રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વ ૨૧મી સદીમાં પ્રવેશ્યું છે. માનવી ચંદ્ર પર ઊતરી ચૂક્યો છે,હવે મંગળ પર ઊતરવાની તૈયારી કરી રહ્યો છે. દેશના ૯૦ કરોડ લોકો પાસે મોબાઇલ છે. મુંબઈના ઉદ્યોગપતિ ૬૦૦૦ કરોડના ભવ્ય આશિયાનામાં રહે છે, પરંતુ આઝાદીનાં ૬૫ વર્ષ બાદ ભારતમાં એક વિસ્તાર એવો છે જ્યાં લોકો ગુફામાં રહે છે. તેઓ આદિમાનવ નથી,પણ વસ્ત્રો પહેરતા આજના માનવીઓ છે. તેમની પાસે રહેવાનું ઘર ન હોઈ તેઓ ગુફાઓમાં રહે છે.

આ વિસ્તાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આવેલો છે. જિલ્લાના હેડક્વાર્ટરથી થોડે જ દૂર પર્વતો છે. પર્વતોના ખડકોની અંદર બનેલી પ્રાકૃતિક ગુફાઓ એક જનસમૂહનું નિવાસસ્થાન છે. આવી ગુફાઓમાં રહેતા લોકો ગુજ્જર અને બેકરવાલ જાતિના છે. ઊંચા ખડકોની નીચે જ્યાં કપાયેલા પથ્થરોની નીચે બાકોરું મળ્યું તેમાં રહે છે. રાત્રે જંગલી પ્રાણીઓ તેમને ખાઈ ન જાય એટલે ગુફાઓના દ્વાર પર જંગલમાંથી કાપી લાવેલાં લાકડાં ગોઠવી દે છે. બહાર ભયાનક જંગલો હોઈ પ્રાણીઓના હુમલાનો તેમને સતત ભય રહે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લાના પોદર તાલુકામાં આ વસ્તી આવેલી છે.

જેવા તમે પોદર તાલુકામાં પ્રવેશો એટલે ઠેરઠેર ગુફાઓમાં વસતા લોકો જોવા મળશે. ભારતના વિકાસ અને આધુનિકીકરણની યોજનાઓ અહીં પહોંચી નથી. વીજળીનો તો સવાલ જ નથી. હિમાલયની ખૂબસૂરત પહાડીઓની ભીતરના ખડકોની ગુફાઓમાં રહેતા આ લોકો દર્દનાશક જીવન જીવી રહ્યા છે. અહીં બાજુમાં જ ચિનાબ નદી વહે છે. અહીંથી સહેજ આગળ વધો એટલે બરફાચ્છાદિત શિખરો દેખાય છે. અહીંની જમીન કાળી અને ફળદ્રુપ છે. જમીનમાં સમૃદ્ધ ખનિજતત્ત્વો છે, પણ તેની પર રહેતા લોકો ગરીબ છે. ગરીબીરેખાથી પણ નીચલા સ્તરનું જીવન જીવે છે. આ ગરીબો અહીંની જમીનના માલિકો નથી.

જાર નામનું એક ગામ ગ્રામપંચાયત ધરાવે છે, પણ તેના અડધોઅડધ લોકો ગુફામાં રહે છે. આવી ગુફાઓને અહીંના સ્થાનિક લોકો ‘કુદુ’ કહે છે. દિવસે આ ગરીબો બહાર આવી જાય છે. ખુલ્લા આકાશ નીચે પથ્થરો ગોઠવીને બનાવેલા ચૂલા પર એલ્યુમિનિયમનું વાસણ મૂકી ગરીબ મુસ્લિમ મહિલાઓ રાંધે છે. બાળકો નાગાં ફરતાં જણાય છે. મોટાભાગનાં બાળકો કુપોષણનો શિકાર બનેલાં છે.

જે લોકો ગુફાઓમાં વસે છે તે વિસ્તારનાં ગામોમાં (૧) લાઈ (૨) કજઈ (૩) કુન્ડલ (૪) કાંથલુ (૫) ચોકી (૬) ડેડી (૭) ચાનાયેસ (૮) શાશુ (૯) ચીરડી અને (૧૦) ભામાનીનો સમાવેશ થાય છે. આ ગામોના લોકો જે પર્વતોની ગુફાઓમાં વસે છે તે ગુફાઓના પર્વતો સીધા અને અતિશય ઊંચા છે. તેની પર ચઢવાની કોઈ હિંમત કરતું નથી.

દૂર અંતરિયાળના વિસ્તારોમાં રહેતી આ માનવ વસ્તી માટે અનાજ, આરોગ્ય, સેનિટેશન કે શિક્ષણની કોઈ મૂળભૂત સવલતો હજુ પ્રાપ્ત થઈ નથી. તે બધા જ ભારતના નાગરિકો છે. ચોમાસામાં અને કાતિલ શિયાળામાં ગુફામાં જ ચૂલો સળગાવવો પડે છે. અંદરનો ધુમાડો બહાર નીકળવા માટે વેન્ટિલેશનની કોઈ જ વ્યવસ્થા ન હોઈ અંદર રહેતાં લોકો ગૂંગળામણનો ભોગ બની ફેફસાંની બીમારીના દર્દી બની જાય છે. અસ્થમા એ અહીં રહેતા લોકોની સામાન્ય બીમારી છે. તેમની પાસે થોડીક બકરીઓ હોય છે, પણ ચોમાસામાં કે બરફવર્ષા વખતે બકરીઓ કે ભેંસને પણ તેમની સાથે ગુફામાં રાખવામાં આવે છે. ગુફામાં અજવાળું કરવા માટે તેમની પાસે કેરોસીન નથી, તેથી દિવસે જ રાંધી લેવું પડે છે.

અહીં કેટલાંક નદીનાળાં પણ છે, પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પુલ નથી, તેથી નીચે વહેતા ધમધોકાર પાણીની ઉપર નદીના એક કાંઠે આવેલા ઝાડથી નદીના બીજા કાંઠાના ઝાડ પર મજબૂત બે દોરડાં બાંધવામાં આવે છે. લોકો એક દોરડા પર પગ રાખી બીજા દોરડાને હાથથી પકડી રાખી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જાય છે. ચિનાબ નદી પર જ આવાં દોરડાં બાંધવામાં આવેલાં જોવા મળે છે. આ દોરડાં જ તેમના પરિવહનનું સાધન છે. હમણાં હમણાં સરકારે ક્યાંક ક્યાંક દોરડા પર લાકડાના ઝૂલા બનાવ્યા છે. તેમાં વધુમાં વધુ બે માણસો બેસી શકે છે. એ ઝૂલો દોરડા પર લટકે છે અને સામેથી એક માણસ તે ઝૂલાને ખેંચીને બીજા કાંઠે લાવી દે છે. દોરડા પર ખેંચીને લઈ જવાતો આ ઝૂલો સામાન્ય માનવી માટે નથી. જેઓ બીમાર, અશક્ત છે અને જે સ્ત્રીઓ સગર્ભા છે તેઓ જ એનો ઉપયોગ કરી શકે છે. આ વિસ્તારના શાશુ ગામની ગુફામાં રહેતો ફરીદ અહેમદ કહે છે કે, “નીચે ધસમસતી નદી પર દોરડાં દ્વારા એક કાંઠેથી બીજા કાંઠે જતાં કેટલાયે લોકોએ જાન ગુમાવ્યા છે. તેમના મૃતદેહ પણ હાથ આવતા નથી.”

કાન્થલુ ગામની ગુફામાં રહેતો રફીક કહે છેઃ “મારો પાંચ વર્ષનો બાળક બીમાર હતો. હું તેને પોદર ગામ પાસે આવેલા દવાખાનામાં લઈ જવા માગતો હતો. દોરડા પર ખાટલો બાંધી તેને ખેંચીને એક કાંઠેથી બીજા કાંઠે લઈ જતાં દોરડું ફસાઈ ગયું હતું. હું અને મારો દીકરો ત્રણ કલાક સુધી ધસમસતી નદીની ઉપર દોરડાથી લટકતા ખાટલામાં ફસાઈ ગયા હતા. અમે દયનીય જીવન જીવીએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કેટલીક વખત અમારે પ્રાણીની જેમ પેટે ઘસાઈને જવું પડે છે.” અમે સદીઓથી અહીં રહીએ છીએ, પણ આ વિસ્તારનાં જંગલોની જમીન પર અમારો કાયદેસરનો કોઈ જ હક્ક અમને આપવામાં આવ્યો નથી. જંગલોની પેદાશ પર પણ અમારો કોઈ હક્ક નથી. અહીંનાં જંગલોમાંથી લાકડું લઈ અમે ઘર પણ બાંધી શકતા નથી.”

કેન્દ્ર સરકારે ફોરેસ્ટર રાઇટ એક્ટ ૨૦૦૬ બનાવ્યો છે, પણ અહીં રહેતા લોકોને તેનો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. પાથેર ગામનો રહીશ સૈફ દીન કહે છેઃ “મારી ગ્રામપંચાયતના વિસ્તારમાં ૫૦૦ ઘર છે, પરંતુ તેમાંથી ૨૫૦ પરિવારો ગુફામાં રહે છે. હું કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રી જયરામ રમેશને વિનંતી કરું છું કે તેઓ અમારા વિસ્તારમાં આવે અને અહીં લોકો કેવી રીતે રહે છે તે તેમની સગી આંખે નિહાળે.”

જાર વિસ્તારની ગ્રામપંચાયતના સરપંચ મુલરાજ રાઠોડ કહે છેઃ “અમારા વિસ્તારમાં કોઈને ઘર બાંધવું હોય તો ઇન્દિરા આવાસ યોજના હેઠળ એક ઘર બાંધવા માટે રૃ. ૪૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે, પરંતુ આ લાભ પંચાયતદીઠ એક જ પરિવારને અપાય છે. એક ગામમાં ૨૫૦ પરિવારો ગુફામાં રહેતા હોય તો બાકીના ૨૪૯ ગુફાવાસીઓને ઘર ક્યારે મળે? તેથી એ યોજના અહીં નામ પૂરતી જ છે.”

અહીં સ્કૂલ નથી, શિક્ષણ નથી, રોજગારી નથી. યુવાનો નજીકના વિસ્તારોમાં ટ્રકમાં રેતી ભરવા મજૂરીએ જાય છે. ક્વોરીઓમાં જઈ પથ્થરો ઊંચકે છે. આ વિસ્તારમાંથી ચૂંટાતા ધારાસભ્યનું નામ સજ્જાદ અહેમદ કિચલુ છે. તેઓ કહે છેઃ “ના ભાઈ ના, અહીં એવી કોઈ તકલીફ નથી. આમ છતાં લોકો જો ગુફામાં રહેતા હશે તો હું તપાસ કરીશ અને લોકો એવું જીવન જીવતા હશે તો હું મતક્ષેત્ર વિકાસ ભંડોળમાંથી મદદ કરીશ.”

બોલો, સદીઓથી તેમના જ વિસ્તારમાં ગુફાઓમાં જીવન જીવતા લોકો વિશે સ્થાનિક ધારાસભ્યને જ ખબર નથી!

www.devendrapatel.in