ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતી દેશભરમાં ઊજવવામાં આવી રહી છે. નહેરુ યુગ આજે રહ્યો નથી,પરંતુ ભારતની રાજનીતિના ઇતિહાસમાં નહેરુ એક કેરિશ્મેટિક પ્રતિભા હતા. નહેરુનાં પ્રવચનો સાંભળવા અને જોવા લોકો બળદગાડાં જોડી માઈલો દૂર સભા સ્થળે જતાં હતાં. ખુદ ગાંધીજી પણ નહેરુના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. લોર્ડ માઉન્ટ બેટનનાં પત્ની પણ નહેરુના પ્રેમમાં પડી ગયાં હતાં.તેઓ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડા પ્રધાન હતા.

ગાંધીજીના રાજકીય વારસદાર

સમૃદ્ધ ભારતીય બેરિસ્ટર અને રાજકારણી મોતીલાલ નહેરુના પુત્ર હોવાના નાતે નહેરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા. જે ધીમેધીમે કોંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં તેઓ એક ચાવીરૂપ,મહત્ત્વની વ્યક્તિ રહ્યા હતા અને ધીમેધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડયા હતા.

 ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના નવી દિલ્હી ખાતે સહુ પ્રથમવાર સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એકમાત્ર નહેરુને પ્રાપ્ત થયું હતું. નહેરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમને ‘આધુનિક ભારતના શિલ્પી’ તરીકે પણ સંબોધવામાં આવે છે.

કાશ્મીરી બ્રાહ્મણ

નહેરુનો જન્મ સ્વરૂપ રાણી અને બેરિસ્ટર મોતીલાલ નહેરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નહેરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નહેરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતા અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. નહેરુ અને તેમની બે બહેનો-વિજ્યાલક્ષ્મી અને ક્રિષ્નાનો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દી, સંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું. પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે જવાહરલાલને ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોકલ્યા. ૧૯૦૭માં નહેરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાાન ભણવા માટે ટ્રિનિટી કોલેજમાં ગયા. પોતાની કેમ્બ્રિજની આ ટ્રાઈપોસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને ૧૯૧૦માં સ્નાતક થયા. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

ઉત્કૃષ્ટ લેખક

જો કે થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કતલેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નહેરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડયા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દૃષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો, પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કોંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા. તેમણે પોતાના જીવન દરમિયાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડયો. પોતાના જેલવાસ દરમિયાન નહેરુએ’ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ (૧૯૩૪), પોતાની ‘આત્મકથા’ (૧૯૩૬) અને ‘ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ (૧૯૪૬) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. ૧૯૨૯માં પહેલી વાર લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું.

એકાકિ જીવન

ફેબ્રુઆરી-૮, ૧૯૧૬માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી ઇન્દિરા પ્રિયર્દિશની, જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે જાણીતાં બન્યાં હતાં. કમલા નહેરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતાં,પરંતુ ૧૯૩૬માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યાં. ત્યારબાદ નહેરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે ૧૯૪૬થી તેમની સાથે એડવિના માઉન્ટબેટન ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન વિજ્યાલક્ષ્મી પંડિત પર આધારિત રહ્યા હતા. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં તેમની પોતાની અંગત કાળજી માટે અને તેમના અંગત કામકાજ સંભાળવા માટે તેઓ ઘણુંખરું પોતાની પુત્રી ઇન્દિરા પર આધાર રાખતા થયા હતા. 

ચીનનું આક્રમણ

ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચીનના અતિક્રમણથી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ. ચીનનું લશ્કર છેક આસામ સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ અને નહેરુને દેશના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનનને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નહેરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું અને તેમણે ૧૯૬૩ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડયા. કેટલાક ઇતિહાસવિદોએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી. ૧૯૬૪ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ નહેરુને એક સ્ટ્રોક (રક્તજ મૂર્છા) અને પાછળથી હૃદયરોગનો હુમલો આવ્યા હતા. ૨૭ મે, ૧૯૬૪ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઊમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં યમુના નદીના કિનારે શાંતિવનમાં હિંદુ વિધિ મુજબ નહેરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બાળકોના ચાચા નહેરુ

જવાહરલાલ નહેરુએ આજીવન ભારતમાં એક દૃષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું હતું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદ્દીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા. જીવનભર તેમણે આદરેલાં બાળકો અને યુવાનોના કલ્યાણ, શિક્ષણ અને વિકાસનાં કાર્યો તેમ જ ઉત્કટ પ્રેમની યાદમાં ભારતમાં તેમનો જન્મદિવસ ૧૪ નવેમ્બર બાળદિન તરીકે ઊજવાય છે. ભારતભરમાં બાળકો તેમને ચાચા નહેરુ તરીકે યાદ કરે છે. નહેરુ કોંગ્રેસની એક લોકપ્રિય છબી પણ છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની પહેરવેશની શૈલીનું ખાસ કરીને ગાંધી ટોપી અને તેમની રીતભાતનું ઘણીવાર અનુકરણ કરતાં જોવા મળે છે.અંગત રીતે નહેરુને શેરવાની પહેરવાનું પસંદ હતું અને આજે પણ ઉત્તર ભારતમાં તેને ઔપચારિક પહેરવેશ ગણવામાં આવે છે. તેમની ખાસ પ્રકારની ટોપીને તેમનું નામ આપવા ઉપરાંત અમુક પ્રકારના જેકેટ માટેની તેમની પસંદના માનમાં એ જેકેટને પણ નહેરુ જેકેટ નામ આપવામાં આવ્યું છે.

નહેરુ સ્મારકો

નહેરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ / ઇન્સ્ટિટયૂટો અને સ્મારકો નહેરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટી ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિર્વિસટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું જવાહરલાલ નહેરુ બંદર એક આધુનિક બંદર અને ગોદી છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામાન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નહેરુનું રહેઠાણ હવે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને સ્વરાજભવન ખાતેના નહેરુ પરિવારનાં ઘરોને પણ નહેરુ અને તેમના પરિવારના વારસાના સ્મારકરૂપે જાળવવામાં આવ્યા છે. અમેરિકન ફ્રેન્ડ્ઝ ર્સિવસ કમિટી (એએફએસસી) દ્વારા ૧૯૫૧માં તેમને ‘નોબલ શાંતિ પુરસ્કાર’ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.