રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં વિદેશી બેન્કોમાં કાળંુ નાણું રાખનાર ૬૨૭ ભારતીયોનાં નામોની યાદી સોંપી. આ કારણે એટલું તો સાબિત થયું કે, કેન્દ્ર સરકાર વિદેશી બેન્કોમાંથી કાળું નાણું પાછું લાવવા ગંભીર તો છે જ. આ યાદી સાર્વજનિક કરવામાં આવી નથી, બલકે તે લીસ્ટ હવે સીટની પાસે છે.

ચૂંટણીનો વાયદો

‘બ્લેકમની’ એક એવો અજુબો છે કે જેનું તાત્કાલિક સમાધાન કોઈની પાસે નથી. હા, ભારતની રાજનીતિમાં કાળાં નાણાંનો મુદ્દો બધા જ પક્ષોને ખૂબ કામ આવે છે. તેનો ફાયદો અને નુકસાન એ લોકોને છે, જેમણે સત્તા હાંસલ કરી છે અને નુકસાન એ લોકોને છે જેમણે સત્તા ગુમાવી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે કાળું નાણું પાછું લાવી દરેક દેશવાસીના ખાતામાં ત્રણ ત્રણ લાખ જમા કરાવવાનો વાયદો કર્યો હતો. આ વાયદો બાબા રામદેવ તરફથી કરવામાં આવ્યો હતો. હવે લોકો બાબા રામદેવને શોધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે તો સ્પષ્ટ કરી દીધું છે કે, જે તે રાષ્ટ્રો સાથેની સંધિ અનુસાર વિદેશોમાં કાળું નાણું ધરાવનાર લોકોનાં નામ જાહેર કરી શકાય નહીં. ચૂંટણી પહેલાં કોંગ્રેસ-યુપીએ સરકારનું જે વલણ હતું, એ જ વલણ આજે ભાજપ સરકારનું છે.

ઠેકાણે પડી ગયું?

ખરી વાત એ છે કે, દેશના લોકો ‘વેઈટિંગ ફોર ગોદો’ની જેમ વિદેશોમાંથી કાળું નાણું પાછું આવી જાય અને તેમના ખાતામાં ત્રણ ત્રણ લાખ જમા થઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે. કાળું નાણું પાછું લાવવા માટે ક્યારનીયે બૂમરાણ થઈ રહી છે તે જોયા પછી કોઈ ડાહ્યા માણસો કે જેમનું ધન વિદેશી બેન્કોમાં છે તેઓ શું ચૂપચાપ ઘરે બેસી રહ્યા હશે કે વિદેશી બેન્કોમાંથી તે નાણું ઉપાડી અન્યત્ર ઠેકાણે પાડયું હશે? હવે જે કોઈ તપાસ થશે અને જે કોઈ રકમ મળશે તે બેહદ અલ્પ હશે. વળી, જે કોઈ નાણું મળશે તે પણ સફેદ થઈ ચૂક્યું હશે.

નેતાઓ પાસે કેટલું?

વાસ્તવિકતા એ છે કે જેટલું કાળું નાણું વિદેશોમાં છે તે કરતાં બે ગણું કાળું નાણું દેશમાં જ છે. આ દેશના વેપારી અને ઉદ્યોગપતિઓ કરતાં દેશના રાજકારણીઓ અને અધિકારીઓ પાસે કાળું ધન વધુ છે. લોકોને ખબર છે કે રાજનીતિમાં આવતા પહેલાં સ્કૂટર પર ફરનારા રાજનીતિમાં આવ્યા બાદ લાખોની મોટરકારમાં ફરતા થઈ જાય છે. રાજનીતિમાં આવતાં પહેલાં પંદરસો રૂપિયાનો મોબાઇલ ફોન વાપરનારાં રાજનીતિમાં આવ્યા બાદ ૪૦ હજારનો સ્માર્ટ ફોન વાપરતા થઈ જાય છે. ટોચના કેટલાંક બ્યૂરોક્રેટ્સ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ ૧૦૦ કરોડથી માંડીને ૨૦૦ કરોડના આસામી બની ગયા હોય છે.

૩૦ હજાર કરોડનું ખર્ચ

બીજી નોંધનીય વાત એ છે કે રાજકીય પક્ષો કાળાં નાણાં અંગે શોરગૂલ મચાવે છે, પરંતુ એ જ રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વખતે માત્ર પ્રચાર માટે રૂ.૩૦ હજાર કરોડ ખર્ચી નાખે છે. ચૂંટણી પ્રક્રિયા માટે સરકારી ખર્ચ તો માત્ર રૂ.૩૫૦૦ કરોડનું જ હતું. આ રાજકીય પાર્ટીઓની કઈ દુકાનો ચાલે છે? તેમને આટલા બધા પૈસા કોણ આપે છે? શું એ બધા પૈસા સફેદ હતા? વિશ્વના બીજા નંબરના સૌથી મોટા લોકતાંત્રિક અને ધનિક દેશ એવા અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીઓનું ૨૦૧૨નું ખર્ચ માત્ર ૩૬૦૦ કરોડ રૂપિયા થયું હતું. એ જ રીતે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ, ભાજપ તથા બીજી તમામ ક્ષેત્રીય પાર્ટીઓએ મોટી મોટી રેલીઓ મંડપ, પોસ્ટર, ધ્વજ, ભોજન, નેતાઓની આવનજાવન માટેનાં ખાસ વિમાનો, પ્રચારસામગ્રી પાછળ કરોડો ખર્ચી નાંખ્યા છે. શું એ પૈસા સફેદ હતા? ચૂંટણીના દિવસોમાં થોડીક જ સખ્તાઈને કારણે રૂ.૩૧૨ કરોડનું ગેરકાયદે નાણું અને ૨.૨૫ કરોડ લિટર શરાબ જપ્ત થયાં હતાં.

આ કાળાં નાણાંના સ્ત્રોત કયા છે? રિઅલ એસ્ટેટ, મોટાં ઔદ્યોગિક ગૃહો, ફિલ્મ ઉદ્યોગ, જ્વેલર્સ, શરાબનો કારોબાર, નશીલી દવાઓની તસ્કરી છે. જેની બારીઓ ચૂંટણીઓ વખતે જ ખૂલે છે અને બધી રાજકીય પાર્ટીઓના એજન્ટો ત્યાં લાઈન લગાવી દે છે.

તપાસ થશે ત્યારે?

કાળાં નાણાંને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૦૯થી ૨૦૧૧ના સમય દરમિયાન સીબીડીટીએ દેશની ભીતર રૂ.૧૮૭૫૦ કરોડની છૂપી આવક હોવાનો આંકડો આપ્યો હતો. સ્વિસ બેન્ક એસોસિયેશનનો ૨૦૦૬નો રિપોર્ટ દર્શાવે છે કે એ સમયગાળા દરમિયાન ભારતીયોના ૧૪૫૬ અબજ ડોલર એમની બેન્કોમાં જમા હતા, પરંતુ હવે આટલા હોબાળા બાદ શક્ય છે કે લોકોએ સ્વિસ બેન્કોમાંથી પૈસા ઉપાડી પણ લીધા હોય. સ્વિસ બેન્કોના જે ખાતાધારકો છે તેમને તેમના પૈસા ઉપાડવા પર ભારત સરકારની કોઈ રોક નથી. એ શક્ય પણ નથી. ભારતની તપાસ એજન્સીઓ સ્વિસ બેન્ક સુધી પહોંચશે ત્યાં સુધીમાં ત્યાં ખાતાં જ નહીં હોય અને હશે તો ‘ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર’ જેવી પરિસ્થિતિ હશે.

૨૦૧૩નો અહેવાલ દર્શાવે છે કે, વિશ્વના ટોપ ૧૦ દેશોમાં આ બાબતમાં ભારતનો પાંચમો નંબર છે, એટલે કે વિદેશી બેન્કોના ભારતીયોના ૨૦૬૩૫ અબજ ડોલર જમા હોવાનો અંદાજ છે. તેમાં બધું જ નાણું કાળું છે અને કેટલું સફેદ છે તેનો કોઈ અંદાજ નથી.

એ ધન પાછું આવ્યું

બ્લેકમની પાછા લાવવાની બાબત અંગે કેટલીક રસપ્રદ હકીકતો પણ જાણી લેવી જોઈએ. લિબિયાના કર્નલ ગદાફીનું વિદેશી બેન્કોમાં જે કોઈ ધન હતું તે જપ્ત થઈ ચૂક્યું છે. ઈજિપ્તના હોસ્ની મુબારક, ટયુનિશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બેન અલી અને મેક્સિકોના કાર્લોસનું જે નાણું વિદેશી બેન્કોમાં હતુંં તે જપ્ત થઈ ચૂક્યું છે. કેન્યાને તેના ભ્રષ્ટ નેતાઓની વિદેશોમાં જમા સંપત્તિ પાછી મળી ચૂકી છે. ફિલિપાઇન્સના પૂર્વ સરમુખત્યાર માર્કોસની ૬૦ કરોડ ડોલરની રકમ એ દેશને પાછી મળી ચૂકી છે.

વડાપ્રધાન કટિબદ્ધ છે

ભારતમાં પણ અબજોનું કાળું નાણું ધરાવનાર રાજનેતાઓની કમી નથી. ભ્રષ્ટ નેતાઓની સંપત્તિ જપ્ત થઈ હોય તેવાં અનેક ઉદાહરણ છે. ભારત પણ તેમ કરી શકે છે. સંભાવનાઓ ઉજ્જવળ છે. વિદેશોમાંથી કાળું નાણું પાછું લાવવાની બાબતમાં ભારતના રાજનેતાઓ અંદરોઅંદરની ફૂટબોલ મેચ બંધ કરે અને જે કોઈ પ્રામાણિક નેતાઓ છે, તે ભારતીયોનું કાળું નાણું પાછું લાવવા સક્રિય પ્રયાસો કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ કામ કરી શકે તેમ છે. તેમની પાસે સખત મનોબળ છે અને ઇચ્છાશક્તિ પણ છે. તેમના નામે કોઈ સંપત્તિ પણ નથી. શાયદ પોતાનું ઘર પણ નથી. હા, વિદેશોમાંથી કાળું નાણું લાવવું સરળ પણ નથી તે પણ એક હકીકત છે.

www.devendrapatel.in