ બડા આરામથી પક્ષનું સંચાલન કરતા રહ્યાં. નોંધનીય વાત એ છે કે, જયલલિતાને સજા સંભળાવ્યા બાદ બેંગલુરની સેન્ટ્રલ જેલમાં એક હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવતાં હતાં ત્યારે લોકો તેમના હેલિકોપ્ટરને પણ પ્રણામ કરતા હતા. જે રસ્તા પર તેઓ ચાલીને ગયાં હતાં તે રસ્તાને પણ લોકો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં હતાં. ૨૦૦૧માં પણ તેઓ ત્રણ મહિના માટે જેલમાં ગયાં ત્યારે પણ તેમની પાર્ટી અને તેમના સચિવાલયમાં લશ્કર જેવું શિસ્ત જોવા મળતું હતું. આજે પણ એ જ સ્થિતિ જોવા મળે છે.

લાલુ પ્રસાદ યાદવ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં સૌથી પહેલાં ૧૯૯૬માં ગિરફ્તાર થયા હતા. એ વખતે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા. એ સમયે તેમણે તેમનાં પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રીનો કાર્યભાર સોંપ્યો હતો, પરંતુ પરોક્ષ રીતે બધું જ રાજ-કામકાજ તેઓ જેલમાંથી જ સંભાળતા હતા. જેલમાં તેમની સેવામાં કોઈ કસર રાખવામાં આવી નહોતી. જેલમાં પણ તેમના ઠાઠમાઠમાં કોઈ ફરક પડયો નહોતો. જેલની અંદર જ ઉચ્ચ અધિકારીઓ તેમને મળવા આવતા હતા અને તેમને પૂછીને જ રાજનો વહીવટ કરતા હતા. બીજી વખત તેઓ જેલમાં ગયા ત્યારે પણ જેલમાં જ દરબાર લાગતો રહ્યો. જેલમાંથી જ પક્ષની રણનીતિ નક્કી થતી રહી. આવનારી ચૂંટણીઓમાં પછાત વર્ગોની અને મુસ્લિમોની વોટબેંક અંકે કરવાની રણનીતિ ઘડાતી રહી. લાલુ પ્રસાદ જેલમાં જ રોજ માલિશ કરાવતા હતા અને તેમના વાળ કાપવાવાળો માણસ જેલમાં જતો હતો. તેઓ જેલમાં તૈયાર થતા ભોજનની લુફ્ત પણ ઉઠાવતા હતા અને જેલની બહાર તેમના સમર્થકો અનેક પ્રકારની ભેટ સાથે ભીડ જમાવતા. જાણે કે જેલની ચાર દીવાલોનો કોઈ મતલબ જ નહોતો.

એમ. કરુણાનિધિ

૨૦૦૧માં ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિની અડધી રાતે તેમના ઘરમાંથી ધરપકડ થઈ હતી. ચેન્નાઈમાં બાંધવામાં આવેલા દસ ફ્લાય ઓવર્સમાં કહેવાતા ભ્રષ્ટાચારના મામલે તેમની ધરપકડ થઈ હતી. તેમના પુત્ર અને તેમના રાજનૈતિક વારસદાર સ્ટેલિનને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા. વિપક્ષોને લાગ્યું કે, હવે તેમની રાજનીતિ ખતમ થઈ ગઈ, પરંતુ થયું ઊલટું. એમ. કરુણાનિધિની ધરપકડથી લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વધી. ખરેખર તો કેટલાક સમય પહેલાં થયેલી ચૂંટણીમાં લોકોએ તેમને નકારી દીધા હતા, પરંતુ જેલવાસના કારણે તેમની રાજનીતિ જીવતી થઈ ગઈ. કરુણાનિધિની ધરપકડનો વિરોધ કરવા લગભગ ૩૨,૦૦૦ કાર્યકર્તાઓએ ધરપકડો વહોરી. લોકોનો આ મૂડ જોઈને કરુણાનિધિએ પણ જામીન પર છૂટવા ઇનકાર કરી દીધો. જેલયાત્રાનો જ તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે માત્ર ૧૦ જ દિવસમાં તેઓ જેલમાંથી બહાર આવી ગયા. જે રીતે તેમની ધરપકડ થઈ હતી તેની ઉપર કેન્દ્ર સરકાર અને જનતા બેઉ રોષમાં હતા. ધરપકડ પણ તેમના માટે રાજનીતિક લાભ ઉઠાવવાનું કારણ બની ગઈ.

ઓમપ્રકાશ ચૌટાલા

સીબીઆઈ કોર્ટે ૨૨ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ ઇન્ડિયન નેશનલ લોકદળના સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા તથા તેમના પુત્ર અજય ચૌટાલાની ૩૦૦૦ શિક્ષકોની ગેરકાનૂની ભરતી કૌભાંડમાં ધરપકડ કરી હતી. આ ગિરફ્તારી બાદ પણ તેઓ જેલમાં બેઠાબેઠા રાજનીતિ કરતા રહ્યા. તેમની સાથે બીજા આઠ નેતાઓને પણ પકડવામાં આવ્યા હતા. કેટલાક બીમારીનું કારણ બતાવી ફાઈવસ્ટાર હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. પક્ષના અન્ય નેતાઓ જરૂરી સૂચનાઓ લેવા અહીં આવવા લાગ્યા હતા. આ બધું એટલું બધું વ્યવસ્થિત રીતે ચાલ્યું કે, હરિયાણામાં તાજેતરમાં થયેલી ચૂંટણી માટે ચૌટાલાએ રાજ્યની કુલ ૯૦ બેઠકો પૈકી ૮૮ બેઠકોની ટિકિટો હોસ્પિટલમાં બેઠાબેઠા જ વહેંચી. વચ્ચે અલગ અલગ કારણો દર્શાવી તેઓ જામીન પર બહાર પણ આવતા રહ્યા અને પ્રશાસનને બેવકૂફ બનાવી સભાઓ પણ સંબોધી આવ્યા, પરંતુ તરત જ આ બધું સીબીઆઈની નજરમાં આવી ગયું. પરિણામે ચૌટાલાએ ફરી ૧૧ ઓક્ટોબરના રોજ જેલ અધિકારીઓ સમક્ષ સમર્પણ કરવું પડયું. ઓમપ્રકાશ ચૌટાલા હવે જેલમાં છે.

કાયદો શું છે ?

જેલમાં રહેતા રાજકારણીઓ-નેતાઓની જે રીતે માગો પૂરી કરવામાં આવે છે તે જોતાં કેટલીયે વાર જેલના નિયમોનું ઉલ્લંઘન થયું છે. કારવાસ અધિનિયમ-૧૮૯૪ (પ્રિઝન્સ એક્ટ ૧૮૯૪) મુજબ “રાજનૈતિક કેદી” જેવો કોઈ અલગ વર્ગ છે જ નહીં. રાજ્ય સરકારોએ રાજનૈતિક પૃષ્ઠભૂમિના કેદીઓના અધિકારો માટે નિર્દેશો જાહેર કરવા જોઈએ. જે રાજ્યોમાં ગુનેગારોને ‘એ’ અથવા ‘બી’વર્ગ આપવામાં આવે છે ત્યાં રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતા કેદીઓએ એ સાબિત કરવું જોઈએ કે તે ‘એ’ વર્ગમાં આવે છે. સજા પ્રાપ્ત રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ પોતાના અધિકાર માટે ન્યાયાલયની સહાયતા લઈ શકે છે.

જયલલિતા, લાલુ પ્રસાદ યાદવ, એમ.કરુણાનિધિ, ચૌટાલા જેલમાં રહીને પણ રાજનીતિ કરતાં રહ્યાં

પાકિસ્તાને સર્જેલો ફ્રેન્કેસ્ટાઈન હવે તેને જ ખતમ કરી રહ્યો છે

પાકિસ્તાનના પેશાવર શહેરની આર્મી સ્કૂલમાં તહેરિકે-તાલિબાન નામના આતંકવાદી સંગઠનના સાત આતંકવાદીઓએ લશ્કરના ગણવેશમાં પ્રવેશીને કરેલા બાળ સંહારમાં ૧૩૪ બાળકોના માથામાં ગોળીઓ ધરબી દીધી. આ સંગઠન પાકિસ્તાની તાલિબાની ગ્રૂપ પણ કહેવાય છે. વઝીરિસ્તાન અને ખૈબર વિસ્તારમાં પાકિસ્તાનના લશ્કરની કામગીરીનો વિરોધ કરવા આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને ‘દર્દ મહેસૂસ’ કરાવવા ૧૩૪ બાળકોની હત્યા કરી દીધી. કહેવાય છે કે The smallest coffin is heaviest coffin” કોફિન જેટલું નાનું તેટલું વધુ ભારે દુઃખદાયક.’ એક પિતાને તેના પુત્રનો જનાજો ઊંચકવો પડે તેથી વધુ દુઃખ જગતમાં બીજું કોઈ હોઈ ના શકે. તાહિર અલી નામના એક વાલીએ કહ્યું: મેં મારા પુત્રને યુનિફોર્મમાં મોકલ્યો હતો તે કોફિનમાં પાછો આવ્યો.’

બધું જ ધર્મના નામે

પાકિસ્તાનની આ ઘટનાનું દર્દ જેટલું પાકિસ્તાને અનુભવ્યું છે તેટલું જ ભારતની પ્રજાએ મહેસૂસ કર્યુ છે. માનવતા અને લાગણીઓને કોઈ સરહદો હોતી નથી. તે જ રીતે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. દુનિયાના કોઈ ધર્મમાં લખ્યું નથી કે સ્કૂલમાં ભણતાં નિર્દોષ બાળકોની હત્યા કરી નાંખો અને ‘માલિક’ ખુશ થઈ જશે. આજે જે કાંઈ ચાલી રહ્યું છે તે બધું જ ધર્મના નામે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાનો છે તો ઈરાક અને સીરિયામાં ‘ઇસ્લામીક સ્ટેટ’ નામનું ઘાતકી સંગઠન છે, જે પત્રકારોના ગળાં કાપી નાખે છે. એ આતંકવાદીઓ બાળકોના ગળાં કાપી તેમના મસ્તકનો ફૂટબોલ તરીકે ઉપયોગ કરી રમે છે. અન્ય કોમની મહિલાઓને ગુલામ બનાવી તેમને આતંકવાદીઓ સાથે સેક્સ માણવા ફરજ પાડે છે. તેમ કરવાનો ઇન્કાર કરનાર મહિલાઓને રહેંસી નાખવામાં આવે છે. એક સ્ત્રી પર એક કરતા વધુ આતંકવાદીઓ માલિકી હક પ્રસ્થાપીત કરે છે. વિશ્વ આખુ ૨૧મી સદી-સભ્યતાની સદીમાં પ્રવેશ્યુ હોવા છતાં ઇસ્લામિક આતંકવાદીઓ મધ્યયુગના જુલ્મીઓ જેવો વ્યવહાર કરે છે અને તે પણ ઇસ્લામ ધર્મ પાળતાં પરિવારોના બાળકો અને બાળકીઓ સાથે.

આ કેવી ધર્માંધતા?

આશ્ચર્યની વાત એ છે કે ધર્મના નામે ચાલતી આ બર્બરતા સામે નથી તો કોઈ ધર્મગુરુઓ અવાજ ઉઠાવતા કે નથી તો ધનાઢય આરબ દેશોના વડા. નથી તો કોઈ વિદ્વાનો અવાજ ઉઠાવતા કે નથી કે કોઈ રાજનેતાઓ. એક બિચારી મલાલા ઇસ્લામિક આતંકવાદ અને તાલિબાનો સામે બોલવાની હિંમત કરે છે?

એ બધા ચૂપ કેમ?

નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં ધર્મના નામે વકરતા આતંકવાદ સામે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો પણ ચૂપ છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, આતંકવાદના જન્મના મૂળમાં પણ આતંકરરાષ્ટ્રીય રાજનીતિ જ જવાબદાર છે. અમેરિકા અને રશિયાના શીતયુદ્ધના કાળ દરમિયાન અફઘાનિસ્તાનમાં રશિયન દળો મોજુદ હતાં. રશિયનોને હરાવવા અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવો તે અમેરિકા માટે વ્યૂહાત્મક જરૂરિયાત હતી. અફઘાનિસ્તાનમાંથી રશિયનોને હરાવવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનમાં તાલિબાન નામ ધરાવતા કેટલાક કટ્ટરપંથીઓને શસ્ત્રો અને દારૂગોળો આપ્યાં હતા. તેમાંથી એક ઓસામા બિન લાદેન પણ હતો. એક તબક્કે રશિયનો તો અફઘાનિસ્તાનમાંથી રવાના થઈ ગયા પરંતુ અમેરિકાએ જેમને શસ્ત્રો આપ્યા હતા તે તાલિબાનો એટલા મજબૂત થઈ ગયા કે, અફઘાનિસ્તાનના માલિક થઈ બેઠા. તેઓ ત્રાસવાદીઓ બની ગયા. ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યા. ગીત સંગીત અને રેડિયો પર પ્રતિબંધ મૂકી દીધો. બાળકીઓને ભણવા પર પ્રતિબંધ મૂકી દીધો. અફઘાનિસ્તાન પરથી તેમનો કબજો લાવવા અમેરિકાએ પ્રયાસ કર્યો તો ઓસામા બિન લાદેને જ અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવા આતંકવાદીઓને મોકલ્યા. ૫૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. આમ તાલિબાન નામનો રાક્ષસ એ અમેરિકાની જ પેદાશ છે.

પાક. ફ્રેન્કેસ્ટાઈન

જે રીતે અમેરિકાને તાલિબાનો ભારે પડી ગયા તેમ પાકિસ્તાનને પણ તેણે જ પેદા કરેલા આતંકવાદીઓ ભરખી રહ્યા છે. પાકિસ્તાન વિશ્વનો એક નિષ્ફળ દેશ ગણાય છે. પાકિસ્તાનમાં ચૂંટાતી સરકારો પાકિસ્તાન આર્મીની કઠપૂતળીઓ હોય છે. પાકિસ્તાનમાં પરદા પાછળથી આર્મી અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ રાજ કરે છે. પાકિસ્તાન આર્મીને ભારતને તબાહ કરવા સિવાય બીજો કોઈ રસ નથી. ભારતમાં બોંબધડાકા કરાવવા તે કરાંચીથી કસાબ જેવા આતંકવાદીઓને દરિયા માર્ગે ભારત મોકલે છે. પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદીઓ તૈયાર કરનાર સ્કૂલો ચલાવે છે. યુવાનોને ગુમરાહ કરી તેમના હાથમાં શસ્ત્રો અને બોંેબ મૂકી દે છે. મુંબઈ પર હુમલો કરનાર હાફિજ સઇદ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમને પનાહ આપે છે. આ બંને ગુનેગારો પાકિસ્તાન સરકારના ‘સ્ટેટ ગેસ્ટ’-અતિથિઓ છે. પાકિસ્તાન આર્મીએ તેમને સુરક્ષા પણ બક્ષેલી છે. જે તાલિબાનો પાકિસ્તાનમાં રહી ભારતને વિચલીત કરવા પ્રયાસ કરે છે. તેમને તે તમામ સહાય પૂરી પાડે છે હજુ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં આવેલી એક એમ્બેસી પર જે તાલિબાનોએ બોંબ ધડાકો કર્યો તે તાલિબાનીઓને પાકિસ્તાન આર્મીએ જ મદદ કરી હતી. પાકિસ્તાને ભારતને તરસનહસ કરવા માટે આતંકવાદીઓ પેદા કરવાની ફેક્ટરીઓ ઊભી કરી છે પરંતુ તેની દશા ફ્રેન્કેસ્ટાઈનની સ્ટોરી જેવી છે. એક વૈજ્ઞાનિકે દુનિયાભરના લોકોની હત્યા કરવા લેબોરેટરીમાં ફ્રેન્કેસ્ટાઈન નામનો માનવ રાક્ષસ પેદા કર્યો હતો. પરંતુ એ ફ્રેન્કેસ્ટાઈને સહુથી પહેલી હત્યા તેને પેદા કરનાર વૈજ્ઞાાનિકની જ કરી દીધી હતી. પાકિસ્તાનની પણ એજ દશા છે. પાકિસ્તાને પેદા કરેલો ફ્રેન્કેસ્ટાઈન જેવો આતંકવાદ હવે તેને જ ભરખી રહ્યો છે.

પાકિસ્તાનનું ભાવિ અંધકારમય છે.

હું નાગણ બની ચૂકી છું ઘરમાં જ ફરતી હોઈશ!

રચના.

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના પણ રામેશ્વરનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિર્વિતત થઈ ગયો.

એ પછી રામેશ્વર અવારનવાર માંગરૌલી આવવા લાગ્યો. રચના પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા નહોતા. રચનાના માતા-પિતાને શંકા જતાં તેમણે રચનાને ઠપકો આપ્યો છતાં તે રામેશ્વરને મળતી જ રહી. રચનાને રામેશ્વરથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો બિહારી નામનો એક યુવાન શોધી કાઢયો. રચનાની સગાઈ બિહારી સાથે કરી દેવામાં આવી.

રચનાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમ રામેશ્વરને જાણ કરીઃ ”રામેશ્વર! મારી સગાઈ બિહારી નામના કોઈ માણસ સાથે કરી દેવાઈ છે.”

રામેશ્વરે કહ્યું: ”ડોન્ટ વરી રચના! મને પણ આ વાતની ખબર પડી છે. એક બિહારી યુવાન છે પણ મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે. આપણે પહેલાંની જેમ જ મળતાં રહીશું.” રચનાને રામેશ્વરની વાત ગમી નહીં. એ તો રામેશ્વર સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામેશ્વરે રચનાને બિહારીમામા સાથે જ પરણી જવા સલાહ આપી. રચનાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામેશ્વર આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે? રચનાએ બિહારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી.

લગ્ન બાદ રચના પતિગૃહે આવી. રામેશ્વર માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામેશ્વર ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ રચના સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો. પણ રચના ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામેશ્વર હવે મૂંઝાયો. ફરી તેનું મન રચનામાં પરોવાયું. રચના તેની સાથે વાત પણ કરવા માગતી નહોતી. રામેશ્વરે વિચાર્યું કે, ”જરૂર પડશે તો હું રચનાને ભગાડીને પણ લઈ જઈશ.”

એક દિવસ મોકો જોઈને તે બિહારીમામાના ઘેર ગયો. રચના એકલી હતી. રામેશ્વર રચનાને બે હાથ જોડી વિનંતી કરીઃ ” રચના! હું આજે પણ ચાહું છું. હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું.”

” તો પહેલાં જ મને લઈ જવી હતી ને?” રચના બોલી.

બેઉ વચ્ચે મૌન છવાયું.

કેટલીક વાતો થઈ અને તે પછી રામેશ્વર ત્યાંથી ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ રચનાએ તેેની સાસુને કહ્યું, ” મમ્મી! આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગ-નાગણનો સંબંધ હતો. તે નાગ મને તેની સાથે સર્પ લોકની દુનિયામાં લઈ જવા માંગે છે.”

રચનાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું: ”બેટા ! સપનાં સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપનાં સાચા હોતાં નથી.”

આમ છતાં થોડા દિવસ પછી રચનાએ ફરી એના સાસુને કહ્યું: ” મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાયો. તે કહેતો મને છોડશે નહીં.” રચનાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત રચનાના માતા-પિતાને પણ કરી, રચનાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડ કૂંંક ેપણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને રચના ફરી તેના પતિના ઘેર આવી. બધાને લાગ્યું કે રચના હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળીયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે.

એ રાત્રે આખુંય પરિવાર રાત્રે જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે બિહારી સવારે ઉઠયો ત્યારે પલંગમાં રચના નહોતી. તેણે તપાસ કરી તો રચના બાથરૂમમાં પણ નહોતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાં યે ક્યાંય નહોતી. પલંગમાં રચનાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યાં હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગલસૂત્ર પડયા હતા. રચનાના બધાં જ વસ્ત્રો ઊતારી નાંખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી.

બિહારીએ તેે ચિઠ્ઠી ખોલી. રચનાએ એમાં લખ્યંુ હતું: ”હું નાગણ બની ચુકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો.!!

ચિઠ્ઠી વાંચી બિહારી સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડયું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઊઠયો. ઘરનાં સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. બિહારીએ રચનાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે બિહારીની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું: ”આ નાગણ નથી પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં.

બિહારીના પરિવાર માટે આ બીજુ આશ્ચર્ય હતું. હવે તો રચનાના માતાપિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા રચનાના સાસરિયાં પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે રચનાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે.”

પોલીસ પણ આવોે વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ તપાસ શરૂ કરી બિહારીના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી પોલીસને એવી બાતમી મળી કે, જે દિવસથી રચના ગુમ છે તે જ દિવસથી બિહારીનો ભાણેજ રામેશ્વર પણ ગુમ છે.

પોલીસે રામેશ્વરના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડયું કે રામેશ્વર રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામેશ્વર ભોપાલમાં છે. પોલીસે રામેશ્વરના બે ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામેશ્વર સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ ભોપાલ પહોંચી. તેઓ રામેશ્વર કયાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો રચના અને રામેશ્વર બેઉ અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા.

રચનાએ કબૂલ કર્યું: ”હું રામેશ્વરને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ બિહારી સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામેશ્વર પર મારો ગુસ્સોે હતો પણ તેણે મને ભગાડી જવાની હા પાડતાં અમે નાગ-નાગણના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આટલા દિવસેે જ મારો પ્રેમી રામેશ્વર એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી એ મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાંખ્યા. અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છુટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામેશ્વર મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી ભોપાલ આવ્યા.”

પોલીસ આખીયે કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો. પરંતુ નાગ-નાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોઈ મેજિસ્ટ્રેટે રચનાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામેશ્વર સામે આગળની કાર્યવાહી જારી કરી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

હું મુંબઈનો ખતરનાક ડોન ‘ભાઈ’ બનવા માગતો હતો

અખિલેશ પોલ.

એ કહે છે : “એ દિવસોમાં હું આખો દિવસ મોજમસ્તીમાં પસાર કરી દેતો હતો. એ વખતે હું ફક્ત ૧૪ વર્ષનો હતો. અમે નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મારાં માતા-પિતા આખો દિવસ મજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. જ્યારે હું મહોલ્લાના છોકરાઓ સાથે અહીં-તહીં રખડયા કરતો હતો. અમારી વસતીમાં બાળકો સ્કૂલમાં જતાં જ નહોતાં. એ બધાં તેમનાં માતા-પિતા સાથે ક્યાં તો મજૂરી કરવા જતાં અગર તો મારી જેમ આવારાગર્દી કરતાં. મારા ઘણા બધા મિત્રો નશો કરતાં થઈ ગયા હતા. બીજાઓને ડરાવવામાં અને રોફ મારવામાં એમને મજા આવતી હતી. અમે બધા મુંબઈયા ફિલ્મો જોયા કરતા હતા. ફિલ્મોના પરદે સિગારેટના ધૂમાડા કાઢતા ડોન જોવામાં મજા આવતી હતી.

અમારી વસતીની બહાર એક કોલેજ હતી. કોલેજની સામેની સડક પર અમારો અડ્ડો હતો. બધા જ ભાઈબંધો ત્યાં એકઠા થતા હતા. અમારી આદતો ખરાબ થઈ ચૂકી હતી. અમે બીજાઓને ડરાવીને પૈસા વસૂલવાનું કામ શરૂ કર્યું અને તે પૈસાથી નશો કરવા લાગ્યા હતા. મારા મનમાં હવે મુંબઈના ડોનની જેમ ‘ભાઈ’ બનવાની આશા પેદા થઈ હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ નાનાં-મોટાં ગુના નોંધાઈ ચૂક્યા હતા. અલબત્તે, હજુ સુધી અમે એક પણ વાર જેલમાં ગયા નહોતા.

એક દિવસ અમે અડ્ડા પર બેસી ગપ્પાં મારી રહ્યા હતા તે વખતે કોલેજમાંથી એક માણસ અમારી પાસે આવ્યો. એણે અમને કહ્યું : “તમને અમારા સર બોલાવે છે.”

અમે ચોંકી જતાં પૂછયું : “સર ! કયા સર ?”

એણે કહ્યું : “અમારા એક સર કોલેજનાં છોકરાઓને રમત શીખવે છે એ તમને બોલાવે છે.”

અમે બધા કોલેજના સર પાસે ગયા. એમનું નામ હતું વિજય વારસે. એમણે અમને પૂછયું : “તમે લોકો ફૂટબોલ રમશો ?”

અમને એમની વાત અજબ લાગી. મારા એક મિત્રએ કહ્યું : “ક્યા પાગલ હો ગયે હો પ્રોફેસર ? તુમ કો પતા હી નહીં હૈં અપુન કૌન લોગ હૈ ?”

એ સમયમાં અમે બધા અમારી જાતને ‘ભાઈ’ સમજવા લાગ્યા હતા. અમે એવું માનવા લાગ્યા હતા કે અમે ખતરનાક માણસો છીએ અને આસપાસના લોકો અમારા ખૌફથી ડરવા લાગ્યા હતા.

ખેર ! અમને બધાને અસમંજસમાં જોઈને પ્રોફેસરે અમને ફૂટબોલ આપતાં કહ્યું : “શું તમે આ બોલ રમશો ?”

અમે ભાવ ખાતાં કહ્યું : “એ તો ઠીક છે, પણ પૈસા કેટલા આપશો ?”

પ્રોફેસરે કહ્યું : “રોજના પાંચ રૂપિયા.”

હવે અમારા ચહેરા પર મુસ્કાન હતી. અમે પાંચ સાથીઓ હતા. અમે પ્રોફેસરના હાથમાંથી ફરી ફૂટબોલ લઈ હા પાડી. પ્રોફેસર અમને મેદાન પર લઈ ગયા. અમે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. દોઢ કલાક રમ્યા પછી અમે પ્રોફેસરની પાસે ગયા. એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમને પાંચ-પાંચ રૂપિયા આપી દીધા. પૈસા લઈને અમે ચાલવા માંડયું. પ્રોફેસરે કહ્યું : “કાલે ફરી આવજો.” એ દિવસે અમને સારું લાગ્યું. કોઈને ય ડરાવ્યા-ધમકાવ્યા વિના અમે થોડા પૈસા કમાયા હતા. એ એક સારો અનુભવ હતો.

બીજા દિવસે અમે ફરી રમતના મેદાન પર પહોંચી ગયા. હવે અમને ફૂટબોલ રમવામાં મજા પડવા લાગી. અમે રોજ ફૂટબોલ રમવા લાગ્યા. રોજ પાંચ-પાંચ રૂપિયા મળતા હતા. આમ ને આમ પંદર દિવસ વીતી ગયા, પરંતુ પંદર દિવસ બાદ અમે કોલેજ પહોંચ્યા તો પ્રોફેસર સાહેબે અમને ના પાડતાં કહ્યું : “આજે આપણે ફૂટબોલની ગેમ રમવાની નથી !”

અમે પૂછયું : “કેમ ?”

એમણે કહ્યું : “આજે મારી પાસે પૈસા નથી.”

અમે પાછા જવા લાગ્યા એ દરમિયાન મારા એક મિત્રએ કહ્યું : “સર, પૈસા ના હોય તો કોઈ વાંધો નથી. કમ સે કમ અમને ફૂટબોલ તો રમવા દો. અમને રમવાનું મન છે.”

એમણે કહ્યું : “ઠીક છે. બોલ લઈ લો અને રમી લીધા પછી બોલ પાછો આપતા જજો.”

એ રીતે કેટલાક દિવસો સુધી અમે પૈસા લીધા વગર જ કોલેજના મેદાન પર જઈ ફૂટબોલ રમતા રહ્યા. એ પછી એક દિવસ પ્રોફેસરે અમને બોલ આપવાનો જ ઇનકાર કરી દીધો.

અમે અમારા અડ્ડા પર પાછા આવી ગયા. અમે ફરી લોકોને ડરાવવાનું, ધમકાવવાનું કામ શરૂ કરી દીધું. એક દિવસ મને એક પ્રોપર્ટી ખાલી કરાવવાનું કામ મળ્યું. હું પ્રોપર્ટી ખાલી કરાવવા ગયો. ત્યાં સામેવાળી પાર્ટીએ પણ અમારા જેવા દબંગ છોકરા તૈયાર રાખ્યા હતા. અમારી વચ્ચે ઝઘડો થયો. એ લોકો મારી પર તૂટી પડયા. મને બહુ ખરાબ રીતે મારવા લાગ્યા. એમની પાસે લાકડીઓ હતી. લાકડીઓ અને પથ્થરથી મને લોહીલુહાણ કરી દીધો. એ લોકોએ મારો પીછો કરવા માંડયો. હું ભાગી રહ્યો હતો. એક ચાલતી બસમાં હું ચડી ગયો. મારી પાસે એ ગુંડાઓનો સામનો કરવાની તાકાત નહોતી. હું પોલીસને ફરિયાદ કરવા પણ જઈ શકું તેમ નહોતો. પોલીસ સ્ટેશનમાં આમેય મારી સામે કેટલાક ગુના નોંધાયેલા હતા. મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં ? ક્યાં છુપાઈ જાઉં ? મનમાં વિચાર આવ્યો કે કબ્રસ્તાનમાં જઈ સંતાઈ જાઉં. છેવટે હું કબ્રસ્તાનમાં જઈ છુપાઈ ગયો. કેટલાયે દિવસ કબ્રસ્તાનમાં જ છુપાયેલો રહ્યો. ભૂખ લાગતી ત્યારે બાજુમાં આવેલા એક મંદિરની બહાર ભિખારીઓની સાથે બેસી જતો અને ભક્તોનું વહેંચેલું અન્ન ખાઈ લેતો.

એ દરમિયાન એક વ્યક્તિની મારી પર નજર પડી. એ મને ઓળખતા હતા. તેઓ મને એક વકીલ પાસે લઈ ગયા. વકીલે કહ્યું : “તારે જેલમાં જવું પડશે. આ ભાઈ તને મદદ કરવા માગે છે.”

મેં કહ્યું : “આ કેવી મદદ ? મારે જેલમાં જવું પડે તે કોઈ મદદ થઈ ?”

વકીલે કહ્યું : “જો અખિલેશ ! આ રસ્તો મુશ્કેલ છે, પણ સાચો છે. તારી સામે કેટલાક ગુના નોંધાયેલા છે. તને જામીન મળી શકે તેમ છે. તે પછી તું સુંદર જિંદગી જીવી શકે તેમ છે.”

હવે મને પણ ખ્યાલ આવી ગયો કે ‘ભાઈ’ બનવાનો રસ્તો કઠિન છે. હું પોલીસ સ્ટેશને ગયો. મેં મારી જાતને સરેન્ડર કરી. હું જેલમાં ગયો. થોડા દિવસ બાદ મને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.

એક દિવસ મેં બે બાળકોને સાઈકલ પર જતાં જોયાં. તેમાંથી એકની પાસે ફૂટબોલ હતો. હું તેમની પાછળ પાછળ ગયો. તેઓ સામેના મેદાન પર ફૂટબોલ રમવા લાગ્યા. હું તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યાં જ અમને ફૂટબોલની ગેમ શીખવનાર પ્રોફેસર વારસે સાહેબ આવ્યા. તેમણે મને પૂછયું : “કેમ છે ?”

મેં કહ્યું : “સર ! બધું બરાબર નથી.”

એમણે કહ્યું : “ચાલો ઠીક છે. જ્યારે મન થાય ત્યારે તું અહીં ફરીથી ફૂટબોલ રમવા આવી શકે છે.”

હવે ફરીથી હું કોલેજના મેદાન પર જવા લાગ્યો. થોડા જ દિવસોમાં હું સારું રમવા લાગ્યો. ‘ભાઈ’ બનવાની મારી ઇચ્છા ખતમ થઈ ગઈ હતી. હવે ફૂટબોલ સિવાય મને બીજા કશામાં રસ નહોતો. પ્રોફેસર વિજય વારસેએ મને વિધિવત તાલીમ આપવાનું શરૂ કર્યું. ગેમની તરકીબો શીખવી. તેઓ મારી રમતથી ખુશ હતા. તેમણે મને જિલ્લા સ્તરની ફૂટબોલ ટીમમાં સામેલ કરી દીધો. દરઅસલ એ બેસહારા અને ગરીબ બાળકોને રમતગમત પ્રત્યે આર્કિષત કરવાની યોજના હતી. એ યોજના પાછળ પ્રોફેસર વારસેનું જ દિમાગ હતું. ફૂટબોલ પ્રત્યે મારી દિલચશ્પી વધવા લાગી. જિલ્લા પછી મને રાજ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. રાજ્યની ટીમ પછી મને રાષ્ટ્રીય ટીમમાં દાખલ કરવામાં આવ્યો. ફૂટબોલમાં મારું બહેતરીન પ્રદર્શન જોઈ આયોજકોએ મને રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ૨૦૧૦માં બ્રાઝિલ હોમલેસ ફૂટબોલ વર્લ્ડકપમાં હું ભારતીય ટીમનો કેપ્ટન હતો.

હું કાંઈ જ ભણેલો ન હોવા છતાં લોકો મને ‘સર’ કહે છે તે મને સારું લાગે છે અને આજે હું ગરીબોની વસતીમાં તમામ બેસહારા બાળકોને કોઈપણ ફી લીધા વિના જ ફૂટબોલની તાલીમ આપું છું, જેથી કોઈ પણ બાળકના મનમાં ‘ભાઈ’ બનવાની ઇચ્છા પેદા ના થાય.”

અને અખિલેશ પોલ તેમની વાત પૂરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એ બાળકો જાય છે કયાં ? ક્યાં ગુમ થઈ ગઈ એ દીકરી?

એ નું નામ સવિતા એહારવર.તે ૧૪ વર્ષની હતી. સવિતા તેનાં માતા-પિતા સાથે દિલ્હી નજીક ગુડગાંવમાં રહેતી હતી. ગઈ તા. ૧૬મી નવેમ્બરે, ૨૦૧૪ના રોજ તે ગુમ થઈ ગઈ. તેની માતાનું નામ ઉમિદા છે. તે ૪૮ વર્ષની વયની છે. તેની દીકરી સવિતા ટયૂશનમાં જતી હતી. એ દિવસે તે ટયૂશનમાં ગઈ પછી ઘેર જ ના આવી. તે સીધી ટયૂશનવાળી શિક્ષિકાને મળવા ગઈ. એને કહેવામાં આવ્યું કે સવિતા આજે ટયૂશન માટે આવી જ નથી.

ઉમિદા સીધી ગુડગાવ, પ્લોટ નં. ૮૦, ઈન્દ્ર કોલોની ખાતે આવેલા તેના એક રૂમના ભાડાના મકાનમાં પહોંચી. સવિતા સવારના આઠ વાગ્યાથી ગુમ હતી. સવારે આઠ વાગે નાનકડી સવિતા બાજુના ઘરમાં રહેતી આન્ટી દેવયાની સાથે બહાર ગઈ હતી, ત્યાંથી તે સીધી ટયૂશનમાં જવાની હતી.

તે દિવસ પછી આજ સુધી ૧૪ વર્ષની સવિતાનો પતો નથી. પુત્રીના ગુમ થઈ ગયા બાદ તેની મા ઉમિદાએ આજ સુધી પેટ ભરીને ખાધું નથી. તે કહે છેઃ ”સબ લોગ કહેતે હૈ કિ વહ વાપસ કભી નહીં આયેગી. કુછ લોગ કહેતે હે કિ વહ ભાગ ગઈ ઔર હરિદ્વારમાં મોજમસ્તી કર રહી હૈ.” પણ એ બધી વાતો ખોટી છે. મને ખબર છે કે મારી દીકરીનું અપહરણ થયું છે. તેને લોહીનો વેપાર કરનારી ગેંગને વેચી દેવામાં આવી છે. મને લાગે છે કે રોજ રાત્રે એને કોઈ ગ્રાહકને ખુશ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મારી કમનસીબી એ છે કે, હું તેને કોઈ મદદ કરી શકતી નથી. મારી દીકરી નર્કાગાર જેવી જિંદગી જીવી રહી હશે. આવું બોલતા ઉમિદા દિલ્હી- ગુડગાંવમાં દર દર ભટકી રહી છે.

પુત્રીના ગુમ થયા બાદ તેની માતા ઉમિદા ભાગી પડી છે. ટીનએજ પુત્રીની ખોજ માટે તે કોઈ પણ મોટા અધિકારીને મળવા તૈયાર છે. તે કહે છેઃ ” મારી દીકરીને મારી પાસેથી ખૂંચવી લઈ તેને કોઈ ગંદા ધંધામાં નાખી દેવામાં આવી હોય ત્યારે હું ઊંઘી કેવી રીતે શકું ? મારી દીકરીને લઈ જનારા ઐશ કરે છે. મારી ગરીબ દીકરીને શોધવામાં મને કોઈ મદદ કરતું નથી. એથી ઊલટું મારી દીકરી ગુમ થવા પાછળ કેટલાક લોકો મને જ દોષ દે છે. મારા પડોસીઓે કહે છે કે હું મારી દીકરીને પૂરતું ખાવાનું આપતી નહોતી અને એને રોજ મારતી હતી. મારા પતિ બીમારીના કારણે છ માસ પહેલા જ મૃત્યુ પામ્યા છે. તેમના ગયા પછી હું અને મારી દીકરી બે એક જ ભાડાના એક ઓરડામાં રહેતા હતા. હું આસપાસના ઘરોમાં ઘરકામ કરીને મારી એકની એક દીકરીને ભણાવતી હતી.

ઉમિદા કહે છેઃ ”મારી દીકરીને ગુમ કરવા પાછળ મારી પડોશમાં રહેતી દેવયાની અને તેના પતિનો જ હાથ છે. એ લોકો છોકરીઓને વેચતી ગેંગ સાથે સંકળાયેલા છે. એ દિવસે મારી દીકરી ટયૂશન માટે જવા નીકળી ત્યારે મારી પડોસણ દેવયાનીને કેટલાક લોકોએ તેની સાથે જતાં જોઈ હતી. પહેલાં તો તેણે ના પાડી કે સવિતા તેની સાથે નહોતી પરંતુ મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં દેવયાનીનું નામ આપ્યું અને પોલીસે સખ્તાઈથી પૂછયું ત્યારે તેણે કબૂલ કર્યું કે, તે મારી દીકરીને સાથે ફરવા લઈ ગઈ હતી. પોલીસે વધુ કડકાઈથી પૂછયું ત્યારે દેવયાનીએ કહ્યું કે, હા, હું અને સવિતા ઓટોરિક્ષામાં બેસી સદર બજાર ગયા હતા. સવિતાને ત્યાં ઉતારી દેવામાં આવી હતી. હું એ પૂછું છું કે, દેવયાની મારા પરિવારને જાણતી જ નહોતી તો મારી દીકરીને ઓટોમાં બેસાડીને લઈ ગઈ જ કેમ ? એને ઊતારી ? કોને સોંપી દીધી, તે પછી શું થયું તે જુઓ ! તા. ૧૭મી સપ્ટેમ્બરે પોલીસે દેવયાનીને પુરાવાના અભાવે જ છોડી દીધી. હકીકતમાં નજરે જોનાર એક બીજી સ્ત્રીએ પોલીસને જણાવ્યું કે, સવિતા ઘેરથી નીકળી ત્યારે એણે જે વસ્ત્રો પહેર્યા હતા તે કરતાં જુદાં વસ્ત્રોમાં તેણે સવિતાને દેવયાની સાથે ઓટોમાં બેઠેલી જોઈ હતી. આમ કેમ ? દેવયાની સાથે ઓટોના બેસતાં પહેલાં એના વસ્ત્રો કોણે બદલાવ્યા ? કેમ ? આ બધા સવાલોના જવાબ મેળવવાના બદલે પોલીસે દેવયાનીને છોડી મૂકી. એ પછી હું ફરી મારી પડોસણ દેવયાની પાસે ગઈ. મેં પૂછયું: ”મારી દીકરી કયાં છે?”

તો એણે જવાબ આપ્યો : ”હું મહિપાલપુર ખાતે મારા સગાને મળવા ગઈ હતી અને એ વખતે સવિતાને કંપની માટે સાથે લઈ ગઈ હતી.” હું પૂછું છું કે એક મોટી ઉંમરની સ્ત્રીને ૧૫ વર્ષની છોકરી શું કંપની આપવાની ? આ બધું એક રહસ્ય છે. દેવયાનીએ રાત્રે મહિપાલપુર ખાતે તેના સગાના ઘરે રોકાઈ હતી.   તે પછીની વાત કરવા તે ઈન્કાર કરે છે.

દેવયાનીની આ વાત સાંભળ્યા બાદ હું તેના મહિપાલપુર ખાતેના સગાના ઘેર ગઈ. તેના સગાએ કહ્યું: ”હા, દેવયાની અને સવિતા તો રાત્રે મારા ઘરે આવ્યા હતા પરંતુ મેં તેમને મારા ઘેર રોકાવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.”

ટૂંકમાં પડોસણ દેવયાની સવિતાને લઈને મહિપાલપુર ગઈ હતી, તે વાત સાબિત થાય છે. તે પછીની આગળની કડી મળતી નથી. તે દિવસથી આજ સુધી ઉમિદા ગુડગાંવ, સદરબજાર, વઝીરાબાદ અને મહિપાલપુર વિસ્તારોમાં દીકરીને શોધવા દિનરાત ભટકી રહી છે પણ સવિતાનો કોઈ જ પતો નથી. તે કહે છેઃ ”હવે તો ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો મારી દીકરીનું જીવન નર્કાગાર બની ગયું હશે મારી દીકરીના ગુમ થવા પાછળ મારી પડોસણ દેવયાની જ છે, પરંતુ પોલીસને તેને બોલાવી આખી ગેંગ પકડવામાં કોઈ જ રસ નથી.

આજે સવિતાની માતા- ઉમિદા પુત્રીની ખોજ માટે ભટકી રહી છે.

આ તો એક જ ઉદાહરણ છે. નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરોના આંકડા અનુસાર એક માત્ર ૨૦૧૨માં જ દેશમાં ૩૮,૧૭૨ જેટલા બાળકો સાથે ગુના થયા છે. તેમાંથી એક માત્ર હરિયાણામાં જ ૨.૬૬ ટકા ગુના નોંધાયા છે. એ વર્ષમાં હરિયાણામાં જ ૫૩૫ બાળકોનાં અપહરણ થયા હતા એ બધા ટીનએજ બાળકો ક્યાં ગુમ થઈ ગયા તે કોઈ જાણતું નથી ? આ એક ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. એક માત્ર દિલ્હીમાં રોજ ૧૮ બાળકો ગુમ થયા છે. સરકારને પણ આ વિષય પર ઓછી ચિંતા હોય કે હોય જ નહીં એમ લાગે છે. આવા બધા બાળકોનું અપહરણ કરવું, તેમને વેચી દેવા, તેમના અંગો કાપીને તેમને ભિખારી બનાવી દેવા,સેક્સના ધંધામાં પરોવી દેવા અને આરબ રાષ્ટ્રોના વિકૃત આરબોને વિકૃત સેક્સના આનંદ માટે કુમળા બાળકોને વેચી દેવાનો એક જબરદસ્ત ધંધો આ દેશમાં ફૂલ્યો ફાલ્યો છે પણ કોઈને એની ચિંતા નથી. પ્રશાસન અને પોલીસને નેતાઓના રક્ષણમાં અને નેતાઓને જ સલામ મારવામાં રસ છે.

એક દિવસ કોઈ એક નેતાના નાનકડા પુત્ર કે પુત્રીને ગુમ થવા દો, પછી જ એમને ખબર પડશે કે ગુમ થયેલા નાનકડા સંતાનની માતા અને પિતાની વેદના કેવી હોય છે !

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે.

તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. એ જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે, ભણવાનું પૂરું કરીને હું મારા દેશ પાછી જઈશ. લંડન યુનિર્વિસટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ હું ઈરાન ગઈ. મને વતન પાછા ફરવાનું બહુ જ ગમ્યું. જૂના રિશ્તેદારોને અને નજીકના સ્વજનોને મળતા એમ લાગ્યું કે, હું મારા ઘરે પાછી ફરી છું. મેં પહેલી જ વાર ઈરાનની આબોહવાને અનુભવી.

પોતાના સ્વજનો વચ્ચે રહેવું અને તેમને મળવું તે એક સુખદ અનુભવ હતો, પરંતુ એ અહેસાસ જલદી ફિક્કો પડવા લાગ્યો. મેં જોયું કે બ્રિટનમાં જે રીતે યુવતીઓને ભણવાની, ફરવાની અને વસ્ત્રો પહેરવાની આઝાદી છે, તેવી આઝાદી ઇરાનની યુવતીઓ માટે નહોતી. લંડનમાં મોડી સાંજ સુધી છોકરીઓ હરીફરી શકે છે. પોતાના પુરુષ મિત્રો સાથે રેસ્ટોરાંમાં જમવા જઈ શકે છે, ફિલ્મો જોવા જઈ શકે છે અથવા તો નાઈટ શિફ્ટમાં કામ કરી શકે છે. તેવું અહીં કાંઈ જ નથી.  ઈરાનમાં આવી આઝાદીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. આશ્ચર્યની વાત તો એ હતી કે, આવી સ્વતંત્રતાને અહીં કોઈ મહત્ત્વ જ આપતું નહોતું. ઈરાનની યુવતીઓ પણ આવા પ્રતિબંધોનો કોઈ વિરોધ કરતી નથી. જાણે કે આ બધી બંદીશોને એમણે પોતાનું કિસ્મત માની લીધું હતું.

આ બધા વાતાવરણમાં પણ હું એક શૈક્ષણિક મિશનમાં જોડાઈ ગઈ. ઈરાન આવતા પહેલાં મેં નક્કી કરી લીધું હતું કે, હું મારા દેશમાં બાળકો માટે કામ કરીશ. મારા અંતરથી એ ઈચ્છા રહી છે કે, ઈરાનનું પ્રત્યેક બાળક સ્કૂલમાં જાય અને છોકરો હોય કે છોકરી એ બંનેને ભણવાનો પૂરો અધિકાર મળે.

એક દિવસ મને કોઈએ કહ્યું કે, તહેરાનના આઝાદી મેદાનમાં વોલિબોલની મેચ યોજાવાની છે. વોલિબોલ મારી પસંદગીની રમત છે. મેં મેચ જોવાનો નિર્ણય કર્યો, પરંતુ મારી એક સહેલીએ કહ્યું : “તું ત્યાં જઈ શકીશ નહીં.”

મેં પૂછયું : “કેમ?”

એણે કહ્યું : “કારણ કે આ પુરુષોની વોલિબોલ મેચ છે અને ઇરાનમાં યુવતીઓ પુરુષોની મેચ જોઈ શકે નહીં.”

આ સાંભળીને મને આશ્ચર્ય અને આઘાતની લાગણી થઈ. મેં વિચાર્યું કે, આ તો ગેમ છે. એ જોવા પર ઇરાનમાં યુવતીઓ પર પ્રતિબંધનું કારણ શું? મેં નક્કી કરી લીધું કે, જે થવાનું હોય તે થાય, પરંતુ હું તો મેચ જોવા જઈશ જ. મારા પરિવારનાં સભ્યોએ મને   મારી જિદ્દ છોડી દેવા સમજાવી. એમને ડર હતો કે, મારી જિદ્દ મારા જીવન પર ક્યાંક ભારે પડી ના જાય ! એમનો ડર વાજબી હતો. આજ સુધી ઈરાનમાં આવા પ્રતિબંધનો કોઈએ વિરોધ કર્યો નહોતો, પણ હું અડગ રહી. મેં કહ્યું : “હું મેચ જોવા જરૂરથી જઈશ.”

શરૂઆતમાં તો બધા મને ના પાડતાં રહ્યા, પરંતુ પાછળથી કેટલીક યુવતીઓ મારી સાથે મેચ જોવા આવવા સંમત થઈ. અમે બધાં ઇરાનની રાજધાની તહેરાનના આઝાદી ઇનડોર સ્ટેડિયમ પહોંચ્યાં. જૂન, ૨૦૧૪ના દિવસોની આ વાત છે. અમે મેચની ટિકિટો ખરીદી લીધી હતી. સ્ટેડિયમના ગેટની બહાર અમને છોકરીઓને ઊભેલી જોઈ પુરુષ પ્રેક્ષકો વિચારમાં પડી ગયા. એ વાત સાચી કે આજ સુધી પુરુષોની રમતોમાં ઇરાનમાં કોઈ મહિલા દર્શકો જોવા મળી નહોતી. બધાં અમને ધારી ધારીને જોઈ રહ્યા હતા. અમે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ પર પહોંચ્યા, પરંતુ સુરક્ષા કર્મીઓએ અમને રોકી દીધી. તેમણે કહ્યું : “મહિલાઓને અંદર પ્રવેશવાની મનાઈ છે. સ્ત્રીઓને પુરુષોની મેચ જોવાની પરવાનગી નથી.”

અમે જિદ્દ કરી કે અમને અંદર જવા દો, મારી સાથે આવેલી બીજી છોકરીઓ ગભરાઈ ગઈ. એ બધી બોલી : “ચાલો પાછાં જઈએ.”

પણ હું મક્કમ રહી.

ખાસ વાત એ હતી કે, અમે બધી યુવતીઓએ માથા પર સફેદ રંગનો સ્કાર્ફ બાંધી રાખ્યો હતો. ઇરાનમાં નિયમ એવો હતો કે,મહિલાઓએ ગહેરા રંગનો જ સ્કાર્ફ પહેરવો. અમારી નાફરમાનીથી પોલીસ ગુસ્સે થઈ ગઈ. પોલીસે મારી સાથે બદસલૂકી કરી. એક પોલીસ કર્મીએ મને ગાલ પર થપ્પડ મારી. બીજાએ મારા ખભા પર માર માર્યો. એ પછી મારી ધરપકડ કરવામાં આવી. મારો મોબાઈલ ફોન અને મારું પર્સ જપ્ત કરી લીધાં. કેટલાયે કલાકો સુધી મને કોટડીમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન મારી સાથે આવેલી યુવતીઓએ મારી ગિરફ્તારીનો જબરદસ્ત વિરોધ કર્યો.

મને જામીન પર મુક્ત કરવામાં આવી. આ ઘટના આખા ઇરાનમાં ચર્ચાનો વિષય બની ગઈ, પણ કોઈએ સ્પષ્ટપણે મને સાથ આપ્યો નહીં.

આ ઘટનાના એક અઠવાડિયા બાદ હું મારો સામાન લેવા પોલીસ સ્ટેશને પહોંચી. મેં મારો મોબાઈલ અને પર્સ માગ્યા. હું કંઈ સમજું એ પહેલાં પોલીસે મને ફરીથી ગિરફ્તાર કરી લીધી. મને જેલમાં પૂરી દેવામાં આવી. જેલમાં પણ મને એક દૂરની કોટડીમાં સાવ એકલી જ રાખવામાં આવી. મેં પૂછયું કે, મને ફરીથી શા માટે જેલમાં પૂરી દેવામાં આવી છે ? તો કોઈએ કોઈ જ કારણ આપ્યું નહીં. હું એકાકી બની ગઈ. આવી એકાકી બેેરેકમાં સામાન્ય રીતે ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે. મને એ વાત હજી સમજાતી નહોતી કે, મેં એવો કયો કુખ્યાત અપરાધ કર્યો છે ?

થોડા દિવસો બાદ એ લોકોએ મારી પર ઇરાનની સરકારની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ મૂક્યો. મને કહેવામાં આવ્યું કે, મારે એક વર્ષ સુધી કેદમાં જ રહેવું પડશે.

એ લોકોને લાગે છે કે, હું સરકારની વિરુદ્ધ વિદ્રોહ કરી રહી છું. એમને લાગે છે કે, હું સરકાર વિરુદ્ધ બગાવત કરી રહી છું. અરે ભાઈ, કોઈ મહિલા વોલિબોલની મેચ જોવા જાય તે શું સરકાર વિરોધી બગાવત છે ? આખરે મહિલાઓ પર આવી બંદીશ શા માટે? આ સવાલ ઉઠાવવાનો મારો હક છે, પરંતુ જેલમાં મારી વાત સાંભળવાવાળું છે જ નહીં. છેવટે વિરોધ કરવા માટે મેં જમવાનું બંધ કરી દીધું. મેં ભૂખ હડતાળ શરૂ કરી, પણ મારી ભૂખ હડતાળની સરકારને શું ચિંતા ? એ બધાં ભેગા થઈ મને શક્તિહીન બનાવવા પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. મને મારા વકીલ સાથે મળવાની પણ છૂટ નથી. એ લોકોને એવી વાતો કરતાં પણ સાંભળ્યા છે કે, હું શાયદ જ આ જેલમાંથી જીવતી બહાર નીકળીશ !

મારા પરિવારના લોકો બહુ ચિંતામાં છે. ઇરાનની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લી સુનાવણી વખતે કોર્ટમાં મારી મમ્મી અને મારા દાદાજી પણ આવ્યા હતા. એમને મળવાની તક મને મળી હતી, પણ એ મુલાકાત માત્ર થોડીક ક્ષણો માટે પણ હતી. મમ્મી મને ગળે લગાવતી વખતે ભાવુક થઈ ગઈ હતી. હું એનું દર્દ સમજી શકું છું. મને જેલમાંથી મુક્ત કરાવવા મારો ભાઈ ખૂબ દોડાદોડ કરે છે. મેં સાંભળ્યું છે કે, સેંકડો લોકોએ મારી મુક્તિ માટે ઓન લાઈન એક અભિયાન છેડયું છે. હું ઉમ્મીદ કરું છું કે, આ ચળવળ ઇરાનની મહિલાઓના જીવનમાં એક નવી દિશા દર્શાવશે.”

એટલી વાત કરી તે ફરીથી જેલમાં જતી રહી.

૨૧મી સદીના ઇરાનમાં પુરુષની વોલિબોલ મેચ જેવી એ સ્ત્રીઓ માટે અપરાધ ગણાય છે. કેવો દેશ ? કેવું શિક્ષણ ? કેવી સંસ્કૃતિ ? કેવો ઉપદેશ?

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

લોભી, લંપટ અને અપરાધી બાબા, બાપુઓ અને સંતો

આખરે બાબા રામપાલ જેલભેગા થયા.

હરિયાણાના હિસ્સાર ખાતે ૧૨ એકરની વિશાળ જમીન પર મોટા મહેલ જેવા આશ્રમમાં છુપાયેલા સંત રામપાલે પોલીસના હાથે પકડાતાં પહેલાં આખાયે પ્રશાસન અને પોલીસ સામે જે રીતે યુદ્ધ આદર્યું તે જોઈને લોકોને કોઈ યુદ્ધ ફિલ્મની યાદ આવી ગઈ. બાબા રામપાલની ધરપકડ પહેલાં હિસારની ભૂમિ પર જે સ્ટંટ ખેલાયો તે કહેવાતા એક સંત માટે તો શરમજનક છે, પરંતુ હરિયાણાની સરકાર માટે વધુ શરમજનક છે.

૩૦ હજાર પોલીસ

હરિયાણાના આ કહેવાતા સંત સામે ખૂનથી માંડીને બીજા અનેક આક્ષેપો છે. એક ઢોંગી માણસને પકડવા માટે અદાલતે ૪૪ વખત આદેશ આપવો પડે એ હરિયાણાની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી બાબત છે. પોલીસે વધુ વિલંબ કર્યો તેથી બાબા રામપાલને પોતાની સુરક્ષાઘેરો વધારવાનો સમય મળ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પોલીસે જ સંત રામપાલને જાણીબૂજીને મોકો આપ્યો. અદાલતના કડક આદેશ બાદ જ હરિયાણાની સરકાર હરકતમાં આવી અને જે ગુનેગાર આસાનીથી પકડી શકાય તેમ હતો તેને પકડવા ૩૦,૦૦૦નું પોલીસ સૈન્ય મેદાનમાં ઉતારવું પડયું. ૩૦૦થી વધુ બસો પોલીસની હેરાફેરી માટે રોકવી પડી. ગોળીબાર અને ટિયરગેસના પ્રયોગો કરવા પડયા. સંત રામપાલને પકડવાનું હરિયાણા સરકારને રૂ. ૩૦ કરોડનું બિલ આવ્યું. હરિયાણા સરકારની મૂર્ખતા અને સંત રામપાલનો ડ્રામા આખા દેશે ટેલિવિઝન પર નિહાળ્યો. નવી રચાયેલી હરિયાણાની સરકાર પહેલા જ ટેસ્ટમાં ધરાર નાપાસ થઈ. ૧૦૦માંથી ઝીરો માર્ક આપવા પડે.

સંત રામપાલ કોણ છે ?

સંત રામપાલ હરિયાણાના ધનાના ગામમાં તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો છે. તે ખેડૂતના ઘરે જન્મેલો છે. તેનું મૂળ નામ રામપાલ સિંહ જતીન છે. હરિયાણા સરકારના સિંચાઈ વિભાગમાં તે જુનિયર એન્જિનિયર તરીકે જોડાયો હતો. ૨૦૦૦ની સાલમાં સ્વામી રામદેવાનંદના પરિચયમાં આવ્યા બાદ તેણે સરકારી નોકરી છોડી દીધી હતી. તે પછી એક તબક્કે તેણે પોતાની જાતને સંત કબીરના અવતાર તરીકે જાહેર કરી દીધી હતી. ૧૯૯૯માં હરિયાણામાં તેણે રોહતક પાસે કરોન્થા ગામ ખાતે સતલોક આશ્રમ શરૂ કર્યો હતો. સંત રામપાલ ટેક્નોસેવી અને સોશિયલ મીડિયા સેવી છે. તેની ફેસબુક પેજ પર ૪૦૦૦ લાઈક્સ જોવા મળે છે. બાબા રામપાલનો સત્સંગ વેબ ઉપર ઉપલબ્ધ છે. તેણે બીજા દેવી-દેવતાઓની પૂજા કરવા તેના અનુયાયીઓ પર પ્રતિબંધ મૂકેલો છે.

આર્યસમાજ સાથે સંઘર્ષ

૨૦૦૬ની સાલમાં તેણે આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વિશે અભદ્ર ટીકાઓ કરી હતી. એ પછી સંત રામપાલના અનુયાયીઓ અને આર્ય સમાજના સભ્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ લડાઈના સંદર્ભમાં પોલીસે સંત રામપાલની ધરપકડ કરી હતી. તેની સાથે બીજા ૧૪ જણાને પણ પકડવામાં આવ્યા હતા, પરંતુ તે તમામને જ જામીન મળી ગયા હતા. સંત રામપાલ સામે તા. ૧૯ જૂન,૨૦૦૬, તા. ૨૧ જુલાઈ, ૨૦૦૬, તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૦૯ અને તા. ૧૩ મે, ૨૦૧૩ના રોજ હુમલાઓ કરવાના, હત્યાના તથા સત લોકઆશ્રમમાંથી ગોળીબાર કરી એક મહિલાની હત્યાના એમ અનેક ગુના નોંધાયેલા છે. ૨૦૦૬ની સાલમાં થયેલી હત્યાનો કેસ હિસ્સારની કોર્ટમાં ચાલતો હતો ત્યારે જુલાઈ,૨૦૧૦માં સંત રામપાલના અનુયાયીઓએ કોર્ટમાં પણ હુમલો કર્યો હતો અને સુનાવણીને ખોરવી નાખવા પ્રયાસ કર્યો હતો. ૨૦૦૮માં સંત રામપાલ જામીન પર છૂટયો તે પછી કોર્ટમાં હાજર થયો નહોતો. તેની સામે હવે હત્યા, ગોળીબાર, કોર્ટનો તિરસ્કાર અને રાષ્ટ્રદ્રોહનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંત રામપાલ અગાઉ ૧૮ મહિના જેલમાં રહી આવ્યો છે.

સમાજનું વિભાજન

સંત રામપાલની પ્રોફાઈલ નેટ પર ઉપલબ્ધ છે. તેની અધિકૃત વેબસાઈટ દ્ધટ્વખ્તટ્વંખ્તેિેટ્વિદ્બૅટ્વઙ્મદ્ધૈ.ર્ખ્તિ છે. તે કેટલાક હિન્દુ દેવી-દેવતાઓના અસ્તિત્વ સામે જ પડકાર ફેંકે છે. તેના અનુયાયી સમક્ષ પ્રવચન કરતી વખતે આક્રમક ભાષા વાપરે છે. તેનો એવો દાવો છે કે, અત્યારે જે ગુરુઓ પ્રવચન કરે છે તે ઘણું બધું સત્ય છૂપાવે છે. સંત રામપાલના અનુયાયીઓ મોટેભાગે મધ્યમ વર્ગમાંથી આવતા અભણ લોકો છેે. તે કાળા રંગનો યુનિફોર્મ પહેરેલા સશસ્ત્ર પ્રાઈવેટ કમાન્ડોઝ પણ રાખે છે. જાતે જ બની બેઠેલો આ સંત-ગોડમેન સમાજને વિભાજિત કરનાર ‘સંત’ કહેવાય છે. તેના અનુયાયીઓને પેટ્રોલ બોમ્બ કે એસિડ બોમ્બ વાપરવા માટે પણ ઉશ્કેરે છે. તેમના આશ્રમમાંથી ૪૦,૦૦૦ લાઠીઓ, એસિડ અને શસ્ત્રો મળ્યા છે.

સમાંતર સરકાર ?

આવા ખતરનાક સંત રામપાલને પકડવા પહેલાં બાબાના અનુયાયીઓ અને લોકતાંત્રિક દેશની પ્રશાસનિક સંસ્થાઓ વચ્ચે જે ખુલ્લો ટકરાવ જોવા મળ્યો તે અપ્રત્યાશિત અને વરવો જ હતો. ગયા વર્ષે આસારામ બાપુની ધરપકડ વખતે પણ આવો જ ખેલ થયો હતો. આસારામ બાપુ, સંત રામપાલ, નારાયણ સાંઈ કે સ્વામી નિત્યાનંદ જેવા લોકો પોતાને આધ્યાત્મિક ગુરુ કહેવડાવે છે,પણ તેમનું અને તેમના અનુયાયીઓનું આચરણ ધર્મ કે અધ્યાત્મને અનુરૂપ નથી. બાબાઓ, બાપુઓ અને કેટલાક સંતો હત્યાઓ,બળાત્કાર અને જમીનો કબજે કરવાના આક્ષેપો ધરાવે છે. ધર્મના નામે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં આવા લોકો હિંદુ ધર્મને કલંક લગાડી રહ્યા છે. ધર્મના નામે ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. ર્ધાિમક સંસ્થાનો પાસે બેસુમાર સંપત્તિ અને હવે પ્રાઈવેટ આર્મી પણ છે તેઓ ભારતીય કાનૂનને માનતા નથી. તેઓ ઝડપથી પકડાતા નથી. તેનું એક કારણ આવા ઢોંગી, ધૂતારા અને ગુનેગાર બાબાઓને રાજનેતાઓનું પણ રક્ષણ હોય છે. રાજકારણીઓને આવા ખતરનાક બાબા-સંતોમાં વોટબેંક દેખાય છે, પરંતુ ‘અપરાધ’ દેખાતો નથી. હવે એ જરૂરી છે કે, દેશના તમામ ધર્મોના સંસ્થાનો, ગુરુઓ, ગાદીપતિઓ અને તેમની સંપત્તિને કાનૂનના દાયરામાં લાવી તેઓ ગુનેગાર જણાય તો કડક હાથે કામ લેવું જોઈએ. ધર્મના નામે જાહેર રાજમાર્ગો પર સરઘસો કાઢી ટ્રાફિક જામ કરનારા, મોટાં લાઉડ સ્પીકરો વગાડી અવાજનું પ્રદૂષણ કરનારા, જમીનો હડપનારા, હત્યાઓ કરનારા અને આશ્રમોમાંથી ગોળીઓ ચલાવનારાઓને ભારતીય ગણતંત્રમાં સમાંતર સરકાર ચલાવવાનો કોઈ હક નથી.

એમને પાઠ ભણાવવો.

ઢોંગી સંત રામપાલને પકડવામાં વિલંબ કરનાર પ્રશાસન પણ નબળું સાબિત થયું

Page 15 of 43

Powered by WordPress & Theme by Anders Norén