એકવાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ પાસે એક મહિલા પોતાના બાળકને લઈને ગઈ. મહિલાએ કહ્યું : “મારા દીકરાને ગોળ ખાવાની ટેવ પડી ગઈ છે. તે સતત બીમાર રહે છે. હકીમનું કહેવું છે કે, ગળપણ જ તેની બીમારીનું કારણ છે. એને ગોળ ખાવાનું બંધ કરાવી દો. હું એને આપની પાસે લઈને આવી છું. આપ જ એનો કોઈ ઉપાય કરો.”

હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : “એક કામ કરો, બહેન ! એક અઠવાડિયા પછી આવજો.”

મહિલા પોતાના બાળકને લઈ પાછી ઘરે જતી રહી. તેનો પુત્ર સતત બીમાર રહેતો હતો તેથી તે ભારે ચિંતામાં રહેતી. એક અઠવાડિયા પછી તે મહિલા ફરી તેના દીકરાને લઈને હઝરત મોહંમદ પયગંબર સાહેબ પાસે ગઈ. હઝરત મોહંમદ પયગંબર સાહેબે એ બાળકના માથા પર હાથ મૂકતાં કહ્યું : “બેટા ! આજથી તું ગોળ ખાવાનું બંધ કરી દેજે. તું સાજો થઈ જઈશ.”

તે પછી એમણે મહિલાને કહ્યું : “બહેન ! તમે એને ઘરે લઈ જાવ. તમારો પુત્ર ઠીક થઈ જશે.”

મહિલા વિચારમાં પડી ગઈ. એણે હઝરત મોહંમદ પયગંબર સાહેબને પૂછયું : “આટલી જ વાત હતી તો એક અઠવાડિયા સુધી મને રાહ કેમ જોવડાવી ?”

હઝરત મોહંમદ પયગંબર સાહેબે કહ્યું : “સાચી વાત એ છે કે, મને જ ગોળ ખાવાની ટેવ હતી. પહેલાં હું ગોળ ખાવાની ટેવ છોડી ના દઉં ત્યાં સુધી બીજાને કેવી રીતે કહી શકું. આદત છોડવી મુશ્કેલ છે. મેં એ મુશ્કેલીનો અનુભવ કર્યો. મેં ગોળ ખાવાની આદત એ જ દિવસથી છોડી દીધી જે દિવસે તમે તમારા પુત્રને લઈને આવ્યાં હતાં. હવે હું તેને કહી શકું તે પરિસ્થિતિમાં આવતાં તેને સલાહ અને આશીર્વાદ આપ્યા છે.”

મહિલા રાજી થઈને પોતાના સંતાન સાથે ઘરે ગઈ.
આજના ઉપદેશકો

આ બોધકથા અહીં એટલા માટે પ્રસ્તુત કરાઈ છે કે, આખા દેશમાં ઠેરઠેર ઉપદેશક કેટલાક સાધુ-સંતો, કેટલાક કટ્ટરપંથીઓ, બાવા,બાપુઓ અને કથાકારોની એક ભીડ લાગી ગઈ છે, પરંતુ તેમના ઉપદેશની કોઈ જ અસર સમાજ પર થતી નથી. ગલી ગલીમાં,નગર નગરમાં ઉપદેશકો છે, પણ બીજાને ઉપદેશ આપનારાઓનું સ્વયં જીવન સદાચારથી ભરેલું નથી. ઉપદેશકો જે સિદ્ધાંતોનો મહિમા ભાવપૂર્વક કહે છે તે સિદ્ધાંતોની સુગંધ તેમના જ જીવનમાંથી ગાયબ છે.   કેટલાક સાધુ-સાધ્વીઓ તથા ભગવાં વસ્ત્રધારી નેતાઓ હિંદુ સ્ત્રીઓને ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપે છે. સ્ત્રીઓને તેઓ બાળકો પેદા કરવાની ફેક્ટરી સમજે છે. શું ભારતની વસતી ૫૦૦ કરોડ સુધી લઈ જવી છે ? તેમના માટે અન્ન-પાણી લાવશે કોણ ? બાળકો કેટલાં પેદા કરવા તે જે તે સ્ત્રીની ઇચ્છાની વાત અને સ્ત્રીનો અધિકાર છે. જેમણે પોતે જ સંસાર છોડીને સંન્યાસ લેવાનું પસંદ કર્યું છે તેઓ સંસારીઓને સાંસારિક ઉપદેશ આપે છે.

કેવું વિચિત્ર ?
કથાકારોની ભીડ

તે પછી હવે કથાકારોની વાત. ભગવાનની કથા કરનારા કેટલાક કથાકારો ધનવાનોના કથાકારો હોય તેવા લાગે છે. ૫૦ લાખથી ઓછી રકમ હોય તો તેમની કથાઓનું આયોજન શક્ય નથી. ભગવાન શ્રી વેદવ્યાસના પુત્ર શુકદેવજી વનમાં એક સાદા આસન પર બેસી કથા કરતા હતા અને રાજા પરીક્ષિત તથા બીજા ઋષિમુનિઓ તેમની સામે નીચે બેસી કથા સાંભળતા હતા. કેટલાક કથાકારો સ્ટેજ પર નાચતા જોવા મળે છે, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હોય તે રીતે માથે મુગુટ પહેરી સ્ટેજ પર ભાતભાતનાં નખરાં કરતાં જોવા મળે છે યા સ્ત્રીઓ પર ફૂલો ફેંકતા જોવા મળે છે. પસંદ પડેલી સ્ત્રીને રાત્રે પોતાની કુટિયામાં સેવા કરવા બોલાવતા નજરે પડે છે. સગીરાઓનું શિયળ લૂંટી ધન્યતા બક્ષતા હોવાનો દાવો કરતાં નજરે પડે છે. અબજોના આશ્રમો ઊભા કરતાં જોવા મળે છે. છેવટે જેલમાં પહોંચી ગયેલા જોવા મળે છે. કેટલાક સંતો પોલીસ સામે યુદ્ધ કરવા પ્રાઈવેટ કમાન્ડો રાખતા જોવા મળે છે. આશ્રમોના ભવ્ય મહેલો બાંધતા જોવા મળે છે. આશ્રમમાંથી લાઠીઓ અને બંદૂકો રાખતાં જોવા મળે છે.

જો આવા જ ઉપદેશકો હોય તો સમાજ પર તેની અસર ક્યાંથી થાય ?
૨૦૦૦ કરોડના બાબા

કેટલાક બાબાઓ તો માત્ર સાધુના ભગવાં વસ્ત્રો જ પહેરે છે, પરંતુ ભીતરથી રાજકારણીઓ છે. જે વ્યક્તિ સંસારની તમામ ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરે તે સાધુ, પરંતુ સ્કોટલેન્ડમાં અબજોનો ટાપુ ધરાવે તેને ત્યાગી સાધુ કેવી રીતે કહી શકાય ? એ બાબાની કંપનીઓ પાસે ૨૦૦૦ કરોડની સંપત્તિ છે. ટેલિવિઝન ચેનલનો માલિક હોય તેને સાધુ કહેવો કે કોર્પોરેટ કંપનીનો માલિક? ચૂંટણી પહેલાં ‘કાલા ધન’ લાવવાનાં પ્રવચનો કરતો અને ચૂંટણી પછી મૌન થઈ જનાર સાધુને સાધુ કહેવો કે રાજકારણી ? સરકારી જમીનો પચાવી પાડનારને સાધુ કહેવો કે માફિયા ? આ વાત માત્ર કેટલાક હિંદુ સંતોને લાગુ પડે છે તેવું નથી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના કેટલાક ઉપદેશકોને પણ લાગુ પડે છે. વિદેશમાંથી અબજોનું ધન લાવી, લોકોને લલચાવી, પૈસા આપી જેઓ ધર્માંતરણ કરાવે છે તેઓ પણ સાધુ ઓછા અને ચળવળિયા-એક્ટિવિસ્ટ વધુ છે.

કટ્ટરપંથીઓ

એવું જ કટ્ટરપંથીઓનું છે. સિરિયામાં કાર્યરત આઈએસના આતંકવાદી સંગઠને યેઝદી ધર્મની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાની બાબતને યોગ્ય ઠેરવી લોકોને ગુમરાહ કર્યા છે. એ લોકો ખ્રિસ્તીઓના ગળા કાપી નાખે છે. એમના સંગઠનમાં જોડાયેલી મહિલાઓને અને આતંકવાદીઓની શૈયા સંગિની બનાવવા ફરજ પાડે છે અને આ બધું જ ધર્મના નામે. તાલિબાનો પણ ધર્મના નામે દીકરીઓને સ્કૂલમાં ભણવા જવા પર પ્રતિબંધ મૂકે છે. કોઈ વિરોધ કરે તો મલાલા જેવી કન્યા પર ગોળીઓ ચલાવે છે અને તે પણ બધું જ ધર્મના નામે. જે આતંકવાદીઓ પોતાના જ ધર્મનાં નિર્દોષ બાળકોના માથામાં ગોળીઓ મારી બાળસંહાર આચરે છે તેઓ શયતાન છે, ધર્મગુરુઓ નહીં. ત્રાસવાદીઓને કોઈ ધર્મ હોતો નથી. ત્રાસવાદ એ આજના સમયની મનોવિકૃતિ છે. મોહંમદ પયગંબર સાહેબે કદીયે કોઈનું વેર લેવા કે બાળકોની હત્યા કરવાનું કહ્યું નથી. અન્ય ધર્મની સ્ત્રીને ભોગવવાનું અને તે શરણે ના આવે તો તે બધી સ્ત્રીઓની સામૂહિક હત્યા કરવાનું કોઈ ધર્મમાં કહેવામાં આવ્યું નથી.

ધર્મ અને જેહાદના નામે વિશ્વમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે ભયાનક પરિણામો લાવી શકે છે. લાગે છે કે, વિશ્વના કેટલાક ધર્મોના ધર્મગુરુઓ, બાવા, બાપુ, તાલિબાનો અને કટ્ટરપંથી આતંકવાદીઓ નિર્દોષ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વિશ્વ એક જ્વાળામુખી પર બેઠું છે અને રાજકારણીઓ વોટબેંક ખાતર તેમાં પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યાં છે.

બધા જ ધર્મોના ઉપદેશકોનું સ્વયં જીવન તેમના ઉપદેશો અનુસાર જણાતું નથી