ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારંભ એક આંતરરાષ્ટ્રીય મેગા-ઇવેન્ટ બની રહ્યો. પક્ષના વયોવૃદ્ધ નેતા એલ.કે.અડવાણીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ‘નરેન્દ્રભાઇ એક સારા ઇવેન્ટ મેનેજર છે.’ અડવાણીજી ભલે વ્યંગમાં બોલ્યા હોય પંરતુ તેમના શિષ્યએ એમના કથનને સત્ય સાબિત કરી બતાવ્યું. ભારતના વડાપ્રધાનની શપથવિધિના પ્રસારણમાં પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોએ આટલો ઊલટભેર રસ લીધો હોય તેવું પહેલીવાર બન્યું. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોએ પહેલી જ વાર હકારાત્મક વલણ દર્શાવ્યું.
બદલાતું વ્યક્તિત્વ
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથગ્રહણ દરમિયાન પાકિસ્તાન સહિત પડોશી દેશો અને સાર્કના દેશોના વડાઓને હાજર રાખવાની મુત્સદ્દી દ્વારા નરેન્દ્ર મોદી એક સ્ટેટસમેન-અર્થાત રાજપુરૃષ સાબિત થયા. એક મહિના પહેલા કોઇએ કલ્પના પણ કરી નહોતી કે મોદી પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવશે અને નવાઝ શરીફ પણ એ આમંત્રણ સ્વીકારશે. કાર્યભાર સંભાળતા જ તેમણે કામ કરતી સરકારનો પરિચય આપ્યો. સમય કાઢીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મળવા જઇ તથા જવાહરલાલ નહેરુને અંજિલ આપી. તેમના વ્યક્તિત્વમાં આવેલા પરિવર્તનના અણસાર આપ્યા. અડવાણીજી કરાચી જઇ મોહંમદઅલી ઝીણાની કબર પર નમ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઇ ગાંધીજીની સમાધિ પર મસ્તક નમાવ્યું. વડાપ્રધાનની ખુરશીમાં બેસતા પહેલાં ગાંધીજીની તસવીરને ગુલાબના પુષ્પ ચડાવ્યા. કોંગ્રેસે ચિંતા કરવા જેવો વિષય છે. ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબ છીનવી લીધા હવે ગાંધીજી.
નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ તબક્કાની કેબિનેટમાંથી ૭૫ પ્લસના નેતાઓને લગભગ નિવૃત્ત કરી નાખ્યા છે. એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષીને કોઇ જ કામ આપવામાં આવ્યું નથી. આરએસએસએ ૭૫ વર્ષની વયને રાજનીતિ માટે ‘એક્સપાયરી ડેટ’ જાહેર કરી છે. આ વયના નેતાઓને નથી તો મંત્રીપદ, નથી તો સ્પીકરપદ કે નથી તો એનડીએના ચેરમેનપદ માટે વાયદો કરાયો. તેમને એટલું જ કહેવામાં આવ્યું છે કે પક્ષ તેમના બહોળા અનુભવનો યોગ્ય ઉપયોગ કરશે. હા, અડવાણીજીને શપથગ્રહણ વિધિ વખતે અન્ય પૂર્વ વડાપ્રધાનો એચ.ડી.દેવગૌડા તથા. ડો. મનમોહનસિંહની બાજુમાં પ્રથમ હરોળમાં બેસાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અડવાણીજીની છેલ્લી આશા લોકસભાનું અધ્યક્ષપદ પ્રાપ્ત થાય તેવી હતી પરંતુ તે પદ માટે પણ હવે સુમિત્રા મહાજનના નામની વિચારણા થઇ રહી છે. હા, અડવાણીજીએ કેબિનેટમાં સુષ્મા સ્વરાજ અને અનંથકુમારને સમાવવા કરેલી ભલામણોને માન્ય રાખી એટલા પૂરતુ તેમનું માન જાળવ્યું છે.
વંશવાદ માટે અંગ્રેજીમાં ‘ડાયનેસ્ટી’ શબ્દ વપરાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવારના વંશવાદ પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમના એ વિધાનોની અસર તેમના મંત્રીમંડળની રચના પર પણ જોવા મળે છે. યુપીએ સરકાર વખતે દીપીન્દર હુડ્ડા, સચિન પાયલોટ, મિલિન્દ દેવરા, જ્યોતિરાદિત્ય સિંધિયા, જતીનપ્રસાદ અને રાહુલ ગાંધી એ બધા તેમના પિતાના કારણે રાજનીતિમાં આવેલાં સંતાનો હતા. નરેન્દ્ર મોદીએ ભાજપાના અને સાથીઓના ૧૧ જેટલા રાજકીય પરિવારોમાંથી માત્ર બે ને જ સ્થાન આપ્યું છે. કોઇ એક રાજનેતાના પુત્રને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું હોય તો તે પીયૂષ ગોયેલ છે. પીયૂષ ગોયેલ પૂર્વ શિપિંગ મિનિસ્ટર વેદપ્રકાશ ગોયેલના પુત્ર છે. તેમના પક્ષના ખજાનચી પણ છે. સાથી પક્ષોને લાગે વળગે છે ત્યાં સુધી એકમાત્ર અકાલીદળના પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલના પત્ની હરસિમરત કૌરને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યાં છે.
બાકીનાઓની બાદબાકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જ પક્ષના રાજકીય ખાનદાનોના જે ફરજંદોની બાદબાકી કરી નાખી છે તે જાણવા જેવું છે. મેનકા ગાંધીને મંત્રી બનાવ્યા છે પરંતુ તેમના પુત્ર વરુણ ગાંધીની બાદબાકી કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ લોકસભામાં ચૂંટાયા છે પરંતુ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાયા નથી. ભાજપાના વરિષ્ઠ નેતા યશવંતસિંહાના પુત્ર જયંત સિંહા લોકસભામાં ચૂંટાયા છે પરંતુ તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એ જ રીતે હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર અને છત્તીસગઢમાં ત્રણ વખતથી રહેલા મુખ્યમંત્રી રમણસિંહના પુત્ર અભિષેક પણ લોકસભામાં ચૂંટાયા હોવા છતાં મંત્રીમંડળમાંથી તેમની બાદબાકી કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના પુત્ર ભાજપાના નેતા સ્વ. પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પ્રચેશ વર્મા પણ લોકસભામાં ચૂંટાયા હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એલ.જે.પી.ના પ્રમુખ રામવિલાસ પાસવાનને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે પરંતુ તેમના એકટરમાંથી રાજકારણી બનેલા પુત્ર ચિરાગને મોદી મંત્રીમંડળમાં કોઇ રોલ મળ્યો નથી. ચૂંટણી પહેલાં ભાજપા સાથે ગઠબંધન કરવામાં ચિરાગ પાસવાને ચાવીરૃપ ભાગ ભજવ્યો હતો. પરંતુ પિતાને મંત્રી બનવા દેવા પુત્રએ સત્તાનો ત્યાગ કરવો પડયો છે. આ સમીકરણે ભાજપા-એલજેપીના ગઠબંધનને બિહારમાં ૪૦માંથી ૩૧ બેઠકો પર વિજય અપાવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને’શાહજાદા’ કહી પ્રહારો કર્યા હતા. હવે ભાજપાના તથા સાથી પક્ષોના શાહજાદાઓને પણ મંત્રીપદથી દૂર રાખી નરેન્દ્ર મોદીએ જે બોલ્યા તે કરી બતાવ્યું છે.
કઇ જ્ઞાાતિના કેટલા?
ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે બ્રાહ્મણ, વૈશ્ય અને રાજપૂતો જેવા સવર્ણોની પાર્ટી હોવાની છાપ રહી ચે પરંતુ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં જ્ઞાાતિવાર બંધારણ પણ સમજવા જેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતના બક્ષીપંચ હેઠળની પછાત જાતિ હેઠળ આવે છે. મોદીના મંત્રીમંડળમાં ૨૦થી વધુ મંત્રીઓ ઉચ્ચ વર્ણના છે. તેમાં ૭ બ્રાહ્મણ, પાંચ રાજપૂત અને બે વૈશ્ય છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, કલરાજ મિશ્રા અને અનંથ કુમાર બ્રાહ્મણ છે. રાજનાથસિંહ રાજપૂત છે. ડો. હર્ષવર્ધન વૈશ્ય છે. મોદી મંત્રીમંડળમાં ત્રણ દલિતોને સ્થાન મળ્યું છે. તેમાં એક રામવિલાસ પાસવાન પણ છે. ઉમા ભારતી અને ગોપીનાથ મુંડે અન્ય પછાત જ્ઞાાતિમાંથી આવે છે. મુસ્લિમ સમાજના બે જાણીતા પ્રવક્તા શાહનવાઝ હુસેન અને મુક્તાર નકવીની બાદબાકી કરી દેવામાં આવી છે. નકવીએ એકવાર કહ્યું હતું કે હવે તો દાઉદ ઇબ્રાહીમને પણ પાર્ટીમાં પ્રવેશ મળશે.’ એ વિધાન એમને ભારે પડી ગયું. ભાજપાના આ બે ચહેરાની બાદબાકી કરીને ૨૦૦૪માં કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયેલા નજમા હેપતુલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મોદીના મંત્રીમંડળમાં તેઓ એકમાત્ર મુસ્લિમ ચહેરો હશે. તેઓ ૭૪ વર્ષના છે.
મોદીના મંત્રીમંડળમાં સહુથી યુવાન સ્મૃતિ ઇરાનીએ તેમને માનવ સંશાધન ખાતું મળ્યું છે. તેમાં શિક્ષણ ખાતાનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્મૃતિ ઇરાની ખુદ સ્નાતક સુધી ભણેલાં નથી. મંત્રીમંડળનો વિસ્તાર ટૂંકમાં થવાનો છે. અરુણ જેટલીને નાણાં ઉપરાંત સંરક્ષણ ખાતું પણ અપાયું છે. સંરક્ષણ ખાતા માટે નવા મંત્રી શોધવા પડશે. શિવસેના પણ નારાજ હતી પણ તેને મનાવી લીધી છે. વસુંધરા રાજે પણ નારાજ છે, તેમને પણ રાજી કરવાં પડશે.
Comments are closed.