રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
આતંકવાદ હવે માત્ર આતંકવાદ રહ્યો નથી, બલકે તે વિકૃત સ્વરૂપ ધારણ કરતો જાય છે. જર્મન મનોવૈજ્ઞાાનિક ડો.સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે, “માનવીની બધી જ પ્રવૃત્તિઓનાં મૂળમાં સેક્સ છે.” ડો.ફ્રોઈડની આ થિયરી પર અનેક મીમાંસાઓ થયેલી છે. આમ છતાં તેઓ મનોવિજ્ઞાાનના પિતા ગણાય છે. ઈસ્લામિક સ્ટેટ અર્થાત્’આઈએસ’ના નામે સીરિયા અને ઈરાકમાં એ ખતરનાક સંગઠન દ્વારા જે કંઈ કૃત્યો આચરવામાં આવી રહ્યાં છે, તેણે ઓસામા બિન લાદેન,ઓમર મુલ્લા અને અલ ઝવાહિરીને પણ પાછળ પાડી દીધા છે. કાળો બુરખો ઓઢીને અન્ય ધર્મીઓનાં ગળાં કાપતાં આઈએસના આતંકવાદીઓ હવે સેક્સ મેનિયાક પણ બની રહ્યા છે. એ સંગઠનમાં જોડાઈ રહેલી મહિલાઓ સાથે જે વર્તન કરે છે તે કોઈ પણ સભ્ય સમાજને સ્વીકાર્ય નહીં હોય.
આઈએસ નામનું આ સંગઠન આખા વિશ્વમાં ભય ફેલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને જન્નતમાં લઈ જવાની લાલચો આપી સ્ત્રીઓને આઈએસમાં જોડાવા નિમંત્રણ આપે છે. આ કામ ઈંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં રહેતા આઈએસના સમર્થક લોકો જ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પ્રકારની લાલચથી કેટલીક મુસ્લિમ યુવતીઓ ઈંગ્લેન્ડ છોડી સીરિયા કે ઈરાક ગઈ હતી. એક વાર ત્યાં ગયા પછી જે કડવા અનુભવોને લઈ તે પાછી ફરી તે દરેકની પાસે કહેવા માટે કોઈ ને કોઈ હોરર સ્ટોરી છે. આઈએસની જાળમાં ફસાયા બાદ છટકીને પાછી ફરેલી કેટલીક મહિલાઓ ગર્ભવતી હતી. આઈએસએ દુનિયાભરમાંથી મહિલાઓની ભરતી માટે અભિયાન ચલાવેલું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અપાયેલી લાલચોથી આર્કિષત થઈને બ્રિટનની ત્રણ યુવતીઓ તુર્કીના રસ્તે થઈ સીરિયા પહોંચી ગઈ હોવાના ખબર છે.
બ્રિટનની પોલીસના અહેવાલ મુજબ ૧૫ વર્ષની શમીમા બેગમ અને અમીરા અબેસ તેની ૧૬ વર્ષની સખી ખદીજા સુલતાનાની સાથે લંડનથી તુર્કી જવા નીકળી ગઈ છે. એમણે બહાર નીકળતાં પહેલાં તેમના પરિવારજનોને એમ કહ્યું હતું કે, તેઓ એક દિવસ માટે એક સખીના ઘરે રહેવા જઈ રહ્યાં છે, પરંતુ બીજા દિવસે તે પાછી ઘરે આવી જ નહીં. ઘરવાળાઓએ પોલીસને તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બ્રિટિશ પોલીસને તપાસના આધારે માલૂમ પડયું કે આ ત્રણેય છોકરીઓ તુર્કીના માર્ગે સીરિયાની સીમામાં દાખલ થઈ આતંકવાદી સંગઠન- આઈએસમાં સામેલ થઈ ગઈ છે.
શમીમા બેગમના પરિવારે પોતાની દીકરીને અપીલ કરતાં જણાવ્યું છે કે, “બેટા, સીરિયા ખતરનાક જગ્યા છે. તું ત્યાં જાય તેવું અમે ઇચ્છતાં નથી. તું જલદી પાછી આવી જા. તું પાછી આવીશ તો તને કોઈ ેલડશે નહીં.”
બ્રિટનમાં રહેલી ટીનેજ કિશોરીઓ એકલવાયા જીવન અને અસમાનતાને કારણે આઈએસ પ્રત્યે આર્કિષત થઈ રહી છે. કેટલીક વખતે ખતરનાક આતંકવાદીઓ તેમને ‘હીરો’ જેવા ભાસે છે. તેમની સાથે રોમાન્સ કરવાની છૂપી લાગણીથી પણ તે કિશોરીઓ અબુધ અવસ્થામાં આઈએસ પ્રત્યે આકર્ષાઈ રહી છે. કેટલીક યુવતીઓને આસપાસના વાતાવરણમાં અસમાનતા જોઈ જેહાદી જૂથમાં સામેલ થઈ જવાની ઇચ્છા પ્રગટે છે. કેટલીક યુવતીઓને ‘થ્રિલ’ જોઈએ છે. સોશિયલ મીડિયા દ્વારા આતંકી સંગઠન તેમનો ઓનલાઈન સંપર્ક કરે છે. ફેસબુક પર તેઓ આતંકવાદીની ફેન બની જાય છે તે પછી આતંકવાદી તેની સાથે લગ્ન કરવાની ઓફર કરે છે. આવી ઓફર મળતાં જ કેટલીક નિર્દોષ છોકરીઓ રોમાંચ અનુભવે છે. કેટલીક યુવતીઓ પોતાનો એક દેશ બને તેવી ઇચ્છાથી આઈએસમાં જોડાઈ રહી છે. તેમને કહેવામાં આવે છે કે વિશ્વમાં એક ઈસ્લામિક રાષ્ટ્ર બને તે માટે મહિલાઓએ પણ પોતાનું યોગદાન દેવું જોઈએ.
આઈએસ સંગઠનમાં ગળાં કાપવા માટે જે આતંકવાદી કુખ્યાત છે તેનું નામ જ્હોન છે. તે મૂળ બ્રિટનનો રહેવાસી છે. તે મુસ્લિમ છે અને જ્હોન તેનું ઉપનામ છે. તેણે સીરિયા તથા ઈરાકમાં યઝદી સમુદાયના લોકોની ઠંડા કલેજે કત્લ કરી છે. કેટલીયે યઝદી સ્ત્રીઓનાં અપહરણ કરાવ્યાં છે. અપહૃત સ્ત્રીઓ પર આઈએસના આતંકવાદીઓએ સામૂહિક બળાત્કાર કર્યા છે. સામૂહિક બળાત્કાર કર્યા બાદ તે સ્ત્રીઓની હત્યા કરી નાંખી છે. આ બધામાં નોંધપાત્ર વાત એ છે કે આઈએસના આતંકવાદીઓએ સ્ત્રીઓના સેક્સુઅલ એક્સપ્લોઇટેશન માટે એક જેહાદ શરૂ કરી છે અને તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, આઈએસની એક શાખા- ‘અલ ફારુક’ને આઈએસના આતંકવાદીઓને સેક્સ માણવા માટે સ્ત્રીઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામ માટે તેમણે ધર્મની આડ લીધી છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ મહિલા વિવાહિત હોય, પરંતુ તે જો કોઈ જેહાદી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો તે વાજબી છે અગર તે નિકાહ વગર પણ કોઈ જેહાદી સાથે સંબંધ બાંધે છે તો તે પણ વાજબી છે. તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ સંગઠન આવી મહિલાઓને મુજાહિદ કહીને આમંત્રણ આપે છે.
આવા આમંત્રણથી આર્કિષત થઈને ટયુનિશિયા સહિત કેટલાંયે આફ્રિકી દેશો, એશિયાઈ દેશો તથા યુરોપના દેશોમાંથી કેટલીયે મહિલાઓ આઈએસની જાળમાં ફસાઈને સીરિયા પહોંચી. સીરિયા પહોંચીને ચોવીસ જ કલાકમાં તે સ્ત્રીઓને આઈએસના લડવૈયાઓ સાથે શારીરિક સંબંધો બાંધવાનું કહેવામાં આવ્યું. તેમના માટે એક સમયપત્રક બનાવી દેવામાં આવ્યું કે કઈ યુવતીએ કયા આતંકી સાથે કેટલો સમય વિતાવવાનો. આ મહિલાઓ સાથે ૨૦થી ૧૦૦ વખત આતંકીઓએ દુષ્કર્મ કર્યું. જે મહિલાઓએ વિરોધ કર્યો તેમની હત્યા કરી દેવામાં આવી. દુષ્કર્મ બાદ કેટલીક સ્ત્રીઓને વેચી દેવામાં આવી. કેટલીકને તેમના દેશ પાછા ભાગી જવાની તક મળી. જેઓ પાછી ફરી તેમાંથી મોટાભાગની યુવતીઓ ગર્ભવતી હતી.
આઈએસની આ જેહાદ-અલ-નિકાહમાં સહુથી વધુ સ્ત્રીઓ ટયુનિશિયાની છે. ટયુનિશિયામાં ગરીબી વધુ છે. આ બધી સ્ત્રીઓ સોશિયલ મીડિયા પર આઈએસ સંગઠને ફેલાવેલી જાળનો ભોગ બની હતી. તેમને બહેતર જીવનની લાલચ આપવામાં આવી હતી. અલબત્ત, કેટલીક મહિલાઓ ખુશ થઈને પણ આઈએસને મદદ કરી રહી છે. તે યુવતીઓ સીરિયાની બહારના દેશોમાં જઈ વિવિધ દેશોની યુનિર્વિસટીઓમાં જાય છે. યુનિર્વિસટીમાં ભણતી યુવતીઓને ભોળવી તેમને બહેતર જિંદગી માટે આઈએસમાં જોડાવા અને સીરિયા જવા લલચાવે છે. જે છોકરીઓ સીરિયા જવા તૈયાર થઈ જાય છે તેમને સીરિયા પહોંચાડવાનો ઇંતજામ પણ કરે છે. આઈએસની આ પ્રવૃત્તિ જોઈ ટયુનિશિયન સરકાર પણ ચોંકી ઊઠી છે. ટયુનિશિયાની સરકાર જેહાદ-અલ-નિકાહના સંદર્ભમાં સીરિયા ભાગી જવા માંગતી યુવતીઓને રોકવા યોજના બનાવી રહી છે.
આતંકવાદીઓનું આ સેક્સ કનેક્શન મહિલાઓ માટે અને વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
Comments are closed.