રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ભારત અને પાકિસ્તાન એક સાથે બ્રિટિશ શાસનના અંત પછી સ્વતંત્ર દેશ તરીકે જન્મ્યા, પરંતુ ફરક એટલો જ છે કે ભારતમાં આઝાદી ટકી જ્યારે પાકિસ્તાનમાં છાસવારે સરમુખત્યારશાહી અમલમાં આવી. બીજો ફરક એ છે કે, ભારત એક વિશાળ દેશ અને એની વિશાળ આર્મી છતાં ભારતમાં કદીયે આર્મીએ લોકતંત્ર પર કબજો જમાવવા કોશિશ ન કરી. એથી ઊલટું પાકિસ્તાન આર્મી,અમેરિકા અને અલ્લાહના ભરોસે જ ચાલતો દેશ બની ગયો. કહેવાય છે કે વિશ્વના બધા જ દેશો પાસે આર્મી છે, પરંતુ પાકિસ્તાનમાં આર્મી પાસે દેશ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં આવે તો આર્મી છંછેડાઈ જાય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી લાહોર જાય તો પાકિસ્તાન આર્મી કારગિલ પર હુમલો કરી દે છે. પાકિસ્તાનનો એક પણ રાજકારણી પાકિસ્તાનની આર્મીને નારાજ કરવાની હિંમત ધરાવતો નથી. પાકિસ્તાન આર્મીની મદદ-ઇચ્છા વગર પાકિસ્તાન પર રાજ કરવું સહેલું નથી. આ કારણથી પાકિસ્તાન આર્મીના ટોચના અધિકારીઓ પાકિસ્તાનના કેટલાંક ટોચના રાજકારણીઓ કરતાં પણ વધુ ધનવાન છે. ભારતના નેતાઓ કરતાં પાકિસ્તાનના આર્મી અધિકારીઓનું કાળું નાણું વિદેશોની બેન્કોમાં વધુ છે.

બીજો મોટો ફરક એ છે કે પાકિસ્તાનના જન્મ વખતે જ પાકિસ્તાનની આર્મીએ કાશ્મીર પર આક્રમણ કરી દીધું હતું. પાક. આર્મી યુદ્ધખોર છે જ્યારે ભારતની આર્મી દેશને સર્મિપત અને સેવા માટે કટિબદ્ધ છે. ત્રીજો ફરક એ છે કે, પાકિસ્તાનની આર્મી તેમના રાજનેતાઓને ગમે કે ન ગમે ઓસામા બિન લાદેન તથા દાઉદ ઈબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રીય ગુનેગારને પોતાના જ દેશમાં પનાહ આપવાની ધૃષ્ટતા કરી શકે છે. ભારતની આર્મી આવા ખતરનાક ત્રાસવાદીઓ સાથે કદી મૈત્રી રાખશે નહીં, કારણ કે તેની નૈતિકતા ઊંચી છે. ચોથો ફરક એ છે કે પાકિસ્તાનની આર્મી ત્રાસવાદીઓ સાથે મેળાપ રાખી તેમને તાલીમ અને દારૂગોળો પણ પૂરાં પાડે છે. ભારતની આર્મી આવાં કામો કદી કરતી નથી.

આ જ કારણસર પાકિસ્તાન આર્મીએ આઝાદી પછીનાં ૬૭ વર્ષમાં ૩૩ વર્ષ પાકિસ્તાનમાં શાસન કર્યું છે. બીજી નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના બજેટનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનની આર્મી લઈ જાય છે. પાકિસ્તાનના આર્મીમાં કલ્પના બહારનો ભ્રષ્ટાચાર છે. ‘ધી સ્ટ્રગલ ફોર પાકિસ્તાન’ નામના પુસ્તકમાં તેનાં લેખિકા આયેશા જલાલ લખે છે કે, પાકિસ્તાનના બજેટનો ૯૦ ટકા હિસ્સો પાકિસ્તાનની આર્મી લઈ જાય છે. આ એક ચોંકાવનારો ઘટસ્ફોટ છે.

એ જ રીતે ‘ફાઈટિંગ ટુ ધી એન્ડ’ પુસ્તકમાં ક્રિસ્ટાઈન ફેર લખે છે કે, અમેરિકાએ પાકિસ્તાનને છેલ્લાં ૧૧ વર્ષમાં જે ૩૦ બિલિયન ડોલરની મદદ કરી હતી, તેણે પાકિસ્તાનનો વિકાસ બહુ ઓછો કર્યો છે, પરંતુ પાકિસ્તાન આર્મીને વધુ મજબૂત બનાવી દીધી છે.

આ બંને પુસ્તકોનો સાર લગભગ એક જેવો છે. પ્રથમ પુસ્તકનાં લેખિકા આયેશા જલાલ તુફટ્સ યુનિર્વિસટીમાં પ્રોફેસર છે જ્યારે મિસ ક્રિસ્ટાઈન ફેર જયોર્જ ટાઉનમાં પ્રોફેસર છે.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનનું ન્યાયતંત્ર અને પાકિસ્તાનના રાજનેતાઓ પાકિસ્તાનની પ્રજાની,પાકિસ્તાનની કાનૂન વ્યવસ્થાની અને પાકિસ્તાનમાં વધતી જતી આતંકવાદીઓની તાકાતની ચિંતા ઓછી કરે છે. પાકિસ્તાનની આર્મી એક નિષ્ફળ આર્મી કહેવાય છે. તેના કહેવાતા જાસૂસો દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ એકાઉન્ટિબિલિટી જ નથી. તેનું કોઈ ઓડિટ શક્ય નથી. પાકિસ્તાન આર્મી ક્યાં પૈસા વાપરે છે તેનો જવાબ એણે કોઈને આપવો પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનની પોલિટિકલ સિસ્ટમનો એક હિસ્સો બની ગયું છે. ભારતની આર્મી ભારતની રાજનીતિનો હિસ્સો નથી. આયેશા જલાલે તેમના પુસ્તકમાં પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશર્રફ દ્વારા કરવામાં આવેલાં કેટલાંક દુઃસાહસોનો પણ ઉલ્લેખ છે. હવે એ જ પરવેઝ મુશર્રફ સામે પાકિસ્તાનની અદાલતમાં ખટલો ચાલે છે.

પાકિસ્તાન આર્મીનો રેકોર્ડ પાકિસ્તાન માટે ગૌરવ લેવા જેવો નથી. પાકિસ્તાને ભારત સામે ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૯૯માં યુદ્ધ આદર્યું હતું. તે યુદ્ધ દ્વારા પાકિસ્તાનને ભાગ્યે જ કાંઈ પ્રાપ્ત થયું છે. એથીયે શરમજનક વાત એ છે કે પાકિસ્તાન આર્મીને ૧૯૭૧માં ભારતે મોટી પછડાટ આપી અને પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. એક ટુકડો પૂર્વ પાકિસ્તાન ખતમ થઈ ગયું અને તે બાંગલાદેશ બન્યું. પાકિસ્તાન લશ્કરના પૂર્વ પાકિસ્તાન પાંખના વડા જનરલ નિયાઝીએ ભારતીય લશ્કરના શરણે આવવું પડયું એ પાકિસ્તાન માટે મોટી નાલેશી હતી. ૧૯૭૧માં પાકિસ્તાન આર્મીની બેવકૂફીને કારણે પાકિસ્તાને તેનો અડધો ભાગ ગુમાવવો પડયો હતો.

પાકિસ્તાન આર્મી વિશ્વશાંતિ માટે જોખમી પણ બની રહી છે. પાકિસ્તાન આર્મીએ તેની ન્યુક્લિઅર ટેક્નોલોજીની ગેરકાયદે નિકાસ ઉત્તર કોરિયા, ઈરાન અને લિબિયા ખાતે પણ કરેલી છે. પાકિસ્તાન આર્મીએ ઈસ્લામિક કટ્ટરવાદીઓની પણ દુનિયાભરમાં નિકાસ કરી છે. આ ત્રાસવાદીઓ ભારત, અફઘાનિસ્તાન પછી હવે ચીન માટે પણ ચિંતાનો વિષય બન્યા છે.

ઘરઆંગણે પણ પાકિસ્તાની લશ્કરનો રેકોર્ડ સારો નથી. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. પાકિસ્તાની લશ્કરના જાસૂસો ચૂંટણીઓ દરમિયાન ઘણી ગરબડો કરે છે. પત્રકારોને પરેશાન કરે છે. જે પત્રકારો અને પોલિટિશિયનો તેને ગમતાં નથી. તે બધાંને પાકિસ્તાન આર્મી પતાવી દે છે. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનાં દીકરી અને પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોને ૨૦૦૭માં મારી નંખાયાં હતાં. એવું કહેવાય છે કે તેમાં પણ પાકિસ્તાનની આર્મીનો હાથ હતો. પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા ઝિયા ઉલ હકના સમયમાં જેહાદને રાજ્યની નીતિનો એક ભાગ બનાવી ઈસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ક્રિસ્ટાઈન ફેર નોંધે છે કે, પાકિસ્તાન આર્મીના જનરલ્સને પાકિસ્તાનની સલામતી કરતાં હિન્દુઓ પ્રભાવિત ભારતને નબળું પાડવામાં વધુ રસ છે. પાકિસ્તાન આર્મી પાકિસ્તાનને મળતી બધી જ આંતરરાષ્ટ્રીય મદદ આરોગી જાય છે. પાકિસ્તાન આર્મીને ભારત સાથે શાંતિ સ્થાપવામાં રસ જ નથી.

ક્રિસ્ટાઈન ફેર કહે છે. “અમેરિકાએ હવે પાકિસ્તાનને તમામ પ્રકારની સહાય બંધ કરી દેવી જોઈએ.” જ્યારે આયેશા જલાલ કહે છેઃ “અમેરિકાએ પરમાણુ શક્તિ સમ્પન્ન પાકિસ્તાનને મદદ જારી રાખવી જોઈએ, કારણ કે એમ નહીં કરાય તો કોઈ કાળે ખતરનાક પરિણામો આવવાનું જોખમ છે.” પરંતુ ક્રિસ્ટાઈન ફેર સ્પષ્ટ લખે છે. ‘Let pakistan fail’ (પાકિસ્તાનને નિષ્ફળતા વહોરવા દો.)પાકિસ્તાને ઘણી અસ્થિરતાઓ સ્થિરતાપૂર્વક જોઈ છે. પાકિસ્તાન લશ્કરને એ નિષ્ફળતાઓની જવાબદારી લેવી પડે તેવી સ્થિતિ આવવા દો અને એ નિષ્ફળતાઓ માટે પશ્ચિમના દેશોએ ભરણ કરી આપવાની જરૂર નથી.”