રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
આજે મહિલા દિન છે.

ભારતીય સંસ્કૃતિનું એ સુપ્રસિદ્ધ વિધાન છેઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ

વિશ્વની કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં સ્ત્રીને આવું સ્થાન આપવામાં આવ્યું નથી કે, જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે, પ્રસન્ન થાય છે. તે શ્લોક પછીના ભાગમાં કહેવામાં આવ્યું છેઃ યત્રૈ તાસ્તુ ન પૂ્જ્યન્તે સર્વાસ્ત્રા ફલાક ક્રિયાઃ અર્થાત્ જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું નથી ત્યાં યજ્ઞાયાગ વગેરે સર્વ કર્મક્રિયાઓ નિષ્ફળ જાય છે.

આ વાતનું સૌથી મોટું પ્રમાણ શિવપુરાણમાં છે. એક વાર શિવ અને પાર્વતીજી બેઠેલાં હતાં. એ વખતે આકાશમાં વિમાનો ઊડતાં દેખાયાં. પાર્વતીજીએ શિવને પૂછયું: “આટલા બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે?”

વારંવાર પૂછતાં છેવટે શંકર ભગવાને કહ્યું, “સતી! તમારા પિતા દક્ષરાજે એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે અને બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે. આ બધા દેવતા ત્યાં જઈ રહ્યાં છે. મને અને તમને નિમંત્રણ નથી.”

પાર્વતીજીએ કહ્યું:”ભલે નિમંત્રણ ન હોય પણ એ યજ્ઞા તો મારા પિતાએ યોજ્યો છે. પિતાના ઘરે જવા નિમંત્રણની જરૂર હોતી નથી.”

શિવની ના છતાં સતીએ હઠ પકડી. તેઓ પિતાના ઘર તરફ જવા નીકળ્યાં. આ તરફ દક્ષરાજાએ પહેરગીરોને કડક સૂચના આપી હતી કે,”મેં શંકરને આમંત્રણ આપ્યું નથી, તેથી તેઓ નહીં આવે, પરંતુ મારી પુત્રી આવે તો તેનું સન્માન કરવું નહીં.”

સતી પિતાના મહેલના દ્વાર પાસે પહોંચ્યાં. બધાએ તેમને જોઈ મોં ફેરવી લીધું. બહેનો પણ સતીનો વ્યંગ કરવા લાગી. એકમાત્ર માતાએ પુત્રીને આશ્વાસન આપ્યું. પિતા દક્ષરાજા તો અભિમાનથી બેઠા હતા. ઋષિમુનિઓ યજ્ઞામાં આહુતિ આપતા હતા. પાર્વતીજીએ જોયું તો યજ્ઞાશાળામાં પતિ માટે કોઈ સ્થાન, આસન કે ભાગ નહોતાં. શિવભાગ કાઢયા વિના વૈદિક નિયમ મુજબ કોઈ યજ્ઞા થઈ શકે નહીં, પરંતુ ઋષિઓ કંઈ બોલ્યા નહીં. પતિ શિવનું આવડું મોટું અપમાન જોઈ સતીને ક્રોધ થયો અને તેઓ બોલ્યાં: ” જે લોકોએ શિવની નિંદા કરી છે અને સાંભળી છે તેનું ફળ તેમને તરત જ મળશે. મારાં માતા-પિતાને પણ પશ્ચાતાપ થશે. મારા પિતા જગતપતિ એવા શિવનું અપમાન કરે છે તેથી દક્ષની પુત્રી તરીકે હું મારો દેહ ટકાવી રાખવા માંગતી નથી. હું ચન્દ્રમૌલેશ્વર ભગવાન શંકરને મારા હૃદયમાં ધરીને આ શરીરનો ત્યાગ કરું છું.”

એમ કહી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાં યોગથી અગ્નિ પ્રગટ કરી પોતાના દેહને અગ્નિમાં ભસ્મીભૂત કરી દીધો. યજ્ઞામંડપમાં હાહાકાર મચી ગયો. સતીના અગ્નિસ્નાનની ખબર પડતાં જ ભગવાન શંકરને ક્રોધ ચડયો. તેમણે તાંડવ કર્યું. તેમના મુખ્ય ગણ વીરભદ્રને યજ્ઞાભૂમિ પર મોકલ્યો અને તેણે યજ્ઞાનો નાશ કર્યો. દક્ષરાજની દુર્ગતિ થઈ.

આ તો સુપ્રસિદ્ધ પુરાણકથા છે. પ્રાચીનકાળથી ભારતભૂમિ પર જન્મેલી સ્ત્રીઓ પ્રતાડિત થતી આવી છે. અપમાનિત થતી આવી છે,ઉપેક્ષિત થતી આવી છે. પ્રાચીનકાળના દક્ષરાજા જેવા એક પિતાએ પુત્રી અને જમાઈ બેઉને અપમાનિત કર્યાં હતાં. મહાભારતમાં દ્રૌપદીની પણ એ જ હાલત થઈ હતી. પાંડવોએ પોતાની પત્નીને જ જુગારમાં મૂકી દીધી હતી તે એક સ્ત્રીનું પહેલું અપમાન હતું. તે પછી ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તે બીજું અપમાન હતું. કુળવધૂનાં ચીર ખેંચાતાં હતાં ત્યારે ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર,દ્રોણાચાર્ય જેવા વડીલો ચૂપ બેસી રહ્યા હતા. એકમાત્ર વિદુરજી જ કંઈક બોલ્યા હતા. છેવટે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી. પાંચેય પતિઓ અને પિતામહો એક સ્ત્રીના અપમાન વખતે મૌન હતા. રામાયણમાં પણ લંકાવિજય પછી પાછા આવેલાં ભગવાન રામ-સીતા અને લક્ષ્મણને અયોધ્યામાં આવકારવામાં આવ્યાં હતાં, પરંતુ એક સામાન્ય માનવીએ સીતા સતીના વિશે શંકા-કુશંકા કરી સતીનું અપમાન કર્યું હતું અને સીતાએ પોતાના સતીત્વનું પ્રમાણ આપવા મા પૃથ્વીને વિનંતી કરવી પડી હતી કે, “હું પવિત્ર હોઉં તો મને માર્ગ આપ અને તારામાં સમાવી લે.” છેવટે પૃથ્વીએ એક મોટી તિરાડ ઊભી કરી ને સતી સીતા તેમાં સમાઈ ગયાં.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને અપમાનિત કરવાનો સિલસિલો પુરાણો છે. તત્કાલીન કાળના પિતાઓએ પુત્રીને અપમાનિત કરી છે. પિતામહો કુળવધૂને અપમાનિત થતાં જોઈ રહ્યાં છે. અયોધ્યાના સામાન્ય માનવીએ પણ સતી સીતાને અપમાનિત કરવાનું કામ કર્યું છે. સ્ત્રીઓને અપમાનિત કરવાનાં ફળ એમણે ભોગવવાં પણ પડયાં છે. પાર્વતીજીને અપમાનિત કરવાથી દક્ષ રાજાનો નાશ થયો. દ્રૌપદીનું અપમાન કર્યાં બાદ મહાભારતનું યુદ્ધ થયું અને કૌરવોનો નાશ થયો. સીતાજીને ઉપાડી જનાર રાવણનો અંત આવ્યો. છેવટે તો ધર્મ અને નીતિનો જ વિજય થયો છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું જે મહત્ત્વપૂર્ણ સ્થાન છે તેવું બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. મહાભારતમાં પાંડવોની માતા કુંતીનું પણ એક આગવું મહત્ત્વ હતું. ભીષ્મ પિતામહ હંમેશાં ગંગાપુત્ર તરીકે જ ઓળખાયા. બાલકૃષ્ણ હંમેશાં તેમનાં પાલક માતા જશોદાજીના નામે જશોદાનંદન તરીકે ઓળખાયા. ભગવાન શ્રી રામને વનમાં જવું પડયું ત્યારે સીતાજીએ પણ મહેલનો ત્યાગ કરી પતિ સાથે વનમાં જવાનું પસંદ કર્યું. જેના નામથી આ દેશનું નામ ‘ભારત’ પડયું તે રાજા ભરત પણ સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી શકુન્તલાનો પુત્ર હતો. શકુન્તલાના પિતા વિશ્વામિત્ર હતા. શકુન્તલાની કથા પરથી મહાકવિ કાલિદાસે ‘શાકુન્તલમ્’ ની રચના કરી.

પ્રાચીનકાળથી આજ દિન સુધી ભારતીય સમાજ, સંસ્કૃતિ અને સભ્યતામાં સ્ત્રી હંમેશાં કેન્દ્રસ્થાને રહી છે. અલબત્ત, દરેક વખતે સ્ત્રીઓનું સન્માન થયું છે તેવું નથી બન્યું. ભારતીય સંસ્કૃતિમાં એક કાળે સતીપ્રથા જેવા કુરિવાજો પણ હતા. પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રીએ પણ જીવતેજીવત ચિતા પર ચઢી જવું પડતું. હવે એ પ્રથાનો અંત આવ્યો છે. આજે પણ કેટલાંક સમાજમાં વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન પર પ્રતિબંધ છે. કાશીમાં હજારો વિધવા નારીઓ દુઃખદાયક જીવન જીવી રહી છે. એક જમાનામાં બાળકીને જન્મતાં સાથે તેને દૂધ પીતી કરી દેવાતી, અર્થાત્ દૂધના મોટા પાત્રમાં ડુબાડી દેવાતી કે પછી નદીમાં ફેંકી દેવાતી. આજે જન્મ પહેલાં જ બાળકીની ઉદરમાં હત્યા કરી દેવાય છે. આ દેશમાં એક સમયે દેવદાસી પ્રણાલિકા પણ હતી. યુવાન સ્ત્રીઓને દેવદાસી બનાવી મંદિરોના પૂજારીઓની દયા પર છોડી દેવામાં આવતી. એક કાળે બહુપત્નીત્વ પણ હતું. પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખતા. આજે પણ કહેવાતા સુધરેલા સમાજમાં દહેજપ્રથા છે. કન્યાવિક્રય થાય છે. એક યુવતી બીજી જ્ઞાાતિમાં પરણે તો તેનો સામાજિક બહિષ્કાર થાય છે, સજા કરવામાં આવે છે. એવી યુવતીઓની હત્યા કરી દેવામાં આવે છે. એક જમાનામાં ‘બૂધેમાર સીધી’ જેવી સ્ત્રીઓને અપમાનિત કરનારી કહેવતો પ્રચલિત હતી. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી’ એ પણ સ્ત્રીના ગૌરવનું અપમાન કરનારી કહેવત છે. દેશ ૨૧મી સદીમાં પ્રવેશ્યો પણ જે દેશમાં એક મહિલા વડાપ્રધાન બન્યાં, જે દેશમાં એક મહિલા રાષ્ટ્રપતિ બન્યાં, જે દેશમાં અનેક મહિલાઓ મુખ્યમંત્રી બની, જે દેશની માતાઓએ છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ,સરદાર પટેલ જેવી વિભૂતિઓ આપી તેની જ રોજ ભ્રૂણહત્યા થાય છે, દેશમાં છાશવારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય, દહેજને કારણે સ્ત્રીની હત્યા થાય કે સ્ત્રીઓ અપમાનિત થાય તે કેવું?

શું ભારતમાં સ્ત્રીઓનો આદર થાય છે ખરો?
ભારતીય સ્ત્રીઓ સુરક્ષિત છે ખરી?
જવાબ તમારી આસપાસ જ છે.