ચૂંટણીમાં હારી ગયા પછી અથવા તો નિવૃત્ત થયા પછી ઘણા હતાશ થઈ જાય છે. ઘણા એકાકી જીવન ગાળે છે. ઘણા નવી પ્રવૃત્તિ શોધી કાઢે છે. ઘણા જૂનાવ્યવસાય તરફ વળે છે. ઘણા ફરી બેઠા થવા કમર કસે છે. નવનિર્માણના આંદોલન પછી સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે એ જ દિવસથી ફરી સત્તા કબજે કરવાનો પુરુષાર્થ આરંભી દીધો હતો અને પૂરાં ૧૫ વર્ષ બાદ તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના પૂર્વ રાજસભાના સભ્ય બ્રહ્મકુમાર ભટ્ટ ચીમનભાઈ પટેલના કાળમાં ગુજરાત વિદ્યુત બોર્ડના ચેરમેન હતા, પરંતુ તેમની મુદત પૂરી થતાં બીજા જ દિવસથી તેમનુ લેમ્બ્રેટા સ્કૂટર લઈ ફોજદારી કોર્ટમાં વકીલાત કરવા જવા લાગ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નાદુરસ્ત તબિયત છતાં જૈફ વયે ગાંધીનગરમાં તેમના ખાનગી બંગલાની વિશાળ લાઈબ્રેરીમાં પુસ્તકોનાં સાંનિધ્યમાં જીવન બસર કરે છે. ગુજરાતના બીજા એક પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખે રાજનીતિને કાયમ માટે રામરામ કરી દીધા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આજે પણ તેમનો અસલી આક્રમક મિજાજ ધરાવે છે.

વીરપ્પા મોઈલી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ-૨ સરકારના ઘણા મંત્રીઓ હાર્યા છે. તેમાંથી કેટલાક સુખી છે તો કેટલાક પોતાના અસલ વ્યવસાય તરફ પાછા ફર્યા છે. સૌથી પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલની વાત. વીરપ્પા મોઈલી મૂળ સ્વરૂપમાં લેખક છે. અત્યાર સુધીમાં તેમનાં એક ડઝન પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમનાં બે પુસ્તકો (૧) ક્વેસ્ટ ફોર જસ્ટિસ અને (૨) ‘ક્વેસ્ટ ફોર ગવર્નેન્સ’ લોકાર્પણ થવાની તૈયારીમાં છે. ગઈ તા. ૮મી માર્ચે તેમની લાંબી કાવ્યકૃતિ ‘દ્રૌપદી’નું કન્નડ રૂપાંતર સ્વયં મોઈલીએ લોકાર્પણ કર્યું હતું. હવે તેનું અંગ્રેજી અને હિન્દી રૂપાંતર થઈ રહ્યું છે. ફાઈલો પર નોટ્સ લખવાની સાથે સાથે તેમણે કવિતાઓ અને ગદ્ય લખવાનું પણ ચાલુ રાખ્યું હતું. વીરપ્પા મોઈલીને આમે ય કદી સત્તાનો નશો નહોતો તેથી તેમની જિંદગી આરામથી બસર કરી શકશે.

સલમાન ખુરશીદ

હવે સલમાન ખુરશીદની વાત. સલમાન ખુરશીદ યુપીએ-૨ સરકારમાં વિદેશમંત્રી હતા અને સૌથી વધુ વિદેશ પ્રવાસ કરતા હતા. અગાઉ તેમનું સરનામું ૪, કુશક રોડ, નવી દિલ્હી હતું. હવે તેઓ નવી દિલ્હીના જામિયાનગર રોડના પોતાના ઘરમાં રહેવા આવી ગયા છે. તેઓ ધારાશાસ્ત્રી છે અને તેમનો વકીલાતનો ધંધો ફરીથી શરૂ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી જીતવાની પહેલાં તેઓ એક છેલ્લો કેસ લડયા હતા. એ વખતે તેઓ જે કેસ લડતા હતા તેમાં તેમના વિરોધીના વકીલ તરીકે પી. ચિદમ્બરમ્ હતા. એ મુકદ્દમાની સુનાવણી કરી રહેલા એ વખતના ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્ઝુ આજે પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ છે. હવે આ વખતે ફરુખાબાદથી ચૂંટણી હારી ગયા બાદ સલમાન ખુરશીદ ‘મિ. લોડ’ કહી દલીલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

કપિલ સિબ્બલ

યુપીએ-૨ સરકારના બીજા એક પૂર્વ કેબિનેટ મંત્રી કપિલ સિબ્બલ પણ આ વખતે ચૂંટણી હારી ગયા છે. તેઓ કટાક્ષભર્યા વિધાનો માટે જાણીતા હતા. વચ્ચે વચ્ચે કવિતાઓ લખવાનો શોખ પણ ધરાવતા હતા. સત્તા પર આવતા પહેલાં તેમની ગણતરી સુપ્રીમ કોર્ટના સૌથી વધુ મોંઘા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. હવે તેઓ ફરીથી કાળો કોટ પહેરીને અદાલતોની દુનિયામાં પાછા આવી ગયા છે. યુપીએ સરકાર વખતે તેઓ કાયદામંત્રી પણ રહ્યા, સંચારમંત્રી પણ રહ્યા અને ક્યારેક અન્ય વિભાગો પણ સંભાળ્યા. હવે તેમણે પુરાણો વ્યવસાય ફરી સંભાળી લીધો છે. હમણાં તેઓ કોલકાતા ગયા હતા ત્યાં લોઢા પરિવાર અને બિરલા પરિવાર વચ્ચે ચાલી રહેલા એક કેસમાં બિરલા પરિવારના વકીલ તરીકે પેશ આવ્યા હતા.

સુશીલકુમાર શિંદે

પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે થોડાક વ્યવહારુ રાજકારણી છે. તેઓ જિંદગીના અનેક ચઢાવ-ઉતાર જોઈ ચૂક્યા છે. એક પોલીસ કોન્સ્ટેબલના રૂપમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ગૃહમંત્રી હતા ત્યારે પૂરી આઈપીએસ લોબી તેમને સલામ કરતી હતી. હવે તેઓ મંત્રીપદે નથી ત્યારે સૌથી પહેલું કામ તેમણે સરકારી બંગલો ખાલી કરવાનું કરી દીધું. હવે થોડાક જ સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. તેમાં તેઓ પોતાનો દાવ અજમાવવાના છે. કોંગ્રેસની બહુમતી આવે તો તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે, પણ બહુમતી આવે તો ! હાલ તો તેઓ દક્ષિણ દિલ્હીમાં ભાડાંનું મકાન શોધી રહ્યા છે.

એ. કે. એન્ટની

સૌથી સ્વસ્થ હોય તો તો તે છે એ. કે. એન્ટની. યુપીએ-૨ સરકારમાં તેઓ દેશના સંરક્ષણ મંત્રી હતા, પરંતુ સત્તાનો નશો તેમને કદી ચઢયો નહીં. પૂર્વે પણ તેઓ બસમાં જ મુસાફરી કરતા હતા. કેન્દ્રમાં મંત્રીપદ મળ્યું તો પણ તેમની કાર પર કદીયે લાલબત્તી લગાવી નહીં. તેમને ફાળવાયેલો દિલ્હીનો સરકારી બંગલો તેઓ રાખી શકતા હતા, કારણ કે તેઓ રાજસભાના સભ્ય છે, પરંતુ તેમણે જાતે જ એક નાનો બંગલો માગી લીધો છે. દિલ્હીમાં તેમની છાપ સાચુકલા ‘મિસ્ટર ક્લિન’ તરીકેની છે. યુપીએ-૨ સરકારના બીજા એક પૂર્વ મંત્રી આનંદ શર્મા વાંચવાનો, ફરવાનો અને સંગીતનો શોખ ધરાવે છે. રાજસભામાં તેઓ ઉપનેતા તો છે જ. તેમને સેમિનારોમાં બોલવાનો શોખ છે. તેમની જિંદગી આરામથી બસર થશે.

અહેમદ પટેલ

૨૦૧૪ની ચૂંટણીમાં યુપીએ-૨ કોંગ્રેસની ભલે હાર થઈ, પરંતુ ૧૦, જનપથના અત્યંત વિશ્વાસુ એવા પીઢ રાજકારણી અહેમદ પટેલ સ્થિર અને સ્થિતપ્રજ્ઞા છે. ગઈ ચૂંટણી દરમિયાન કેટલાકે તેમનું મહત્ત્વ ઘટાડવા કોશિશ કરી હતી, પરંતુ એવી કોશિશ કરનારાઓ સાફ થઈ ગયા છે અને અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં વધુ સક્ષમ અને મહત્ત્વપૂર્ણ નેતા તરીકે ફરી ઊપસી આવ્યા છે. બહુમતી વગરની યુપીએ સરકારોને ટકાવી રાખવાનું કામ માત્ર અને માત્ર અહેમદ પટેલે જ કર્યું હતું. ગઠબંધનમાં સામેલ પક્ષો અને કોંગ્રેસ વચ્ચે તેઓ સેતુ હતા. નવી દિલ્હીમાં ૨૩, મધર ટેરેસા ક્રિસન્ટ ખાતેનું તેમનું નિવાસસ્થાન આજે પણ રાતના નવ વાગ્યા પછી જ ઓફિસમાં કાર્યરત થઈ જાય. રાતના ૯થી સવારના ૩ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને પ્રજ્વલિત દીવા જોઈ શકાય. સવાર સુધી અનેક દિગ્ગજોની અહીં અવરજવર રહે. યુપીએ સરકારો વખતે તેઓ અત્યંત શક્તિશાળી રાજકારણી હોવા છતાં તેમણે કેન્દ્રમાં કદીય લાલબત્તીવાળી મોટરકાર કે મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. સત્તાનો દેખાડો કે અહંકાર કદીયે પોતાની પાસે ફરકવા દીધાં નહોતાં. આ કારણથી આજે સત્તા હોય કે ના હોય તેમની જીવનશૈલીમાં કોઈ જ ફરક પડતો નથી. ઓછું બોલવું અને લો પ્રોફાઈલ પર રહેવું તે તેમની લાક્ષણિકતા છે. કોઈના યે પ્રત્યે કિન્નાખોરી ના રાખવી તે તેમની ખાનદાની છે. આ કારણથી સત્તા જતા રહ્યા બાદ પણ તેઓ સ્વસ્થ છે. આવનાર હતાશ હોય પણ તેમને મળ્યા બાદ સસ્મિત થઈ જાય છે. પક્ષમાં તેમની અદેખાઇ કરનારા ધ્વસ્ત થયા છે જ્યારે પક્ષમાં તેમનો દબદબો વધ્યો છે. જિંદગી કદીયે અટકતી નથી. કામ કરવા માગતી વ્યક્તિ માટે એક રસ્તો બંધ થાય છે તો બીજા અનેક રસ્તા ખૂલી જાય છે.

યે દબદબા યે હકૂમત

અલબત્ત, આજે જે નેતાઓ સત્તા પર છે તેઓ એ વાત ભૂલી ના જાય કે સત્તા અત્યંત લપસણી ચીજ છે. સત્તા કોઈનીયે પાસે કાયમ માટે ક્યારેય ટકતી નથી. મોગલ બાદશાહો પણ ભૂલાઈ ગયા, રાજા મહારાજાઓ પણ ભૂલાઇ ગયા, નવાબો પણ ભૂલાઇ ગયા, અંગ્રજો પણ ભૂલાઇ ગયા, સ્વતંત્રતા પછી આ દેશમાં અનેક રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, મંત્રીઓ થઇ ગયા અને ભૂલાઇ પણ ગયા. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાને કોઈ યાદ કરતું નથી. અન્ય મુખ્યમંત્રીઓ હિતેન્દ્ર દેસાઇ ભૂલાઈ ગયા છે. ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, દિલીપ પરીખ માત્ર અતીત બની ગયા છે. વિશ્વના મહાન શાસકો જેવાં કે જુલિયસ સીઝર, માર્ક એન્ટની, ક્લિયોપેટ્રા, સ્ટેલીન, લેનીન, હિટલર, મુસોલિની, વિન્સ્ટન ર્ચિચલ, માર્ગારેટ થેચર, દ’ગોલ, માઉત્સે તુંગ અને ચાઉં એન લાઇ પણ ભૂલાઈ ગયા. તેમનુ કોઈ સંતાન આજે સત્તા પર નથી. હાલ જે શાસકો છે તેઓ પણ એક દિવસ ઇતિહાસનો એક ભાગ જ હશે. પાલનપુર પાસેના એક ગામના શાયર હમીર કહે છે :

યે દબદબા, યે હકૂમત યે નશાએ-દૌલત સબ કિરાયે કે મકાન હૈ કિરાયેદાર બદલે રહતે હૈ અડવાણી-જોષી

ભાજપાના વયોવૃદ્ધ નેતા એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી લોકસભામાં ચૂંટાયા છે પરંતુ દેશનું નેતૃત્વ કરવાની તેમની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. તેમને કોઈ મંત્રીપદ કે હોદ્દો અપાયો નથી. પક્ષમાં કે સરકારમાં તેમના માટે કોઈ કામ નથી. અડવાણીજીએ રાષ્ટ્રપતિ બનવું હશે તો પણ હાલના રાષ્ટ્રપતિશ્રીની મુદત પૂરી થાય ત્યાં સુધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેરબાનીની રાહ જોવી પડશે.

શાયર હમીર ની જ બે નિર્દોષ પંક્તિઓ વાંચોઃ રાષ્ટ્રપતિ ભવનમાં પાર્ટી શરૂ થઈ. વેઇટરે પૂછયુ : ‘સર, ક્યા લોગે? અડવાણીજી બોલ્યા : ‘લેની તો થી શપથ, પર અબ જલજીરા હી દે દો.’