રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

દેશની આઝાદીમાં ત્રણ વ્યક્તિઓનું પ્રદાન જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગાંધીજીએ દેશને આઝાદી અપાવી. સરદાર સાહેબે ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરી અખંડ ભારત બનાવ્યું અને જવાહરલાલ નહેરુએ દેશના લોકતંત્રના ઢાંચાને સ્થિર અને મજબૂત બનાવ્યો. બાપુ ‘મહાત્મા’ હતા. સરદાર ‘લોખંડી પુરુષ’ હતા તો નહેરુ ‘ગ્રેટ ડેમોક્રેટ’ હતા. આ ત્રણેયમાંથી એકની પણ ઊણપ હોત તો આજનું ભારત ભારત ન હોત. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અખબારોમાં અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં નહેરુનાં જીવન અને કાર્યો પર ચર્ચાઓ થઈ રહી છે. ઇતિહાસને જાણનારા અને નહીં જાણનારા-એમ બેઉ પ્રકારના લોકો નહેરુની તીખી આલોચના કરી રહ્યા છે. આર્િથક ઉદારીકરણ બાદ નહેરુની આલોચના શરૂ થઈ. કેટલાંકે દેશમાં સરકારી નિયંત્રણોવાળી અર્થવ્યવસ્થા માટે નહેરુને દોષિત માન્યા. નહેરુ અત્યંત ઉદાર લોકતાંત્રિક દૃષ્ટિવાળા નેતા હતા, પરંતુ તેમનું રાજનૈતિક વલણ થોડુંક ડાબેરી હતું. તેઓ રશિયાથી પ્રભાવિત હતા. એ સમયે અમેરિકા કે યુરોપ કરતાં પણ રશિયા આર્િથક રીતે વધુ મજબૂત હતું. અમેરિકા રશિયાની લશ્કરી તાકાતથી પણ ડરતું હતું. એ જમાનામાં રશિયા એક રોલમોડલ હતું. નહેરુએ રશિયાનો સામ્યવાદ લાવવાને બદલે લોકતંત્ર મજબૂત રાખી પ્રજાકીય હિત માટે લોકતાંત્રિક સમાજવાદી વિચારધારા અપનાવી જેને કારણે ભાખરા નાંગલ ડેમથી માંડીને પબ્લિક સેક્ટર હેઠળનાં અનેક જંગી કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં. આજે ખાનગીકરણનો દૌર છે, પરંતુ ખાનગીકરણના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ છે. જાહેરક્ષેત્રનાં કારખાનાંમાં પ્રજાનું હિત હતું. આજે ખાનગીકરણના ક્ષેત્રમાં ઉદ્યોગપતિઓનું હિત વધુ છે.

ધર્મનિરપેક્ષતા

આજના સખત હિન્દુત્વવાદી નેતાઓ દેશની બધી સમસ્યાઓ માટે નહેરુને જવાબદાર માને છે. હકીકત એ છે કે તેમનો વાસ્તવિક ગુસ્સો નહેરુની ધર્મનિરપેક્ષતા પર છે. કેટલાંક વખત પહેલાં સુનીલ ખિલનાણીએ લખ્યું હતું કે, “નહેરુ એક એવા નેતા હતા, જેઓ ધર્મમાં વિશ્વાસ રાખતા નહોતા, પરંતુ તેમનામાં ખૂબ ઊંડાણભરી નૈતિક દૃષ્ટિ હતી. તેમણે ધર્મના આધાર વિના નૈતિકતા વિકસાવવા કોશિશ કરી હતી. નહેરુ માનતા હતા કે સંગઠિત ધર્મથી ભય હોય છે, જે હંમેશાં અંધવિશ્વાસ, પ્રતિક્રિયાવાદ, સંકીર્ણતા,કટ્ટરતા અને શોષણ તરફ લઈ જાય છે. નહેરુ એવી નૈતિક વ્યક્તિ હતી જેમનાં મૂલ્યો ધર્મ આધારિત નહોતાં.”

ર્ધાિમક પુસ્તકો અને નહેરુ

સુનીલ ખિલનાણી લખે છે કે, “અલબત્ત, નહેરુની જિંદગીમાં કેટલોક એવો સમય પણ આવ્યો કે જ્યારે તેઓ ર્ધાિમક ગ્રંથો તથા વિચારો તરફ આર્કિષત થયા હતા. એ સમયે એટલે કે ૧૯૨૨-૨૩ના સમયગાળામાં તેઓ અસરકારક આંદોલનના સંદર્ભમાં જેલમાં હતા. જેલમાં તેઓ ર્ધાિમક પુસ્તકો વાંચતા હતા. આગરાની જેલમાંથી તેમણે ગાંધીજીને પત્ર લખી જણાવ્યું હતું કે, “હું ગ્લોવર્સ જિસસ ઓફ હિસ્ટ્રી’ વાંચી રહ્યો છું. આ વાંચી લીધા પછી હું આખું બાઈબલ પણ વાંચી ગયો. તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ પણ ગંભીરતાથી વાંચી રહ્યો છું.

આ સિવાય કબીરનાં પદ અને ‘શ્રીમદ ભગવદ્ગીતા’ના શ્લોકનું સવારે ચાલતાં ચાલતાં સ્મરણ કરી લઉં છું. હું નિયમિતરૂપે પ્રાર્થના કરી રહ્યો છું. તમે દર્શાવેલા સમયે સુધી જાઉં છું અને ગુરુનાનક જેને અમૃત બેલા કહે છે તે સમયે જાગું છું.” આ પત્ર તા. ૯ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ નહેરુએ આગરા જેલમાંથી ગાંધીજીને લખ્યો હતો.

નહેરુનો બીજો પત્ર

આ જ પત્રમાં નહેરુ આગળ લખે છે; ” મારા દિવસો આજકાલ સંતોની વચ્ચે પસાર થાય છે. એ સિવાય બાઈબલનું જ્ઞાાન પણ વધારવા માંગું છું. રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા મારાં સાથી છે.” આ પત્ર પછી તા.૧૯ ફેબ્રુઆરી,૧૯૨૨ના રોજ નહેરુએ આગરાની જેલમાંથી ગાંધીજીને બીજો પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું: “અલીગઢથી એક ખ્વાજા સાહેબ જેલમાં આવ્યા હતા. તેઓ મને ઉર્દુ ભણાવે છે અને ઉર્દુ શાયરોના શેર તથા પવિત્ર કુઆર્નની આયતો પણ સંભળાવે છે. એના બદલામાં હું તેમને ઉપનિષદો અને ગીતાની કેટલીક પંક્તિઓ પણ સંભળાવું છું. બીજા એક કેદી રામનરેશની સાથે મેં બાલકાંડ અને અયોધ્યાકાંડ પણ વાંચી નાંખ્યા છે.”

ફરી ધર્મથી દૂર

નહેરુએ ગાંધીજીને આ પત્રો લખ્યા ત્યારે નહેરુની ઉંમર માંડ ૩૦ વર્ષથી થોડી વધુ હતી. અલબત્ત, તે પછી નહેરુના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેમનું ધર્મ પ્રત્યેનું આકર્ષણ છૂટી ગયું. કેમ?અંગ્રેજો સાથેના અસહકારના આંદોલન દરમિયાન હિન્દુ અને મુસલમાનોએ ખભેખભો મિલાવીને કામ કર્યું હતું, પરંતુ પાછળથી આ બંને સમુદાય અલગ અલગ થઈ ગયા અને ઉત્તર ભારતમાં કેટલાંયે સ્થળે હિન્દુ અને મુસલમાનો વચ્ચે કોમી રમખાણો થયાં. શાયદ આ કારણથી જ નહેરુને એવું લાગવા માંડયું હતું કે, ધર્મ એક ખતરનાક અને વિભાજનકારી શક્તિ છે. ૧૯૩૦ના દશકમાં તેઓ પશ્ચિમી સમાજવાદથી આર્કિષત જાપાન, ખાસ કરીને રશિયાથી અને તે વિચારસરણી ધર્મનિરપેક્ષ વૈજ્ઞાાનિક સિદ્ધાંતો પર આધારિત હતી. તેમાં એક પ્રકારનો ર્ધાિમક આસ્થાનો વિરોધ પણ હતો. એમાંયે ભારતના ભાગલા વખતે દેશમાં અને સરહદ પર લોહિયાળ કોમી રમખાણો થયાં. ધર્મ આધારિત એ લોહિયાળ જંગ જોયા બાદ નહેરુની સંગઠિત ધર્મ પ્રત્યેની અરુચિ વધી ગઈ. એક તરફ મુસ્લિમ લીગ અને બીજી તરફ કટ્ટર હિન્દુ સંગઠનોની પ્રવૃત્તિને કારણે તેમને વિશ્વાસ બેસી ગયો કે સાંપ્રદાયિક પહેચાન દેશની એકતાની ખિલાફ છે. ૧૯૪૦-૫૦ના દાયકામાં નહેરુએ ભારતવાસીઓમાં વૈજ્ઞાાનિક સમજ આણવા પ્રયાસ કર્યો. તેઓ દૃઢપણે માનતા થયા કે દેશના નવનિર્માણમાં ધર્મનું કોઈ સ્થાન હોઈ શકે નહીં! ધર્મ લોકોને વિભાજિત જ કરે છે.

નહેરુનું પ્રદાન

નહેરુ ઊથલપાથલવાળા દૌરમાં દેશના અગ્રગણ્ય નેતાઓ પૈકી એક હતા. જેમનાથી કોઈ ભૂલો પણ થઈ હશે, પરંતુ દેશને તેમણે જે કાંઈ આપ્યું છે તેની સામે તેમની કોઈ મોટામાં મોટી ભૂલ પણ નાની બની જાય છે. નહેરુના યોગદાન અને તેમની મહાનતાને સમજવાં હોય તો એ જ સમયગાળામાં સ્વતંત્ર થયેલા બીજા દેશોના મુકાબલે આપણા દેશની સરખામણી કરવી જોઈએ. આજે પાકિસ્તાન, બાંગલાદેશની શું હાલત છે તે જુઓ? પાકિસ્તાનનો તો ધર્મ આધારિત કટ્ટરપંથીઓ અને તાલિબાનોએ કબજો લઈ લીધો છે. કેટલેક સ્થળે છોકરીઓને ભણવા જવાની, ગીત-સંગીત સાંભળવાની પણ છૂટ નથી. ભારત સિવાય શાયદ જ એવો બીજો દેશ છે જ્યાં આઝાદી બાદ ભારત જેવું સ્થિર લોકતંત્ર અને સ્થિર બંધારણીય વ્યવસ્થા અસ્તિત્વમાં હોય. આપણી આસપાસના ઘણા દેશો સરમુખત્યારશાહી અને લોહિયાળ બળવાઓથી અવારનવાર ત્રસ્ત રહે છે. નહેરુ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે દેશના ધર્મ આધારિત ભાગલા થઈ ચૂક્યા હતા. ગાંધીજીની હત્યા એક ક્ટ્ટરવાદીએ કરી નાંખી હતી. આવા કપરા સમયમાં દેશમાં એક લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જબરદસ્ત સાહસ, નૈતિક દૃઢતા અને ઉદારતાની જરૂર હતી. ડો. ભીમરાવ આંબેડકરથી માંડીને શ્યામાપ્રસાદ મુખરજી જેવા ભિન્ન ભિન્ન વિચારોવાળા મોટા મોટા નેતાઓને સાથે રાખીને બંધારણ સમિતિ બનાવવી અને ગંભીર વિચારવિમર્શ બાદ બંધારણ બનાવી તેનો અમલ કરાવવામાં નહેરુની ભૂમિકા ઘણી મોટી હતી.

વયસ્કોને મતાધિકાર

એ સમયે કેટલાંક વિકસિત દેશોમાં પણ બધા વયસ્કોેને મતાધિકાર નહોતા ત્યારે ભારતમાં નાતજાત, જ્ઞાાતિ, ધર્મ, વર્ગ કે શિક્ષણ વગેરેનો ભેદભાવ બાજુમાં રાખીને દેશના તમામ પુખ્ત યુવાનોને મતાધિકાર આપવાની યોજના એ એક બહુ જ મોટું સાહસ હતું. દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓથી માંડીને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીઓ સુધી વિદેશી ટીકાકારો એવી ભવિષ્યવાણી કરતા હતા કે આ છેલ્લી ચૂંટણી છે અને હવે ભારતમાં સરમુખત્યારશાહી આવી જશે, પરંતુ એ વખતના વડાપ્રધાન નહેરુએ ભારતમાં લોકતંત્રના પાયાને કદી કમજોર થવા ન દીધો. લોકતંત્ર ઉપરાંત ધર્મ અને રાજ્યને અલગ રાખવાં તે નહેરુની સૌથી મોટી ઉપલબ્ધિ છે. નહેરુનું સૌથી મોટું પ્રદાન એ છે કે એમણે દેશમાં એવી સંસ્થાઓની સ્થાપના કરી જે બધી ભારતની વ્યવસ્થાનો આધાર છે. પછી તે સંસ્થાઓ કળા, સાંસ્કૃતિક, સાહિત્ય અકાદમી હોય કે આઈઆઈટી જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ હોય. એ બધી સંસ્થાઓની પાછળ નહેરુની દૂરંદેશી હતી. લોકતાંત્રિક સંસ્થાનો બનાવવા ઉપરાંત તેની મર્યાદાઓ સ્થાપિત કરવાની પણ તેમણે કોશિશ કરી. તેઓ સંસદમાં પોતાની સતત હાજરીને કર્તવ્ય માનતા હતા. વિપક્ષી નેતાઓ અને સાંસદોનાં ભાષણ પણ ધ્યાનથી સાંભળતા હતા. વિરોધીઓેને જેટલું સન્માન નહેરુએ આપ્યું તે દુર્લભ છે. જે સંસ્થાનોના આધાર પર આપણે સુપરપાવર બનવા માંગીએ છીએ તે સંસ્થાનોની સ્થાપનામાં સૌથી વધુ યોગદાન નહેરુનું હતું.

નહેરુની સતત આલોચના કરવી આજકાલ ફેશન છે.           

ભારતમાં મજબૂત લોકતંત્ર એ પંડિત જવાહરલાલ નહેરુની વિરાસત છે            

 
www.devendrapatel.in