વાજપેયી અને મિસિસ કૌલ નામ પાડયા વગરના સંબંધો

કેટલાંક દિવસો પહેલાંની વાત છે. લોકસભાની ચૂંટણીઝુંબેશ પરાકાષ્ઠાએ હતી. કોંગ્રેસ અને ભાજપાના નેતાઓ એક બીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા હતા. એવામાં જ અચાનક સોનિયા ગાંધી તમામ કામ પડતા મૂકીને ભાજપાના વયોવૃદ્ધ નેતા અટલ બિહારી વાજપેયીના ઘરે પહોંચી ગયાં. ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોેદી પણ અગાઉથી નિર્ધારિત તમામ કાર્યક્રમો છોડીને નવી દિલ્હી પહોંચ્યા. બધાં જ નેતાઓ પ્રજા જેમને બહુ જ ઓછું જાણે છે તેવી વ્યક્તિને અંતિમ વિદાય આપવા પહોંચી ગયા હતા. એ મહિલાનું નામ હતું. ”મિસિસ કૌલ”, જેઓ અટલબિહારી વાજપેયીની બહુ જ કરીબી મહિલા હતાં. ‘મિસિસ કૌલ’ના નામથી જાણીતાં મહિલાનું આખું નામ હતું, રાજકુમારી કૌલ, જેમનું હૃદયરોગના હુમલાથી ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.

રાજકુમારી કૌલ, વાજપેયીના ઘરમાં જ રહેતાં હતાં. વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે પણ તેઓ ૭, રેસકોર્સ રોડ ખાતે તેમની સાથે જ રહેતાં હતા. વાજપેયીજી અને મિસિસ કૌલના સંબંધોને કોઈ નામ આપવામાં આવ્યું નથી પરંતુ દેશની બડી બડી હસ્તીઓની મિસિસ કૌલના અંતિમ સંસ્કાર વખતે હાજરી વાજપેયીજીના કારણે જ હતી.

આ સંબંધો વિશે કે.પી.નાયરે ‘ધી ટેલિગ્રાફ’માં લખ્યું છેઃ ”ભારતની રાજનીતિમાં બહુ ઓછા પ્રકાશમાં આવેલી દાયકાઓ જૂની ”ધી ગ્રેટેસ્ટ લવ સ્ટોરી”નો અંત આવી ગયો.”

રાજકુમારી અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના ઉત્કૃષ્ઠ પ્રણય સંબંધોની કથા ભારતના ઈતિહાસમાં અલિપ્ત જ રહેશે. જાણકારો કહે છેઃ ”રાજકુમારી કૌલ વાજપેયીના કાયમ માટેના સાથી હતાં. મિસિસ કૌલ પરણેલાં હતાં. તેમની દીકરીનું નામ નમિતા ભટ્ટાચાર્ય છે. નમિતા ભટ્ટાચાર્યને વાજપેયીએ દીકરી તરીકે દત્તક લીધી હતી. નમિતાના પતિનું નામ રંજન ભટ્ટાચાર્ય છે. વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે રંજન ભટ્ટાચાર્યનું નામ વિવાદોમાં આવ્યું હતું. રાજકુમારી કૌલ વાજપેયીજીના અંતરંગ વર્તુળમાં ‘મિસિસ કૌલ’ તરીકે અને ‘આન્ટી’ તરીકે જાણીતાં હતાં.

”ધી ઈન્ડિયન એક્સપ્રેસ”ના એક અહેવાલ પ્રમાણે રાજકુમારી કૌલ કોલેજના દિવસોમાં વાજપેયીજીના ‘સ્વીટહાર્ટ’ હતાં. બેઉ ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાં ભણતા હતાં. કોલેજમાં જ તેમની મિત્રતા થઈ હતી. તેઓ પરણવા માગતા હતાં પરંતુ વાજપેયી આર.એસ.એસ. સાથે સંકળાયેલા હોઈ રાજકુમારીને પરણી શક્તાં નહોતાં. જો તેમણે લગ્ન કરી લીધા હોત તો વાત જ જુદી હોત. છેવટે રાજકુમારીએ પ્રો.બી.એન. કૌલ સાથે લગ્ન કરી લીધા અને તેઓ ”મિસિસ કૌલ” બની ગયાં. પતિ સાથે તેઓ દિલ્હી આવ્યાં. દિલ્હીમાં ફરી એ બંનેનું મિલન થયું. વાજપેયીજી જિંદગીભર કુંવારા રહ્યા પરંતુ તેમના ઘરમાં મિસિસ કૌલ અને તેમની દીકરીને કાયમ માટે સ્થાન મળ્યું. રાજકુમારી ભલે વાજપેયીજીને પરણી ના શક્યા પરંતુ વાજપેયીજીની અંગત જિંદગીમાં તેમને હંમેશા લાગણીભર્યું સ્થાન મળ્યું. અરે, રાજકુમારી કૌલના પતિ પણ એમના જ ઘરમાં રહ્યા. આ એક ‘અનકન્વેશનલ રિલેશનશિપ’ હતી.

તેમના સંબંધો વિશે ‘ધી ઈન્ડિયન એક્સપ્રેસ’માં વૃંદા ગોપીનાથ લખે છે કે ”વાજપેયીજીએ ૫૦ વર્ષ સુધી કૌલ પરિવારને પોતાની કરીબ રાખ્યું. તેમના સંબંધો વિશે જાતજાતની અફવાઓ ઘુમરાતી રહી. ઘણા લોકો ખાનગીમાં મિસિસ કૌલને ‘મિસ્ટ્રેસ’ કહેતા અને તેમની બીજી દીકરી નમિતાને તેમનું ‘લવ ચાઈલ્ડ’ કહેતા. અલબત્ત, એ બધી અફવાઓના જવાબ આપતા મિસિસ કૌલ એક વખત ‘સેવી’ મેગેઝિનને કહ્યું હતું ઃ ”આ બધી ગંદી અફવાઓ અંગે મારે કે અટલજીએ મારા પતિ આગળ ખુલાસો કરવાની કે માફી માગવાની જરૃર અમને કદીયે પડી નથી. મારા પતિ અને મારા તેમની સાથે સંબંધો ઘણા સુદૃઢ રહ્યા છે.”

નોંધપાત્ર વાત એ છે કે આર.એસ.એસ.ના પ્રચારકે આજીવન અપરિણિત રહેવાનું હોય છે, પરંતુ સંઘે આ ‘અનકન્વેશન રિલેશનશિપ’ સામે કદી વાંધો લીધો નહોતો. એથી ઉલટું શ્રીમતિ રાજકુમારી કૌલની અંતિમક્રિયા વખતે સંઘના નેતા સુરેશ સોની અને રામલાલ પણ સ્મશાનમાં હાજર રહ્યા હતા. આ સન્માન મિસિસ કૌલ અને અટલજી બેઉ પ્રત્યેનું હતું.

રાજકુમારી કૌલ બાજપેયીના નિકટતમ સાથી હોવા છતાં વાજપેયી જ્યારે વડાપ્રધાનની પ્રોટોકલ બુકમાં તેમનું નામ કદી લખવામાં આવતું નહીં. વાજપેયીના અધિકૃત વિદેશ પ્રવાસ વખતે પણ મિસિસ કૌલ કદી તેમની સાથે જતાં નહીં, અલબત્ત વાજપેયીની વિદેશયાત્રા વખતે મિસિસ કૌલની અદૃશ્ય હાજરી તો વર્તાતી. નમિતાના પતિ રંજન ભટ્ટાચાર્ય હંમેશાં વાજપેયી સાથે પ્રવાસમાં રહેતા. નમિતા પણ સાથે રહેતી. પ્રોટોકલ બુકમાં તેમના માટે ”ફેમિલી” લખવામાં આવતું. વાજપેયીજી વિદેશમાં હોય ત્યારે મિસિસ કૌલના ફોન નમિતા પર આવતાઃ ”એમણે દવા લીધી કે નહીં ?”

વાજપેયીની જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધવા અમેરિકા જવાના હતા ત્યારે મિસિસ કૌલે એક માગણી કરી હતી કે ” આ દિવસોમાં એમની બીજી દીકરી નમ્રતાનો જન્મદિવસ આવે છે તેથી એક દિવસ ખાલી રાખવો.” અને વાજપેયીજીએ એમ જ કર્યું ! વાજપેયીના અમેરિકાના પ્રવાસ દરમિયાન તા. ૨૬ સપ્ટેમ્બરનું ખાનું ખાલી રાખવામાં આવ્યું હતું. તેમની સાથે મુસાફરી કરી રહેલા ઉચ્ચ અધિકારીઓને પણ એ માટે આશ્ચર્ય હતું. છેવટે તા. ૨૬મી સપ્ટેમ્બરની સવારે તેમના અંગત સચિવને કહ્યુંઃ ”મારે નમ્રતાના જન્મ દિવસમાં હાજરી આપવી છે મને કનેક્ટિકટ લઈ જાવ જ્યાં નમ્રતા રહે છે.” અને અટલજી આખો દિવસ નમ્રતા, મિસિસ કૌલ અને તેમના પરિવાર સાથે રહ્યા. અહીં પણ નોંધપાત્ર વાત એ હતી કે મિસિસ કૌલ વડાપ્રધાન માટેના ખાસ વી.વી.આઈ.પી. વિમાનમાં દિલ્હીથી અમેરિકા નહોતાં ગયાં. તેઓે કર્મિશયલ વિમાનમાં જ ટિકિટ કઢાવીને અલગ રીતે દિલ્હીથી ન્યૂયોર્ક ગયા હતાં.

એક વખત વાજપેયીજી આસામમાં એક સ્થળે સભાને સંબોધવાના હતા તે પૂર્વે એ સ્થળે બોમ્બ ધડાકો થયો હતો. વાજપેયીજીની પરિસ્થિતિ અંગે કોઈને કોઈ ખબર ન હોતી. એ વખતે મોરેશિયસના વડાપ્રધાન તરીકે નવીન રામગુલામ હતા. મોરેશિયસ અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. એ વાતની બહુ ઓછા લોકોને ખબર છે કે નવીન રામગુલામ અને વાજપેયીજી વચ્ચે પણ ઘનિષ્ઠ મિત્રતા હતા. વાજપેયીજીએ ૧૯૯૮માં અણુધડાકો કર્યો ત્યારે માત્ર એ જ દેશોએ ભારતને ત્વરિત સમર્થન આપ્યું હતું, તેમાં એક હતું મોરેશિયસ અને બીજો દેશ હતો ભૂતાન. વાજપેયીના સભા સ્થળે બોમ્બ ધડાકાના સમાચાર જાણી ચિંતા થતાં એ વખતના મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે વાજપેયીજીના વડાપ્રધાન તરીકેના નિવાસસ્થાને ૭, રેસકોર્સ રોડ ખાતે ફોન કરી સીધી ‘મિસિસ કૌલ’ સાથે વાત કરી વાજપેયીની સ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. મિસિસ કૌલ સાથે બહુ ઓછા લોકો સીધી વાત કરી શક્તા. મોરેશિયસ મિત્ર દેશ હતો એ વાત મિસિસ કૌલ સારી રીતે જાણતા હતા અને આસામમાં બોમ્બ ધડાકો થયા પછી વાજપેયીની સ્થિતિ વિશે નેશનલ સિક્યોરિટી એજન્સીસને જે વાતની ખબર નહોતી તેની જાણકારી મિસિસ કૌલ પાસે હતી.

આવા મિસિસ કૌલ ભલે અટલજીના અધિકૃત ‘બેટરહાફ’ ના બની શક્યા પરંતુ જેઓ તેમને જાણે છે તે બધાં જ તેમને એક નિસ્વાર્થ, સર્મિપત અને પ્રેમાળ મહિલા તરીકે યાદ કરશે. વાજપેયીજી પથારીવશ હોઈ તેમના નામ પાડયા વગરના સંબંધનાં પ્રિય અને અંતરંગ સાથી મિસિસ કૌલની અંતિમક્રિયા વખતે હાજરી આપી શક્યા નહીં.રાજકુમારી કૌલ પરિણીત હોવા છતાં અટલજી પ્રત્યે પૂરા સન્માન સાથે સર્મિપત હતાં એ જ એમના ઉત્કૃષ્ઠ લાગણીના સંબંધોનું એક આગવું પ્રમાણ હતું.

– દેવેન્દ્ર પટેલ