૧૨૮ વર્ષ જૂની કોંગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કરારી હારનો ભોગ બની. શરૃઆતમાં માનવામાં આવતું હતું કે, આ પરાજયની જવાબદારી પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના માથે નાખવી અને રાહુલ ગાંધીનો બચાવ કરવો, પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, સોનિયા ગાંધીએ વિદાય લેતા ડો. મનમોહનસિંહના માનમાં તેમના ઘરે ૧૦, જનપથ ખાતે રાત્રી ભોજનનું આયોજન કર્યું ત્યારે કોંગ્રેસ પ્રમુખે કોઈપણ એક વ્યક્તિ પર પરાજયની જવાબદારી નાખવાના બદલે સૌએ એ હારની જવાબદારી સ્વીકારવી અને વડા પ્રધાને બે ટર્મ દરમિયાન કરેલી કામગીરી બદલ તેમનો આભાર માનવો તેવી શીખ આપી. તે પછી ચૂંટણી પરિણામો આવ્યાં અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મીડિયા સમક્ષ આવ્યા અને પરાજયની જવાબદારી સ્વીકારી.

મોંઘવારી-ભ્રષ્ટાચાર

કોંગ્રેસના પરાજયનાં કારણો એક નથી, અનેક છે. યુપીએ-૧ અને યુપીએ-૨ સરકારે ૧૦ વર્ષ સુધી સતત રાજ કર્યું અને સ્વાભાવિક રીતે જ સરકાર વિરોધી લહેર આવા સંજોગોમાં બનતી હોય છે. યુપીએ-૨ સરકાર ભાવવધારો અને મોંઘવારી ડામવામાં નિષ્ફળ રહી. ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ જેવાં કૌભાંડોથી સરકારની છબી ખરડાઈ હતી. અણ્ણા હઝારેના આંદોલને યુપીએ-૨ સરકારને ભ્રષ્ટ સરકાર તરીકે ઉપસાવી દીધી હતી, તેનો સીધો લાભ યુપીએના વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદીને મળ્યો. નરેન્દ્ર મોદીએ દરેક રેલીમાં યુપીએ સરકારના ભ્રષ્ટાચાર પર પ્રહારો કર્યા. અણ્ણા હઝારેએ ઊભી કરેલી ભૂમિ પર મોદીએ સફળતાની ખેતી કરી લીધી. માહિતીના અધિકારનો ધારો યુપીએ સરકારે જ આપ્યો અને એ ધારાના આધારે એના કૌભાંડો બહાર આવ્યાં.

કોંગ્રેસના નેતા કોણ ?

બીજી નોંધપાત્ર વાત એ રહી કે, નરેન્દ્ર મોદી આખીયે ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિથી લડયા. મોદીએ પહેલાંથી જ પક્ષ પાસે જાહેર કરાવી દીધું કે, એનડીએની બહુમતી આવશે તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે. તેની સામે રાહુલ ગાંધી એક’રિલક્ટંટ પોલિટિશિયન’ જેવા લાગ્યા. મોદી તેના વિચારોમાં-ઇરાદાઓમાં સ્પષ્ટ અને નિર્ણાયક શક્તિ ધરાવનાર નેતા તરીકે પેશ આવ્યા, જ્યારે રાહુલ ગાંધી અસ્પષ્ટ અને નિર્ણય ન કરી શકનાર નેતા તરીકે પેશ આવ્યા. રાહુલ ગાંધી પોતાની વાત લોકોના ગળે ઉતારવામાં નિષ્ફળ રહ્યા. બીમારીના કારણે સોનિયા ગાંધીની સક્રિયતા ઘટી. ભાજપ પાસે એક જ નેતા હતા- નરેન્દ્ર મોદી. જ્યારે કોંગ્રેસની નેતાગીરી ‘હેડલેસ’ સાબિત થઈ. પક્ષનું નેતૃત્વ સોનિયા ગાંધી પાસે છે કે રાહુલ ગાંધી પાસે છે કે ડો. મનમોહનસિંહ પાસે છે તે સ્પષ્ટ થઈ શક્યું નહીં. વડા પ્રધાન ડો. મનમોહનસિંહ પાંચ વર્ષ દરમિયાન મૌન રહ્યા. આ કારણે સરકાર કામ કરતી જ નથી તેવી છાપ ઊભી થઈ. ચિદમ્બરમ્ની ખોટી આર્િથક નીતિઓએ સરકારનું સત્યાનાશ વાળી દીધું.

મોદી અને ટેક્નોલોજી

જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં નરેન્દ્ર મોદી કોંગ્રેસને ઓવરટેક કરી ગયા. એમણે ચાર રાજ્યોની પેટાચૂંટણીઓ પછી તરત જ એટલે કે છ મહિનાઓ પૂર્વે દેશભરના પ્રવાસનું અને રેલીઓને સંબોધિત કરવાનું આગોતરું આયોજન કરી લીધું હતું. મોદીએ ૪૦૦થી વધુ રેલીઓ, ૨૦૬૦ જેટલી થ્રી-ડી સભાઓને સંબોધી. ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો. રોજ ચારથી પાંચ રેલીઓ સંબોધી. તેની સામે રાહુલ ગાંધીએ ચૂંટણી ઝુંબેશ ખૂબ મોડી શરૃ કરી. મોદીથી અડધી રેલીઓ પણ માંડ સબોધી. છેલ્લે છેલ્લે રોજની માંડ બે કે ત્રણ રેલીઓ જ સંબોધી. સૌથી મોટી મહત્ત્વની વાત એ છે કે, દેશમાં સૌથી પહેલો અણુ ધડાકો કરનાર ઇન્દિરા ગાંધી હતાં. દેશમાં સૌથી પહેલું રંગીન ટી.વી. લાવનાર રાજીવ ગાંધી હતા. દેશમાં સૌથી પહેલાં સુઝુકી-મારુતિ કાર લાવનાર ગાંધી પરિવાર હતું. એ જ ગાંધી પરિવારના રાહુલ ગાંધીએ આ ચૂંટણી દરમિયાન ટેક્નોલોજીનો બહુ ઓછો ઉપયોગ કર્યો. એની સામે નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. થ્રીડી ટેક્નોલોજી દ્વારા તથા સોશિયલ મીડિયા પર મોદી જ છવાયેલા રહ્યા. રાહુલ ગાંધીએ મોડે મોડે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૃ કર્યો, પરંતુ તે વખતે બહુ મોડું થઈ ગયું હતું. મોદી તેમનાથી ઘણા આગળ હતા. મોદી પાસે દેશના સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો અને આઈ.ટી.ટેક્નીશિયનોની ટીમ હતી.

શ્રેષ્ઠ વક્તા જ ‘લીડર’

એવું કહેવાયું છે કે, ‘શ્રેષ્ઠ વક્તાઓ જ નેતા બને છે.’ નરેન્દ્ર મોદી રાજકારણીઓમાં શ્રેષ્ઠ વક્તા સાબિત થયા. તેની સામે રાહુલ ગાંધી એક સામાન્ય વક્તા તરીકે જ ઉપસ્યા. મોદી પ્રવચન કરતા હતા ત્યારે જે તે વિસ્તારોમાં તેમણે શું બોલવું તેની નોંધ મળી જતી હતી. રાહુલ ગાંધી પાસે લોકોને સત્તા આપવામાં આવશે તે સિવાય કોઈ નવી વાત કે નવા મુદ્દા નહોતા. કોંગ્રેસ પાસે એ સિવાય પણ કોઈ શ્રેષ્ઠ વક્તા નહોતા. હા, પ્રિયંકા ગાંધી જેટલા સમય માટે પ્રચાર માટે આવ્યાં તેટલા સમય માટે છવાયેલાં રહ્યાં,પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રોબર્ટ વાડ્રાની ફિલ્મ દર્શાવી પ્રિયંકાને આગળ વધતાં રોકી લીધાં. પ્રિયંકા ગાંધીનું પ્રચારકાર્ય અમેઠી અને રાયબરેલી પૂરતું જ સીમિત રહ્યું. ભાજપાએ રોબર્ટ વાડ્રાની જમીનનાં પ્રકરણો દ્વારા પ્રતિરોધાત્મક દીવાલ ખડી કરી દીધી. દેશનાં કરોડો યુવાનો અને મહિલાઓને આકર્ષવામાં ‘હી-મેન’ની ઇમેજ ધરાવતા મોદી સફળ રહ્યા.

ખોટા સલાહકારો

કોંગ્રેસની ચૂંટણી ઝુંબેશ આમ તો રાહુલ ગાંધીના જ હાથમાં હતી, પરંતુ તેમના સલાહકારો ખોટા હતા. રાજકીય સલાહકારો અને યુવાન નિષ્ણાતો પણ ખોટા હતા. રાહુલ ગાંધી પાસે જે યુવા વ્યવસાયિકોની સલાહકાર ટીમ હતી તેઓ સ્ટેટિસ્ટિક્સ પર જ વધુ આધાર રાખતી હતી. તેમને વાસ્તવિકતા અને ભૂમિગત હકીકતોનું ભાન જ નહોતું. કોમ્પ્યુટર પર ઉપસાવેલા આંકડાથી ચૂંટણી જીતી શકાતી નહોતી. દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી, અજય માકન, જયરામ રમેશ, મધુસૂદન મિસ્ત્રી, સી. પી. જોષી તથા મોહન પ્રકાશ જેવા રાજકીય સલાહકારો પાસે કોંગ્રેસને જીતાડવાની કોઈ રણનીતિ જ નહોતી. રાહુલ ગાંધી મુઠ્ઠીભર સલાહકારોના સાંકડા વર્તુળમાં ફસાઈ ગયા. જ્યારે પક્ષ અને પ્રજાની અભિપ્સાઓને સમજનાર સોનિયા ગાંધીના નિષ્ઠાવાન સલાહકારોને તેમણે દૂર રાખ્યા. આખા યુ.પી.માંથી બે જ બેઠક અપાવે તે સલાહકારો અને પ્રભારીઓ કેવા ? રાહુલ ગાંધી ખુદ યુવાન હોવા છતાં દેશનાં યુવા મતદારોને આકર્ષવામાં નિષ્ફળ ગયા. મોદીએ ચૂંટણી ઝુંબેશ અદ્યતન શૈલીથી ચલાવી. જ્યારે રાહુલ ગાંધીએ વર્ષોથી ચાલી આવતી જરી પુરાણી અને આઉટ ઓફ ડેટ પદ્ધતિથી ચલાવી.જે નેતાઓ ભૂતકાળમાં ખુદ ચૂંટણી હારી ગયા હતા એવાને જ તેમણે ચૂંટણી જીતવા સલાહકાર તરીકે રાખ્યા.

હિન્દુત્વના નેજા હેઠળ

૨૦૧૪ની ચૂંટણી નવા જ રૃલ પર આધારિત ગેમ હતી, એ વાત કોંગ્રેસ સમજી શકી નહીં. ૨૦૧૪ની ચૂંટણીએ રાજનીતિનાં ઘણાં બધાં સમીકરણો બદલી નાખ્યા છે. માંડલ યુગ પછી દેશની પોલિટિકલ પાર્ટીઓ જ્ઞાાતિ અને જાતિ આધારિત ચૂંટણી લડતી હતી,પરંતુ નરેન્દ્ર મોદીના હિન્દુત્વ અને વિકાસના બ્લેન્ડ કરેલા એજન્ડાએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના હિન્દુ બેનર હેઠળ આવતી તમામ જાતિઓને આકર્ષી. લોકોએ તેમની જાતિઓના સાંકડા મનવાળા નાના નેતાના બદલે એક બૃહદ્ હિન્દુ ‘લીડર’ પસંદ કરી લીધો. એ જ રીતે મુસ્લિમ મતદારો પણ વિભાજિત રહ્યા. કેટલાક મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને, કેટલાકે બહુજન સમાજ પાર્ટીને અને કેટલાકે જેડીયુને, તો કેટલાકે આમઆદમી પાર્ટીને મત આપ્યા. મુસ્લિમોનો કોઈ એક નેતા આજે દેશમાં નથી. મુસ્લિમ મતદાર વહેંચાયો છે. તેના કારણે કોંગ્રેસને નુકસાન થયું. એ જ રીતે આમઆદમી પાર્ટીએ પણ કોંગ્રેસના જ મત તોડયા. માયાવતી, મુલાયમની પાર્ટીએ પણ કોંગ્રેસની જ પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડયું.

કાર્યકરો જ નથી

ટૂંકમાં કોંગ્રેસ પાસે ૨૦૧૪ની ચૂંટણી જીતવા કોઈ સ્ટ્રેટેજી જ નહોતી, ઇચ્છાશક્તિ નહોતી, અમલ કરાવનાર ટીમ નહોતી, બુથ મેનેજમેન્ટ જેવું કાંઈ જ નહોતું. આજે કોંગ્રેસમાં માત્ર નેતાઓ જ છે, કાર્યકરો નથી. ઈન્દિરા ગાંધીના સમયમાં મતદારોને બુથ સુધી લઈ જવા કોંગ્રેસ પાસે મોટી ફોજ નહોતી. આજે એવા કોઈ કાર્યકરો જ નથી. કોંગ્રેસ સેવાદળ પણ ખતમ થઈ ચૂક્યું છે. તેની સામે ભાજપા પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આરએસએસના હજારો નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ હતી જેણે માઈક્રો લેવલ પર બુથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી લીધી. કોંગ્રેસ પાસે બુથ મેનેજમેન્ટને નામે મીંડુ હતું. કોંગ્રેસને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો ના મળ્યો. યુ.પી.એ. સરકાર ફરી આવવાની નથી એ ખ્યાલથી ઉદ્યોગપતિઓએ કોંગ્રેસને ચૂંટણીફંડ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં. જે વચનો આપ્યાં હતાં તે રકમ પણ આપી નહીં. ચૂંટણી એ પૈસાનો ખેલ છે એ વાત જાણવા છતાં કોંગ્રેસના ઉમેદવારો માટે “સગાં દીઠાં મેં શાહઆલમના ભીખ માગતાં શેરીએ’ જેવી હાલત હતી.