રાજનીતિ ક્રૂર છે. રાજનીતિમાં સંબંધો, લાગણીવેડા, પૂર્વનાં સમીકરણો એ કાંઈ ચાલતું નથી. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમન બાદ દેશની રાજનીતિ અને સમીકરણો એ બધું જ બદલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેનાના ૨૫ વર્ષના સંબંધો ખરાબે ચડયા છે. શિવસેના સાથેના સંબંધોનો અંત એ ભારતીય જનતા પાર્ટીની લાંબા ગાળાની યોજનાનો જ એક ભાગ છે. અત્યારે ટૂંકાગાળા માટે એ સંબંધો પૂર્વવત્ બને કે તૂટે, પરંતુ ભાજપાની રાજનીતિ એ છે કે, દેશમાં ફરી એક વાર એક નાના તમામ પક્ષોને ગ્રહણની પાછળ અદૃશ્ય કરીને ભાજપાએ એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊપસવું. મહારાષ્ટ્ર અને હરિયાણા- આ બંને રાજ્યોની ચૂંટણીઓ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિમાંથી ગઠબંધનની જરૂરિયાતોનો અંત લાવવા ભાર મૂક્યો હતો.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ દેશમાં જે રાજકીય શૂન્યાવકાશ પેદા થયો છે તેમાં પદાર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના પ્રમુખ અમિત શાહ ઝડપભેર કામગીરી કરી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે ભાજપા તાત્કાલિક તેના સાથી પક્ષોને ફગાવી નહીં દે, પરંતુ મોદી સરકારના અસ્તિત્વ માટે કોઈ ખાસ મહત્ત્વ ન ધરાવતા તેના સાથી પક્ષો આજે ભાજપા સાથે કોઈ શરતો લાદી શકે અને સત્તામાં ભાગીદારી માટે કોઈ સોદાબાજી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની હાલત ખરાબ છે. ઉદ્ધવ ઠાકરે ભાજપાની સરકારમાં જોડાવા તત્પર છે, પરંતુ ભાજપા જ તેનાથી અંતર રાખે છે. શિવસેનાની આટલી દયામણી હાલત અગાઉ કદી નહોતી.
એક સમય હતો જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષો માટે અસ્પૃશ્ય હતી. અટલ બિહારી વાજપેયીના ઉદય બાદ તેમના ઉદારમતવાદી ચહેરાના કારણે ‘૯૦ પછીનાં વર્ષોમાં કેટલાક પક્ષો તેમના સાથી બન્યા અને ૧૯૯૮માં ૨૪ જેટલા ભાગીદાર પક્ષોની બનેલી ભાજપાના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની. રસપ્રદ વાત એ પણ છે કે, આજની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર પણ ૨૯ જેટલા પક્ષોની બની. તેમાંથી બે પક્ષો સાથ છોડી ગયા છે. ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં આ સાથીદારોની ખોજ કરવામાં આવી હતી, કારણ કે ભાજપાને પોતાને જ ખાતરી નહોતી કે તેને સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપાએ હવે નવી વ્યૂહરચના અપનાવી છે. બીજી પાર્ટીઓ સાથે નવાં જોડાણો કરવાના બદલે બીજા પક્ષોના ચાવીરૂપ નેતાઓની જ આયાત કરવા માંડી છે. દા.ત. કોંગ્રેસના બીરેન્દ્ર સિંહ અને રાવ ઇન્દ્રજીત સિંહ, રાષ્ટ્રીય જનતા દળના રામક્રીપાલ યાદવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહ અને નેશનલ કોન્ફરન્સના અજાતશત્રુ આનાં ઉદાહરણો છે.
ભાજપાનું ગેમ્બલિંગ
રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય સાથે જ બધું બદલાવા માંડયું છે. મોદીના નામની જાહેરાત સાથે જ નીતિશકુમારની જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપા સાથે છેડો ફાડયો તે પહેલો સંકેત હતો. અલબત્ત, ભાજપા માટે આ મોટો જુગાર હતો. તેને મોટો ફાયદો બિહારમાં જ થયો અને નીતિશકુમારની પાર્ટીને મોટી પછડાટ મળી. પરિસ્થિતિ એવી પેદા થઈ કે નીતિશકુમારે તેના જબરદસ્ત વિરોધી એવા લાલુ પ્રસાદ યાદવ સાથે દોસ્તી કરવા જવું પડયું. દિલ્હીમાં મોદી સરકારની રચના બાદ નાના સાથી પક્ષોને હડસેલી મૂકવા માટે ભાજપાનો આત્મવિશ્વાસ વધ્યો અને મહારાષ્ટ્ર તથા હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની રણનીતિ અપનાવી. જેનો તેને ફાયદો પણ થયો. આ બંને રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી શકાય તેવો એક પણ કેરિશ્મેટિક ચહેરો ના હોવા છતાં ભાજપા નરેન્દ્ર મોદીના સહારે તરી ગઈ અને એ બંને રાજ્યોમાં સરકાર પણ રચી દીધી. હરિયાણામાં ભાજપાએ કુલદીપ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે છેડો ફાડયો. નોંધપાત્ર વાત એ છે લોકસભામાં આ બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી કુલ ૧૦માંથી ૭ બેઠકો કબજે કરી હતી છતાં ભાજપાએ હરિયાણા જનહિત કોંગ્રેસને અલગ કરી એકલા હાથે ચૂંટણી લડી. આ જુગાર પણ સફળ થયો. ભાજપાને હરિયાણામાં જબરદસ્ત સફળતા મળી. મહારાષ્ટ્રમાં પણ લોકસભાની ચૂંટણી વખતે ભાજપા-શિવસેનાની યુતિએ કુલ ૪૮માંથી ૪૨ બેઠકો કબજે કરી હતી. એ જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપાએ તેના વર્ષો જૂના સહયોગી શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડવાનો જુગાર ખેલ્યો. ફાયદો ભાજપાને જ થયો. એક મોટા પક્ષ તરીકે ભાજપા ઊપસી. શિવસેનાને બાજુમાં હડસેલી સરકાર પણ રચી દીધી.
દક્ષિણનાં રાજ્યોમાં
દક્ષિણનાં રાજ્યોમાં ભાજપાનો હજુ પ્રભાવ નથી, પણ એણે પોતાનો પગદંડો જમાવવાના પ્રયાસનો આરંભ તો કરી જ દીધો છે. ૨૦૦૮માં ભાજપાએ કર્ણાટકમાં પહેલી જ વાર સરકાર રચી હતી, પણ તે પછીની ચૂંટણીઓમાં ભાજપાનો પરાજય થયો. તે પછી કર્ણાટકમાં ભાજપાએ નાની પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોડાણ કર્યું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૧૨ બેઠકો જીતીને ભાજપાએ તેનો આત્મવિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. તમિળનાડુમાં જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જેલમાં જવું પડયું અને જયલલિતાના પ્રતિસ્પર્ધી એવા એમ. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને કોંગ્રેસ સાથે વાંકુ પડયું છે તેથી ભાજપા હવે કોઈપણ સાથી પક્ષની મદદ વિના તમિળનાડુમાં પગરણ માંડવા તૈયારી કરી રહ્યું છે. તમિળનાડુની નાની પાર્ટીના નેતા વાઈકો અને કેપ્ટન વિજયકાંત કે જેઓ એનડીએના સહયોગી રહ્યા છે તેમને પણ હવે દૂર કરવાની રણનીતિ ભાજપા અપનાવી રહ્યું છે.
દેશને કોઈ એક જ રાષ્ટ્રીય પક્ષ ચલાવે તે જરૂરી છે અને ભાજપા એ યોજનાના ભાગરૂપે નાના સાથી પક્ષોને તેમના કદ પ્રમાણે વેતરી રહ્યું છે, જે ખોટું પણ નથી.
ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષોને સોદાબાજી કરી ન શકે તેવી સ્થિતિમાં લાવી દીધા
Comments are closed.