આઇએએસ પરીક્ષાના પરિણામો હંમેશાં ઉત્તેજનાત્મક હોય છે. તાજેતરમાં જ યુનિયન પબ્લિક ર્સિવસ કમિશન દ્વારા લેવાયેલી સનદી પરીક્ષામાં કેટલાક ગુજરાતી ઉમેદવારોએ સારો દેખાવ કર્યો. સફળતા માટે દરેક પાસે પોતપોતાની આગવી સકસેસ સ્ટોરી છે. કોઇ કહે છે મેં ફેસબુક જોવાનું બંધ કરી દીધું. તો કોઇ કહે છે હું ૧૮-૧૮ કલાક વાંચતો હતો. દિલચશ્પ વાત એ છે કે, આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ થયેલા યુવક-યુવતીઓ વહીવટમાં આવતાં જ સંવેદનશીલતા ગુમાવે છે. બ્યૂરોક્રસીમાં એક ઉક્તિ જાણીતી છે કે આઇએએસ થયેલા અધિકારીનો ફાઇલો પર ‘આઇ એમ સેફ’ અર્થાત હું સલામત રહું એ શૈલીથી કામ કરે છે. ઉચ્ચ અધિકારીઓ કદી પણ કોઇ જોખમ ઉઠાવવા તૈયાર હોતા નથી. મામલો કોર્ટમાં જાય તો પણ ઉચ્ચ અધિકારીઓ સલામત રહે છે અને નેતાઓ ‘બિચારા’ જેલમાં જાય છે. દા.ત. યુપીએનું ૨જી સ્પેક્ટ્રમ કે નહેરૂના સમયનું મુંદ્રા સ્કેન્ડલ. નહેરૂના સમયમાં લશ્કર માટે જીપો ખરીદવા માટે કૌભાંડ થયેલું. આજે પણ લાલુ, કનીમોઝી, એ. રાજા કે કલમાડીને જેલમાં જવું પડે છે પરંતુ બ્યુરોક્રેટસ સલામત રહે છે.
‘ Administration’ લેટિન શબ્દ છે. તે ‘ administiare ‘ પરથી આવ્યો છે. તેનો અર્થ છે. to sarve એટલે કે રોજીન્દા કામકાજની વ્યવસ્થા કરવી અને પ્રજાનું ધ્યાન રાખવું. કેન્દ્ર કે રાજ્ય સરકારો તેને ‘જાહેર વહીવટ’ કરે છે. વહીવટ એ કળા છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તેમના મુખ્ય મંત્રી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જાહેર વહીવટનો અદ્ભૂત ગ્રંથ છે આજે ભારતમાં કૌટિલ્યના સિદ્ધાંતનો ભૂલાઇ ગયા છે અને બ્રિટીશરોને આપેલી વહીવટની જડ પ્રથા અમલમાં છે. જેઓ વહીવટમાં છે તેઓ જાણે છે કે કોઇપણ ફાઇલ પહેલાં નીચેથી ઉપર જાય છે અને તે પછી ઉપરથી નીચે જાય છે. તૂટેલી સડક ફરી બનાવવી હોય તો એ માટેની ફાઇલ એક ડઝન ટેબલ પર થઇ પસાર થાય છે. કોઇ એક ટેેેબલ પર તે અટકી તો બધી મહેનત પર પાણી ફરી વળે છે. અને બાબુઓની આ બ્યૂરોક્રસી તૂટેલા નળને બદલવા મહિનાઓ સુધી લોકોને તડપાવે છે. સ્લમ એરિયાના લોકોની સમસ્યા, ગંદા પાણીનો નિકાલ કે માઇલો સુધી માથા પર માટલુ મૂકી પાણી લેવા જતી બેબસ મહિલાઓની સમસ્યા આ અધિકારીઓ માટે માત્ર ‘ફાઇલો’ જ છે.
કહેવાય છે કે હિન્દુસ્તાન પર ‘સ્ટીલ ફ્રેમ’ એ રાજ કર્યું છે. વિશાળ ભારત પર મુઠ્ઠીભર અંગ્રેજોએ રાજ કરવું હતું. એટલા મોટા દેશ પર માત્ર સૈન્ય અને શસ્ત્રના બળે રાજ કરવું શક્ય નહોતું તેથી અંગ્રેજોએ ગુલામ ભારત માટે કાયદાની એક સિસ્ટમ તૈયાર કરી. કાયદાના ચુસ્ત અમલ અને કાયદાના જ રક્ષણ માટે સરકારી માણસોની એક નોકરશાહી અસ્તિત્વમાં આવી. સરકારી અધિકારીઓની આ સાંકળને લોખંડી ચોકઠું અર્થાત ‘સ્ટીલ ફ્રેમ’ કહે છે. સનદી પરીક્ષા પાસ કરનાર એકવાર પોસ્ટીંગ મેળવે એટલે તેને પ્રજાના પ્રશ્નો કરતા બનાવેલા નિયમોમાં વધુ રસ રહે છે. નિયમો પ્રજા માટે છે તે વાત તેઓ ભૂલી જાય છે. આ એક પ્રકારની જડતા છે. રસ્તો બનાવવા એક ફાઇલે ૧૨ ટેબલ પર ગુજરવું શા માટે પડે છે એ સમજાતું નથી. બ્યૂરોક્રસીની આ સાંકળ લોકાભિમુખ રહેવાના બદલે નકારાત્મક કેમ હોય છે? કેટલીક વખતે નેતાઓએ કરેલા શિલાન્યાસવાળી યોજનાઓ માત્ર ફાઇલોમાં જ રહી જાય છે. એકવાર એક ઉચ્ચ અધિકારીને પૂછવામાં આવ્યું કે, ‘તમે મુખ્યમંત્રીની બધી જાહેરાતોને ગંભીરતાથી કેમ લેતા નથી?’ તો અધિકારીએ જવાબ આપ્યો : ‘મંત્રીઓ પાંચ વર્ષ માટે છે, જ્યારે મારે તો ૩૫ વર્ષ નોકરી કરવાની છે.’ એ વાતમાં ઉમેરવા જેવું એ છે કે કેટલીકવાર મંત્રીઓની અજ્ઞાાનતાનો પણ ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરો લાભ ઉઠાવે છે.
એક પૂર્વ કેબિનેટ મંત્રી ટી.એસ.આર. સુબ્રમણ્યમે વર્ણવેલો દાખલો રસપ્રદ છે. તેઓ એકવાર રેલયાત્રા કરી રહ્યા હતા. એ વખતે ટ્રેન એક મહાનગરની વચ્ચેથી પસાર થઇ રહી હતી. ટ્રેનની બારીમાંથી તેમણે ઝૂંપડપટ્ટીઓની બદહાલત જિંદગીની ઝલક જોઇ. તે દૃશ્યો જોઇને તેઓ વિચલીત થઇ ગયા. સહયાત્રી સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું: ‘આજે હું ઓફિસ પહોંચી વહેલી તકે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સમસ્યા પર કોઇ સમાધાન શોધીશ.’ પરંતુ બાજુમાં બેઠેલા એક સમજદાર અને અનુભવી સહયાત્રીએ કહ્યું: “જુઓ સાહેબ! મારો અનુભવ છે કે ઝૂંપડપટ્ટીના લોકોની સમસ્યા એક અધિકારી તરીકે તમે હલ કરવા માંગતા હોવ તો બહેતર છે કે, આપ ટ્રેનની બારીનો પરદો બંધ કરી દો. એની બહાર જોવાનું બંધ કરી દો. પ્રશ્ન હલ થઇ જશે.’
૬૧૫૪ પદ પર આઇએએસ
બસ, હિન્દુસ્તાન પર આજ ‘સ્ટીલ ફ્રેમ’ એ આજ સુધી રાજ કર્યું છે. બ્રિટીશરોએ બ્રિટીશ સામ્રાજ્યને મજબૂત કરવા માટે આપેલી નોકરશાહીની લોખંડી વ્યવસ્થામાંથી આ દેશનું વહીવટીતંત્ર આજ સુધી બહાર આવ્યું નથી. નેતાઓ પરદેશ જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને સંબોધે છે, પણ દુનિયાના વિકસીત દેશો પાસેથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન શીખીને આવતા નથી. નોકરશાહીને તો મજા પડી ગયેલી હોઇ તેમના ‘લોખંડી ફ્રેમ’ ને તેઓે જેેમને તેમ રાખવા માંગે છે. બ્યૂરોક્રસીમાં આજે દેશમાં ૬૧૫૪ જેટલા ઉચ્ચ પદ છે. આ પદ આઇએએસ કેડરનાં છે પરંતુ તેમાંથી અત્યારે તો ૧૭૭૭ પદ પર જ નિયુક્તિ થયેલી છે. તેમાંથી ૨૧૬ પદ તો એકમાત્ર યુપીમાં જ છે. અંદાજ છે કે એક આઇએએસની નિયુક્તિ પર કેન્દ્ર સરકારને મહિને રૂ.૧૦ લાખનું ખર્ચ થાય છે. આ ખર્ચમાં તેમનું વેતન, ભથ્થું, નિવાસખર્ચ, ટેલિફોન અને સંદેશાવ્યવહાર ખર્ચ, મોટરકાર, ડ્રાઇવર અને પેટ્રોલ ખર્ચ, સુરક્ષા ખર્ચ, મેડિકલ ખર્ચ અને અંગત સ્ટાફનું ખર્ચ એ બધું સામેલ હોય છે. છેક બ્રિટીશ કાળથી આ દેશમાં આ જ પ્રણાલિકા ચાલતી આવી છે. બ્રિટીશરોએ વિદાય લીધી તે પછી સાપ ગયા પણ લીસોટા રહ્યા તેવી પરિસ્થિતિ આજે દેશમાં છે.
તાજેતરમાં જ હોંગકોંગ સ્થિત ‘પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક રિસ્ક કન્સલટન્સી’ એ ભારતની બ્યૂરોક્રસી પર એક અહેવાલ આપ્યો છે. તેમાં ભારતની નોકરશાહીને એશિયાની સહુથી બદતર નોકરશાહી તરીકે ગણવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ કેટલાક રાજનેતાઓની વિકાસ ઘોષણાઓ બાદ વિકાસમાં સહુથી વિઘ્નરૂપ ભારતની બ્યૂરોક્રસીને ગણવામાં આવી છે. પરંતુ હવે સમય બદલાયો છે. દેશમાં સુકાની બદલાયા છે.
નવી દિલ્હી ખાતે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના આરૂઢ થયા બાદ સરકારી અધિકારીઓ સવારે બરાબર ૯ વાગે ઓફિસમાં હાજર થઇ જાય છે અને રાતના ઘેર જતાં તેમને ૯ વાગી જાય છે. આજે બધા જ આઇએએસ અધિકારી નિયમોને વળગી રહેનારા જડ છે તેમ કહેવું સમગ્ર આઇએએસ કેડરને અન્યાય કરનારું વિધાન બનશે. આજે દેશમાં અને ગુજરાતમાં કેટલાક લોકાભિમુખ અને વ્યવહારુ અધિકારીઓ પણ છે. ગુજરાતમાંથી દિલ્હી ગયેલા એ.કે.શર્મા, ગુજરાતના કે.કૈલાસનાથન કે એ.કે.મુર્મુ જેવા ત્વરીત નિર્ણયો લેનારા ડાયનેમિક બ્યૂરોકેટસ પણ છે. વર્ષો પહેલા ગુજરાતમાં કામ કરી ચૂકેલા એચ.કે.ખાન નામના આઇએએસને આજે પણ લોકો યાદ કરે છે. હિતેન્દ્ર દેસાઇના સમયમાં ઇશ્વરન પણ આવા ઉત્કૃષ્ઠ અધિકારી હતા. પી.કે.લહેરી અને કિરીટ શેલત ગુજરાતી અધિકારીઓ હોવા છતાં તેમની અણઆવડતના કારણે નિષ્ફળ ગયા હતા અને કામગીરી બજાવવામાં બિન કાર્યક્ષમ સાબિત થયા હતા. ગુજરાતના નવા પોલીસ વડા પી.સી.ઠાકુર પણ એક નીડર અને લોકાભિમુખ અધિકારી છે. મુંબઇમાં ખેરનાર પણ એક લેજન્ડરી અધિકારી હતા. પંજાબના પૂર્વ આઇપીએસ કે પી.એસ.ગિલ અને મુંબઇના સુપરકોપ જુલિયા રિબેરોને નિયમમાં રહીને પણ પરિણામલક્ષી કામગીરી બજાવી હતી. વહીવટી સુધારણામાં આમૂલ પરિવર્તનની જરૂર છે. આ કામ નરેન્દ્ર મોદી જ કરી શકે તેમ છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે અત્યાર સુધી રેડ રેપીઝમ હતું. નરેન્દ્ર મોદીએ રેડ ટેપીઝમ ખતમ કરી નાંખીને ‘રેડ કાર્પેટ’ બીછાવી શ્રેષ્ઠ દાખલો બેસાડેલો છે પણ બીજા ખાતાંઓમાંથી રેડ ટેપીઝમ હજુ ખતમ થવાનો ઇન્તજાર છે. નવા તૈયાર થઇને આવેલા આઇએએસ અધિકારીઓએ હવે નોકરશાહીના જૂના ડાઘ ધોવા પડશે. તેમની પાસે પ્રજાને ઘણી ઉમ્મીદો છે. સામે પડેલા કોફીના કપને હોઠ સુધી પહોંચવા માટે મહિનાઓ લાગવા ના જોઇએ. પ્રજાને આવા સુશાસનની અપેક્ષા છે.
બ્રિટિશરોએ ગુલામ ભારતને આપેલી ‘સ્ટીલ ફ્રેમ‘ આજે પણ ભારતમાં જડતાપૂર્વક વહીવટ કરે છે
Comments are closed.