બીબીસી-ચેનલ-૪ના મહિલા પત્રકાર લેસ્લી ઉડવીને દિલ્હીની તિહાડ જેલમાં જઈને નિર્ભયા પર બળાત્કાર કરનાર એક આરોપી બસ ડ્રાઈવર મુકેશ સિંહની મુલાકાત લઈ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી,જેનું શીર્ષક છે : ‘ઇન્ડિયાઝ ડોટર.’ એ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતાં પહેલાં મહિલા પત્રકારે તમામ જરૂરી મંજૂરીઓ લીધી હતી. આ ડોક્યુમેન્ટરીમાં આરોપી મુકેશ સિંહે જે વિધાનો કર્યાં છે તેના કારણે દેશભરમાં બબાલ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે એ ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ બનાવનાર સામે કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી છે. એ બધાની પરવા કર્યા વિના બીબીસી ચેનલ-ફોરે એ ફિલ્મ ટેલિવિઝન પર પ્રસારિત કરી દીધી. આ ફિલ્મના પ્રસારણની વિરોધમાં અને તરફેણમાં એમ બંને બાજુનાં મંતવ્યો આવી રહ્યાં છે.
બીબીસીની મહિલા પત્રકાર સાથેના ઈન્ટરવ્યૂમાં આરોપી મુકેશ સિંહે કહ્યું હતું કે, “રાતના સમયે ઘરેથી બહાર નીકળતી મહિલાઓ પર અગર છેડતી કરવાવાળા પુરુષોનું ધ્યાન જાય છે તો તેના માટે માત્ર અને માત્ર મહિલાઓ જ જવાબદાર છે. બળાત્કાર માટે એક પુરુષ કરતાં છોકરી જ વધુ જવાબદાર છે. નિર્ભયા પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે જો એ છોકરી અને તેના મિત્રએ સામનો કર્યો ના હોત તો બળાત્કાર કરવાવાળાઓએ તેની બેરહમીથી પીટાઈ કરી ન હોત અને તેનું મૃત્યુ નીપજ્યું ના હોત. જ્યારે તેની પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે તેણે તેનો વિરોધ કરવાની જરૂર નહોતી. એ વખતે એણે મૌન રહેવાની જરૂર હતી અને બળાત્કાર થવા દેવો જોઈતો હતો. એમ થયું હોત તો તે પછી એ છોકરીને આગળ ક્યાંક બસમાંથી ઉતારી દીધી હોત અને મોતમાંથી બચી ગઈ હોત.”
એક હેવાનનું આ વિધાન હેવાનિયત પછીના ક્રૂર અટ્ટહાસ્ય જેવું લાગે છે. મુકેશ સિંહના બીબીસી પરના આ બયાન બાદ પીડિતાની માતાએ કહ્યું છે કે, “મારી પુત્રીના ગુનેગાર મુકેશનું આ બયાન બેહદ શરમજનક અને કાનૂનની મજાક ઉડાવનારું છે.આ તો કાયદામાં રહેલી નબળાઈનું પરિણામ છે કે જે ગુનેગાર જેલમાં બંધ છે તે માણસ જેલમાં રહીને પણ પોતાની અધમ હરકતને વાજબી ઠેરવવા કોશિશ કરે છે. અમારી દીકરી પર બળાત્કાર કરનાર આરોપીઓને કરવામાં આવેલી સજાનો તરત જ અમલ થયો હોત તો મુકેશ આવી વાત કરવાની હિંમત કરી શક્યો ના હોત.”
આ ફિલ્મ અંગે બળાત્કારનો ભોગ બન્યા પછી મૃત્યુ પામનાર નિર્ભયાના પિતાએ કહ્યું છે : “દરેકે આ ફિલ્મ જોવી જોઈએ જેથી બધાને એ વાતની ખબર પડે કે, એક માણસ જેલમાં હોવા છતાં આવું બોલી શકે છે, તે બહાર હોય તો શું બોલત ?”
એ વાત ફરી સમજી લેવાની જરૂર છે કે, દિલ્હીમાં એ રાત્રે નિર્ભયા જે બહાદુરીથી બળાત્કારીઓનો મુકાબલો કરતી રહી, મોતની આગોશમાં જતાં પહેલાં જે રીતે તે જીવન માટે સંઘર્ષ કરતી રહી, મોત પછી સમગ્ર દેશમાં નિર્ભયાના મામલે જે રીતે પ્રતિરોધ વધતો ગયો, એ જ રીતે બળાત્કારીની પણ હેવાનિયત વધતી રહી છે. નિર્ભયા સાથેના હિંસક વ્યવહારની વાતો સાંભળીને લોકોના આત્મા કાંપી ઊઠયા, પણ હેવાનો આજ સુધી થંભ્યા નહીં. સમાજમાં આવી પ્રવૃત્તિ એટલી હદે વધી રહી છે કે, હવે તેમને ના તો કાનૂનનો ડર છે કે ના તો સમાજનો. નિર્ભયા પરના બળાત્કાર બાદ કાનૂનમાં સખ્તી લાવ્યા છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ વધતી રહી છે. વળી આવા દુષ્કૃત્યો કરનારાઓમાં દરેક વર્ગના લોકોના નામ સામે આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે,નિર્ભયા પરના બળાત્કારના આરોપી મુકેશે બીબીસી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું છે કે, “બળાત્કાર કરનારને મોતની સજાના કારણે છોકરીઓ પર જોખમ વધી જશે. હવે કોઈ બળાત્કાર કરશે તો બળાત્કાર કરનાર પુરુષ તે છોકરીને જીવતી છોડશે નહીં, જે અમે કર્યું હતું.”
આરોપી મુકેશની આ વાતો સાંભળ્યા પછી તો એમ લાગે છે કે, મુકેશને પોતે કરેલ કૃત્યનો કોઈ પસ્તાવો નથી. મુકેશના વિધાનો પરથી એ સમજાય છે કે, આપણી કાનૂની વ્યવસ્થા, તેનો અમલ અને ન્યાય પ્રણાલીમાં ક્યાંક કમજોરી છે. આવા હવસખોર દરિંદાઓને કાનૂનનો પણ ભય નથી. કાનૂન માત્ર કાગળ પર જ હોય તેવું તેનું વિધાન છે. અપરાધીને ત્વરિત ગતિએ સજા કરવામાં અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી પાર પાડવામાં આપણી વ્યવસ્થા અસફળ રહી છે. એક વાર બળાત્કારીને ઝડપથી સજા મળે તો બીજાઓ પણ તેમાંથી સબક લે, પણ ગમે તે કારણે તેમ થયું નથી. ભારતમાં ન્યાય પ્રણાલી મજબૂત અને ગૌરવપૂર્ણ છે પણ ન્યાયપ્રક્રિયા ધીમી છે.
નિર્ભયા પર બળાત્કારના આરોપી મુકેશનો ઇન્ટરવ્યૂ કરનાર બીબીસીની ફિલ્મ જેમણે જોઈ છે તે બધા એક વાત સાથે તો સંમત છે કે ફિલ્મમાં અસલ ઇન્ટરવ્યૂ જેમને તેમ દર્શાવવામાં આવ્યો છે. અલબત્ત, ફિલ્મ અંગે પણ મતમતાંતર છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રંજીતા રંજને કહ્યું છે કે, “હર હાલમાં આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ અટકાવવું જોઈએ. બીબીસીએ એક અપરાધીનો ઇન્ટરવ્યૂ લીધો તે દુઃખદ છે અને આરોપીની વાત એણે એ રીતે રજૂ કરી છે કે જેથી આવી હેવાનિયત કરનારાઓને પ્રોત્સાહન મળશે.
આ વિધાનની સામે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ ટી. એ. સીમાએ કહ્યું છે કે, “હા, સચ્ચાઈ એ છે કે, એ અપરાધીએ ઈન્ટરવ્યૂમાં જે કહ્યું છે તે ભારતના કેટલાયે પુરુષોની માનસિકતા છતી કરે છે. આપણે સત્યથી આંખો કેમ બંધ કરી દઈએ છીએ?”
રાજ્યસભાના સાંસદ જાવેદ અખ્તરે કહ્યું છે કે, “એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ લાવવાથી શું થશે ? કારણ કે મહિલાઓની બાબતમાં પુરુષોની માનસિકતા આવી જ છે. આ માનસિકતા બદલવાની જરૂર છે. સારી વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી, જેના કારણે આપણી આસપાસના એવા કેટલાય લોકોને એ વાતની તો ખબર પડી જ હશે કે તેઓ પણ બળાત્કારીઓ જેવી જ વિચારધારા ધરાવે છે !”
સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક જેફ્રી આર્ચર આજકાલ ભારતમાં છે. તેમણે કહ્યું છે કે, “લોકતાંત્રિક દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ પરનો પ્રતિબંધ યોગ્ય નથી. હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.”
બીબીસી-ફોરની ડોક્યુમેન્ટરી ફિલ્મે દેશના પુરુષોની માનસિકતા છતી કરી કે બીજું કંઈ ?
Comments are closed.