રચના.

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના પણ રામેશ્વરનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિર્વિતત થઈ ગયો.

એ પછી રામેશ્વર અવારનવાર માંગરૌલી આવવા લાગ્યો. રચના પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા નહોતા. રચનાના માતા-પિતાને શંકા જતાં તેમણે રચનાને ઠપકો આપ્યો છતાં તે રામેશ્વરને મળતી જ રહી. રચનાને રામેશ્વરથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો બિહારી નામનો એક યુવાન શોધી કાઢયો. રચનાની સગાઈ બિહારી સાથે કરી દેવામાં આવી.

રચનાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમ રામેશ્વરને જાણ કરીઃ ”રામેશ્વર! મારી સગાઈ બિહારી નામના કોઈ માણસ સાથે કરી દેવાઈ છે.”

રામેશ્વરે કહ્યું: ”ડોન્ટ વરી રચના! મને પણ આ વાતની ખબર પડી છે. એક બિહારી યુવાન છે પણ મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે. આપણે પહેલાંની જેમ જ મળતાં રહીશું.” રચનાને રામેશ્વરની વાત ગમી નહીં. એ તો રામેશ્વર સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામેશ્વરે રચનાને બિહારીમામા સાથે જ પરણી જવા સલાહ આપી. રચનાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામેશ્વર આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે? રચનાએ બિહારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી.

લગ્ન બાદ રચના પતિગૃહે આવી. રામેશ્વર માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામેશ્વર ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ રચના સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો. પણ રચના ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામેશ્વર હવે મૂંઝાયો. ફરી તેનું મન રચનામાં પરોવાયું. રચના તેની સાથે વાત પણ કરવા માગતી નહોતી. રામેશ્વરે વિચાર્યું કે, ”જરૂર પડશે તો હું રચનાને ભગાડીને પણ લઈ જઈશ.”

એક દિવસ મોકો જોઈને તે બિહારીમામાના ઘેર ગયો. રચના એકલી હતી. રામેશ્વર રચનાને બે હાથ જોડી વિનંતી કરીઃ ” રચના! હું આજે પણ ચાહું છું. હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું.”

” તો પહેલાં જ મને લઈ જવી હતી ને?” રચના બોલી.

બેઉ વચ્ચે મૌન છવાયું.

કેટલીક વાતો થઈ અને તે પછી રામેશ્વર ત્યાંથી ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ રચનાએ તેેની સાસુને કહ્યું, ” મમ્મી! આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગ-નાગણનો સંબંધ હતો. તે નાગ મને તેની સાથે સર્પ લોકની દુનિયામાં લઈ જવા માંગે છે.”

રચનાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું: ”બેટા ! સપનાં સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપનાં સાચા હોતાં નથી.”

આમ છતાં થોડા દિવસ પછી રચનાએ ફરી એના સાસુને કહ્યું: ” મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાયો. તે કહેતો મને છોડશે નહીં.” રચનાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત રચનાના માતા-પિતાને પણ કરી, રચનાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડ કૂંંક ેપણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને રચના ફરી તેના પતિના ઘેર આવી. બધાને લાગ્યું કે રચના હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળીયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે.

એ રાત્રે આખુંય પરિવાર રાત્રે જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે બિહારી સવારે ઉઠયો ત્યારે પલંગમાં રચના નહોતી. તેણે તપાસ કરી તો રચના બાથરૂમમાં પણ નહોતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાં યે ક્યાંય નહોતી. પલંગમાં રચનાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યાં હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગલસૂત્ર પડયા હતા. રચનાના બધાં જ વસ્ત્રો ઊતારી નાંખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી.

બિહારીએ તેે ચિઠ્ઠી ખોલી. રચનાએ એમાં લખ્યંુ હતું: ”હું નાગણ બની ચુકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો.!!

ચિઠ્ઠી વાંચી બિહારી સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડયું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઊઠયો. ઘરનાં સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. બિહારીએ રચનાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે બિહારીની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું: ”આ નાગણ નથી પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં.

બિહારીના પરિવાર માટે આ બીજુ આશ્ચર્ય હતું. હવે તો રચનાના માતાપિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા રચનાના સાસરિયાં પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે રચનાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે.”

પોલીસ પણ આવોે વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ તપાસ શરૂ કરી બિહારીના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી પોલીસને એવી બાતમી મળી કે, જે દિવસથી રચના ગુમ છે તે જ દિવસથી બિહારીનો ભાણેજ રામેશ્વર પણ ગુમ છે.

પોલીસે રામેશ્વરના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડયું કે રામેશ્વર રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામેશ્વર ભોપાલમાં છે. પોલીસે રામેશ્વરના બે ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામેશ્વર સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ ભોપાલ પહોંચી. તેઓ રામેશ્વર કયાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો રચના અને રામેશ્વર બેઉ અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા.

રચનાએ કબૂલ કર્યું: ”હું રામેશ્વરને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ બિહારી સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામેશ્વર પર મારો ગુસ્સોે હતો પણ તેણે મને ભગાડી જવાની હા પાડતાં અમે નાગ-નાગણના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આટલા દિવસેે જ મારો પ્રેમી રામેશ્વર એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી એ મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાંખ્યા. અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છુટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામેશ્વર મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી ભોપાલ આવ્યા.”

પોલીસ આખીયે કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો. પરંતુ નાગ-નાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોઈ મેજિસ્ટ્રેટે રચનાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામેશ્વર સામે આગળની કાર્યવાહી જારી કરી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in