ભારતમાં રાહુલ ગાંધીને વિપક્ષ ‘શાહજાદા’ કહે છે તો પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટોને પણ ભુટ્ટો પરિવારના પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બેનઝીર ભુટ્ટો અને આસીફ અલી ઝરદારીના પુત્ર છે. પિતા પાકિસ્તાનના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમના નાના ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પણ પાકિસ્તાનમાં વડાપ્રધાન રહી ચૂક્યા છે અને પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાઉલ હક્કે તેમને ફાંસીએ લટકાવી દીધા હતા. માતા બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ ગઈ હતી. માતાના મૃત્યુ બાદ તેમણે પાકિસ્તાન પિપલ્સ પાર્ટીની કમાન સંભાળી હતી.
પાકિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી તરીકે નામના પામ્યું છે અને કટ્ટરવાદીઓની તથા આઈએસઆઈની ચુંગાલમાં ફસાયેલું છે ત્યારે બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં પાકિસ્તાનના યુવાનો સમક્ષ આપેલા પ્રવચને પાકિસ્તાને તો ઠીક પરંતુ ભારતના રાજનેતાઓએ ધ્યાનપૂર્વક વાંચવા સમજવાની જરૃર છે.
બિલાવલ ભુટ્ટોના પ્રવચનના અંશ આ પ્રમાણે છેઃ
” હું પોતે અહીં યુવા નેતા છું એવું સાબિત કરવા આવ્યો નથી. તમે બધા જ નવજુવાન છો તેથી આજે આપણે માત્ર મુદ્દાઓ પર વાત કરીશું. હું એવા પાકિસ્તાનનું સ્વપ્ન લઈને આવ્યો છું જેમાં માત્ર શાંતિ અને વિકાસ હોય. આવો દેશ બનાવવા માટે આપણે જૂની પેઢીના નેતાઓને કહેવું પડશે કે તેઓ આપણને શાંતિ ઉપલબ્ધ કરાવે, જેથી આપણે તરક્કી હાંસલ કરી શકીએ.
હું હિંસાના દર્દને બરાબર સમજું છું. હું એવા લોકોનું દુઃખ સમજી શકું છું કે જેમણે હિંસામાં સ્વજનોને ગૂમાવ્યાં છે. મેં મારા જ દેશની ધરતી પર મારી માતા ગુમાવી છે. આતંકવાદીઓએ મારી માતા મારી પાસેથી છીનવી લીધી. હું એ ક્ષણો ભૂલી શક્તો નથી. આપણાથી આપણું કોઈ સ્વજન દૂર થઈ જાય ત્યારે કેટલું દુઃખ થાય છે તે વાત હું સારી રીતે જાણું છું. હું એવા બહાદુર જવાનોનો આભાર માનવા માગું છું કે જેઓ આગળ વધીને આતંકી તાકાતોનો મુકાબલો કરી રહ્યા છે, જેથી આપણે નવયુવાનો શાંતિથી ઊંઘી જઈ શકીએ.
હું એવા હજારો બાળકોનું દર્દ અને તકલીફોને સમજી શકું છું કે જેમણે ત્રાસવાદી હુમલાઓમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. લોહીના તરસ્યા એ હત્યારાઓએે આ માસૂમોના પરિવારોને છીનવી લીધા છે. ધર્મના નામ પર જેઓ હિંંસા કરે છે તેઓ દરઅસલ ધર્મની ખોટી વ્યાખ્યા કરે છે. હું એવા રાજનેતાઓથી બેહદ ખફા છું, જેઓ સત્યથી મોં ફેરવી લેવા માંગે છે. તેઓ એવી રીતે પેશ આવે છે કે જાણે આવી ત્રાસવાદી ઘટનાઓ સાથે એમને કોઈ લેવા-દેવા જ નથી. આવા ગંભીર મામલાઓને કેવી રીતે નજર અંદાજ કરી શકાય? આ બહારની સમસ્યા નથી. દુશ્મનો આપણા મુલ્કની અંદર જ મોજુદ છે. આ લોકોએ જ બેનઝીર ભુટ્ટોને આપણી પાસેથી છીનવી લીધા.
આવા આતંકવાદીઓ બાળકોનો ઉપયોગ કરે છે તે એક ખતરનાક વાત છે. આવા લોકો બાળકોના શરીરમાં બોમ્બ લગાવી દે છે. આવા લોકો વિદ્યાર્થીઓની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દે છે. આ લોકો આપણી બહેનોને તાલીમથી દૂર રાખવા માંગે છે અને સ્કૂલ બસમાં જઈ રહેલી બાળકીઓ પર હુમલો કરી દે છે. શિક્ષણની ખ્વાહીશ રાખવાવાળી બાળકીઓને સજા આપે છે આ લોકો આપણી નવી પેઢીને તબાહ કરી દેવા માગે છે. આ લોકોના મનસૂબા ખતરનાક છે. કેટલાક નેતાઓ આવા રાક્ષસોને તાલિબાનીઓ કહે છે,પરંતુ હું તેની સાથે સહમત નથી કારણ કે આવી તાકાતોને કોઈ પણ નામ આપો પરંતુ હું તેમને ”હત્યારા” જ કહું છું.
આપણે સહુ કોઈ યુવાનો પરિવર્તન ચાહીએ છીએ. એ સારા સમાચાર છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારના પ્રયાસો સફળ નીવડી રહ્યા છે. આપણે સ્વાતઘાટીને તાલિબાનથી મુક્ત કરાવી શક્યા છીએ. પરિણામો આવી રહ્યા છે. આપણે ઈચ્છીએ છીએ કે મુલ્કને અંદર અને બહારના દુશ્મનોથી બચાવવામાં આવે. મુલ્કના સાર્વભૌમત્વનું રક્ષણ થવું જોઈએ. આપણે દેશની વિદેશનીતિમાં પારદર્શીતા ઈચ્છીએ છીએ, જેથી મુલ્કના હિતને લક્ષમાં રાખી ફેસલા લઈ શકાય. આપણે એવું નથી ઈચ્છતા કે આપણી સરકાર પહેલાની સરમુખત્યારોની જેમ બીજા કોઈ દેશ પાસેથી ટેલિફોન પર આદેશ લે અને ગુપ્ત સમજુતી કરે. આપણો દેશ એના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન બરદાસ્ત કરશે નહીં.
એ બહુ ખરાબ લાગે છે કે આપણા દેશની અંદર સામુદાયીક ઝઘડા થાય છે. શિયા અને સુન્ની અંદરોઅંદર ઝઘડે છે અને એક બીજા પર હુમલા કરે છે. બલુચિસ્તાનમાં અલ્પ સંખ્યકોની હત્યાઓ હોય કે કરાચીમાં જાતીય હિંસા હોય, આપણે પીડિતોને ન્યાય મળે તેવું ઈચ્છીએ છીએ. હિંસા અટકવી જોઈએ. હિંસાથી દેશની બદનામી થાય છે. આપણે શરમ અનુભવવી પડે છે. એથી કોઈ ફરક પડતો નથી કે આપણો ધર્મ શું છે કે આપણી નીતિ કઈ છે. આપણે બધા પાકિસ્તાની છીએ.
આપણે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનનો વિકાસ થાય. હું હમણાં જ ભારતની યાત્રા કરી પાછો આવ્યો છું. આ પ્રવાસનો મકસદ શાંતિ અને મૈત્રીનો હતો. આપણે એ દિશામાં કોશિશ શરૃ કરીએ. તેમાં મને બહેતર ભવિષ્યની ઉમ્મીદ નજર આવે છે. આપણે હવે આપણા પૂર્વજોની કડવાશને આગળ લઈ જવાની નથી. હા, મને એ વાતનો ગર્વ છે કે મારા નાના ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ આ દેશને પહેલો ઈસ્લામિક બોમ્બ આપ્યો અને મારી માતાએ દેશને પહેલો મિસાઈલ કાર્યક્રમ આપ્યો. એમાં હવે કોઈ સંદેહ નથી કે આપણે આપણા દેશની સુરક્ષા કરવામાં આજે સક્ષમ છીએ. પરંતુ આજની યુવા પેઢી યુદ્ધ ઈચ્છતી નથી. આપણે બધા યુવાનો શાંતિ અને વિકાસ ઈચ્છીએ છીએ .
શું હવે આપણે બધાએ પરમાણુક્ષેત્રમાં નાણાનું રોકાણ બંધ કરી દેવું જોઈએ ? હવે બહુ થઈ ગયું. શક્તિશાળી પરમાણુ ટેન્ક બનાવવાના બદલે બહેતર એ હશે કે આપણા દેશમાં બહેતરીન સ્કૂલ બનાવીએ. યુદ્ધ માટેના જેટ વિમાનો બનાવવાના બદલે શ્રેષ્ઠ ડોક્ટરો અને કુશળ નર્સ તૈયાર કરીએ. લોકોને શસ્ત્રથી સજ્જ કરવાના બદલે તેમને પૌષ્ટિક ભોજન અને વસ્ત્ર ઉપલબ્ધ કરાવીએ, જેથી તેઓ સુંદર જીવન જીવી શકે. અત્યાર સુધી આપણે દેશના રક્ષણ માટે બહુ ધ્યાન આપ્યું હવે આપણે લોકોના કલ્યાણ પર ધ્યાન આપીએ. હું એ બહાદુર જવાનોેની કદર કરું છું કે જેેમણે સિયાચીનની ઊંચાઈ પર રહી દેશની પહેરદારી કરી છે,પરંતુ મને એ દિવસનો બેસબ્રીથી ઈન્તજાર છે જ્યારે એક દિવસ તેઓ હંમેશા માટે પોતાના ઘેર પાછા ફરે. આપણું ભવિષ્ય દાવ પર લાગેલું છે. હું ઈચ્છું છું કે દેશના તમામ યુવાનો મારી સાથે જ તેમના અવાજને બુલંદ કરે.”
– અને બિલાવલ ભુટ્ટોનું પ્રવચન અહીં પૂરું થાય છે. પાકિસ્તાન માત્ર આતંકવાદીઓનો જ કે માત્ર આઈએએસ અધિકારીઓનો દેશ નથી. પાકિસ્તાનમાં આવા અમનપરસ્ત યુવા નેતા પણ છે. પાકિસ્તાનમાં બધા જ લોકો ભારતને શત્રુ માનતા નથી. બધા જ નેતાઓ ભારત સાથે યુદ્ધ ઈચ્છતા નથી. બિલાવલ ભુટ્ટો જેવું વિચારનારા નેતા પણ છે, જેઓ શાંતિ અને તરક્કી ઈચ્છે છે. જેઓ બોમ્બ નહીં બહેતર સ્કૂલ ઈચ્છે છે. શાયદ ભારતના યુવાનો પણ આવું જ ઈચ્છે છે, નેતાઓની ખબર નથી.










What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "