રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

તમારાં બાળકો ચીડિયાં થઈ ગયાં છે, ગભરાય છે?

ઇન્ટરનેટ. આ સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ ખોજ છે. કોમ્યુનિકેશન્સ માટે આ ક્રાંતિકારી ખોજ છે. એક જમાનામાં રાજા-મહારાજાઓ કબૂતરો દ્વારા સંદેશા મોકલાવતા હતા. એ પછીના જમાનામાં અમદાવાદથી લખાયેલો પત્ર પંદર દિવસ કે મહિને ઇંગ્લેન્ડ પહોંચતો. આજે પલકવારમાં ઇન્ટરનેટથી દુનિયાના કોઈ પણ છેડે સંદેશો મોકલી શકાય છે. ઇન્ટરનેટે વિશ્વના જ્ઞાાનના દરવાજા ખોલી પણ નાખ્યા છે. ઈ-મેલ, ફેસબુક, માય પેજથી માંડીને ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા નામનું નવું જ ક્ષેત્ર ખૂલી ગયું છે. ઇન્ટરનેટ જેટલા ફાયદા લાવ્યું છે તેટલાં ખતરનાક જોખમો પણ લાવી રહ્યું છે. હવે તો બાળકના હાથમાં મોબાઇલ છે તો તેની પર જ્ઞાાનથી માંડીને વિજ્ઞાાન અને લેટેસ્ટ ફિલ્મથી માંડીને પોર્ન-ફિલ્મો પણ ઉપલબ્ધ છે. તેની પર નિયંત્રણ શક્ય નથી. ઇન્ટરનેટ પર બોમ્બ બનાવવાની ટેક્નિક પણ આસાનીથી ઉપલબ્ધ છે.એથીયે ખતરનાક વાત એ છે કે કિશોર વયનાં બાળકો અને યુવાનો માટે ઇન્ટરનેટ એક ‘વ્યસન’ બનતું જાય છે. તમારું બાળક ટીવી પણ જોતું હોય અને મોબાઇલ પર પણ તે વ્યસ્ત હોય છે. આને ઇન્ટરનેટ એડિક્શન કહે છે.

સારવાર કેન્દ્ર

ઇન્ટરનેટ પર બાળકોની વધી રહેલી લતને દૂર કરવા દિલ્હીમાં એક કેન્દ્ર ખોલવું પડયું છે. નવી દિલ્હીના સર્વોદય અન્ક્લેવ નામના કેન્દ્રને ‘સેન્ટર ફોર ચિલ્ડ્રન ઇન ઇન્ટરનેટ એન્ડ ટેક્નોલોજી ડિસ્ટ્રેસ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં ઇલાજ કરવા માટે આવેલાં મોટાભાગનાં બાળકોના વધુ પડતા ઇન્ટરનેટના ઉપયોગના કારણે વ્યવહાર આક્રમક થઈ ગયો હતો. આમાં બાળકો એકાંતમાં રહેવા લાગ્યાં હતાં. કમ્પ્યૂટર વિના તેઓ બેચેની અનુભવતાં હતાં. અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાળકો સારવાર લઈ ચૂક્યાં છે. અહીં ઇલાજ માટે આવેલાં બાળકોની ઉંમર ૮થી ૧૯ વર્ષ સુધીની હતી. વીડિયો ગેઇમ, લેપટોપ અથવા ટીવી સામે લાંબો સમય સુધી ચીપકી રહેવાને કારણે તેમની શારીરિક ગતિવિધિઓ ઓછી થતી જતી હોય છે. એના કારણે બાળકોમાં ડાયાબિટીસ, મોટાપો, વજન વધી જવું વગેરેનો ખતરો રહે છે. આવાં કેટલાંય બાળકો આઇપેડ સિન્ડ્રોમનાં શિકાર બની ગયાં હતાં.એટલે કે કોઈ બાળક પાસેથી મોબાઇલ કે આઈપેડ છીનવી લેવામાં આવે તો તે બાળકો નારાજ થઈ જાય છે અથવા તો ગુમસૂમ થઈ જાય છે. કેટલાંક બાળકોને સતત મેસેજ મોકલવાની આદત પડી જાય છે. તેને ‘ટેક્સ્ટ ફોબિયા’ કહે છે.

શું છે લક્ષણો?

આઇપેડ સિન્ડ્રોમની બીમારીનાં લક્ષણો આ રહ્યાં: થ્રીજી નેટવર્ક કે વાઇફાઈ અચાનક બંધ થઈ જાય તો તેના યુઝરનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અથવા તો તે પોતાની જાતને અસહાય અનુભવે છે. આ સિન્ડ્રોમનો શિકાર બનેલાં બાળક કે યુવાન જૂઠું બોલવા માંડે છે અને જૂઠું બોલવાના નવા નવા રસ્તા શોધી કાઢે છે. દિવસની શરૂઆત જ તે ઓનલાઇન થવાથી કરે છે અને પોતાના મેસેજ જોવા લાગે છે. એ બાળક કે યુવાનને એવી અનુભૂતિ થાય છે કે, ચેટિંગ, ગેઇમ, સ્માર્ટ ફોનના વપરાશ વખતે આસપાસના લોકો માતા-પિતા મને લડે છે અને મારા કામમાં દખલ કરે છે. ઓફલાઇન થતાં જ સ્વભાવમાં ઝડપથી બદલાવ આવે છે અને બધું નિરાશાજનક લાગે છે. “ઓનલાઇન પર તું શું કરે છે?” – એવું પૂછતાં જ તે આક્રમક બની જાય છે અને ચીજો છુપાવવા માંડે છે. આ બધાં ઇન્ટરનેટ એડિક્શનનાં લક્ષણો છે. આ એક પ્રકારની માનસિક બીમારી જ છે. તેમાંથી જલદી મુક્તિ જરૂરી છે.

સમાજથી દૂર થાય છે

સેન્ટર ફોર ચિલ્ડ્રન ઇન ઇન્ટરનેટ એન્ડ ટેક્નોલોજી ડિસ્ટ્રેસના નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી બાળકો સમાજ જીવનથી કપાઈ જાય છે. તેઓ નાની-નાની બાબતોની જાણકારી અને જરૂરી માહિતી માટે ફેસબુક, વોટ્સ એપ, જેવાં માધ્યમો પર વધુ પડતો આધાર રાખે છે. આ માધ્યમો દ્વારા કેટલીક વખત બાળકોને ખોટી માહિતી પણ મળે છે અને તે માહિતી બાળકના જ્ઞાાનને ખરાબ કરવાનું કામ પણ કરે છે. ઇન્ટરનેટના એડિક્શનની અસર બાળકોની સ્મરણશક્તિ તથા પરીક્ષાનાં પરિણામો પર પણ પડે છે. અત્યંત હોશિયાર બાળક અચાનક ઓછા માર્ક્સ લાવે છે. સાચી વાત એ છે કે ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે બાળક વાસ્તવિક દુનિયાથી કપાઈ જાય છે. તે વર્ચ્યુઅલ દુનિયામાં જ જીવે છે. આવા બાળકની વાણી અને વ્યવહાર બદલાઈ જાય છે. આઇપેડ સામે સતત ચોંટી રહેતું બાળક જોતાં જ સાઇકિક લાગે છે. એના માટે આઇપેડ સિવાય બહાર કોઈ દુનિયા જ નથી. હકીકતમાં તે એક ખતરનાક અંધકારના ગર્તામાં ડૂબેલો માનસિક રીતે બીમાર બાળક બની જાય છે.

મનોરોગી બાળકો

નવી દિલ્હીના સુધાર કેન્દ્ર પર લાવવામાં આવેલાં ૬૦ જેટલાં બાળકો પૈકી મોટાભાગનાં બાળકો ૮થી ૧૯ વર્ષની વયનાં હતાં. તે પૈકી ૧૩થી ૧૭ વર્ષનાં બાળકો પૈકી ૭૩ ટકા બાળકો મનોરોગી બની ચૂક્યાં હતાં. તેમનો વ્યવહાર પણ અસામાન્ય હતો. સ્વસ્થતાપૂર્વક વાત પણ કરી શકતાં નહોતાં.કેટલાંક તો રીઢા ગુનેગારની જેમ ઘણી બધી વાતો છુપાવતાં હતાં. કેટલાંક ટેક્સ્ટ ફોબિયાના શિકાર હતાં. આ કેન્દ્રમાં આવેલા ૧૪ વર્ષના એક બાળકને ઇન્ટરનેટ વગર ગભરાટ થતો હતો. તેને કોઈ પણ વાત માટે ટોકવામાં આવે તો ઉગ્ર પ્રતિક્રિયા આપતું હતું, ગુસ્સે થઈ જતું હતું. તેને ભણવામાં કે પાઠયપુસ્તકોનાં વાંચનમાં રસ નહોતો. ઇન્ટરનેટની સામે સ્કૂલમાં ભણવાની પ્રવૃત્તિને તે બીજા નંબરની પ્રવૃત્તિ સમજતું હતું. આવાં બાળકોનાં માતા-પિતા અને વાલીઓ જાગૃત હોઈ તેમને આ સુધાર કેન્દ્રમાં લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં માલૂમ પડયું હતું કે, આ બાળકો ‘ઇન્ટરનેટ સિન્ડ્રોમ’નો શિકાર બની ચૂક્યાં હતાં.

ઉપાય શક્ય છે

ઇન્ટરનેટ સિન્ડ્રોમનો શિકાર માત્ર બાળકો જ નથી બનતાં. યુવાનો અને મોટેરાઓ પણ બને છે. ઘણા અતિ શિક્ષિત અધિકારીઓ અને એક્ઝિક્યુટિવ્સ પણ ચાલુ મિટિંગે આઇપેડ પર વ્યસ્ત રહેતા જણાય છે. ઘણા યુવા નેતાઓ પણ આ સિન્ડ્રોમના શિકાર બનેલા હોય છે. સામે મુલાકાતી બેઠેલા હોય તોપણ તેઓ મોબાઇલ પર આંગળાં ફેરવતાં રહે છે અને સામે મળવા આવેલ ગંભીર પ્રકૃતિનો અતિથિ ખરાબ છાપ લઈને જતો હોય છે. હા, બાળકોને લાગેવળગે છે ત્યાં સુધી મનોચિકિત્સકોની સલાહ છે કે, તેઓ તેમનાં બાળકોને વધુ ને વધુ બહાર મેદાન પર જઈ રમવાની સલાહ આપે. એ શક્ય ન હોય તો ઘરમાં છૂપાછૂપી ખેલવાની સલાહ આપે. એ પણ શક્ય ન હોય તો ‘સ્ટેચ્યુ’ જેવી રમત ખેલવાની સલાહ આપે. વિષ અને અમૃત જેવી રમતો રમવાની સલાહ આપે. મેદાન પર જઈ ખો-ખો ખેલે તો તે સહુથી ઉત્તમ છે. રાજા-મંત્રી, ચોર-સિપાહી, કેરમ, શતરંજ પણ ખેલવાની સલાહ આપે. એક જમાનામાં માતા-પિતા કે દાદા-દાદી બાળકો સાથે ‘અડકો દડકો દહીં દડૂકો’ ખેલતાં હતાં. હવે એ ન આવડતું હોય તો બાળક સાથે અંતકડી રમો. મોટેરાઓને લાગેવળગે છે ત્યાં સુધી ઇન્ટરનેટ એડિક્શનમાંથી બહાર આવવું હોય તો મેસેજ મોકલવાના બદલે કોલ કરો. બાળકો માટે હોમવર્ક ડાઉનલોડ કરતી વખતે સોશિયલ મીડિયા સાઇટ કે ગેઇમિંગ સાઇટ બાળકોને ખોલવા ન દો.

યાદ રાખો કે ઇન્ટનેટ એ બેધારી તલવાર છે.તે જ્ઞાાન લાવે છે અને અજ્ઞાાન તથા ખતરનાક પરિણામો લાવનારાં તમામ દૂષિત જ્ઞાાન પણ લાવે છે. ઇન્ટરનેટ બાળકની સર્જનાત્મક શક્તિને ખતમ કરી દેનારું દૂષણ પણ છે. ઇન્ટરનેટનો ઉપયોગ અપડેટ રહેવા માટે ભલે કરો, પણ તમારી ક્ષમતાઓની પાંખો કાપી નાખે એટલી હદે એનો ઉપયોગ ન કરો.