દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા. કમનસીબે તેઓ કેટલાક સમયથી કોઈ પ્રતિક્રિયા આપી શકવા શરીરથી સમર્થ નથી. અલબત્ત, આ નવાજેશથી દેશના કરોડો લોકોને ખુશી થઈ હશે તેમાં કોઈ શંકા નથી.

કારકિર્દીનો આરંભ

સહેજ ફ્લેશબેક જોઈએ. તા. ૮મી મે, ૧૯૫૩ના દિવસની આ વાત છે. દિલ્હીના રેલવે સ્ટેશન પર ૨૮ વર્ષનો એક યુવાન જેણે ધોતી અને કુર્તો પહેર્યો હતો, પોતાની શોલ લપેટીને થોડા સામાન સાથે ટ્રેનના સામાન્ય ડબ્બામાં પ્રવેશ્યો. તે યુવાનની ર્સ્ફૂિત ભાજપાની મૂળ પાર્ટી જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી જોઈ રહ્યા હતા. એ વખતે જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રવેશબંધીના આદેશની વિરુદ્ધ તેઓ એક કાર્યક્રમ આપી રહ્યા હતા. તેઓ રાજ્ય માટે પૂર્ણ એકીકરણની માગણી કરી રહ્યા હતા. એ વખતે ડો. મુખરજીને ખબર પડી કે, ૨૮ વર્ષની વયના ધોતી-કુર્તાવાળા એ યુવાનનું નામ અટલ બિહારી વાજપેયી છે. તા. ૧૦ મે, ૧૯૫૩ના રોજ ડો. મુખરજીને જમ્મુ-કાશ્મીરની બોર્ડર પર ગિરફ્તાર કરી દેવાયા અને તેમને શ્રીનગરની જેલમાં મોકલી દેવામાં આવ્યા. એ પહેલાં ડો. મુખરજીએ તેમના યુવાન સાથીદાર અટલ બિહારી વાજપેયીને દિલ્હી પાછા જવાની સૂચના આપતાં કહ્યું કે, “એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ચલાવી લઈશું નહીં.” તેવા નારા સાથે પાર્ટી વિરોધ કરે.

ડો. મુખરજીનું તો તા. ૨૬ જૂન, ૧૯૫૬ના રોજ શ્રીનગરમાં પોલીસ કસ્ટડીમાં જ સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ નીપજ્યું, પરંતુ યુવાન વાજપેયીએ આખા દેશમાં પોતાના રાજકીય ગુરુનો સંદેશો પોતાની વાક્પટુતા અને મંત્રમુગ્ધ કરી દેનારી વકતૃત્લ શૈલી દ્વારા પ્રસારિત કરવાનું કામ કર્યું.

નહેરુ અને વાજપેયી

એ પછી ૧૯૫૭માં દેશમાં સામાન્ય ચૂંટણીઓ આવી. અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશના બલરામપુર મત વિસ્તારમાંથી લોકસભામાં પ્રવેશ કર્યો. અદ્ભુત સાંસદમાં પ્રવચન શૈલીથી તેમણે તેમના સમકાલીન સાંસદોનાં દિલ જીતી લીધાં. તેમાંથી એક જવાહરલાલ નહેરુ પણ હતા. એ સમયે નહેરુ વડા પ્રધાન હતા અને આખો દેશ નહેરુના કેરિશ્મેટિક વ્યક્તિત્વથી પ્રભાવિત પણ હતો. એ વખતે એક વિદેશી ઉચ્ચ અધિકારીની ભારતની મુલાકાત વખતે નહેરુએ વાજપેયીનો તેમની સાથે પરિચય કરાવતાં કહ્યું : “આ વ્યક્તિ એક દિવસ ભારતનો વડા પ્રધાન બનશે.”

એ સમયે અટલજી વિપક્ષમાં હતા. તા. ૮મી એપ્રિલ, ૧૯૬૪ના રોજ જ્યારે નેશનલ કોન્ફરન્સના એ વખતના નેતા શેખ અબ્દુલ્લાને જ્યારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જવાની પરવાનગી આપવામાં આવી ત્યારે રાજ્યસભામાં જવાહરલાલ નહેરુની સખત આલોચના કરનારા પણ અટલજી જ હતા. પરંતુ તા. ૨૭ મે, ૧૯૬૪ના રોજ જ્યારે જવાહરલાલ નહેરુનું અવસાન નીપજ્યું ત્યારે રાજ્યસભામાં એ જ અટલજીએ દિવંગત નહેરુને ભાવભીની અંજલિ પણ આપી હતી. શાયદ આ કારણથી જ બધાં જ રાજકીય પક્ષોના નેતાઓ અટલજી પ્રત્યે આદર ધરાવતા હતા. વાજપેયીજી ૪૭ વર્ષ સુધી સાંસદ રહ્યા. જે પૈકી ૧૧ વખત લોકસભામાં અને બે વાર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા, પરંતુ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો સદૈવ તેમના દિલોદિમાગ પર છવાયેલો રહ્યો.

કવિહૃદય

અટલજી હૃદયથી કવિ હતા. કોઈ પણ પરિસ્થિતિ પર તેઓ પોતાના વિચારો તેમની કવિતાના માધ્યમથી અભિવ્યક્ત કરી શકતા હતા. એમની પ્રવચનશૈલી લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દેનારી હતી. અટલજીને આ વિરાસત તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓ બચપણથી જ તેમના પિતાની સાથે કવિ સંમેલનોમાં જઈ કવિતા પઠન કરતા હતા. તેમના પિતા મધ્યમ વર્ગમાંના સ્કૂલ શિક્ષક હતા. ‘મેરી ઇક્યાવન કવિતાએ’ એ શીર્ષકથી તેમની કવિતાઓનો એક સંગ્રહ કાફી લોકપ્રિય રહ્યો હતો.

૧૯૭૭માં અટલજી જનતા પાર્ટીની સરકાર વખતે ભારતના વિદેશમંત્રી હતા. એ વખતે તેમણે પાકિસ્તાન સહિત ભારતના તમામ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, ભાઈચારો અને કુદરતી સન્માનના સિદ્ધાંત પર સંબંધો વિકસાવવા પ્રયત્નો કર્યા હતા. એ વખતે તેમણે એક વિધાન કર્યું હતું : “તમે મિત્ર બદલી શકો છો, પરંતુ પડોશી નહીં.” તેમના આ વિધાનને ભારતના વિદેશ મંત્રાલયમાં કહેવતના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન યાત્રા

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા પોખરણના અણુ પરીક્ષણ બાદ તેઓએ ચીનાર-એ-પાકિસ્તાનનો દૌરો કર્યો હતો. એ વખતે લાહોરના ગવર્નર હાઉસથી તેમણે કરેલું જોરદાર ભાષણ પાકિસ્તાનની સામાન્ય જનતાને હૃદયથી સ્પર્શી ગયું હતું. તેનું જીવંત પ્રસારણ પાકિસ્તાન અને ભારત બંને દેશોએ કર્યું હતું. તે પ્રવચનમાં તેમણે પરસ્પર આદાનપ્રદાન, અંદરોઅંદરના વિશ્વાસ પર ગરીબી સામે લડવા મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને ભારતીય ઉપખંડમાં આતંકવાદ તથા ડ્રગ્સ માફિયા સામે લડવા આહ્વાન કર્યું હતું. વાજપેયીના આ ભાવનાત્મક ભાષણ બાદ પાક. વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું : “વાજપેયી સાહબ, અબ તો આપ પાકિસ્તાન મેં ભી ચુનાવ જીત શકતે હૈં.”

સહી આદમી લેકિન

આમ અટલ બિહારી વાજપેયી એક સરળ અને સહૃદયી ઈન્સાન તરીકે મીડિયામાં પણ જાણીતા રહ્યા. કેટલીક વાર કેટલાક કટાર લેખકે તેમની ઘણી આલોચના પણ કરતા અને વાજપેયીજી તેમની જ ભાષામાં સસ્મિત જવાબ આપતા. એક વાર જાણીતા કટાર લેખક ખુશવંતસિંહે વાજપેયી માટે એવું વિધાન કહ્યું કે, “આદમી તો સહી હૈં લેકિન ગલત પાર્ટી મેં હૈં.”

ખુશવંતસિંહના આ બહુર્ચિચત વિધાનનો જવાબ આપતાં વાજપેયીજીએ કહ્યું હતું : “અગર મૈં આદમી સહી હૂ તો ગલત પાર્ટી મેં નહીં હો સકતા.”

પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે અટલ બિહારી વાજપેયી માટે આ શબ્દો વાપર્યા હતા