રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વભરમાં મીડિયા શક્તિશાળી બની રહ્યું છે. સમયની સાથે સાથે મીડિયાનું સ્વરૂપ અને પત્રકારત્વ બેઉ બદલાઈ રહ્યાં છે. હજારો વર્ષથી માનવીને દૂર દૂર કે આસપાસ શું ચાલે છે તે જાણવાની હંમેશાં જિજ્ઞાાસા રહી છે. માહિતીની ઉત્કંઠાના મનોવિજ્ઞાાન પર જ પત્રકારત્વ જન્મ્યું છે અને વિકસ્યું છે. મહાભારતના કાળમાં દેર્વિષ નારદ કોઈ પત્રકાર નહોતા છતાં કોઈ ને કોઈ ઉત્કૃષ્ટ માહિતી સાથે લઈને જ ફરતા હતા. જરૂરી માહિતી એક દેવથી બીજા દેવ સુધી પહોંચાડવાનું દૈવી કાર્ય તેઓ બજાવતા હતા. બલી રાજાએ ભગવાન વિષ્ણુને પાતાળલોકમાં લઈ જઈ મહેલના દ્વારપાળ બનાવી દીધા હતા, પરંતુ દેવી લક્ષ્મીજીને આ વાતની ખબર નહોતી. ઘણા દિવસથી પતિદેવ ભગવાન વિષ્ણુ ન દેખાતાં લક્ષ્મીજીએ નારદજીને જ પૂછવું પડયું હતું કે, “દેર્વિષ, ભગવાન આજકાલ કેમ દેખાતા નથી.” એ પછી ભગવાન ક્યાં છે તેની માહિતી અને કારણ નારદજીએ જ લક્ષ્મીજીને આપ્યાં હતાં.

આમ, માહિતીની જિજ્ઞાસાનું મહત્ત્વ હજારો વર્ષ પહેલાં પણ હતું. ૧૯મી સદીમાં રેડિયો આવ્યો. રેડિયો ખબર આપવાના મુખ્ય માધ્યમ તરીકે વિકસ્યો. આજથી ૪૦-૫૦ વર્ષ પૂર્વે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી સાંજે ૭ વાગ્યે પ્રસારિત થતા પ્રાદેશિક સમાચાર અત્યંત લોકપ્રિય હતા. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ લોકો સુધી યુદ્ધની માહિતી આપવામાં રેડિયોએ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બ્રિટન સહિત અનેક યુરોપિયન દેશોને ડરાવી દીધા હતા. તે વખતે બીબીસી જ યુદ્ધની ગતિવિધિના સમાચારનું મુખ્ય માધ્યમ હતું. અલબત્ત, હિટલર રેડિયો દ્વારા અનેક પ્રકારની ખોટી માહિતીઓ પ્રસારિત કરાવી ગોબેલ્સ પ્રચાર પણ કરાવતો.

૨૦મી સદીમાં ટેલિવિઝન આવ્યું. તે પહેલાં સરકારો દર અઠવાડિયે એક માહિતી ફિલ્મ બનાવતી અને સરકારની પ્રવૃત્તિઓ અંગેની માહિતી ખાતાની ફિલ્મ દરેક થિયેટરમાં દર્શાવવી ફરજિયાત હતી. ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા તે વખતે સખત ઠંડીમાં પણ નજીવાં વસ્ત્રો પહેરીને લંડન ગયેલા ગાંધીજીની ફિલ્મના આર્કાઇવ્ઝ આજે પણ લંડનમાં મોજૂદ છે.

ભારતમાં આઝાદીની લડત દરમિયાન આજના પત્રકારત્વનો પાયો નખાયો. ફરક એ હતો કે એ વખતે અંગ્રેજો સામે લડવાના ખ્યાલથી વિકસેલું પત્રકારત્વ દેશદાઝથી રંગાયેલું હતું. એ વખતે શરૂ થયેલાં અખબારોમાં પત્રકારો વ્યાવસાયિક ધોરણે નહીં,પરંતુ એક મિશન સમજી જોડાતા હતા. આઝાદી બાદ બદલાઈ ગયું. આજના આધુનિક પત્રકારત્વનો પાયો આઝાદી પછીના કાળમાં નખાયો. અંગ્રેજો જતા રહ્યા, પરંતુ ભારતના કેટલાક નેતાઓનાં કૌંભાડો ખોલવાનું કામ ૧૯૬૦ની આસપાસ શરૂ થયું. એને સંશોધનાત્મક પત્રકારત્વ કહેવાયું. અંગ્રેજીમાં તેને ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ કહે છે. ‘બ્લિટ્ઝ’ જેવાં અખબારોએ દેશના નેતાઓની પોલ ખોલવા પ્રયાસ કર્યો. એ વખતે ભારતના પૂર્વ સંરક્ષણમંત્રી કૃષ્ણમેનનનું આર્મી માટે ઇંગ્લેન્ડથી ખરીદવામાં આવેલી જીપોનું કૌભાંડ બહાર આવ્યું. પીળું પત્રકારત્વ પણ આ સમયથી શરૂ થયું.

એ પછી કેટલાક દાયકાઓ પૂર્વે અમેરિકાએ વિયેતનામ પર યુદ્ધ ઝીંકી દીધું. વિયેતનામ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. આખા વિશ્વમાં અમેરિકાની નિંદા થઈ રહી હતી, પરંતુ તે બોમ્બમારો બંધ કરતું નહોતું. એ વખતે એસોસિએટેડ પ્રેસના એક ફોટો જર્નાલિસ્ટ યુદ્ધનું કવરેજ કરવા વિયેટનામ પહોંચ્યો. એક ગામમાં અમેરિકન યુદ્ધ વિમાનોએ બોમ્બ ઝીંકી દીધો. મકાનો સળગવા લાગ્યાં. જાન બચાવવા સાતેક વર્ષની એક બાળકી કે જે નહાતી હતી તે વસ્ત્રહીન દશામાં દોડી. પાછળ તેનાં ઝૂંપડાં સળગી રહ્યાં હતાં. બાળકી નગ્ન હતી અને રડતી રડતી દોડી રહી હતી. ફોટો જર્નાલિસ્ટે એ ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી.

એ બાળકીની તસવીર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પ્રથમ પેજ પર છપાઈ અને અમેરિકા શરમાઈ ગયું. બીજા દિવસે જ એણે યુદ્ધ બંધ કરી દીધું.

અખાતના યુદ્ધ વખતે ટેલિવિઝન પર ન્યૂઝ ચેનલોનું મહત્ત્વ વધ્યું. સીએનએન જેવી ન્યૂઝ ચેનલોના પત્રકારો અને કેમેરામેનોએ યુદ્ધનાં ખોફનાક દૃશ્યો આખા વિશ્વને તેમના દીવાનખંડમાં બતાવી દીધાં. આ એક સાહસપૂર્ણ પત્રકારત્વ હતું. તેમાં સેટેલાઇટ ટેક્નોલોજીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. આજે ન્યૂઝ ચેનલ્સ અન્ય સોપ ઓપેરા જેટલી જ લોકપ્રિય છે.

હવે ડ્રોન પત્રકારત્વ આવી રહ્યું છે. ડ્રોન એટલે કે માનવરહિત વિમાનો આમ તો જાસૂસી અને મિસાઇલમારા માટે વપરાય છે. આ ડેન્જરસ ટેક્નોલોજી હવે યુદ્ધ પૂરતી સીમિત રહી નથી. આજના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વમાં પણ હવે ડ્રોનનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. અખાતના યુદ્ધમાં વિશ્વના પત્રકારત્વના ઇતિહાસમાં નોંધપાત્ર ભાગ ભજવનાર ‘અલ જજીરા’ ચેનલના ત્રણ પત્રકારોએ પરવાનગી લીધા વગર પેરિસમાં ડ્રોન વિમાન ઉડાડીને તેના કેમેરા દ્વારા કેટલાંક દૃશ્યો ઝડપી તેનું કવરેજ કર્યું હતું. આ ઘટનાને અપરાધ ગણવામાં આવ્યો છે. ફ્રાન્સના કાયદા પ્રમાણે પેરિસમાં કોઈ પણ વિમાન ૧૯,૭૦૦ ફૂટથી નીચે ઉડાડવાની મનાઈ છે. ભીડની ઉપર ડ્રોન ઉડાડી ભીડની ફોટોગ્રાફી કરવી તે કેટલાક દેશોમાં ગુનો ગણવામાં આવે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વની પ્રયોગશાળા અમેરિકાની યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં સ્થાપિત થઈ હતી. તેના સંસ્થાપક પ્રોફેસર મેટ હતા. તેઓ ફ્રાન્સમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ત્રણ પત્રકારોની ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ માને છે. ડ્રોન પત્રકારત્વ હવે એક નવો અભિગમ છે. આ પત્રકારત્વમાં ટેક્નોલોજીનું કૌશલ્ય અને સંપાદન એ બંનેના બહેતર સંતુલન આવશ્યક તત્ત્વ મનાય છે. ડ્રોન વિમાન પર લગાડેલા કેમેરાથી જ્યાં માનવી જઈ શકતો નથી ત્યાં ડ્રોન વિમાન પત્રકારના મહત્ત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. તેમાં માત્ર કેમેરાની કમાલ નથી, પરંતુ સમાચાર શોધતા પત્રકારના કૌશલ્યનું પણ પ્રદર્શન છે. શ્રોતાઓ, દર્શકો અને વાચકોની જિજ્ઞાાસાની અભિરુચિ સંતોષવી તે પત્રકારનો ધર્મ છે. વિશ્વમાં કેટલાંક એવાં દુર્ગમ સ્થળો છે, ખીણો છે, પર્વતો છે, યુદ્ધગ્રસ્ત પ્રદેશો છે ત્યાં માનવી પહોંચી શકતો નથી, એવાં સ્થળોએ કેમેરા લગાડેલાં માનવરહિત નાનકડાં ડ્રોન વિમાનો મોકલી શકાય છે અને તેણે ઝડપેલાં દૃશ્યો લોકો સુધી પહોંચાડી શકાય છે. કુદરતી આપત્તિઓથી ઘેરાયેલાં સ્થળો સુધી પહોંચવું માનવી માટે સરળ હોતું નથી ત્યારે ડ્રોન ટેક્નોલોજી કોઈ પણ જાતના માનવીય નુકસાન વિના કુદરતી આફતોની વિસ્તૃત દૃશ્યાવલી લોકો સુધી પહોંચાડે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વ પ્રયોગશાળામાંથી નીકળેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની આજકાલ અમેરિકી મીડિયામાં ભારે માગ છે. વિસ્તૃત અને ઊંડાણપૂર્ણ રિપોર્ટિંગ આજના સમયની માગ છે. હવે કોણ, ક્યાં, કેમ, ક્યારે, એ ન્યૂઝ સ્ટોરીનું મૂળ તત્ત્વ રહ્યું નથી. સમાચારોના આ નવા સમયમાં ડ્રોન પત્રકારત્વ ખૂબ જ રોમાંચક અને ઉપયોગી સાબિત થશે એ નિશંક છે.

www.devendrapatel.in