ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ હવે આક્ષેપો-પ્રતિઆક્ષેપો,અહમ્ના ટકરાવ અને રાજનીતિનો અખાડો બનતી જાય છે. ગુજરાત યુનિર્વિસટી તથા સેપ્ટ જેવી સંસ્થાઓ એક જમાનામાં ગુજરાતની શાન હતી. આ સંસ્થાઓની સ્થાપનામાં ડો. વિક્રમ સારાભાઈ,કસ્તુરભાઈ લાલભાઈ જેવા દૃષ્ટાઓનો મોટો ફાળો હતો. અમદાવાદની આઈઆઈએમથી માંડીને સ્થાપત્ય શિક્ષણની સંસ્થાઓએ દેશને સર્વશ્રેષ્ઠ સ્થપતિઓ તથા કુશળ વ્યવસાયકારો આપેલા છે, પરંતુ હવે એ જ સંસ્થાઓ એ જ સંસ્થાઓના ભૂતપૂર્વ અને વર્તમાન વડાઓ વચ્ચેના કુસ્તી દંગલનું પ્લેટફોર્મ બનતી જાય છે. સેપ્ટ જેવી પવિત્ર શૈક્ષણિક સંસ્થામાં સત્તાની સાઠમારીનાં દૃશ્યો જોઈ કોઈ પણ શિક્ષણપ્રેમીનું મસ્તક ઝૂકી જાય તેમ છે.

દોશીના આક્ષેપો

તાજેતરમાં ‘સેપ્ટ’ના સ્થાપકો પૈકીના એક અને જાણીતા સ્થપતિ બી. વી. દોશીએ ‘સેપ્ટ’ના ડાયરેક્ટર બિમલ પટેલ સામે એક જાહેર નિવેદન કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. બી. વી. દોશીનું કહેવું છે કે, “સેપ્ટના સાઉથ ફેસાર્ડ અને સાઉથ એલિવેશન વિન્ડોમાં પ્રેસિડેન્ટે મનસ્વી ફેરફારો કર્યા છે. ૫૦ વર્ષ પહેલાં મેં બનાવેલા અમદાવાદના હેરિટેજ સમા ‘સેપ્ટ’ યુનિર્વિસટીના બિલ્ડિંગને નુકસાન કરવામાં આવી રહ્યું છે. ‘સેપ્ટ’ની આ ઐતિહાસિક ઇમારત તે અમદાવાદનો વારસો છે અને તેના બિલ્ડિંગની ડિઝાઈનમાં અને પુનઃ નિર્માણમાં મને પૂછયા વગર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નીતિમત્તાની દૃષ્ટિએ આ ગેરવાજબી છે. મેનેજમેન્ટ મને બોલાવતું નથી. સેપ્ટમાં શૈક્ષણિક કાર્યક્રમો ઘટી રહ્યા છે. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વાતાવરણ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અનુભવી અધ્યાપકો છૂટા થઈ રહ્યા છે. તાજેતરમાં સ્ટુડન્ટ્સ કાઉન્સિલ વિખેરી નાખી તે બરાબર નથી વગેરે.”

બિમલ પટેલ

સેપ્ટના ડાયરેક્ટર બિમલ પટેલે બી. વી. દોશીના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે, “વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોઈ ૫૦ વર્ષ જૂની ઇમારતમાં સમયાનુસાર પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. બી. વી. દોશી સ્વયં બોર્ડ ઓફ કાઉન્સિલના સભ્ય છે અને બોર્ડની મંજૂરી બાદ જ નિર્ણયો અમલમાં મૂકવામાં આવે છે. વળી મેનેજમેન્ટે બી. વી. દોશીનો ઇ-મેલ દ્વારા તથા વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરી શકે તે માટે સમયાંતરે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. સેપ્ટ ૨૩૯ જેટલા વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવે છે. હાલ ૭૨ ફેકલ્ટી છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે ફેકલ્ટી મેમ્બરે ૮ કલાક હાજરી આપવી અનિવાર્ય છે.

બૌદ્ધિક મારામારી

‘સેપ્ટ’ યુનિર્વિસટીમાં આ પ્રકારનો વિવાદ લાંબા સમયથી ચાલતો આવે છે. આ વિવાદથી નારાજ થયેલા બી. વી. દોશીએ કેટલાક સમય પહેલાં જ ‘સેપ્ટ’માંથી રાજીનામું આપી દીધું હતું. મેનેજમેન્ટે પણ તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા બાદ દોશીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે, સેપ્ટના વિદ્યાર્થીઆના પ્રશ્નો ટલ્લે ચડી ગયા અને હવે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિવાદે ‘સેપ્ટ’ની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. ગુજરાતની આવી સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થામાં હવે જૂના અને નવા સંચાલકોની બૌદ્ધિક મારામારીનાં વરવાં દૃશ્યો જોવા મળે છે. આ એક પ્રકારની હુંસાતુંસી જ છે, જે એ બેઉ મહાનુભાવોને શોભતી નથી.

કીચડ ના ઉછાળો

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ અને ભવ્ય વારસો જોતાં એ જરૂરી છે કે, બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ સંયમથી વર્તે. બી. વી. દોશી એક પ્રતિષ્ઠિત સ્થપતિ અને સંસ્થાના સ્થાપક છે, જ્યારે બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી અને હવે સંસ્થાના પ્રેસિડેન્ટ પણ છે. આ બંને વિદ્વાનોએ ‘સેપ્ટ’ના આંતરિક પ્રશ્નો અંગે જાહેરમાં એકબીજા સામે કીચડ ઉછાળવાની શરૂઆત કરી છે તેથી છેવટે તો સંસ્થા જ બદનામ થાય છે. ‘સેપ્ટ’ની નામના પૂરા દેશભરમાં છે. બી. વી. દોશી એક સિનિયર વ્યક્તિ છે અને બિમલ પટેલ નવી પેઢીના માણસ છે. બેઉ જણે આ રીતે મીડિયા સમક્ષ જઈ આ રીતે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરીને સંયમ ગુમાવ્યો છે અને સંસ્થાને લાંછન લગાડયું છે. કોઈ પણ મોટી સંસ્થામાં પ્રશ્નો હોઈ શકે છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે એક અંતર પણ હોઈ શકે છે, પરંતુ બે બુદ્ધિજીવીઓ વચ્ચે કોઈ મતભેદ હોય તો પણ તેને ફૂટપાથના રાજકારણીઓની જેમ જાહેરમાં એકબીજા સામે આ રીતે ગંદવાડ ઉછાળવો તેમને શોભતો નથી. તમારે કાંઈ કહેવું હોય તો બંધબારણે અંદર બેસીને ડાહ્યા માણસની જેમ વાત કરો. ‘સેપ્ટ’ એ ફિશ માર્કેટ નથી. કુસ્તી દંગલની કોઈ રિંગ નથી. સેપ્ટ એ યુદ્ધભૂમિ નથી. પ્રશ્નોની બૌદ્ધિક ચર્ચા કરીને એનો બુદ્ધિપૂર્વકનો નિવેડો લાવવો જોઈએ.

નિવૃત્તિને સ્વીકારો

એ વાત સાચી છે કે, ઉંમર ઢળી ગયા પછી નિવૃત્ત થવાનું કોઈને ગમતું નથી, પછી તે રાજકારણ હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. બી. વી. દોશીએ હવે એ વાત સમજી લેવાની જરૂર છે કે, ૫૦ વર્ષ પહેલાંની વાત જુદી હતી અને આજની વાત જુદી છે. સમય બદલાયો છે. સમય પ્રમાણે સંસ્થામાં પણ પરિવર્તનો લાવવા પડે. સમય સાથે રહેતાં શીખવું જોઈએ. નવા માણસોને કામ કરવા દેવાની તક અને અવકાશ આપવા જોઈએ. બી. વી. દોશી એક અનુભવી સ્થપતિ અને શિક્ષણકાર છે. તેમણે વડીલને છાજે તે રીતે તેમના અનુભવનો લાભ અને માર્ગદર્શન આપવા જોઈએ. જૂની ઇમારતમાં કોઈ ફેરફાર જ ના કરી શકાય તેવા દુરાગ્રહોમાંથી બહાર આવવું જોઈએ.

સિનિયરને માન આપો

એ જ રીતે   સંસ્થાના નવા પ્રેસિડેન્ટ બિમલ પટેલે પણ એટલા જ સંયમથી વર્તવાની જરૂર હતી. તેઓ જે રીતે મીડિયા સમક્ષ જઈ ખુલાસા કરે છે તેમના પદની ગરિમાને અનુકૂળ નથી. બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી હોઈ તેમણે સંસ્થાની પ્રતિષ્ઠાના જાહેરમાં લીરેલીરા ઊડતા હોય ત્યારે શાલીનતાથી વર્તવું જોઈએ. બી. વી. દોશી આ સંસ્થાના સ્થાપક અને સિનિયર વ્યક્તિ છે. બિમલ પટેલે સિનિયરોને માન આપતાં શીખવું જોઈએ. તેમણે એક વાત ગંભીરતાથી સમજવી જોઈએ કે, સંસ્થાના પૂર્વ અને હાલના બે વડાઓ વચ્ચે હાલ જે રીતે શાબ્દિક લડાઈ ચાલી રહી છે તેથી સેપ્ટના વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ થઈ છે. તેમની આ જાહેર લડાઈની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે તે અંગે તેમણે બંનેએ વિચારવું જોઈએ. વિદ્યાર્થીઓના પણ કોઈ પ્રશ્નો હોય તો સામસામે બેસીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

વિદ્યાર્થીઓમાં અજંપો

બી. વી. દોશી અને બિમલ પટેલ એ બંને જણ યાદ રાખે કે, વિશ્વભરમાં ક્રાંતિની જનેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ જ હોય છે અને વિદ્યાર્થી આંદોલનોમાંથી જ ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના મેસ બિલના પ્રશ્નમાંથી જ ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું હતું. મહાગુજરાતના આંદોલનમાં વિદ્યાર્થીઓનો મોટો ફાળો હતો. આજે ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ નારાજ છે. તેમની નારાજગી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો એ આંદોલન આવતીકાલે રાજકારણીઓના હાથમાં જઈ શકે છે. હજી તો ચિનગારી છે. એમાં પેટ્રોલ નાખવાનું કામ બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ બંધ કરે એ જ ‘સેપ્ટ’ યુનિર્વિસટીના હિતમાં છે.