રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

જે તસવીરો તમારી જિંદગી ખતમ કરી શકે છે તે ‘પોર્ન રિવેન્જ’ શું છે?

 

શબાના દિલ્હીમાં રહે છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં તે એક્ઝિક્યુટિવ છે. રોજ સવારે ઓફિસ જતા પહેલાં તેનો ઈ-મેલ ખોલી આવેલા સંદેશા જોઈ લે છે. એક સવારે એણે એક ઈ-મેલ ખોલ્યો. તેમાં કોઈએ એક ‘લીંક’ મોકલાવી હતી. શબાનાએ એ લીંક પર ક્લિક કરી અને તેમાં ખૂલેલા દૃશ્યને જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ. તેમાં એના જ બેડરૂમનું એક દૃશ્ય હતું. પોતાની જ તસવીર મૂકવામાં આવી હતી અને તેની નીચે લખવામાં આવ્યું હતું, “આ યુવતી સેક્સ માટે ઉપલબ્ધ છે.” એ વેબસાઇટ પર તેના ઘરનું સરનામું અને તેનો ફોન નંબર પણ મૂકેલો હતો.

ધમકી કોણે આપી?

આ દૃશ્ય જોઈ શબાના ધ્રૂજી ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ઈ-મેલમાં છેલ્લે લખવામાં આવ્યું હતું, “હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ.” શબાના સમજી ગઈ કે તેની પ્રતિષ્ઠા ખતમ કરી નાખવા કોઈ તેની પાછળ પડયું છે. તેની તસવીર એક પોર્ન સાઇટ પર મૂકવામાં આવી હતી. તે કોઈના બદલાની ભાવનાનો ભોગ બની હતી. સ્વસ્થતા ધારણ કર્યા બાદ શબાનાએ પોલીસનો સંપર્ક સાધ્યો. આખોય કેસ સાઇબર ક્રાઇમ સેલને સોંપવામાં આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે શબાનાની તસવીર એક ધંધાદારી યુવતી તરીકે પોર્ન સાઇટ પર મૂકનાર તેનાથી છૂટાછેડા પામેલો તેનો જ પૂર્વ પતિ હતો. બેડરૂમની એ તસવીર તેઓ સાથે રહેતાં હતાં ત્યારે લેવામાં આવેલી હતી. અલબત્ત, એ અસલ તસવીરમાં તેણે નાઇટ ગાઉન પહેરેલું હતું, પરંતુ તેના પૂર્વ પતિએ કમ્પ્યૂટર પર એ તસવીરને મોર્ફ કરીને એક નગ્ન સ્ત્રીની સાથે તેનો ચહેરો જોડી દીધો હતો. સાયબર ક્રાઇમ સેલે શબાનાના પૂર્વ પતિની ધરપકડ કરી.

રિવેન્જ પોર્ન

ગુનાખોરીની ભાષામાં આવા ગુનાને ‘રિવેન્જ પોર્ન’ કહે છે. ખાસ કરીને અમેરિકા, જાપાન અને યુરોપ જેવા વિકસતા દેશોમાં રિવેન્જ પોર્નની અનેક ઘટનાઓ જોવા મળે છે. હવે તેનો ભારતમાં પણ પગપેસારો થયો છે. ગુજરાતના બનાસકાંઠાના એક નાનકડા ગામના એક ફોટોગ્રાફરે પણ એક નિર્દોષ શિક્ષકની તસવીરો નેટ પર મૂકી સતામણી કર્યાની ઘટના બહાર આવેલી છે. હવે દરેકના પાસે મોબાઇલ જેવું એક નાનકડું સાધન ઉપલબ્ધ છે, જે તસવીરો પણ લે છે, તેને મોર્ફ પણ કરી શકે છે, તેની સાથે છેડછાડ પણ કરી શકે છે અને નેટ પર કે બનાવટી ફેસબુક પર મૂકી પણ શકે છે. તે મોબાઇલ પર જે એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે તે ખતરનાક પરિણામો લાવી શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જુલાઈ ૨૦૧૪માં જાહેર કરેલા આંકડા અનુસાર ૨૦૧૨થી ૨૦૧૩ના વર્ષ દરમિયાન સાઇબર ગુનાઓમાં ૬૩.૭ ટકાનો વધારો ભારતમાં થયો છે. તેમાંયે બીભત્સ તસવીરો લેવાની અને તે મોકલવાની ઘટનાઓમાં તો ૧૦૪.૨ ટકા વધારો થયો છે. આ વર્ષ દરમિયાન ૧૨૦૩ ગુનાઓ નોંધાયા હતા. તે પૈકી ૭૩૭ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાંયે સ્ત્રીઓને પરેશાન કરવાના કેસોમાં સહુથી વધુ વધારો નોંધાયો છે.

સ્નેહાનો કેસ

સ્નેહા એક ૨૨ વર્ષની યુવતી છે. તે કોલેજમાં ભણે છે. તે કર્ણાટકની છે. એક દિવસ તે પોલીસ સ્ટેશને ગઈ અને ફરિયાદ કરી કે, “કોઈએ મારી તસવીરો અને વીડિયો નેટ પર મૂક્યાં છે.” મણીપાલ પોલીસે તપાસ કરી તો ખબર પડી કે સ્નેહાની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર મૂકનાર તેનો જ એક્સ-બોયફ્રેન્ડ હતો. હવે એ યુવાન જેલમાં છે. આ ઘટના બાદ કર્ણાટક પોલીસે હવે દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ ઊભું કરવા નિર્ણય કર્યો છે.

દેશનાં જે કોઈ પોલીસ સ્ટેશનો પર સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાથે છેડછાડ કરવાના જે કોઈ સાયબર ગુનાઓ નોંધાય છે તે પૈકી મોટેભાગે જે તે યુવતીઓના પૂર્વ પ્રેમીઓ, પૂર્વ પતિઓ, એક તરફી પ્રેમ કરનારાઓ, પૂર્વ મિત્રો, પૂર્વ પાર્ટનર્સ, પૂર્વ સહકર્મચારીઓ કે સગાં-સંબંધીઓ જ જવાબદાર હોય છે. કોઈ પણ યુવતીની તસવીરને છેડછાડ કરી તેને નગ્ન સ્વરૂપ આપીને પોર્ન સાઇટ પર મૂકવામાં આવે છે, પરંતુ એ ગુનો આચરનાર શખ્સ જલદીથી શોધી શકાતો નથી. જ્યારે જ્યારે આવી ફરિયાદ પોલીસ પાસે આવે છે ત્યારે પોલીસ આઈપી એડ્રેસ યુનિક આઇડેન્ટિફાયર ફોર ધ કમ્પ્યૂટરને શોધવા પ્રયાસ કરે છે, પરંતુ આવા ધંધા કરનારા બદમાશો ઘણી વાર દૂરના કોઈ દેશનું બનાવટી આઈપી એડ્રેસ ઉપયોગમાં લે છે. પોલીસના હાથમાં એક વખત આઈપી એડ્રેસ આવી જાય તે પછી તે વેબ હોસ્ટને ગુનાઇત મટીરિયલ હટાવવા જણાવે છે, પરંતુ આ બધી પ્રક્રિયા પૂરી કરતાં ઘણી વાર ઘણાં અઠવાડિયાં કે મહિનાઓ પણ લાગે છે.

બાથરૂમનાં દૃશ્યો

તામિલનાડુમાં તિરુનલવેલીના સાયબર ગુનાઓ અંગેના નિષ્ણાત ધારાશાસ્ત્રી કહે છેઃ દર મહિને મારી પાસે આવા સાયબર પોર્ન રિવેન્જના ૧૦થી ૧૫ કેસ આવે છે. તેમાં મોટેભાગે ફરિયાદી કોલેજની વિર્દ્યાિથનીઓ જ હોય છે. એમાં કેટલીક મુશ્કેલીઓ તો એ છોકરીઓએ જાતે જ ઊભી કરેલી હોય છે. કોલેજમાં ભણતી કેટલીક છોકરીઓ પોતે બાથરૂમમાં શાવર લેતી હોય તેની સેલ્ફી (જાતે જ લીધેલી તસવીરો) લઈ તેમના બોય ફ્રેન્ડ્સને મોકલે છે. એ તસવીર જે તે છોકરીની માત્ર આંતરવસ્ત્રોમાં જ હોય છે. પાછળથી સંબંધો બગડતાં તેમના બોય ફ્રેન્ડ તે અર્ધનગ્ન તસવીરો ઇન્ટરનેટ પર મૂકી દે છે. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે યુવતીઓનો બાથરૂમમાં કે શયનખંડમાં પોતાની જ નગ્ન કે અર્ધનગ્ન તસવીરો લેવાનો શોખ વકરતો જાય છે. પોતાની જ અર્ધનગ્ન તસવીરો લેવામાં તેઓ માનસિક સ્વતંત્રતાની લાગણી અનુભવે છે અથવા તો સમાજે સ્થાપેલાં બંધનોને બાયપાસ કરવામાં તેમને આ રીતે આનંદ આવે છે.

૩૦૦૦ પોર્ન વેબસાઇટ્સ

નિષ્ણાતો કહે છે કે આજની નવી પેઢીનાં યુવાનો કે યુવતીઓ ઇન્ટરનેટ પર પોતાની પ્રાઇવસી કે સલામતીની બહુ ચિંતા કરતાં નથી. કેનેડાના ઇન્ટરનેટ સેફ્ટી નિષ્ણાત ટેરી કટલર કહે છે. “એક વાર તમે તમારી અયોગ્ય તસવીર કે વીડિયો બહાર મોકલો છો તે પછી તેની ઉપર તમારો કોઈ જ કાબૂ રહેતો નથી. વિશ્વમાં ૩૦૦૦ જેટલી પોર્નોગ્રાફીની એવી વેબસાઇટ્સ છે કે જેની પર તમે કોઈનીયે તસવીર પોસ્ટ કરી શકો છો. જે તે દૃશ્યોની કોપી પણ થઈ શકે છે અને તે પછી અનેક પોર્નસાઇટ પર તે મોકલી શકાય છે. કેટલીક વાર તેને દૂર કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ તેમની અંગત ક્ષણોને મોબાઇલમાં કેદ કરતી વખતે એવું ભાગ્યે જ વિચારે છે કે એ તસવીરો કે ક્લિપિંગ્સ ક્યારેક પબ્લિક અર્થાત્ જાહેર જનતા માટે ઉપલબ્ધ પણ થઈ શકે છે. તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે એ પાર્ટનર પર ભરોસો મૂકી દો છો, પરંતુ સંબંધો બગડે ત્યારે જ એ પાર્ટનર તમારી પ્રતિષ્ઠાને ખતમ કરી નાખવા એ જ અંગત તસવીરોનો દુરુપયોગ કરે છે.”

એ તસવીરો કોણે લીધી?

ઘણી વાર કોઈ યુવતીને ખબર જ ન હોય તોપણ તેની તસવીર લેવાઈ શકે છે. કોલકાત્તામાં એક કોલેજિયન યુવતીએ જ્યારે તેની તેના બેડરૂમમાં લેવાયેલી તસવીરો સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર નિહાળી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. સ્તબ્ધ એટલા માટે થઈ ગઈ કે એણે એ તસવીરો લીધી જ નહોતી. એ જ રીતે બીજા કોઈએ પણ તેની એ તસવીરો લીધી નહોતી. પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, તેને લેપટોપ આપનાર યુવાને જ તેના લેપટોપમાં ગુપ્ત સ્પાય કેમેરા ગોઠવી દીધો હતો. તેની ખૂબી એ હતી કે લેપટોપ જ્યારે બંધ હોય ત્યારે પણ તે કેમેરાની ગતિવિધિ ચાલુ રહેતી અને તે કેમેરા તે છોકરીની અંગત તસવીરો લઈ લેતો, એટલું જ નહીં પરંતુ તે તસવીરો અને દૃશ્યો ઇન્ટરનેટ દ્વારા એ લેપટોપ આપનારને ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ થઈ મોકલી દેતો હતો.

આટલું ધ્યાન રાખો

વિશ્વભરના સાયબર ક્રાઇમ અંગેના નિષ્ણાતો કહે છેઃ (૧) તમે જ્યારે ફેસબુક, માય પેજ કે બીજી સોશિયલ નેટવર્ક સાઇટ્સનો,ડેટિંગ કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કરતા હોવ ત્યારે તેમાં તમારી પ્રાઇવસી માટેનાં સેટિંગ હોય છે. તેને બરાબર જાણી લો.

(૨) ઇન્ટરનેટ પર તમારી અંગત પળોના ક્લોઝ શોટ કદી અપલોડ ન કરો. તેની સાથે છેડછાડ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. (૩) તમે જ્યારે સેક્સ માણતા હોવ ત્યારે એ અંગત ક્ષણોની તસવીરો કે વીડિયો કદી ન લો.

(૪) તમારા વિયર્ડ વેબકેમની એક્ટિવિટી પર ધ્યાન રાખો. કોઈ ખરાબ સોફ્ટવેર તમારા કમ્પ્યૂટર, ફોન કે કંટ્રોલ ઓફ વેબકેબને ઇન્ફેક્ટિયસ કરી શકે છે. (૫) તમારો ફોન કે કમ્પ્યૂટર ર્સિવસ પ્રોવાઇડરને આપતા પહેલાં તેની અંદરનું મેમરી કાર્ડ કે ફોર્મેટ ઓફ હાર્ડ ડિસ્ક કાઢી લો. (૬) તમે તમારું ઉપકરણ-સાધન મોબાઇલ કદીયે કોઈ બીજાને વાપરવા માટે આપશો નહીં. (૭) ફોન પરની અને ખાસ કરીને પિક્ચર ગેલેરીની એપ્લિકેશન્સને હંમેશાં લોક રાખો. (૮) તમારા ઉપકરણમાં એન્ટિ વાઇરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને અપડેટ રાખો.