કેરાલામાં દારૂબંધી !

ગાંધીજીના ગુજરાતમાં તો શરાબબંધી છે, પરંતુ હવે કેરાલા જેવું ટૂરિસ્ટ સ્ટેટ પણ એ માર્ગે જવા માગે છે. કેરાલાએ તબક્કાવાર દારૂબંધી દાખલ કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. કેરાલા માટે આશ્ચર્યજનક વાત એ છે કે, દેશમાં જે માત્રામાં સરેરાશ દારૂ પીવાય છે તે કરતાં કેરાલમાં વ્યક્તિદીઠ શરાબપાનની માત્રા વધુ છે. વધુ આશ્ચર્યની વાત એ છે કે, કેરાલા દેશનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરાલા સહેલાણીઓનું પણ પ્રિય રાજ્ય છે. દારૂબંધી દાખલ કરવાથી ત્યાં પ્રવાસીઓની આવનજાવન તથા કરવેરાની આવક પર અસર પડવાની હોવા છતાં કેરાલા સ્ટેટ આ પગલું ભરવા જઈ રહ્યું છે તે એક સુખદ્ આશ્ચર્ય છે.

ગુજરાતની દારૂબંધી !

દેશમાં હાલ ગુજરાત, મિઝોરમ, નાગાલેન્ડ રાજ્યોમાં દારૂબંધી છે. અંગ્રેજોના જમાનામાં ગુજરાતમાં દારૂબંધી નહોતી. આજના ગાંધી રોડ પર વ્હિસ્કીની અને બ્રાન્ડીની દુકાનો હતી. એ જમાનામાં ‘એસ્ટ્રેલ-૮’ નામની વ્હિસ્કી બહુ જાણીતી હતી. આઝાદી બાદ ગુજરાતનું અલગ રાજ્ય બન્યા પછી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધીના કારણે પ્રમાણમાં લોકો સુખી અને સલામત છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં જાહેરમાં દારૂબંધી છે, પરંતુ ખાનગીમાં દારૂ છૂટથી મળે છે. ગુજરાતના નાનામાં નાના ગામમાં પણ દારૂ ઉપલબ્ધ છે. એકમાત્ર અમદાવાદ શહેરમાં ૪૦૦થી ૫૦૦ જેટલા નાનાં-મોટાં દારૂના અડ્ડા છે. એકમાત્ર અમદાવાદ જ રોજનો બે કરોડનો દારૂ ઢીંચી જાય છે. દારૂના અડ્ડાઓના કારણે શહેરના પોલીસ સ્ટેશનોને દર મહિને લાખોનો હપતો મળે છે. ગુજરાતમાં મોટાભાગે દારૂ રાજસ્થાન, પંજાબ અને દમણથી આવે છે. અમદાવાદ જેવા શહેરમાં લઠ્ઠાકાંડના કારણે સેંકડો લોકોનાં મૃત્યુ નીપજેલા છે. અમદાવાદ અને ગાંધીનગરના કોતરોમાં દેશી દારૂનો ગેરકાયદે ગૃહઉદ્યોગ ચાલે છે. જો કે મિઝોરમ અને નાગાલેન્ડ હવે દારૂબંધી સમાપ્ત કરી દેવાનો વિચાર કરી રહ્યા છે.

રાજસ્થાન-દિલ્હી

ગુજરાતના લોકો માટે દારૂ પીવાના પ્રિય સ્થળ રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ, ઉદેપુર અને રતનપુર બોર્ડર છે. રાજસ્થાનમાં ૧૯૭૭થી ૧૯૮૦ સુધી, ગુજરાતનાં કેટલાંક સીમાવર્તી જિલ્લાઓમાં દારૂબંધી દાખલ કરવામાં આવી હતી. તે પછી ૧૯૮૦થી ૧૯૮૧ સુધી આખા પ્રદેશમાં સંપૂર્ણ દારૂબંધી દાખલ કરવામાં આવી હતી. શરાબબંધીથી રાજસ્થાન સરકારને વેરામાં ભારે નુકસાન જાય છે તેવું બહાનું કાઢીને તા. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૧ના રોજ દારૂબંધી સમાપ્ત કરી દેવામાં આવી હતી. આજે રાજસ્થાનમાં આવેલા તમામ હાઈવે પર ‘ચિલ્ડ બિયર’ અને ‘અંગ્રેજી શરાબ કી દુકાન’ની હાટડીઓ જોવા મળે છે. રાજસ્થાનની બોર્ડર પર ‘સિગ્નેચર’નામના જાણીતા દારૂ અને બિયરના બ્રાન્ડ નેમવાળા દારૂના બાર પણ જોવા મળે છે. રાજસ્થાન સરહદમાંથી ગુજરાતમાં આવતો દારૂ ‘રાજસ્થાન મેઈક’ અને ‘પંજાબ મેઈક’ એમ એક જ બ્રાન્ડના અલગ અલગ ભાવ સાથે મળે છે. મોટા ભાગના ગુજ્જુઓ’બ્લેન્ડર્સ પ્રાઈડ’ કે ‘સિગ્નેચર’ બ્રાન્ડનો નકલી દારૂ જ ગટગટાવી જાય છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. રાજસ્થાન પછી છત્તીસગઢમાં પણ ૨૦૧૩-૧૪માં આંશિકરૂપે દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ સરકારની નવી નીતિમાં ત્યાં પણ દારૂની દુકાનો વધી ગઈ છે. દિલ્હીમાં તો સરકાર જ દારૂ વેચે છે. સાંજના છ કે સાત વાગે દિલ્હીની દારૂની દુકાન પર શ્રમજીવીઓ અને ખૂબ જ ઓછું કમાતા લોકો દારૂ ખરીદવા માટે દુકાન પર ધક્કામુક્કી કરે છે. દારૂની દુકાન પર એટલી તો ભીડ હોય છે કે ત્યાં જ કેટલાકના ખિસ્સાં કપાય છે.

૫૫,૦૦૦નાં મૃત્યુ

દેશમાં દર વર્ષે સડક દુર્ઘટનાઓમાં ૧,૩૮,૦૦૦ લોકોનાં મોત નીપજે છે. આલ્કોહોલ અને ડ્રગ ઇન્ફર્મેશન સેન્ટરના એક અભ્યાસ અનુસાર આમાંથી ૪૦ ટકા લોકો એટલે કે ૫૫,૦૦૦ લોકો દારૂ પીને વાહન ચલાવવાના કારણે મોતને ભેટે છે. ભારતમાં કુલ વસતીના ૨૬ ટકા લોકો શરાબનું સેવન કરે છે. તેમાંથી ૪૦.૭ ટકા પુરુષો છે. જ્યારે ૧૦ ટકા મહિલાઓ છે. દારૂ પીવાથી ૨૦૦થી વધુ બીમારીઓ થાય છે. શરાબથી થતી બીમારીઓના કારણે ભારત સહિત દુનિયાભરમાં ૩૩ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આલ્કોહોલના સેવનથી મોં, અન્નનળી કે ગળાનું કેન્સર થાય છે. શરાબના કારણે મસ્તિકમાં પ્રિસાઈનેપ્ટિક ડોપામીન રિસેપ્ટર્સમાં ફરક પડવાના કારણે માનસિક સંતુલન બગડી જાય છે. શરાબના કારણે હૃદયરોગ, બ્લડપ્રેશર, અલ્સર, સિરોસીઝ ઓફ લીવર, પેન્ક્રિયાટાઈટિસ, અનિદ્રા જેવા રોગો થાય છે. પુરુષના સ્પર્મમાં ઘટાડો પણ થાય છે. મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું તથા અચાનક કસૂવાવડ થઈ જવાનું એક કારણ શરાબ પણ છે. શરાબના કારણે મેન્ટલ ઇલનેસ એટલે કે મસ્તિષ્ક કામ કરવાનું બંધ કરી દે છે.

પ્રાચીન સમયમાં

દારૂને સુરા પણ કહે છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં સુરા અને સોમરસનો ઉલ્લેખ છે. સુરાપાન સંબંધી પાપની ધારણા વૈદિક પરંપરામાં દીર્ઘકાળથી રહી છે. ઋગ્વેદથી માંડીને અથર્વવેદ અને રામાયણ સુધીના ગ્રંથોમાં સુરાનો ઉલ્લેખ છે. ક્યાંક તેની નિંદા છે તો ક્યાંક તેની પ્રશંસા પણ છે અલબત્ત, પૌરાણિક કાળમાં સુરાપાનને પાપ જન્માવનારી કુટેવ કહેવામાં આવી છે. સુરાપાનને હિંદુ ધર્મશાસ્ત્રોમાં અધર્મની શ્રેણીમાં મૂક્યું છે. જો કે બીજી નોંધનીય વાત એ છે કે, ઉજ્જૈન પાસે કાલભૈરવને શરાબનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે.

વિશ્વના અન્ય દેશોમાં

અમેરિકામાં ૧૯૨૦ના અરસામાં સામાજિક સંગઠનોની માગ પર દારૂબંધી દાખલ કરવામાં આવી હતી, પરંતુ લોકો ગેરકાયદે ઠેકેદારો પાસેથી દારૂ ખરીદવા લાગ્યા હતા. દારૂબંધીના કારણે અમેરિકામાં અલકોપેન જેવા ખતરનાક ડોનનો ઉદય થયો હતો. ૧૯૩૩ આવતાં સુધીમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે અમેરિકામાંથી દારૂબંધી ઉઠાવી લીધી હતી. ફિનલેન્ડમાં ૧૯૧૯થી ૧૯૩૨ અને આઈસલેન્ડમાં ૧૯૧૫થી ૧૯૨૨ સુધી દારૂબંધી રહી. નોર્વેમાં ૧૯૧૬થી ૧૯૨૭ સુધી અને રશિયામાં ૧૯૧૪થી ૧૯૨૫ સુધી દારૂબંધી રહી હતી, હવે નથી. રશિયા તો હવે જગપ્રસિદ્ધ ‘વોડકા’ નામનો દારૂ બનાવે છે. આરબ રાષ્ટ્રોમાં દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ છે. કતાર, દક્ષિણ અરબસ્તાન અને યુએઈમાં ફક્ત હોટેલોમાં જ દારૂ પી શકાય છે. બહેરીનમાં તો હોટેલોમાં પણ દારૂના સેવન પર પ્રતિબંધ છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં દારૂબંધી નથી, પરંતુ દારૂ પીને કાર ચલાવનાર સામે કડક કાનૂની જોગવાઈઓ છે. તેની સામે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી જ પોલીસ માટે મોટી આવકનું સાધન બની ગઈ છે. ગાંધીજીના ગુજરાતમાં ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી’ જેવો માહોલ છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતની ટીન એજ છોકરીઓ પણ બિયર પીતી જોવા મળે છે.

કેરાલા હવે દારૂબંધી દાખલ કરવા માગે છે દારૂના સેવનથી ૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે